19/02/2024

પોલીસ ધરપકડ સમયે મળતા અધિકારો

આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ કે કોઈ એ કરેલા ખોટા કેસ ના લીધે નિર્દોષ વ્યક્તિ ને કારણ વિના હેરાન થતા હોય છે. પરંતુ આવા સમયે જો તે વ્યક્તિ પોતાની ધરપકડ સમયે જયારે આરોપી ને મળતા અધિકારો બાબતે સજાગ હોય તો તેને આ જાણકારી ઘણી જ રીતે મદદરૂપ બને છે. જો તે નિર્દોષ હશે તો તેને પોતે નિર્દોષ છે તેવું  સાબિત કરવું ઘણું જ સરળ બની શકશે. વિના કારણે કોઈએ કરેલા કેસ બાબતે વધુ હેરાન થવાનો વારો નહિ આવે.

તો ચાલો આપણે જાણીયે કે બંધારણ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિને મળતા અધિકારો અને રક્ષણો બાબતે શું શું જોગવાઈ કરવામાં આવી છે ? 


ગુનાનો આરોપ મૂકાયેલ વ્યક્તિઓને બંધારણના અનુચ્છેદ 20થી 22 થી કેટલાંક રક્ષણો આપવામાં આવેલ છે. અનુચ્છેદ 20થી અપાયેલ ત્રણ રક્ષણો નીચે મુજબ ત્રણ ભાગોમાં વહેંચી શકાય.

  • પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ, 
  • એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા માટે રક્ષણ,  
  • સ્વદીપ રોપણ સામે રક્ષણ.

હવે દરેક વિશે. આપશે થોડી વિગત જોઈએ.

1. પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ


કોઈ કૃત્ય બન્યા બાદ કોઈ કાયદો ઘડાય અને આવા કાયદા હેઠળ તે કૃત્યને ગુનાહિત જાહેર કરી તેના માટે સત્ત નિયત કરાય, તો આવો કાયદો પશ્વlદવર્તી (Retrospective) કાયદો છે. જે કૃત્ય ગુનાહિત હોય તે કૃત્ય કરતી વખતે જે કાયદો અમલમાં હોય તે કાયદા હેઠળ જ તે કૃત્ય બદલ ગુનેગારને સજા કરી શકાય છે. કૃત્ય બનવાના સમયે તે કૃત્ય નિર્દોષ હોય (એટલે કે ગુનાહિત ન હોય) અને ત્યારબાદ પડાયેલ કાયદા હેઠળ તેને પશ્વાદવર્તી આપી તેને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કૃત્ય કરતી વખતે પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કરેલ હોય, તો જ તેને દોષિત કરાવી શકાય. પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કર્યો ત્યારે કહેવાય કે જયારે તે વ્યક્તિએ કોઈ શિલાપાત્ર કૃત્ય કરેલ હોય. કૃત્ય થઈ ગયા પછી પડાયેલ કાયદાથી આવો કૃત્યને પશ્વાદવર્તી અસરથી ગુનાહિત કૃત્ય જાહેર કરાયું તો તેનાથી આ અનુચ્છેદનો ભંગ થાય છે.

આનો સીધો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિને ગુના માટે દોષિત ત્યારે જ ઠરાવી શકાય કે જયારે તેણે કરેલ કૃત્યના સમયે પ્રવર્તમાન કાયદા પ્રમાણે તે કૃત્ય ગુનો બનતું હોય. જો કૃત્ય કર્યાના સમયે પ્રવર્તમાન કાયદા હેઠળ તે કૃત્ય ગુનાહિત ન હોય, તો પાછળથી કરાયેલ કાયદાથી તેને પશ્ચાદવર્તી અસરથી તે કૃત્યને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. આ સિદ્ધાંત વધુમાં એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગુનો કરતી વખતે પ્રવર્તમાન કાયદાથી કરી શકાઈ હોત તેનાથી વધુ સજા કરી શકાય નહીં. એટલે કે ગુનો થયાના સમયે અમલમાં હોય તે કાયદા હેઠળ નક્કી થયેલ શિક્ષા જ ગુનેગારને કરી શકાય. પશ્ચાદવર્તી કાયદાથી તેને વધારે સજા કરી શકાય નહીં.

2. એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા સામે રક્ષણ


અનુચ્છેદ 20(2) હેઠળ એવા મૂળભૂત અધિકારની ખાતરી અપાયેલ છે કે એક જ ગુના માટે (For the same offence) એક જ વ્યક્તિ પર એકથી વધારે વખત કામ ચલાવી શકાય નહીં. યોગ્ય હકૂમત ધરાવતી અદાલતે કોઈ વ્યક્તિને કોઈ એક ગુના બદલ દોષિત કરાવી શિક્ષા કરેલ હોય, તો તે વ્યક્તિ સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી તેને દોષિત ઠરાવી શિક્ષા કરી શકાતી નથી.


કોઈ વ્યક્તિને એક જ ગુના સબબ બે વખત ભયમાં મૂકવા સામે રક્ષણ આપતા આ સિદ્ધાંતને અંગ્રેજીમાં Doctrine of Protection against Double Jeopardy તરીકે ઓળખવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં કોમન લો અને અમેરિકાનાં બંધારણમાં પણ આ સિદ્ધાંત સ્વીકારાયો છે. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે વાદગ્રસ્ત ગુનાઓ એક જ અથવા તમામ બાબતોમાં એકસરખા હોવા જોઈએ. જ્યારે જુદાંજુદાં તત્વોના બે અલગ ગુનાઓ હોય. ત્યારે તેને એક જ ગુનો (Same offence) ગણી શકાય નહીં. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ પર કામ ચલાવવામાં (Prosecution) આવેલ હોવું જોઈએ અને તેને શિક્ષા થયેલ હોવી જોઈએ. જ્યારે ફક્ત કામ ચલાવવામાં આવેલ હોય, પરંતુ શિક્ષા થયેલ ન હોય, ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સામે કામ ચલાવવામાં આવેલ હોય અને તેને જો નિર્દોષ છોડી મૂકાયેલ હોય, તો તેની સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી શકાય છે. આવા સમયે આ અનુચ્છેદ નો પ્રતિબંધ લાગુ પડતો નથી. 

આ અનુચચ્છેદ હેઠળનો પ્રતિબંધ લાગુ પાડી શકાય તે માટે એ જરૂરી છે કે,

  • કોઈ વ્યક્તિ સામે ગુનાનો આરોપ મૂકાયેલ હોવો જોઈએ, –
  • તેની સામે કોઈ અદાલત કે જયુડિશિયલ ટ્રિબ્યુનલ સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ. ફક્ત તપાસ (inquiry) સ્વરૂપની કામગીરી હોય, તો કામ ચલાવાયું (Prosecution) હોવાનું કહી ન શકાય,
  • તેને દોષિત ઠરાવી શિક્ષા થયેલ હોવી જોઈએ.

જ્યારે કોઈની સામે એક વખત કોઈ એક ગુના બદલ કામ ચલાવાયું હોય અને તેમાં તેને શિક્ષા કરાયેલ હોય, પરંતુ બીજા વખત અન્ય કોઈ ગુનાસર તેની સામે કામ ચલાવવામાં આવે. તો આ પ્રતિબંધ લાગુ પડતો નથી. તે જ રીતે, સક્ષમ હકૂમત ધરાવતી અદાલત (Court of Competent Jurisdiction) સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ અને આવી અદાલતે ગુના બદલ આરોપીને દોષિત ઠરાવી શિક્ષા કરેલ હોવી જોઈએ. જો સક્ષમ હકૂમત ન ધરાવતી અદાલતે શિક્ષા કરેલ હોય, તો આવા ગુનેગાર સામે ફરીથી તે જ ગુના બદલ ફરીથી કામ ચલાવી શકાય છે. અનુચ્છેદ 20(2) મુજબ, એક વ્યક્તિ સામે એક ગુના સતત કામ ચલાવી તેને શિક્ષા કરેલ હોય, તો ફરીથી તે જ ગુનાસર તેની સામે કામ ચલાવી તેને શિક્ષા કરી શકાતી નથી. ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, ક. 300(1) પણ જણાવે છે કે તે જ હકીકતોના કારણસર આરોપી સામે બીજા કોઈ ગુના હેઠળ કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાતી નથી.



3. સ્વદોષારોપણ સામે પ્રતિબંધ


અનુચ્છેદ 20(3) એમ જાહેર કરે છે કે જેના પર ગુનાનો આરોપ મૂકાયેલ હોય, તેને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાતી નથી. આને સ્વદોષારોપણ સામે પ્રતિબંધના સિદ્ધાંત (Doctrine against self- incrimination) તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાનાં બંધારણમાં પણ એમ જોગવાઈ છે કે “No person shall be compelled in any criminal case to be a witness against himself".દિલ્હી જ્યુડીસિયલ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં આરોપીને મળતો આ અધિકાર નીચેનાં ઘટક તત્ત્વો ધરાવતો હોવાનું જણાવવામાં આવેલ છે.
  • જેના પર કોઈ ગુનાનો આરોપ મૂકાયેલ હોય તે વ્યક્તિને લગતો આ અધિકાર છે.
  • સાક્ષી થવા માટે કરવામાં આવતા દબાણ સામે રક્ષણનો આ અધિકાર છે.
  • આવું દબાણ તેને પોતાની જાત વિરુદ્ધ પુરાવો આપવાને લગતું હોવું જોઈએ.

ભારતીય વિધિશાસ્ત્ર નિયમ પ્રમાણે આરોપીનો ગુનો નિઃશંક પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે. ફરિયાદ પક્ષે આરોપીનો ગુનો નિઃશંકપણે પુરવાર કરવાનો હોય છે. આરોપીને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ નિવેદન આપવા ફરજ પાડી શકાતી નથી. આ વિશેષાધિકાર, જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેને જ મળી શકે છે. તે માટે એ જરૂરી નથી કે ઈન્સાફી કાર્યવાહી (Trial) શરૂ થયેલી હોવી જોઈએ. જેના પર અદાલત તિરસ્કારના ગુનાનું તહોમત હોય, તે આ અર્થમાં ગુનેગાર નથી. જ્યારે શક પરથી પોલીસ કોઈની પૂછપરાક કરે ત્યારે તે આ અર્થમાં આરોપી છે. જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેવી વ્યક્તિમાં શકમંદ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આમ, અનુચ્છેદ 20(3) હેઠળનું રક્ષણ પોલીસ પૂછપરછને પણ લાગુ પડે છે. જેના પર ગુનાનું તહોમત મુકાવેલ હોય તે વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા થતા દબાણ સામે મળતું આ રક્ષણ છે. સાક્ષી થવું એટલે આરોપી તરફથી અદાલતમાં કે તેની બહાર મૌખિક કે લેખિત નિવેદન કરવું. 'સાક્ષી થવું” અને “પુરાવો રજૂ કરવો' બંને વચ્ચે તફાવત છે. તેથી અંગુઠાની છાપ લેવામાં આવે તો આ અર્થમાં તે નિવેદન નથી અને આ રક્ષણ તેવા પ્રસંગે મળી શકતું નથી.

આ રક્ષણ આરોપીને તેની વિરુદ્ધ પુરાવો આપવા સામેના દબાણ સામે મળે છે. જો આરોપી સ્વેચ્છાએ ગુનાની કબુલાત (Confession) કરે, તો આ રહગ્નનો લાભ મળતો નથી. આ રક્ષણનો લાભ મળવા માટે એમ બતાવવું જોઈએ કે પોતાની વિરુદ્ધ સાથી બનવાની આરોપીને ફરજ પાડવામાં આવી હતી. જો પોલીસે ઘણા કલાકો સુધી આરોપીની પૂછપરછ કરીને તેની પાસેથી તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, અથવા આરોપીને હેરાન કરી, ધાકધમકી કે લાલચ આપીને તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, તો અનુચ્છેદ 20(3)નો લાભ મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આરોપીના આંગળાની છાપ કે હસ્તાક્ષર લેવામાં આવે, તો આરોપીનો અનુચ્છેદ 20(3) હેઠળ અપાયેલ સ્વાતંત્ર્યનો ભંગ થતો નથી.

Police arrest,




17/02/2024

મૂળભૂત ફરજો

મૂળભૂત ફરજો વિષે બંધારણ માં 42મા સુધારાથી “મૂળભૂત ફરજો" (અનુચ્છેદ 51A)નું પ્રકરણ બંધારણમાં નવું ઉમેરાયેલ છે. આપણે આ મૂળભૂત ફરજોનું સ્વરૂપ અને મહત્ત્વ સમજવા માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 51A હેઠળ ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો વિષે વિગતવાર જાણીયે.

બંધારણના 42મા સુધારાથી “મૂળભૂત ફરજો" (અનુચ્છેદ 51A)નું પ્રકરણ બંધારણમાં નવું ઉમેરાયેલ છે. આવી ફરજો કુલ 11 છે. અધિકારો અને ફરજો એક જ સિક્કાની બાજુઓ છે. આ મૂળભૂત ફરજો નીચે મુજબ છે. ભારતના દરેક નાગરિકની ફરજો નીચે મુજબ રહેશે :

    • (એ) બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની,
    • (બી) આઝાદી માટેની રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને હ્રદયમાં સંઘરવા અને તેને અનુસરવાની,
    • (સી) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની,
    • (ડી) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય ત્યારે તેમ કરવાની,
    • (ઈ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની, તથા ભાતૃભાવની ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિકારક વ્યવહારોનો ત્યાગ કરવાની,
    • (એફ) આપણી સંયોજિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની તથા તેનું રક્ષણ કરવાની,
    • (જી) વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો વચ્ચે અનુકંપા દર્શાવવાની,
    • (એચ) વૈજ્ઞાનિક માનસ, માનવવાદ અને જિજ્ઞાસાવૃત્તિ તથા સુધારાવાદની ભાવના કેળવવાની,
    • (આઈ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની,
    • (જે) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની,
    • (કે) જે પોતાના બાળકોના માતા-પિતા કે પાલ્યના વાલી હોય, તેની તેમના 6થી 14 વર્ષ વચ્ચેની ઉંમરના બાળક કે યથાપ્રસંગ, પાલ્યને શિક્ષણની તકોની જોગવાઈ કરવાની.

મૂળભૂત ફરજોનું મહત્ત્વ


સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે વાંચવા જોઈએ. એઈમ્સ સ્ટુડન્ટસ યુનિયન વિ. એઈમ્સના કેસમાં દરેક શાખામાં 50 ટકા અનામત તેમજ સંસ્થાગત 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈથી અનુચ્છેદ 14નો ભંગ થતો હોવાથી ગેરબંધારણીય ઠરાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મૂળભૂત ફરજો ભલે અમલપાત્ર (enforceable) બનાવાયેલ નથી, આમ છતાં અદાલત તેની ઉપેક્ષા કરી શકે નહીં. તેનું કારણ એ છે કે મૂળભૂત અધિકારીની જેમ જ આ ફરજો પણ મૂળભૂત છે. આ પ્રકરણ મુજબ દરેક નાગરિકની વૈજ્ઞાનિક માનસ અને માનવવાદ કેળવવાની ફરજ પણ નિયત કરાયેલ છે. આ પ્રકરણમાં રાજ્યની કોઈ મૂળભૂત ફરજ ઠરાવવામાં આવેલ નથી. આમ છતાં દરેક નાગરિકની મૂળભૂત ફરજ રાજ્યની સામૂહિક ફરજ બને છે. આથી અનામતનું ધોરણ વાજબી હોવું જોઈએ. અનામતનાં પ્રમાણનું વાજબીપણું નક્કી કરતી વખતે અદાલતે એ પરિબળ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે તેનાથી રાષ્ટ્ર કોઈ ઉચ્ચસ્તરે પહોંચી શકે તેમ છે કે કેમ ! મૂળભૂત ફરજો ભલે અમલપાત્ર નથી. આમ છતાં, બંધારણીય અને કાનૂની મુદાઓનાં અર્થઘટન વખતે તે કિંમતી સહાય પૂરી પાડે છે. કોઈપણ શંકાના પ્રસંગે અદાલત અનુચ્છેદ 51A નો સહારો લઈ શકે છે.

અનિલ પી. નહાટે વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્રના કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણ બાળકોનો મૂળભૂત અધિકાર છે. આ અનુચ્છેદનું પાલન કરવાની જવાબદારી માત્ર રાજ્યની નહીં, પરંતુ અનુચ્છેદ 51A (કે) હેઠળ વાલીઓ તેમજ બાળકો પર પણ મૂકવામાં આવી છે. એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 51(A)(જી) હેઠળ દેશની તમામ શિક્ષણ સંસ્થાઓમાં પર્યાવરણ રક્ષણ સંબંધમાં દર અઠવાડિયે એક કલાક માટે પાઠ શીખવવાની રાજયની ફરજ છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે અનુચ્છેદ 51 (A)(એચ) તેમજ (જે) સિદ્ધ કરવા માટે શિક્ષણની જરૂર છે.

ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા વિ. જ્યોર્જ ફિલીપના કેસમાં સામાવાળાએ પોતાને નોકરીમાંથી ફરજિયાત નિવૃત્ત
કરવાના હુકમને પડકાર્યો હતો. તેને વિદેશમાં સંશોધન તાલીમ માટે બે વર્ષની રજા મંજૂર કરવામાં આવી હતી. તેને પત્રો લખવા છતાં બે વર્ષ પૂરા થયા બાદ પોતાની ફરજ પર તે હાજર થયો ન હતો અને વિદેશમાં રોકાણ કરેલ હતું. સરકારે તેની સાથે તપાસ યોજી તેની ફરજિયાત નિવૃત્તિનો હુકમ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ તેને વિના વેતન પુનઃ નોકરીમાં લેવા સરકાર વિરૂદ્ધ હુકમ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટનો હુકમ રદ  કરતા ઠરાવેલ કે અનુચ્છેદ 51A(જે) હેઠળ દરેક નાગરિકની રાષ્ટ્ર પુરૂષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતુ રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની ફરજ ઠરાવવામાં આવી છે. જો કર્મચારી પોતાની ફરજમાં શિસ્ત અને નિષ્ઠા દાખવે નહી. તો આવી ફરજનું પાલન કયારેય શકય ન બને. આ કેસમાં ઠરાવાયું કે મૂળભૂત ફરજોનો હેતુ માર્યો જાય તેવા હુકમો અદાલતે કરવા જોઈએ નહી





16/02/2024

કિસાન આંદોલન - Farmer Movement

હાલ અત્યારે પંજાબ અને હરિયાણા ના કિસાનો આંદોલન કરી રહ્યા છે તેઓ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે, તેમની યાત્રા મુશ્કેલીઓથી ભરપૂર છે. કેટલાક ખેડૂતો રસ્તામાં સંઘર્ષ કરી રહ્યા છે અને ખાસ કરી ને પંજાબ હરિયાણામાં હાલત ખુબ જ ભયજનક આંદોલન તરફ જઈ રહ્યા છે. આ ખેડૂતો તેમની લડત પ્રતિકૂળ સંજોગો સામે પણ અવિચલિત છે, કારણ કે તેઓ તેમની સખત મહેનત માટે ન્યાય અને વાજબી વળતરની માંગ કરે છે.  ત્યારે આપણે આ બાબતે વિગત વાર જાણવું જરૂરી બની રહેશે. શા માટે આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ એવા ખેડૂતો હાલમાં ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે?  શા માટે  તેઓ ખેતરોમાંથી રસ્તા પર આંદોલન માટે આવી રહ્યા છે ?

સૌથી મહત્વ ની વાત એ છે કે ખેડૂતો તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી માંગી રહ્યા છે. આ સિવાય અન્ય બીજું છૂપું કારણ એ પણ હોય શકે કે પ્રવર્તમાન સરકાર સામે વિરોધ પક્ષ ચૂંટણી માં ફાયદો મેળળવા માટે ખેડૂતો નો ઉપયોગ પણ કરી રહ્યા હોય તેવું પણ બની શકે પરંતુ આપણે ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન વિષે ચર્ચા કરીયે. 


આપણા દેશની ખાદ્ય સુરક્ષાને ટકાવી રાખવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખીએ જેને આપણે  મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP), જેને એડવાઈઝરી પ્રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ મૂદા ને કારણે આજે કિસાનો આંદોલનો કરી રહ્યા છે.

1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિ દરમિયાન, ભારતે દુષ્કાળ અને યુદ્ધને કારણે ખોરાકની અછતનો સામનો કરવો પડ્યો હતો. જમીનની ઉત્પાદકતા વધારવા માટે MSP સહિતની કિંમતની નીતિઓ રજૂ કરવા માટે કૃષિ ભાવ આયોગ (APC) ની સ્થાપના કરવામાં આવી હતી. APC પાછળથી સંદર્ભની વ્યાપક શરતો સાથે CACP માં પરિવર્તિત થયું હતું. MSP ખેડૂતોને ટેકો આપવા અને આપણા કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

MSP એ અમુક કૃષિ ઉત્પાદનો માટે સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ કિંમત છે. જો ખુલ્લા બજારના ભાવ આ MSP થી નીચે આવે છે, તો સરકાર સીધા ખેડૂતો પાસેથી આ ઉત્પાદનો ખરીદે છે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોના હિત ની સુરક્ષા કરવા માટે છે. MSP એ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતોને તેમની લણણી માટે લઘુત્તમ નફો મળે અને વ્યાજબી ભાવ મળે. તે સિવાય MSP થી દેશમાં ખાદ્ય સુરક્ષા વધારવામાં ફાળો મહત્વ નો છે. ભારત સરકાર વર્ષમાં બે વખત અંદાજે બે ડઝન થી વધુ કોમોડિટીઝ માટે MSP થી નક્કી કરે છે.

કૃષિ મંત્રાલય હેઠળની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા, કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશન (સીએસીપી) નીચેના વિવિધ પરિબળોના આધારે એમએસપીની ભલામણ કરે છે જેમાં 
  • રાષ્ટ્રીય જરૂરિયાતો
  • ઉપલબ્ધ સંસાધનો
  • ખેડૂત વેતન
  • રહેવાની કિંમત
  • ઉત્પાદન સ્પર્ધાત્મકતા
જેવા મૂદા આવરી લેવામાં આવે છે.

જો કે, કેટલીકવાર CACP ભલામણો અને સરકારી નિર્ણયો વચ્ચે વિસંગતતાઓ જોવા મળે છે, જેના કારણે MSP નો રાજકીય સાધન તરીકે ઉપયોગ થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) રાજ્ય સ્તરે MSP લાગુ કરવામાં ભૂમિકા ભજવે છે. MSP જાહેર વિતરણ પ્રણાલીને પણ ટકાવી રાખે છે.

સારાંશ

MSP લાગુ કરવા માટે સરકાર ને ઘણી બધી બાબતો નો વિચાર કરો પડે છે જેમાં ખાદ્યાન્ન જથ્થો, ફુગાવો , મોંઘવારી, વગેરે પોઇન્ટ પર અસર પડે શકે છે જેના કારણે બાકી ના લોકો ને હાલાકી ના પડે દેશ ના અર્થતંત્ર નો વિકાસ દર જળવાઈ રહે તે રીતે MSP લાગુ કરવાની પ્રોસેસ કરવી જરૂરી છે. આથી આંદોલન ના માર્ગે કિસાનો પોતાની માંગણી મૂકે તે વ્યાજબી છે કારણ કે બંધારણ દ્વારા હર કોઈ ને શાંતિપૂર્ણ આંદોલન કરવાની છૂટ છે. પરંતુ સાથે સાથે અહીંયા એ પણ જોવું જરૂરી છે કે કાયદા વિરુદ્ધ જઈ ને આંદોલન કરતા વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી નો સામનો કરવો પડી શકે છે. જેથી માંગ વ્યાજબી અને અનુરૂપ હોય તે જરૂરી છે. આંદોલન હિંસાત્મક ના બની રહે તથા લેભાગુ પક્ષો પોતાના રાજકીય લાભ માટે કિસાનો નો ગેરઉપયોગ કરી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 



આ પણ વાંચો - કાયદો અને અધિનિયમ 




 Law   Sahitya 


15/02/2024

નાગરિકત્વ - Citizenship of India

નાગરિકત્વ એટલે શું? ભારતનો નાગરિક કોણ બની શકે? ભારતનો નાગરિક તેનું નાગરિકત્વ કયા સંજોગોમાં ગુમાવે છે ? 

 Law   Sahitya 


ભારતના બંધારણના અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વને લગતા છે. ભારત ના બંધારણની નાગરિકતાને લગતી જોગવાઈઓની ચર્ચા કરીશું તે પહેલા નાગરિકત્વ એટલે શું? ભારતનો નાગરિક કોણ બની શકે? અને સાથે સાથે ભારતનો નાગરિક તેનું નાગરિકત્વ કયા સંજોગોમાં ગુમાવે છે ? આમ ભારત દેશની નાગરિકતા મેળવવા તેમજ ગુમાવવા બાબતની વિવિધ જોગવાઈઓની ચર્ચા કરીશું.


આ જોગવાઈ પ્રમાણે નાગરિકત્વનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.
      1. અધિવાસથી નાગરિકત્વ
      2. સ્થળાંતરથી ભારતમાં આપેલ વ્યક્તિઓનું નાગરિકત્વ
      3. નોંધણીથી નાગરિકત્વ

અધિવાસથી નાગરિકત્વ 


અનુચ્છેદ 5 અધિવસથી નાગરિકત્વ (citizenship by Domicile) કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિશે જણાવે છે. આ અનુચ્છેદ 2 શરતો ઠરાવે છે. 


  • બંધારણનાં પ્રારંભે (એટલે કે 26 જાન્યુ. 1955ના રોજ) તે વ્યક્તિનો અધિવાસ ભારતમાં હોવો જોઈએ. આવી વ્યક્તિ નીચેનામાંથી કોઈ એક શરત પૂર્ણ કરતી હોવી જોઈએ.
    • જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોય,
    • તેના માતા-પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોવો જોઈએ
    • બંધારણના પ્રારંભના તરત અગાઉનાં પાંચ વર્ષથી ઓછા નહીં તેટલા સમય માટે ભારતીય પ્રદેશમાં તે સામાન્ય રીતે નિવાસી હોય.

અનુચ્છેદ 5 થી બંધારણના પ્રારંભે અધિવાસથી નાગરિકત્વ પ્રાપ્તિની જોગવાઈ કરાયેલ છે. અધિવાસની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવી નથી. સામાન્ય રીતે અધિવાસ એટલે એવું કાયમી ઘર કે સ્થળ જયાં વ્યક્તિ અચોક્કસ મુદત (એટલે કે કાયમ માટે) રહેવાનો ઈરાદો સેવે છે. અધિવાસના બે પ્રકારો છે.

    1. મૂળ અધિવાસ (Original domicile) અને 
    2. પસંદગીનો આધિવાસ (Domicile of choice)

સ્થળાંતરથી ભારતમાં આવેલ વ્યક્તિઓનું નાગરિકત્વ


અનુચ્છેદ 6 હેઠળ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ વ્યક્તિઓનાં નાગરિકત્વ વિશે જોગવાઈ કરાયેલ છે. આવી વ્યક્તિઓને બે વર્ગમાં વહેંચવામાં આવેલ છે. એક તો જેમણે તા. 19 જુલાઈ, 1948 અગાઉ ભારતમાં સ્થળાંતર કરેલ હોય અને બીજો વર્ગ એવો છે કે જેમણે 19 જુલાઈ, 1948 ના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય. હવે પાકિસ્તાનમાં સમાવિષ્ટ પ્રદેશમાંથી ભારતના પ્રદેશમાં જે કોઈ વ્યક્તિએ સ્થળાંતર(migreation) કરેલ હોય, અને જો

  • તે અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા તેના દાદા-દાદીમાંથી કોઈ એકનો જન્મ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ, 1935માં વ્યાખ્યા અપાયા પ્રમાણેના ભારતમાં થયો હોય, અને
  • આવી વ્યક્તિએ જો 19 જુલાઈ, 1948 પહેલાં સ્થળાંતર કરેલ હોય, અને તેવા પ્રસંગે તે સ્થળાંતરની તારીખથી સામાન્ય રીતે ભારતીય પ્રદેશમાં નિવાસ કરતી હોય, અથવા
  • જયારે આવી વ્યક્તિએ 19 જુલાાઈ, 1948ના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય, તો ડોમિનિયન ઑફ ઇન્ડિયાની સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે સરકારે આ હેતુ માટે નિયુક્ત કરેલ અધિકારીને આ બંધારણના પ્રારંભ અગાઉ તે માટે આપેલ અરજી પરથી તે અધિકારીએ જેની નોંધણી ભારતના નાગરિક તરીકે કરેલી હોય, તેને બંધારણના પ્રારંભે ભારતનો નાગરિક ગણવામાં આવશે.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ અરજી કર્યાની તારીખથી તરત અગાઉના ઓછામાં ઓછા 6 માસ સુધી ભારતના પ્રદેશમાં નિવાસ ન કરેલ હોય, તો તેની ભારતના નાગરિક તરીકે નોંધણી કરવામાં આવશે નહીં.


અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિઓનાં નાગરિકત્વ અને જોગવાઈ કરાવેલ છે. અનુચ્છેદ 7 ઠરાવે છે કે અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 6 માં ગમે  તે જોગવાઈ હોવા  છતાં, જેણે 1 માર્ચ 1947 પછી ભારતના પ્રદેશમાંથી હવે પાકિસ્તાનમાં સમાવિષ્ટ પ્રદેશમાં સ્થળાંતર કરેલ હોય, તો તે ભારતનો નાગરિક ગણાસે નહી. અનુચ્છેદ 8 મૂળ ભારતની પરંતુ ભારત બહાર રહેતી વ્યક્તિઓનાં નાગરિકત્વ વિશે જોગવાઈ કરે છે. અનુચ્છેદ 8 ઠરાવે છે કે અનુચ્છેદ 5 માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જેનો પોતાનો અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈ એકનો ગવર્નમેન્ટ ઓફ ઈંનિયો એક્ટ, 1935માં વ્યાખ્યા કર્યા મુજબના ભારતમાં જેનો જન્મ થયો હોય અને જે સામાન્ય રીતે આ વ્યાખ્યા મુજબના ભારત બહારના કોઈ દેશમાં નિવાસ કરતી હોય, તે વ્યક્તિ પોતે જયાં નિવાસ કરતી હોય, તે દેશના રાજનીતિક અથવા વાણિજિયક પ્રતિનિધિને આ બંધારણના પ્રારંભ પૂર્વે કે બાદ ડોમિનિયમ ઓફ ઈન્ડીયા કે ભારત સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે તે હેતુ માટે તેણે કરેલ અરજી પરથી અથવા રાજનીતિક કે વાણિજિયક પ્રતિનિધિએ ભારતના નાગરિક તરીકે નોંધણી કરેલ હોય, તો તેને ભારતના નાગરિક ગણવામાં આવશે.


આપણી સંસદે નાગરિકત્વ પારો, 1955 ઘડેલ છે. આ કાયદા અનુસાર ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે પાંચ રીતો દર્શાવવામાં આવેલ છે. એટલે કે નાગરિકતા (એ) જન્મથી, (બી) વંશાનુક્રમથી, (સી) નોંધણીથી (ડી) દેશીયકરણથી (ઈ) પ્રદેશનો સમાવેશ થવાથી.


જન્મથી નાગરિકતા : 

26 જાન્યુ. 1950ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલ દરેક વ્યક્તિ જન્મથી ભારતની નાગરિક ગણાય છે, પરંતુ, તેના જન્મ સમયે જો તેના પિતા કાનૂની પ્રક્રિયાથી મુક્તિઓ (exemptions) ધરાવતો હોય, અને તે ભારતનો નાગરિક ન હોય અથવા તેનો પિતા વિદેશમાં રહેતો શત્રુ હોય અને એવા સ્થળે જન્મ થયો હોય કે જે તે સમયે શત્રુના કબજામાં હોય, તો તેને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં.


વંશાનુક્રમથી નાગરિકતા: 

જે વ્યક્તિ 26 જાન્યુ. ના રોજ અથવા ત્યારબાદ ભારતની બહાર જન્મી હોય અને તેનો પિતા જન્મ સમયે ભારતીય નાગરિક હોય તો તે તેના જન્મ સમયે ભારતની નાગરિક બનશે. પરંતુ જો આવી વ્યક્તિનો પિતા ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતનો નાગરિક હોય, તો તે વ્યક્તિ ઉપર મુજબ જન્મ દ્વારા ભારતની નાગરિક ગણાશે નહીં, સિવાય કે તેનો જન્મથી અથવા આ કાયદાના પ્રારંભથી એક વર્ષની મુદતમાં અથવા કેન્દ્ર સરકારની પરવાનગીથી તેના જન્મની ભારતીય દૂતાવાસમાં નોંધણી કરવામાં આવી હોય, અથવા સિવાય કે તેનો પિતા જન્મ સમયે ભારત સરકારની નોકરીમાં હોય, અવિભક્ત ભારત બહાર જન્મેલી કોઈ વ્યક્તિ કે જે બંધારણની શરૂઆતમાં ભારતની નાગરિક હોય અથવા માનવામાં આવતી હોય, તો તેને ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતની નાગરિક ગણવામાં આવશે.


નોંધણીથી નાગરિકતા: 

નીચેની વ્યક્તિઓ નોંધણીથી નાગરિક બની શકે :

  • જે વ્યક્તિ મૂળ ભારતીય હોય, સામાન્ય રીતે ભારતની રહેવાસી હોય અને નોંધણી માટેની અરજી કરતા પહેલા તરતના છ મહિનાથી ભારતમાં રહેતી હોય.
  • જે વ્યક્તિ મૂળ ભારતીય હોય અને તે અવિભક્ત ભારત બહાર કોઈ દેશમાં અથવા સ્થળે રહેતી હોય,
  • ભારતીય નાગરિકનાં સગીર બાળકો,
  • પુખ્ત વયની સમર્થ વ્યક્તિ, કે જે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની નાગરિક હોય. જે વ્યક્તિનું ભારતીય નાગરિકત્વ રદ કરાયેલ હોય અથવા જેની નાગરિકતાનો અંત લાવવામાં આવેલ હોય તેની કેન્દ્ર સરકારના હુકમ સિવાય નોંધણી કરી શકાશે નહીં.

દેશીયકરણથી નાગરિકતા : 

  • પુખ્તવયની સમર્થ વ્યક્તિ દેશીયકરણથી નાગરિકત્વ માટે અરજી કરી શકે. તે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની હોવી જોઈએ. તદ્ઉપરાંત તેણે નીચે દર્શાવેલ શરતો પૂરી કરવી જોઈએ.
  • તે એવા દેશની નાગરિક ન હોવી જોઈએ કે જ્યાં તે દેશના કાયદા કે રિવાજ દ્વારા ભારતના નાગરિકોને તે દેશના નાગરિક બનતા અટકાવવામાં આવતા હોય.
  • તેણે તેના અંગાઉના દેશની નાગરિકતાનો ત્યાગ કરેલ હોવો જોઈએ અને ત્યાંની મધ્યસ્થ સરકારને જાણ કરેલ હોવી જોઈએ.
  • અરજીની તારીખથી તરત અગાઉના બાર માસથી તે ભારતમાં રહેલી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ.
  • ઉપયુક્ત બાર માસના સમયથી તરત અગાઉના સાત વર્ષના સમગ્ર સમય દરમ્યાન તે ભારતમાં રહી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ અથવા અંશત: એક અગર બીજી રીતે ઍકદર ચાર માસના સમયથી રહી હોવી જોઈએ.
  • તે સારા ચારિત્ર્યની હોવી જોઈએ.
  • બંધારણના 8મા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાવેલ કોઈ ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, અને
  • તેનો ભારતમાં રહેવાનો અથવા સરકારી નોકરીમાં દાખલ થવાનો અગર ચાલુ રહેવાનો અથવા ભારત જેનું સભ્ય હોય તે આંતરરાષ્ટ્રીય સંસ્થાને સેવા આપવાનો અથવા ભારતમાં સ્થાપિત કોઈ સંસ્થા, કંપની અગર વ્યક્તિઓના સમૂહ હેઠળ નોકરી કરવાનો ઈરાદો હોવો જોઈએ.
  • જો કદાચ કોઈ વ્યક્તિ ઉપર જણાવેલ તમામ કે કોઈ શરતનું પાલન કરી શકતી ન હોય અને કેન્દ્ર સરકારના મતે તેણે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, સાહિત્ય, વિશ્વશાંતિ અથવા સામાન્ય રીતે માનવ પ્રગતિ માટે ગણનાપાત્ર સેવાઓ આપી છે, તો તે દેશીયકરણ દ્વારા નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે.
  • પ્રદેશનો સમાવેશ થવાથી: જો કોઈ પ્રદેશ ભારતનો ભાગ બને, તો તે કારણે કોણ ભારતના નાગરિકો બનશે તે અંગે કેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે.

Citizenship of India


નાગરિકતાની સમાપ્તિ


નાગરિકત્વ ધારો, 1955, ક.9 મુજબ, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો તે ભારતની નાગરિક મટી જાય છે. એટલે કે તેના ભારતીય નાગરિકત્વનો અંત આવે છે. અનુચ્છેદ 9માં પણ જણાવાયેલ છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાથી વિદેશી રાજ્યનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો અનુચ્છેદ 5 અન્વયે તે ભારતના નાગરિક રહેશે નહીં અથવા અનુચ્છેદ 8 અનુસાર ભારતનો નાગરિક ગણાશે નહીં.


વિશેષમાં, નાગરિકત્વ ધારો, 1955, ક.10 અનુસાર, તેમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈ કારણસર, કેન્દ્ર સરકાર, યોગ્ય તપાસ કર્યા બાદ કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા રદ કરી શકે છે.



 Law   Sahitya 

ભારતીય બંધારણ નુ આમુખ

અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.



ભારતીય બંધારણનું આમુખ 

આમુખનું મહત્ત્વ

જયારે કોઈ કાયદાની કલમો અથવા વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા જણાય, અથવા કાયદા પાછળનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે કાયદાનું આમુખ તે કાયદો સમજવા મદદરૂપ બને છે. આમ, બંધારણનું આમુખ બંધારણ ઘડવૈયાનું માનસ સમજાવા માટેની ચાવી છે, પરંતુ બંધારણની સ્પષ્ટ જોગવાઈઓ વિરુદ્ધ તેનું અર્થઘટન કરી શકાય નહીં. બંધારણનું અર્થઘટન આમુખમાં વ્યક્ત કરાયેલ ઉદાત્ત દૃષ્ટિ અને આદર્શોના સંદર્ભમાં જ થવું જોઈએ. પરંતુ, કોઈ અસ્પષ્ટતા ન હોય કે તેનો હેતુ સ્પષ્ટ થતો હોય, ત્યારે આમુખની મદદ લેવાનું જરૂરી નથી. બેરૂબારી યુનિયનના કેસમાં ઠરાવાયું છે કે આમુખ બંધારણનો ભાગ નથી, પરંતુ પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં ઠરાવાયેલ કે આમુખ બંધારણનો ભાગ છે. આ રીતે જોઈએ તો બંધારણની જોગવાઈઓ સમજવામાં આમુખ મહત્ત્વની ચાવી છે, કારણ કે આમુખને બંધારણના ભાગ તરીકે ગણવાથી આમુખનું મહત્ત્વ હવે બંધારણની અન્ય જોગવાઈઓ જેટલું જ સ્થાપિત થાય છે.

આમુખનું વિશ્લેષણ

ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા અગત્યના શબ્દો વિશે આપણે વિગતે ચર્ચા કરીયે.

અમે ભારતના પ્રજાજનો' -

બંધારણ(આમુખ)ની શરૂઆત આ શબ્દોથી થાય છે. આપણું બંધારણ બંધારણસભાએ ઘડેલું છે. બંધારણની સ્વીકૃતિ, બંધારણ સભાએ કર્યા પછી તેને લોકમત દ્વારા મંજૂર કરાયેલ નથી. વળી, જે બંધારણ સભાએ બંધારણ ઘડ્યું છે તે બંધારણસભા આમ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હતી તેવું પણ કહી શકાય તેમ નથી. “અમે ભારતના પ્રજાજની શબ્દનો અર્થ એ થાય છે કે આ બંધારણ કોઈ પરદેશી રાજયનાએ આપણા પર લાદેલ નથી, તેમજ બંધારલ રાજયોએ અથવા જુદા જુદા રાજયોના લોકોએ ઘડી કાઢયું નથી. આપણું બંધારણ આપણા દેશના જુદા જુદા રાજયોની જુદી જુદી પ્રજાએ સંયુક્ત રીતે ઘડી કાઢેલ છે. આ શબ્દોનો અર્થ એ થાય છે કે, ભારતના પ્રજાજનો આખરી સાર્વભૌમ સત્તા ધરાવે છે અને લોકોની સત્તાના પાયા પર જ તે રચાયેલું છે. બંધારણ લોકો દ્વારા પડાયેલ છે અને લોકોને અર્પણ કરાયેલ છે. એટલે કે બંધારણનો સ્ત્રોત ભારતના લોકો જ છે. ભારતના લોકો કોઈ બાહ્ય સત્તાને તાબેદાર નથી..


  • સાર્વભોમ (Sovereign)


   કોઈપણ રાજય સાર્વભોમ ત્યારે ગણાય કે જયારે તેની અંદર કોઈ સર્વોચ્ચ અને અમર્યાદિત સત્તા હોય કે જેને અન્ય કોઈની સર્વોપરિતા સ્વીકાર્ય ન હોય. આમ, સાર્વભૌમત્વ એટલે રાજ્યની નિર્ણય લેવાની આખરી સત્તા.


સાર્વભૌમત્વના બે પ્રકાર છે
(1) બાહ્ય અને 
(2) આંતરિક


આંતરિક સાર્વભૌમત્વ એટલે રાજયાદેશનું પાલન કરાવવાની અને તેનો ભંગ થાય તો સજા કરવાની રાજયની સત્તા. આપણા બંધારણમાં સંપ અને રાજય વચ્ચે સત્તાની વહેંચણી કરાયેલી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાના બંધારણની જેમ આપણે વિભાજિત સાર્વભૌમત્વનો સિદ્ધાંત સ્વીકારેલ નથી, કારણ કે આપણે ત્યાં બંધારણથી સામાન્ય સંજોગોમાં સંઘ અને રાજયો વચ્ચેના સત્તા-વિભાજનને સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં, કેટલાંક સંજોગોમાં સંઘની સત્તા રાજ્ય સત્તા કરતાં સર્વોચ્ચ સ્થાને છે. ખાસ કરીને કટોકટીના સમયમાં અથવા રાષ્ટ્ર હિતની બાબતમાં રાજયો કરતાં સંઘનો અવાજ વિશેષ અસરકારક બને છે. આમુખમાં નિર્દિષ્ટ કરાયા પ્રમાણે પ્રજાસત્તાક ભારતનું સાર્વભૌમત્વ ભારતની પ્રજામાં સ્થાપિત થયેલું છે.


  • "સમાજવાદી" (Socialist)


ભારતીય સંસદે પસાર કરેલ 42મા બંધારણીય સુધારાથી "સમાજવાદી" શબ્દ નવો ઉમેરાયેલો છે. બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતાં એમ જણાય છે કે આમુખમાં આવો સુધારો ન કરાયો હોત તો પશુ ભારતીય પ્રજાસત્તાક સમાજવાદી નીતિને અનુસરે છે. આમ છતાં, 26 વર્ષની બંધારણની કામગીરી જોતાં “સમાજવાદી" અને "બિનસાંપ્રદાયિક" શબ્દો ઉમેરીને તેના પર વિશેષ ભાર મૂકવાનું ભારતીય સંસદને યોગ્ય જણાયું છે. "સમાજવાદી" શબ્દનો ખ્યાલ ઘણો વિશાળ છે અને તેથી આ સુધારા પરની ચર્ચા વખતે ઘણા સંસદસભ્યોએ તેવું સૂચન કર્યું હતું કે આપણે કયા પ્રકારનો સમાજવાદ અપનાવવા માંગીએ છીએ તે આમુખમાં સ્પ્ત કરવું જોઈએ. 


  • બિનસાંપ્રદયિક્તા(Secularism)


તાજેતરમાં પ્રગટ થયેલ એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે બંધારણના આમુખમાં “સમાજવાદી" અને “બિનસાંપ્રદાયિકત " શબ્દો 42મા બંધારણીય સુધારાથી નવા ઉમેરાયેલા હોવા છતાં બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ આપણી બંધારણીય વિચારસરણી (Constitutional Philosophy) સાથે વણાઈ ગયેલ છે. બંધારણમાં તેની ક્યાંય વ્યાખ્યા અપાયેલ નથી. તેનું કારણ એ હોઈ શકે કે આ કોઈ ચુસ્ત ખ્યાલ નથી. આ સુધારાથી જે ગર્ભિત હતું તે સ્પષ્ટ કરાયું છે.
બંધારણના આમુખ તેમજ અનુચ્છેદો 14, 15, 16, 25, 26, 29, 30, 44, 51- એ ની સંયુક્ત અસર એ છે કે આપણો દેશ ધાર્મિક રાજ્ય બની શકે નહિ. તેમજ રાજ્ય કોઈ ધર્મની તરફેણ કરી શકે નહિ. રાજય તરફથી દરેક ધર્મ સાથે સરખો વ્યવહાર થવો જોઈએ. રાજયની કોઈ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધાર્મિક પ્રવૃત્તિ જોડી શકાય નહિ. બીનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓમાં ધર્મની પ્રવેશ પ્રતિબંધિત છે.
બધારણના આમુંખથી જાહેર કરાયું છે તેમ આપણે બિનમાંપ્રદાયિક રાષ્ટ્ર છીએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ નીચે પ્રમાણે છે.

  1. રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી,
  1. રાજ્ય ધર્મની બાબતમાં દખલ કરશે નહિં,
  1.  કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને રાજય કોઈપણ રીતે ટેકો આપી શકે નહિ.
પાકિસ્તાન જેમ ઇસ્લામીક દેશ છે, નેપાળ વર્ષો અગાઉ હિંદુ રાજ્ય હતું. તે રીતે આપણા રાજ્યને કોઈ ધર્મ નથી રાજ્ય કોઈ ધર્મને વરેલું નથી. રાજ્ય કોઈ ધર્મનું ફરજિયાતપણે પાલન કરાવી શકે નહિ, કારણ કે ભારત બિનસાંપ્રદાયિક છે.
બિનસાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત તત્વ છે. બંધારણથી તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વાતંત્ર્ય છે, પરંતુ રાજ્યને કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતા સાથે નિસ્બત નથી. રાજ્યની બાબતમાં ધર્મને ક્યાંય સ્થાન નથી. કોઈપણ રાજકીય પક્ષ ધાર્મિક પણ બની શકે નહિ. આનો અર્થ એવો નથી કે રાજ્ય ધાર્મિક બાબતોમાં કોઈ પગલાં ન લઈ શકે, મંદિરો, મસ્જિદોની બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓનું નિયમન કરતો કાયદો સંસદ પડી શકે છે. અનુચ્છેદ 44ના અર્થમાં સમાન દીવાની કાયદો ઘડવાનો પણ સંસદને આદેશ છે.
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એમ.ટી.એ. પાઈ ફાઉન્ડેશન વિ. સ્ટેટ ઑફ કર્ણાટકના કેસમાં બિનસાંપ્રદાયિકતા વિશે સમજાવતાં જણાવેલ છે કે બંધારણમાં લોકો વચ્ચેની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે, પરંતુ તેની સાથે તેમની વચ્ચે ગમે તેટલી ભિન્નતા હોવા છતાં, દરેકને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તો જ રાષ્ટ્ર બિનસાંપ્રદાયિક થઈ શકે. બિનસાંપ્રદાયિકતાનું મૂળ તત્ત્વ જ એ છે કે વિવિધ ભાષાઓ અને માન્યતાઓ ધરાવતાં ભિન્ન-ભિન્ન લોકોને માન્યતા અને તેમને એકસરખું મહત્ત્વ આપવું કે જેથી ભારત અખંડિત થઈ શકે.
સર્વોચ્ચ અદાલતે બાલ પાટિલ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં ઠરાવેલ છે કે બિનસાંપ્રદાયિક રાજયને કોઈ ધર્મ હોતો નથી. રાજય દરેક ધર્મ સાથે સમાન વલણ પ્રદર્શિત કરે છે અને વ્યક્તિઓના ધર્મ, પૂજાના અધિકારમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહિ.


  • 42 મા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ શબ્દો


42 મા બંધારણીય સુધારા, 1976થી આમુખમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિકતા” તેમજ “એકતા” શબ્દો ઉમેરાયા છે. પ્રથમ બે શબ્દો વિશે ઉપર સમજૂતી અપાયેલ છે. ત્રીજા શબ્દ "એકતા" (integrity) વિશે જોઈએ. એકતા
દેશમાં અલગતાવાદી બળો અને વલણો પર પૂર્ણવિરામ મૂકવા માટે આ શબ્દ ઉમેરાયો છે. આ શબ્દ ભારતના લોકોને દેશનો દરેક ભાગ પોતાનો જ સમજવાનું સૂચવે છે. જો કે ભારતનું બંધારણ સમવાયી છે અને તેમાં દેશની એકતાનો ખ્યાલ સમાયેલો છે. અનુચ્છેદ 1માં જણાવાયેલ છે કે, “ભારત રાજ્યોનો સંઘ રહેશે.” કોઈ રાજ્યને ભારત સંઘથી છૂટા પડવાની સત્તા નથી.
ઉપરાંત અનુચ્છેદ 19(2) હેઠળ ભારતની એકતા અને સાર્વભૌમત્વનાં હિતમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકવા રાજ્યને સત્તા અપાયેલ છે. આમ, એકતા જાળવવા બંધારણમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે.


  • લોકશાહી(Democratic)


આપણા બંધારણના આમુખમાં “પ્રજાસત્તાક” શબ્દ આગળ "લોકશાહી" શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આપણું પ્રજાસત્તાક રાજ્ય લોકશાહી પ્રકારનું રહેશે. પરંતુ, બંધારણના આમુખની ભાવના અને બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતા એમ જણાય છે કે આમુખમાં પ્રયોજાયેલ લોકશાહી શબ્દ ફક્ત સરકારનું સ્વરૂપ સૂચવતો નથી, પરંતુ આપણા દેશમાં સમાજિક, આર્થિક અને રાજકીય ન્યાય જે વ્યવસ્થામાં હોય તેવી લોકશાતી રાજ્ય વ્યવસ્થાનું તે સૂચન કરે છે. એટલે કે, આપણા દેશની રાજકીય, આર્થિક કે સામાજિક બાબતમાં પુખ્ત વયના લોકોને ભાગ લેવાનો અપિકાર રહેશે.


ભારતમાં પરોક્ષ લોકશાહી છે. લોકો (સંસદ-વિધાનસભામાં) પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. આ પ્રતિનિધિઓ સાચી સત્તા ધરાવે છે. સ્વીટ્ઝર્લૅન્ડ પ્રત્યક્ષ લોકશાહી છે, કારણ કે ત્યાંના લોકો જ સત્તા ધરાવે છે.

  • પ્રજાસત્તાક(Republic)

"પ્રજાસત્તાક” એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં રાજ્ય-વ્યવસ્થાની આખરી સત્તા લોકોમાં સ્થાપિત થયેલી હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં લોકો મુક્ત નાગરિકો હોય છે. “પ્રજાસત્તાક સરકાર” એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. તેના સંકુચિત અર્થમાં “પ્રજાસત્તાક” શબ્દ "રાજાશાહી" શબ્દના વિરૂદ્ધ શબ્દ તરીકે પણ પ્રયોજવામાં આવે છે. આપણી રાજયવ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. પરંતુ રાજયતંત્રના તમામ હોદાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરૂષના કોઈપણ ભેદભાવ વગર કોઈને પણ માટે ખુલ્લા રહે છે. આપણે ત્યાં પરોક્ષ લોકશાહી પ્રજાસત્તાક છે. કારણ કે રાજય વહીવટ લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચાલે છે. પરંતુ, આખરી સત્તા તો પ્રજાજનોના હાથમાં જ છે. તેથી આપણું 'રાજ્ય લોકશાહી પ્રજાસત્તાક છે.


  • બંધુત્વ(Fraternity)


આપણાં દેશમાં અસંખ્ય જાતિઓ વસે છે. અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે તેમજ આપણે ત્યાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે. આવા ભિન્ન લોકો વચ્ચે બંધુત્વની ભાવના વગર અખંડિતતા સ્થાપી શકાય નહિ. યુનોના ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં પણ બંધુત્વની ભાવનાને સ્વીકૃતિ આપવામાં આવી છે.
ભારત વિવિધ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓનો બનેલ દેશ છે. તેથી બંધુત્વ(કે ભાઈચારા)ની ભાવના વિકસાવવાની ખાસ જરૂર છે. માનવ અધિકારોની વૈશ્વિક ધોષણાના અનુચ્છેદ 1માં પણ બંધુત્વની ભાવના વિકસાવવાની જરૂરતનો સ્વીકાર કરાયો છે.


  • ન્યાય(Justice)


આપણા બંધારણના આમુખમાં દરેકને માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સિદ્ધ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેથી જ આપણા બંધારણમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગના કારણસર ભેદભાવ કરવાની રાજ્યને મનાઈ ફરમાવવામાં આવી છે અને દરેકને માટે સમાન તક અને દરજ્જાની જોગવાઈ કરાય છે. તેમજ બંધારણના અનુચ્છેદ 16(2) અને 16(4) થી પછાત વર્ગના લોકોના હિતના રક્ષણાર્થે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેમજ અનુચ્છેદ 46 માં અન્ય નબળા લોકોના હિતોના રક્ષણ માટે રાજયને પ્રયત્ન કરવા જણાવવામાં આવેલ છે.


આમુખની આ જોગવાઈ ઉપરાંત અનુચ્છેદ 38 માં પણ સામાજિક ન્યાય સિદ્ધ કરવા માટે રાજ્યને પ્રયત્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 42, અનુચ્છેદ 45, અનુચ્છેદ 23 હેઠળની જોગવાઈઓ દરેક પ્રકારના વર્ગ માટે ન્યાય પ્રાપ્ત કરવાની વાતને સમર્થન આપતી જોગવાઈઓ છે.


સામાજિક, આર્થિક કે રાજકીય ન્યાય સિદ્ધ કરવાની મુખ્ય જોગવાઈઓ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ થયેલી છે. આપણું રાજય કલ્યાણ રાજ્ય છે અને ઉદ્યોગોના કામદારો માટે સમાન વેતન, નિર્વાહ વેતન તેમજ યોગ્ય જીવન ધોરણ માટે અનેક કાયદાઓ ઘડાયા છે. સંપત્તિ અને ઉત્પાદનોમાં સાધનોની જમાવટ અમુક જ હાથોમાં અટકાવવાની જોગવાઈ અનુચ્છેદ-૩૭માં આપવામાં આવી છે તેમજ રાજકીય ન્યાય પ્રાપ્ત કરવા માટે રાજકીય પ્રક્રિયાના દરેક વ્યક્તિ માટે સમાન તકની જોગવાઈ છે. પુખ્ય વયની દરેક વ્યક્તિ માટે મતાધિકાર અપાયેલ છે. અને અનુચછેદ 16 પ્રમાણે ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના મુદ્દા ઉપર કોઈપણ પ્રકારનો ભેદભાવ સરકારી નોકરીમાં રાખી શકાતો નથી.



Indian Constitution


  • સમાનતા(Equality)


આમુખમાં દરેક નાગરિક માટે દરજજાની તકની સમાનતા સિદ્ધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એ અનુચ્છેદ-14થી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 15(2)થી સમાનતાના ધોરણે તમામ નાગરિકોને જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 16થી રાજ્યના તાબાની તમામ નોકરીઓમાં દરેક વ્યક્તિને સમાન ગણાવામાં આવી છે. આપણી રાજય વ્યવસ્થામાં નાનામાં નાના માણસથી માંડીને છેક રાષ્ટ્રપતિ સુધીની દરેક વ્યક્તિ સમાન છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે કિંગભેદના કારણસર રાજ્ય ભેદભાવ કરી શકે નહિ.


  • સ્વાતંત્ર્ય (Liberty)

 રાજ્ય અંગેનો પુરાતન ખ્યાલ એવો હતો કે લોકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી, આથી વિશેષ કોઈ જવાબદારી રાજયની હતી નહિ. પરંતુ વર્તમાન સમયે રાજ્ય એક કલ્યાણ રાજ્ય બન્યું છે અને દરેક વ્યક્તિના વિકાસ માટે એ પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિના વિકાસ માટે તેને સ્વતંત્રતાઓની જરૂર પડે છે. આથી આપણા બંધારણમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ, ધર્મ, શરીર, જીવન અંગેની અનેક સ્વતંત્રતાઓ મૂળભૂત હકોના સ્વરૂપે દરેક નાગરિકને આપવામાં આવેલ છે. આ સ્વાતંત્ર્યના અમલ માટે આપણાં દેશનું ન્યાયતંત્ર ખૂબ જ આગ્રહી છે.

 Law   Sahitya 






જાહેર સલામતી અને સગવડ ને અસર કરતા ગુનાઓ


 Law   Sahitya 

 Offenses affecting public safety and convenience

IPC પ્રકરણ-14,  

સલામતી અને સગવડ, કલમ. 279 થી 289


જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ (Offences affecting Public Safety and Convenience) વિષે જાણવા માટે આપણે હવે વિગતવાર ચર્ચા કરીયે. કારણ કે આ પ્રકરણ માં વિવિધ પ્રકારની ઉપેક્ષા (negligence) અને ઉપેક્ષાયુક્ત વર્તણૂક સંબંધી એકંદરે સાત અપરાધોનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે

  • જાહેર રસ્તા ઉપર અવિચારીપણે (rashly) હાંકવું અથવા સવારી કરવી : ક. 279.

જાહેર માર્ગ ઉપર, મનુષ્યની જિંદગી ભયમાં મુકાય એવી રીતે અવિચારપણે અથવા ઉપેક્ષામાંથી હાંકવા અગર સવારી કરવાનો અપરાધ સામાન્ય રીતે ઘણો જ બનતો હોય છે. પરીક્ષાની દૃષ્ટિએ પણ આ કલમ અગત્યની છે. બાકીની કલમો 280 થી 289 માત્ર ઉલ્લેખ કરવા યોગ્ય છે. મનુષ્યની જિંદગી જોખમમાં મુકાય એ રીતે જાફર રસ્તા ઉપર અવિચારીપણે અથવા ઉપેક્ષાથી હાંકવા અથવા સવારી કરવા માટે ક. 279માં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કલમ અનુસાર એ જરૂરી નથી કે એવું અવિચારી અને ઉપેક્ષાયુક્ત હાંકવાનું કૃત્ય કોઈ વ્યક્તિની જિંદગી અથવા મિલકતને ખરેખર હાનિ થવામાં પરિણમ્યું હોય. તે માટે રસ્તા ઉપર કોઈ વ્યક્તિની હાજરી હોવાનું પણ જરૂરી નથી. ફક્ત રસ્તાનો ઉપયોગ કરનાર વ્યક્તિઓની જિંદગી જોખમમાં મૂકાવાની શક્યતા હોવાનું તે માટે પૂરતું છે. પરંતુ ઠપકાને પાત્ર બને એવાં દરેક કૃત્યો સાધારણ રીતે અવિચારી અથવા ઉપેક્ષાયુક્ત હોતા નથી.

ઉદાહરણ

આરોપી એક સાઈસ હતો. તેના માલિકના ઘોડા ઉપર સાજ મૂકીને તેને ગાડીમાં જોડયો હતો તથા તેના માલિકને તેમાં બેસાડીને ઘોડાગાડીને તેના માલિકના મકાનના આંગણામાં ઊભી રાખી. કોઈ વાજબી કારણ સિવાય ઘોડો ક્યાંક જતો રહ્યો હતો, તેથી આ પ્રસંગમાં ઘોડાવાળાની ફોજદારી જવાબદારી ઊભી થતી નથી. પણ કેવળ દીવાની પ્રકારની જવાબદારી ઊભી થાય છે. 

હવે એક બીજો કિસ્સો જોઈએ.

બળદગાડી હાંકતી વખતે ત્રિકમભાઇ બળદોને ખોટી દિશામાં હાંકે છે અને તેથી તેના ગાડાની ધરી ફરિયાદીની ગાડીને અથડાય છે. પરિણામે તેની ગાડીને નુકસાન થાય છે. તો શું કોઈ ગુના માટે તે જવાબદાર બને છે ખરો ? હા તે જવાબદાર બને છે કલમ 283 મુજબ, જાહેરમાર્ગમાં ભય અથવા અડચણ કરવા માટે તે દોષિત અને ગુનેગાર છે. જો ત્રિકમભાઇ કોઈ ખાનગી સ્થળે ગાડું હાંકતો હોત તો કોઈ અપરાધ માટે જવાબદાર થાત નહિ; પરંતુ જાહેર માર્ગ ઉપર આ રીતે કર્યું હોઈને ક. 279 અથવા ક. 283 મુજબનો તે ગુનો કરે છે. અને તે સજાને પાત્ર બને છે.

  • અવિચારીપણે અથવા ઉપેક્ષાથી કોઈ વાહન હંકારવું : ક. 280.
  • વહાણવટીને ખોટે માર્ગે દોરવા ખોટું અજવાળું, નિશાની અથવા બોયું પ્રદર્શિત કરવું : ક. 281. 
  • જોખમકારક અથવા અસહ્ય બોજો ભરેલા વહાણમાં ભાડું કરીને કોઈ વ્યક્તિને જળમાર્ગેથી લઈ જવી કલમ. 282
  • જાહેર માર્ગ ઉપર અથવા જળમાર્ગમાં કોઈ મિલકત પરત્વે કાંઈ કરીને અથવા કરવામાં કાંઈ કસૂર કરીને, કોઈ વ્યક્તિને ભય, અડચણ હાનિ કરવી : ક. 283.
  • ઝેરી પદાર્થો, અગ્નિથી સળગી ઊઠે એવા તથા સ્ફોટક પદાર્થો અથવા યંત્રો સંબંધમાં અવિચારી રીને અથવા ઉપેક્ષાથી અગર જાણીને કાર્ય કરવું અથવા કાંઈક કરવામાં ઉપેક્ષાથી કસૂર કરવી, કે જેથી જિંદગી જોખમમાં મુકાય અથવા તેથી ઈજા અથવા હાનિ થવાની સંભવ હોય : ક. 284 થી 287.
  • કોઈ મકાન ઉતારતાં અથવા મરામત કરતાં અથવા કોઈ પ્રાણીના કારણે જિંદગીને જોખમ થતું રોકવા, તે પરત્વે યોગ્ય બંદોબસ્ત કરવામાં જાણીને અથવા ઉપેક્ષાથી કસૂર કરવી : કલમ. 288-289.


ઉપેક્ષાયુક્ત વર્તણૂક ક્યારે શિક્ષાને પાત્ર બને છે ? 

(Negligent Conduct When Punishable)

(કલમ. 129, 137, 233, 279 થી 289, 304-એ, 336-338)


ફોજદારી ધારાની નીચે દર્શાવેલ કલમો અન્વયે ઉપેક્ષાયુક્ત વર્તણૂકને શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવી છે. અર્થાત્-

  1. કોઈ જાહેર નોકર, રાજ્ય અથવા યુધ્ધના કેદીને તેની સંભાળમાંથી. (તેની) ઉપેક્ષાથી નાસી જવા દે : કલમ. 129.
  2. કોઈ વેપારી વહાણમાં તેના કપ્તાનની ઉપેક્ષાથી કોઈ ભાગેડુ વ્યક્તિને છુપાવવામાં સહાયક થાય :કલમ. 137.
  3. જાહેર નોકરની ઉપેક્ષાથી કોઈ વ્યક્તિ અટકાયતમાંથી નાસી જાય : ક. 233.
  4. કલમ. 279 થી 289માં જણાવવામાં આવેલ વિવિધ અવિચારી અને ઉપેક્ષાયુક્ત કૃત્યો.
  5. ઉપેક્ષાથી મૃત્યુ નિપજાવવું : ક. 304-એ.
  6. ઉપેક્ષાથી બીજાની જિંદગી અથવા સલામતીને જોખમમાં મૂકીને વ્યથા કરવી : ક. 337, અને,
  7. ઉપેક્ષાથી મહાવ્યથા પહોંચાડવી : 8. 388.

અવિચારી કૃત્યોને કઈ રીતે શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવેલ છે ?

(કલમ. 297, 280, 284 થી 289 અને  304-એ અને 336 થી 338)


ફોજદારી ધારા મુજબ ગુનાને પાત્ર ગણવામાં આવેલ અવિચારી કૃત્યો આ પ્રમાણે છે : 

કલમ. 279 અને 280 અનુસાર અવિચારીપણે હાંકવું, સવારી કરવી અગર વહાણ હંકારવાનું શિક્ષાને પાત્ર છે. જ્યારે ક. 284 થી 287 દ્વારા અનુક્રમે ઝેરી પદાર્થો, અગ્નિ અને સળગી ઊઠે એવા અને સ્ફોટક પદાર્થો અને યંત્રો સંબંધમાં અવિચારી અને ઉપેક્ષાયુક્ત વર્તણૂકને શિક્ષાને પાત્ર બનાવવામાં આવી છે. વળી, ક. 288-289 થી ઈમારત તોડવામાં અથવા મરામત કરવા તથા પ્રાણીઓને રાખવા સંબંધમાં ઉપેક્ષાયુક્ત વર્તણૂક દાખવવામાં આવે તો એ ગુનો બને છે તથા ક. 304-એ અને 336 થી 338 દ્વારા અનુક્રમે અવિચારી અને ઉપેક્ષાયુક્ત વર્તણૂકથી મોત નિપજાવવું, માણસની જિંદગી અથવા સલામતી ભયમાં મૂકવી, વ્યથા કરવી અથવા મહાવ્યથા પહોંચાડવાના કૃત્યોને શિક્ષાને પાત્ર ગણવામાં આવે છે.


ઉપેક્ષા, ગુનાહિત ઉપેક્ષા અને અવિચારીપણાની વ્યાખ્યાઓ


ઉપેક્ષા: 'ઉપેક્ષા' એટલે કાંઈક કરવામાં કસૂર કરીને, કે જે સાધારણ રીતે મનુષ્યની બાબતોમાં વર્તણૂકનું નિયમન કરતાં ધોરણોથી પ્રેરાઈને કોઈ સમજદાર વ્યક્તિ કરત અથવા કોઈ કાર્ય કરીને કે, જે કોઈ ડાહ્યો  અને સમજદાર વ્યક્તિ કરત નહિ, એવી ફરજનો ભંગ કરવો-આ સાદી ઉપેક્ષા છે. ગુનાહિત ઉપેક્ષા નથી.

ત્યારે ગુનાહિત ઉપેક્ષા એટલે શું? 'ગુનાહિત ઉપેક્ષા', એટલે કે જેમાંથી આરોપનું કારણ ઉત્પન્ન થયું હોય એવી તથા સામાન્ય જનતાને અથવા કોઈ વ્યક્તિવિશેષને થતી હાનિ અટકાવવામાં, બેહદ અને દોષિત-ઉપેક્ષા વૃત્તિ અથવા યોગ્ય અને વાજબી સંભાળ અને સાવચેતીનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા કે જે બધા જ સંજોગોને લક્ષમાં લેતાં ધ્યાનમાં લેવાની આરોપીની અનિવાર્ય ફરજ હતી. જસ્ટિસ હોલોવેના શબ્દોમાં કહીએ તો “ગુનાહિત ઉપેક્ષા એટલે ગેરકાયદેસર અને હાનિકારક પરિણામ નીપજશે એવી વિચારણા કર્યા સિવાય કરવામાં આવેલ કાર્ય; પરંતુ એ સંજોગો જોતાં જણાતું હોય કે કર્તાએ એવી સાવચેતી વાપરી નથી, જો તેણે એમ કર્યું હોત, તો અવશ્ય તેની એવી ચેતના થઈ હોત."

હવે ગુનાહિત અવિચારીપણું  એટલે શું છે એ વિષે જોઈએ: "ગુનાહિત અવિચારીરીપણુ એટલે કોઈ ભયજનક અથવા તરંગી કાર્ય કરવાનું જોખમ લેવું.  કે જે જોખમ લેતી વખતે જ્ઞાન હોય કે તે એવું જોખમ છે અને તેથી કદાચ હાનિ થશે નહિં, પણ હાનિ કરવાના ઈરાદા સિવાય અથવા જ્ઞાનથી કે તેથી એમ થવા સંભવ છે. પરિણામ  વિષે બેફિકરાઈથી અને અવિચારીપણું દાખવીને એવું કાર્ય કરવાનું જોખમ લેવામાં ગુનાહિત વૃત્તિ સમાયેલી છે.

ઉદાહરણ

 દા. ત. આરોપીને ચોર સતાવતા હતા. એક વખત ત્રણ ચોરી તેની આજુબાજુ ભટકે છે બેવી ખબર મળતા. બીજા બે જણને સાથે લઈને તપાસ કરવા નીકળ્યો, રસ્તામાં એક માણસ ને ઝાડ નીચે વાંકો વળેલો જોઈને એ ચોર છે એમ સમજી તેના ઉપર ગોળીબાર કર્યો હતો. આથી તે મરણ પામ્યો હતો. હકીકતમાં તે એક મજૂર હતો. તે કેસમાં નક્કી થયું હતું કે આરોપીનું કૃત્ય ઘણું જ અવિચારી હતું.

Law and Act





બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા

ભારતનું બંધારણ આંશિક જડ અને આંશિક સ્થિતિસ્થાપક છે તેથી બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાના સંદર્ભમાં સંસદ બંધારણમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે પણ પાયાના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકે નહીં. તેથી  અહીંયા આપણે સંસદ ની સતા અંગે કાયદાકીય જોગવાઈ Power of Parliament to amend the Constitution અંગે વિગતવાર ચર્ચા કરીયે.

બંધારણમાં સુધારો


બંધારણ સુધારવાની સત્તા અનુચ્છેદ 368થી સંસદને અપાયેલ છે. ઉપરાંત, બંધારણ સુધારવાની કાર્યવાહી પણ અનુચ્છેદ 368થી નિયત કરાયેલ છે. બંધારણમાં સુધારો કરવાની બાબતને 3 ભાગમાં વહેંચી શકાય.

1. સાદી બહુમતી


અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 તેમજ અનુચ્છેદ 239 A માં સુધારો કરવા માટે સંસદમાં માત્ર સાદી બહુમતીની જરૂર પડે છે. એટલે કે માત્ર સાદી બહુમતીથી અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 અને અનુચ્છેદ 239Aમાં સુધારો કરી શકાય છે. તે માટે અનુચ્છેદ 368માં નિયત કરાયેલ પ્રક્રિયા અનુસરવાની પણ જરૂર નથી.

2. 2/3 બહુમતી

અનુચકેદ 4, અનુચ્છેદ 169 અને અનુચ્છેદ 239A સિવાયની કોઈપણ બંધારણીય જોગવાઈ સુધારવા માટે અનુચ્છેદ 368માં નિયત કરાયેલ કાર્યવાહી અનુસરવી જ જોઈએ. એટલે કે આવી સુધારો દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી તેમજ ગૃહના હાજર રહી મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરાયેલ હોવો જોઈએ. આમ થાય, તો જ બંધારણમાં સુધારો થયેલ ગણાય. બીજા શબ્દોમાં અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 તેમજ અનુચ્છેદ 239A માં સુધારો કરવા માટે 2/3 બહુમતીની જરૂર નથી. બાકીની કોઈપણ બંધારણીય જોગવાઈમાં સુધારા માટે 2/3 બહુમતી જરૂરી છે.

3. ઓછામાં ઓછા અડધા રાજ્ય વિધાનમંડળો તરફથી અનુમોદન


આ ત્રીજા ભાગમાં અનુચ્છેદ 368(2) પ્રબંધક (Proviso) પ્રમાણે સુધારો કરવા માટે અડધા કરતાં ઓછા નહીં તેટલા રાજ્ય વિધાનમંડળોએ સુધારાને અનુમોદન (ratification) આપતો ઠરાવ પસાર કરેલ હોવો જોઈએ. નીચેની બાબતોમાં સુધારો કરવા માટે ઉપર જણાવ્યા મુજબ રાજ્ય વિધાનમંડળોનું અનુમોદન જરૂરી છે.

1. રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચૂંટણી પદ્ધતિ,

2. સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર,

3. રાજયની કારોબારી સત્તાનો વિસ્તાર,

4. સર્વોચ્ચ અદાલત અંગેની જોગવાઈઓ,

5. રાજયોની વડી અદાલતો અંગેની જોગવાઈઓ,

6. સંઘ પ્રદેશો માટેની વડી અદાલતો,

7. સંઘ અને રાજયો વચ્ચે વૈધાનિક સત્તાઓની વહેંચણી,

8. સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ,

9. બંધારણનું 7મું પરિશિષ્ટ,

10.અનુચ્છેદ 368.

બંધારણ સુધારવાની સંસદની સત્તા પર કોઈ બંધન અથવા નિયંત્રણ છે ?


મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકાય કે કેમ તેવો પ્રશ્ન શંકરીપ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ઉપસ્થિત થયો હતો. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે. સંસદને મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ બંધારણમાં કરાયેલ ચોથા અને સાતમા સુધારાઓ મૂળભૂત અધિકારો સંબંધમાં હતાં. સજજનસિંગ વિ. સ્ટેટ ઑફ રાજસ્થાન કેસમાં પણ શંકરીપ્રસાદ કેસનો મત સ્વીકારાયો હતો. ગોલકનાથ કેસમાં ઠરાવાયેલ કે સંસદને મૂળભૂત અધિકારો નિયંત્રિત કરવાની સત્તા નથી. કેશવાનંદ ભારથી કેસમાં સર્વોચ્ચ અદાલતને અનુચ્છેદ 14, 19(1) (એફ), અનુચ્છેદ 25, 26 તેમજ અનુચ્છેદ 32 હેઠળ પોતાના મૂળભૂત અધિકારોના પાલન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીથી અરજદારે 1969ના કેરાલા જમીન સુધારણા અધિનિયમથી સુધારેલા 1964ના કેરાલા જમીન સુધારણા અધિનિયમ ગેરબંધારણીય તેમજ વ્યર્થ જાહેર કરવા અરજી કરી હતી. ગોલકનાથ કેસના નિર્ણયની યથાર્થતા ચકાસવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોવાથી આ કેસમાં 13 ન્યાયાધીશોની બેંચ રચવામાં આવી હતી. 13 ન્યાયાધીશોના અલગ અલગ મંતવ્યો પ્રગટ કરતાં 11 ચુકાદાઓ તેમાં લખવામાં આવ્યા છે.

બહુમતી નિર્ણયનો સારાંશ નીચે પ્રમાણે છે :

(એ) ગોલકનાથ કેસનો નિર્ણય રદ કરાયો.

(બી) 24મો બંધારણીય સુધારો કાયદેસર ઠરાવાયો.

(સી) 29મો સુધારો કાયદેસર કરાવાયો.

(ડી) “મૂળભૂત માળખા" (basic structure) નો સિદ્ધાંત સ્થાપિત કરાયો.

(6) આ કેસમાં ઠરાવાયું કે સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં ફેરફાર કરી શકે, પરંતુ મૂળભૂત માળખું (Basic structure) બદલી શકે નહીં.

મૂળભૂત માળખાનો સિદ્ધાંત (પાયાનો સિદ્ધાંત)


કેશવાનંદ કેસમાં મૂળભૂત માળખા (Basic structure) સિદ્ધાંત સ્થાપિત કરાયો છે. મૂળભૂત માળખાની વ્યાખ્યા આપવામાં માત્ર કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. જેમ કે,

(એ). બંધારણની સર્વોપરિતા

(બી) ધર્મનિરપેક્ષતા

(સી) પ્રજાસત્તાક અને લોકશાહી સરકાર

(ડી) સત્તાવિભાજનનો સિદ્ધાંત

(ઈ) ભારતનું સાર્વભૌમત્વ

(એફ) રાષ્ટ્રની એકતા

(જી) કાયદાનું શાસન

(એચ) કલ્યાભ્ર રાજ્યનો આદર્શ

(આઈ) ન્યાયિક સમીક્ષા

મિનરવા મિલ્સ લિ. વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં બંધારણના પાયાના માળખાનું સમર્થન કરાયું છે. આ કેસમાં બંધારણનો સુધારો 55માં પડકારાયો હતો. 55મા સુધારાથી અનુચ્છેદ 368માં ક્લોઝ (4) અને ક્લોઝ (5) ઉમેરવામાં આવેલ હતા. સર્વોચ્ચ અદાલતે આ સુધારો ગેરબંધારણીય જાહેર કરેલ, કારણ કે તેનાથી ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા પર કાપ મૂકાતો હતો. આ કેસમાં ઠરાવાયું કે સંસદને બંધારણના પાયાનાં માળખામાં ફેરફાર કરવાની સત્તા નથી. સંસદ બંધારણમાં સુધારો કરવાની પોતાની સત્તા હેઠળ બંધારણનું પાયાનું માળખું બદલી શકે નહીં. અનુચ્છેદ 368 ક્લોઝ (4) અને ક્લોઝ (5)થી ન્યાયિક સમીક્ષા બાકાત (exclude) કરાયેલ હતી. ન્યાયિક સમીક્ષા મૂળભૂત પાયાનો ભાગ છે; કારણ કે બંધારણમાં મૂળભૂત સિદ્ધાંત છે કે ગમે તેટલા ઉચ્ચ સત્તાધિકારી પોતાની જાતને બંધારણ હેઠળ એકમાત્ર ન્યાયાધીશ હોવાનો દાવો કરી શકે નહીં. બંધારણનું અર્થઘટન કરવાનું કામ ન્યાયતંત્રનું છે. આમ બંધારણના પાયાના માળખાને જાળવી રાખવાની બાબતનું સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં સમર્થન કરેલ છે.


1. ગોલકનાથ વિ. સ્ટેટ ઑફ પંજાબ નો કેસ 


અરજદારો ગોલકનાથના પુત્ર, પુત્રી અને પૌત્રીઓ હતા. તેમની પાસેની 481 એકર જેટલી જમીન (Punjab Land Tenures Act, 1965 હેઠળ વધારાની હોવાનું ઠરાવાયેલ. અરજદારોએ એવી તકરાર લીધી કે ઉપર્યુક્ત કાયદો ગેરબંધારણીય છે; કારણ કે તેમને અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19(એફ) અને (જી)થી વંચિત કરે છે. વધુમાં તેમણે બંધારણના પ્રથમ, ચોથા અને સત્તરમા સુધારાને પણ ગેરબંધારણીય ઠરાવવાની માગણી કરી હતી. આ કેસના ચુકાદા પ્રમાણે બંધારણમાં સુધારો કરવા માટે સંસદને અનુચ્છેદ 368 હેઠળ સત્તા પ્રાપ્ત થતી નથી. અનુચ્છેદ 368 હેઠળ ફક્ત બંધારણનો સુધારો કરવાની પ્રક્રિયા નિયત કરેલ છે. બંધારણમાં સુધારો કરવાની સતા અનુચ્છેદ 245, 246, 248 અને પરિશિષ્ટ 7 યાદી 1 ક્રમાંક 97માંથી પ્રાપ્ત થાય છે.


   આ કેસમાં ઠરાવાયું કે બંધારણમાં સુધારો કરતો કાયદો અનુચ્છેદ 13(2)ના અર્થમાં કાયદો જ છે. અનુચ્છેદ 13(2)ના અર્થ મુજબ બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો બંને એક જ અર્થમાં કાયદાઓ છે. તેથી બંધારણીય સુધારાથી મૂળભૂત અધિકારો નિયંત્રિત કરી શકાય નહીં. આથી બંધારણીય સુધારા કાયદો પણ ન્યાયિક પુનરાવલોકનને પાત્ર છે.

   શંકરીપ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં બંધારણીય સુધારા 1, 4 અને 17મા સુધારાને કાયદેસર ઠરાવેલ હતા. ગોલકનાથ કેસમાં આ તમામ સુધારાઓ સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ઠરાવેલ છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત (Doctrine of prospective overruling) સ્થાપિત કરેલ છે. એટલે કે ઉપર્યુક્ત સુધારાઓ હેઠળ ભૂતકાળમાં થયેલ કામગીરી ગેરકાયદેસર બનતી નથી. પરંતુ ભવિષ્યમાં તેની હેઠળ કાયદેસર કોઈ કામગીરી કરી શકાશે નહીં. સર્વોચ્ચ અદાલત પોતાના પૂર્વનિર્ણયો (precedents) માં ફેરફાર કરી શકે છે. જો સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે પોતાનો કોઈ નિર્ણય ભૂલભરેલો હતો, તો સર્વોચ્ચ અદાલત પોતાનો પૂવનિર્ણય બદલી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.

2. માધવરાવ સિંધિયા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા નો કેસ 


આ કેસ પ્રિવી પર્સ કેસ તરીકે જાણીતો છે. રાષ્ટ્રપતિએ તા. 6 સપ્ટે. 1970ના રોજ એક હુકમ પ્રગટ કરી અનુચ્છેદ 366 (22) હેઠળ રાજવીઓની માન્યતા રદ કરી હતી. પરિણામે રાજવીઓને મળતા સાલિયાણાં (Privy purses) તેમજ તેમના અંગત વિશેષાધિકારો બંધ થયા. રાષ્ટ્રપતિના આ હુકમથી નારાજ થઈ કેટલાક રાજવીઓએ રાષ્ટ્રપતિનો હુકમ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો. તેમની દલીલ હતી કે તેનાથી તેમના અનુચ્છેદ 19 હેઠળ મિલકતના અધિકારનો ભંગ થતો હતો. તેમણે રાષ્ટ્રપતિનો હુકમ ગેરબંધારણીય ઠરાવવા રજૂઆત કરી હતી.

સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાથી રાષ્ટ્રપતિ હુકમ ગેરબંધારણીય ઠરાવેલ અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ હુકમથી સાલિયાણાં અને વિશેષાધિકારો નાબૂદ કરી શકાય નહીં. સાલિયાણાંને મિલકતના મૂળભૂત અધિકાર તરીકે ઠરાવવામાં આવેલ હતો. વહીવટી હુકમથી તેને નાબૂદ કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ બંધારણમાં 26મો સુધારો કરવામાં આવ્યો અને તેનાથી અનુચ્છેદ 291 અને અનુચ્છેદ 362 દૂર કરાયા અને અનુચ્છેદ 363A નવો દાખલ કરાયો. અનુચ્છેદ 363A થી સાલિયાણા અને રાજવીઓના વિશેષાધિકારો નાબૂદ કરાયા છે.



રાજયમાં રાષ્ટ્રપતિ શાસન - કટોકટી અંગેની કાયદાની જોગવાઈઓ

રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગને કારણે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે છે આ વિષે કાયદા અનુસાર કટોકટી એટલે શું? રાષ્ટ્રીય કટોકટી મૂકવાનાં કારણો અને અસરો અને કટોકટી અંગેની કાયદાની જોગવાઈઓ તથા અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ઉદઘોષણા અને તેની કાર્યરીતિ અને આર્ટિકલ 356 હેઠળ રાજ્ય સરકારને ક્યારે દૂર કરી શકાય ? અને અનુચ્છેદ 356 હેઠળ રાજ્યમાં કટોકટીની જાહેરાત ક્યારે થઈ શકે? આ કટોકટીની જાહેરાત ક્યારે પાછી ખેંચી શકાય ?, રાજયમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે દાખલ કરી શકાય ? વગેરે વિષે વિગતવાર જાણીયે. 

કટોકટીના પ્રકારો


અનુચ્છેદ 352 થી 360માં ત્રણ પ્રકારની કટોકટી વિશે જોગવાઈ કરવામાં આવેલ છે :

  • 1. યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી,
  • 2. રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી.
  • 3. નાણાકીય કટોકટી.

હવે દરેક પ્રકાર વિશે વિગત જોઈએ.

1. યુદ્ધ, બાહ્ય આક્રમણ તથા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી


આ સંબંધમાં અનુચ્છેદ 352માં જોગવાઈ કરાયેલ છે. અનુચ્છેદ 352 (1) હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામું એટલે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાના પ્રસંગે પ્રગટ કરાયેલ જાહેરનામું. તેમાં ઉપર જણાવેલ અન્ય બે પ્રકારની કટોકટીનો સમાવેશ થતો નથી.

   44માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 352માં એમ જોગવાઈ કરાયેલ છે કે મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે જ રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352(1) હેઠળ જાહેરનામું પ્રગટ કરી શકે. અનુચ્છેદ 352(3)માં સ્પષ્ટ જણાવાયેલ છે. કે જો રાષ્ટ્રપતિને એમ ખાત્રી થાય કે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાનો તાત્કાલિક ભય છે અને તેનાથી ભારતની સલામતીને ખતરો છે, તો આવું યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ર બળવો થયા અગાઉ પણ રાષ્ટ્રપતિ કટોકટીનું જાહેરનામું પ્રગટ કરી શકે.

સમયમર્યાદા


કટોકટીનું જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરવાનું હોય છે. રજૂ કરાયેલ જાહેરનામાં સંબંધમાં સંસદનું ગૃહ નીચેનામાંથી કોઈપણ એક માત્ર પસંદ કરી શકે :

  • (એ) ઠરાવ પસાર કરી કટોકટીનું જાહેરનામું માન્ય રાખી શકે, અથવા
  • (બી) કોઈ પગલાં લેવાનું પસંદ ન કરે, અથવા
  • (સી) કટોકટીનું જાહેરનામું નામંજૂર કરે.

જયારે સંસદના બંને ગૃહો કટોકટીના જાહેરનામાને મંજૂર કરતો ઠરાવ પસાર કરે ત્યારે આવા ઠરાવની તારીખથી કટોકટીનું જાહેરનામું 6 માસ સુધી અમલમાં રહે છે. ત્યારબાદ દરેક 6 માસે આ જ પ્રકારનો ઠરાવ પસાર કરીને સંસદ કટોકટીના જાહેરનામાની સમયમર્યાદા લંબાવી શકે છે. જો સંસદનું એક જ ગૃહ જાહેરનામાને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કરે, તો એક માસ બાદ જાહેરનામાનો અમલ બંધ થાય છે. જો સંસદનું એકપણ ગૃહ કટોકટીના જાહેરનામા સંબંધમાં કોઈ કાર્યવાહી ન કરે, તો એક માસ બાદ જાહેરનામાનો અંત આવે છે. પરંતુ જો લોકસભા જાહેરનામું નામંજૂર કરે, તો રાષ્ટ્રપતિ તરત જ જાહેરનામું રદ કરશે.

કટોકટીના જાહેરનામાની અસરો


     કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન સંઘની કારોબારી સત્તા, રાજ્યને તેની કારોબારી સત્તાનો ઉપયોગ કરવા બાબતમાં આદેશો આપવા સુધી વિસ્તરે છે. તે જ રીતે, આ સમયગાળા દરમ્યાન સંઘને, અનુચ્છેદ 250 પ્રમાણે રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ વિષયો સંબંધમાં પણ કાયદા ઘડવાની સત્તા પ્રાપ્ત થાય છે. જો સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય અને કટોકટીનું જાહેરનામું અમલમાં હોય, તો તે સમયગાળા દરમ્યાન રાષ્ટ્રપતિ રાજય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈપણ વિષય સંબંધમાં વટહુકમ (Ordinance) પ્રગટ કરી શકે.

  કટોકટીનું જાહેરનામું અમલમાં હોય તે દરમ્યાન રાષ્ટ્રપતિ હુકમ કરીને અનુચ્છેદો 268 થી 279 માં નિર્દિષ્ટ કરાયેલ નાણાકીય વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 358 હેઠળ અનુચ્છેદ 19નો અમલ પણ મોકુફ રાખી શકે છે. તદ્ઉપરાંત રાષ્ટ્રપતિ, કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અદાલત મારફત અમલ કરાવવાનો અધિકાર મોકૂફ રાખી શકે છે.

2. રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી


  અનુચ્છેદ 356 માં આ પ્રકારની કટોકટી વિશે જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ હેઠળનું જાહેરનામું પ્રગટ કરતા અગાઉ રાષ્ટ્રપતિને, રાજયપાલના અહેવાલ પરથી અથવા અન્ય રીતે એમ ખાત્રી થવી જોઈએ કે તે રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે કે જેનાથી બંધારણની જોગવાઈઓ પ્રમાણે રાજ્યનું શાસન ચાલી શકે તેમ નથી. જ્યારે રાજકીય અસ્થિરતાના કારણે રાજયમાં સરકાર સ્થાયી બનતી ન હોય, ધારાસભા બહુમતી પક્ષના નેતાની વરણી થઈ શકતી ન હોય, તેવા પ્રસંગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય છે. કેન્દ્ર તરફથી રાજ્યને કોઈ આદેશ અપાયેલ હોય અને રાજ્ય તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય.

  એસ. આર. બોમ્બાઈ કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 356 હેઠળનું જાહેરનામું ત્યારે પ્રગટ કરી શકાય કે જ્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ કે જેમાં બંધારણની જોગવાઈઓ અનુસાર શાસન ચાલી શકે તેમ ન હોય. તેનો અર્થ એમ નથી કે શાસન ચલાવવું અશક્ય છે. કયા સંજોગોમાં બંધારણ જોગવાઈઓ અનુસાર શાસન ચલાવવાનું શક્ય નથી તેની સંપૂર્ણ યાદી આપવાનું શક્ય નથી. પરંતુ -

  • (એ) કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા,
  • (બી) રાજ્ય સરકારના વ્યવહારોમાં ભયંકર ગેરવ્યવસ્થા,
  • (સી) ભ્રષ્ટાચાર અથવા સત્તાનો દુરુપયોગ,
  • (ડી) રાષ્ટ્રીય એકતા અથવા સલામતીને ખતરો,

જેવા પ્રસંગોએ રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય છે. આ કેસમાં ઠરાવાયું છે કે અનુચ્છેદ 356 હેઠળ જાહેરનામા પ્રગટ કરવા પાછળના કારણો અથવા સામગ્રીની અદાલત તપાસ કરી શકે છે. સુંદરલાલ પટવા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં મધ્યપ્રદેશ વડી અદાલતે રાષ્ટ્રપતિનું અનુચ્છેદ 356 હેઠળનું જાહેરનામું ગેરબંધારણીય ઠરાવેલ. અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનનું જાહેરનામું પ્રગટ કરવાના સમયે ગૃહનું વિસર્જન કરવાનું ફરજિયાત નથી. ગૃહ મોકૂફ (Suspend) પણ રાખી શકાય છે. જો ગૃહનું વિસર્જન કરવામાં આવે, તો નવેસરથી ચૂંટણીઓ યોજવા કાર્યવાહી થવી જોઈએ. રામેશ્વર પ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં બિહાર વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાના જાહેરનામાને ગેરબંધારણીય ઠરાવવામાં આવેલ. અત્યાર સુધીમાં પંજાબ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, કેરાલા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવા સંખ્યાબંધ રાજયોમાં એકંદરે કુલ 100થી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન દાખલ કરાયાના પ્રસંગો બન્યા છે. સ્ટેટ ઑફ રાજસ્થાન વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે જ્યારે દુર્બુદ્ધિ (malafides) ના કારણસર જાહેરનામું પ્રગટ થયાનું પુરવાર થાય ત્યારે અદાલત તેમાં દરમ્યાનગીરી કરી શકે. 

3. નાણાકીય કટોકટી


આ સંબંધમાં અનુચ્છેદ 360 માં જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ મુજબ, જયારે રાષ્ટ્રપતિને એમ ખાતરી થાય કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે કે જેનાં કારણે ભારતની અથવા તેના પ્રદેશના કોઈ ભાગની નાણાકીય સ્થિરતા કે શાખ જોખમમાં છે, તો તેઓ જાહેરનામું પ્રગટ કરી નાણાકીય કટોકટી જાહેર કરી શકે. આ જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરવું જોઈએ. જો સંસદના બંને ગૃહો તરફથી આ જાહેરનામું મંજૂર કરાયેલ ન હોય, તો બે માસ પૂરા થયે, જાહેરનામાનો અમલ બંધ થાય છે.

નાણાકીય કટોકટીના જાહેરનામાનાં અમલ દરમ્યાન સંઘની કારોબારી સત્તા, નાણાકીય ઔચિત્યના ધોરણોનાં પાલન કરવા સંબંધમાં વિસ્તરી શકે. આ સમય દરમ્યાન રાજ્યના મુલ્કી નોકરોના પગાર-ભથ્થાઓમાં ઘટાડો કરી શકાય. સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતના ન્યાયાધીશોના પગાર ભથ્થાઓમાં પણ ઘટાડો કરી શકાય. આપણા દેશમાં હજુ સુધી નાણાકીય કટોકટી ક્યારેય જાહેર કરવામાં આવેલ નથી.

કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોની મોકૂફી કટોકટી દરમ્યાન અનુચ્છેદ 19ની જોગવાઈઓની મોકૂફી


અનુચ્છેદ 358 હેઠળ કટોકટી દરમ્યાન અનુચ્છેદ 19ની જોગવાઈઓ રાષ્ટ્રપતિ પોતાના હુકમથી મોકૂફ રાખી શકે છે. આપણે જોયું કે કટોકટી 3 પ્રકારની છે. અને નાણાકીય કટોકટી જાહેર કરવાનો આપણા દેશમાં ક્યારેય પ્રસંગ બન્યો નથી. જયારે યુદ્ધ, બાહ્ય આક્રમણ વિ. કારણસર કટોકટીનું જાહેરનામું અમલમાં હોય ત્યારે અનુચ્છેદ 19 સાથે અસંગત કોઈ કાયદો ઘડવામાં આવે અથવા કોઈ કારોબારી કાર્ય (Executive action) કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી. પરંતુ જે કાયદાથી અનુચ્છેદ 19નો ભંગ થતો હોય તેમાં એમ સ્પષ્ટ પ્રકારનું નિવેદન હોવું જોઈએ કે આ કાયદો કટોકટીની જોગવાઈના સંદર્ભમાં ઘડવામાં આવેલ છે. કટોકટી જાહેરનામા હેઠળના પ્રદેશના બહારના વિસ્તારોમાં આવા કાયદાનો અમલ થતો નથી. દા.ત., અનુચ્છેદ 352 હેઠળ માનો કે ફક્ત આસામ પ્રદેશ પૂરતી જ કટોકટી જાહેર કરવામાં આવેલ હોય અને આ કટોકટી દરમ્યાન સંસદે અનુચ્છેદ 19ની જોગવાઈનો ભંગ કરતો કોઈ કાયદો ઘડેલ હોય, તો આ કટોકટીના સમય દરમ્યાન તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી. પરંતુ આવો કાયદો આસામ બહારના વિસ્તારોમાં લાગુ પડશે નહીં કે તેનો અમલ થશે નહીં, સિવાય કે બહારના વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓથી ભારત અથવા કોઈ ભાગની સલામતી જોખમમાં હોય, જ્યારે જાહેરનામાની અમલ બંધ થાય કે તરત જ આવો કાયદો કે કારોબારી કાર્ય, જેટલાં પ્રમાણમાં અનુચ્છેદ 19 હેઠળના અધિકારો સાથે અસંગત હોય તેટલા પ્રમાણમાં બિનઅમલી બને છે.

કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોના અમલની મોકૂફી


અનુચ્છેદ 359 હેઠળ કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન મૂળભૂત અધિકારોનો અમલ inforcement of Pundamental Rights) મૌકૂક રાખી શકાય છે. રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 359 હેઠળ આવો સ્પષ્ટ હુકમ કરેલ હોય, તો જ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રહે છે. રાષ્ટ્રપતિના હુકમમાં, કયા મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રખાયેલ છે તે સ્પષ્ટ હોવુ જોઈએ. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આનો અર્થ એવો થતો નથી કે મૂળભૂત અધિકારી મોકૂફ રહે છે. મૂળભૂત અધિકારોને કોઈ અસર થતી નથી. માત્ર રાષ્ટ્રપતિના હુકમમાં નિર્દિષ્ટ કરાયેલ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રહે છે.

પરંતુ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખવા પર એક મર્યાદા અથવા નિયંત્રણ મૂકાયેલ છે. અનુચ્છેદ 359માં સ્પષ્ટ જણાવાયેલ છે કે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાય. આનો અર્થ એ થાય છે કે કોઈપણ સંજોગોમાં અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21ના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. કોઈપણ પ્રકારની કટોકટીમાં આ નિયમ લાગુ પડે છે. આનો અર્થ એ થયો કે અનુચ્છેદ 20 અને અનુચચ્છેદ 21 હેઠળના અધિકારોના અમલ માટે કટોકટીના સમય દરમ્યાન પણ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાદ માગી શકાય છે. એટલે કે કટોકટી સમય દરમ્યાન કોઈ વ્યક્તિને નિવારક અટકાયત (Preventive Detention) અથવા સંરક્ષણ ધારા હેઠળ અટકાયતમાં રખાયેલ હોય તો તેની મુક્તિ માટે બંદી પ્રત્યક્ષીકરન (Habeas Corpus) આજ્ઞાપત્ર (writ) મેળવી શકાય છે.

આમ છતાં આ અનુચ્છેદ થી સતબાહ્ય (Ultra vires) કારોબારી કાર્યને રક્ષણ મળતું નથી. માખણસિંગ વિ. સ્ટેટ ઑફ પંજાબ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 359(1) હેઠળ કટોકટી સમય દરમ્યાન મૂળભૂત અધિકારોના અમલની મોકૂફી માટે હુકમ કરેલ હોય, તો પણ અટકાયત દુર્બુદ્ધિ (malafides) થયેલ હોવાના કારણસર બંદી પ્રત્યક્ષીકરણ દાદ માગી શકાય. રામ મનોહર લોહિયા વિ. સ્ટેટ ઓફ બિહારના કેસમાં પણ અરજદારની અટકાયત નિયમાનુસાર ન હોવાના કારણસર તેમની મુક્તિનો હુકમ કરાયો હતો.

એ.ડી.એમ. જબલપુર વિ. શિવકાંત શુક્લના કેસમાં શિવકાંત શુક્લની Maintenance of Internal Security Act હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આ કાયદાની ક. 16A ની કાયદેસરતા પડકારી હતી. તેમની રજૂઆત એવી હતી કે સદર કલમથી રાજ્યની વડી અદાલતને અનુચ્છેદ 226 હેઠળ મંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર ફરમાવતાં મનાઈ કરવામાં આવેલ હોવાથી ગેરકાયદેસર છે. ઉપરાંત અદાલત અટકાયતનાં કારણો પણ તપાસી શકતી ન હતી. સર્વોચ્ચ અદાલતે 4:1 ની બહુમતીથી ક. 16A બંધારણીય ઠરાવી હતી. આ કેસમાં ઠરાવાયેલ કે તે માત્ર પુરાવાનો નિયમ હતો કે અટકાયતી કે અદાલત અટકાયતનાં કારણોની માગણી કરી શકે નહીં. આ કેસમાં ઠરાવાયું કે તેનાથી અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતની હકૂમતને કોઈ અસર થતી ન હતી. સરકાર કારણોની જાણ કરવા બંધાયેલ ન હતી અને તે કારણે અટકાયતનો હુકમ દુબુદ્ધિ (Malafides) થી થયેલ હોવાનું અનુમાન કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી હડકંપ મચી ગયો હતો. કારણ કે અગાઉ સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં ઠરાવેલ છે કે અદાલત અટકાયતનાં કારણો તપાસી શકે છે અને અટકાયત દુબુદ્ધિપૂર્વક થયેલ હોવાનું લાગે, તો અટકાયતીને મુક્ત કરવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જો કે 44મા બંધારણીય સુધારા બાદ હવે આ નિર્ણયનું મહત્ત્વ રહ્યું નથી. કારણ કે વર્તમાન બંધારણીય જોગવાઈ મુજબ, અનુચ્છેદ 20 તેમજ અનુચ્છેદ 21 હેઠળના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાતો નથી.


અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359 વચ્ચેનો તફાવત:


1. જયારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણનાં કારણસર કટોકટીનું જાહેરનામું પ્રગટ કરાયેલ હોય ત્યારે જ અનુચ્છેદ 358 લાગુ પડે છે. કટોકટીનું જાહેરનામું જો સશસ્ત્ર બળવાના કારણસર પ્રગટ કરાયેલ હોય તો તેવા પ્રસંગે અનુચ્છેદ 358 લાગુ પડે નહીં. જયારે ક. 359 દરેક પ્રકારની કટોકટીને લાગુ પડે છે. અનુચ્છેદ 359 લાગુ પાડવા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી.

2. અનુચ્છેદ 358 હેઠળ માત્ર અનુચ્છેદ 19 હૈઠળના સ્વાતંત્ર્યોનો અમલ કટોકટી દરમ્યાન મોકુફ રાખવાની જોગવાઈ છે. જયારે અનુચ્છેદ 359 હેઠળ, અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખવાની જોગવાઈ છે. આમ, અનુચ્છેદ 358 હેઠળનું કાર્યક્ષેત્ર - મર્યાદિત છે. જયારે અનુચ્છેદ 359 હેઠળનું કાર્યક્ષેત્ર વિશાળ છે.

3. ક. 358 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાનો અમલ બંધ થાય કે તરત જ અનુચ્છેદ 19 સાથે અસંગત કાયદા કે કારોબારી કાર્યોનો અમલ બંધ થાય છે. જયારે અનુચ્છેદ 359 હેઠળના જાહેરનામાનો અમલ બંધ થાય કે તરત જ મૂળભૂત અધિકારોનો અમલ જીવંત થાય છે.

4. અનુચ્છેદ 358 હેઠળના જાહેરનામાના અમલના સમય દરમ્યાન અનુચ્છેદ 19 સાથે અસંગત કાયદો ઘડવાની સંસદને સત્તા પ્રાપ્ત થાય છે અને આવા કાયદાની કાયદેસરતા પડકારી શકાતી નથી. જ્યારે અનુચ્છેદ 359 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાના અમલ દરમ્યાન અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ માત્ર મોકૂફ રહે છે. સંસદને મૂળભૂત અધિકાર સાથે અસંગત કાયદો ઘડવાની સંસદને સત્તા પ્રાપ્ત થતી નથી. ઉપરાંત અનુચ્છેદ 21નો અમલ મોકૂફ રખાયેલ ન હોવાથી તે અનુચ્છેદ હેઠળ કાયદાની કાયદેસરતા પડકારી શકાય છે.



અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સંબંધમાં કાયદાની જોગવાઈઓ

કેટલાક ચોક્કસ વર્ગો સંબંધમાં ભારતીય બંધારણની ખાસ કાયદાની જોગવાઈઓ અને રાજ્ય હેઠળની નોકરીઓમાં નિમણૂકો અથવા જગ્યાઓ અનામત રાખવાની કાયદાની જોગવાઈ તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સંબંધી નોકરીમાં નિમણૂક અને અનામત રાખવા સંબંધી બંધારણીય જોગવાઈઓ તથા પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ અને અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ અને બંધારણ દ્વારા બક્ષવામાં આવેલ અધિકારોમાં નબળા વર્ગ, અનુ. જાતિ, અનુ.જનજાતિ અને પછાત વર્ગના લોકોને ન્યાય અંગેની જોગવાઈઓ વિષે વિગતવાર જાણીયે

ચોક્કસ વર્ગો સંબંધમાં અનુચ્છેદો 330 થી 342 માં જોગવાઈ કરવામાં આવેલ છે. તેનો સારાંશ નીચે મુજબ છે.

લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકોનું આરક્ષણ

લોકસભામાં -
  • (એ) અનુસૂચિત જાતિઓ,
  • (ભી) આસામની અનુસૂચિત આદિ જાતિઓ સિવાયની અનુસૂચિત આદિજાતિઓ,
  • (સી) આસામના સ્વાયત જિલ્લાઓમાં અનુસુચિત આદિ જાતિઓ
- માટે બેઠકો અનામત રાખવામાં આવશે.

લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ


જો રાષ્ટ્રપતિનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન જાતિને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળેલ નથી, તો તેઓ તે જાતિના વધુમાં વધુ બે સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકે.

રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકોનું આરક્ષણ

   દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને (આસામના સ્વાયત જીલ્લાઓમાંની અનુસૂચિત આદિજાતિઓ સિવાય) અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.

આસામ રાજ્યની વિધાનસભામાં પણ અનુસૂચિત જાતિઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.

રાજ્યની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ


   જો કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો મત હોય કે રાજ્ય વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને પૂરતું પ્રતિનિધિત્વ મળેલ નથી, તો તેઓ તે જાતિના એક સભ્યને વિધાનસભામાં નિયુક્ત કરી શકે.


બેઠકોનું આરક્ષણ અને ખાસ પ્રતિનિધિત્વ બંધ થવાની જોગવાઈ


(એ) લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકોનું આરક્ષણ અને

(બી) લોકસભા અને રાજ્ય વિધાનસભામાં નિમણૂક દ્વારા એંગ્લો ઈન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ

આ બંધારણના આરંભથી સિત્તેર વર્ષ પૂરા થયે બંધ થશે. એટલે કે હાલે આ આરક્ષણ અને ખાસ પ્રતિનિધિત્વ 26 જાન્યુ. 2020 બાદ પૂર્ણ થશે. પરંતુ ત્યારબાદ પણ આ મુદત વધારવામાં આવેલ હોવાની માહિતી છે.

અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ


  અનુચ્છેદ 238 જણાવે છે કે અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય પંચ તરીકે ઓળખાનારું અનુસૂચિત જાતિઓ માટે એક પંચ રહેશે. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત પાંચ સભ્યો રહેશે. આ પંચ અનુસૂચિત જાતિઓની સલામતી સાથે સંબંધિત તમામ બાબતોનું અન્વેષણ, વ્યવસ્થા અને આવી સલામતની કામગીરીની સમીક્ષા કરશે. આ બાબતે થયેલ ફરિયાદોની પણ તે તપાસ કરશે. તે રાજયમાં વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે. અનુસૂચિત જાતિઓનાં રક્ષણ, કલ્યાણ, સામાજિક, આર્થિક વિકાસ માટે કેન્દ્ર તેમજ રાજ્યોને સલાહ આપશે. ફરિયાદની તપાસ કરતી વખતે પંચને, દાવાની ઈન્સાફી કાર્યવાહી કરનાર દીવાની અદાલતની તમામ સત્તાઓ રહેશે. એટલે કે પંચને ભારતના કોઈપણ ભાગમાંથી કોઈ વ્યક્તિને બોલાવી તેની હાજરીની ફરજ પાડીને અને તેને સોગંદ પર તપાસવાની સત્તા રહેશે. તે સોગંદનામા પર પુરાવો સ્વીકારી શકે છે. કોઈપણ દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકે છે.

અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય પંચ


     Nઅનુચ્છેદ 338A જણાવે છે કે અનુસૂચિત જનજાતિઓ (કે આદિ જાતિઓ) માટે રાષ્ટ્રીય પંચ તરીકે ઓળખાનારું અનુસૂચિત જનજાતિઓ માટે એક પંચ રહેશે. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત પાંચ સભ્યો રહેશે. તેમની સેવાની શરતો, હોદાની મુદત વગેરે રાષ્ટ્રપતિ નક્કી કરે છે. આ પંચ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ જેવી જ સત્તાઓ ધરાવે છે. આ સત્તાઓ આ ઉપર નિર્દિષ્ટ કરાયેલ છે.

અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત જાતિઓના કલ્યાણ પર કેન્દ્રનું નિયંત્રણ


અનુચ્છેદ 339 જણાવે છે કે રાષ્ટ્રપતિ, રાજ્યના અનુસૂચિત વિસ્તારોના અને અનુસૂચિત આદિજાતિઓનાં કલ્યાણ માટે એક પંચ નીમી શકે અને બંધારણ પ્રારંભને દસ વર્ષ પૂરા થયે તેઓ પોતાના સુકમથી આવા પંચની નિમણૂક કરશે. કેન્દ્રની કારોબારી સત્તા, કોઈ રાજ્યને તે રાજયની અનુસૂચિત આદિ જાતિના કલ્યાણ માટે જરૂરી હોય તેવી આદેશમાં નિર્દિષ્ટ કરાયેલ યોજનાઓ તૈયાર કરવા અને તેનો અમલ કરવાના આદેશો આપવા સુધી વિસ્તરશે.

પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે પંચની નિમણૂક


ભારતના પ્રદેશમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિ અને તેમણે સહન કરવી પડતી મુશ્કેલીઓની તપાસ કરવા અને આવી મુશ્કેલીઓના નિવારણ અને તેમની સ્થિતિ સુધારવા ભલામણો કરવા માટે રાષ્ટ્રપતિને પંચ નીમવાની સત્તા છે. આ અનુચ્છેદ હેઠળ બે પંચોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રથમ પંચ કાકા કાલેલકરની અધ્યક્ષતામાં 1953મા નિમાયેલ હતું. તેમની ભલામણો પર કોઈ પગલાં લેવાયા ન હતા. બીજું પંચ બી.પી.માંડલની અધ્યક્ષતામાં 1978માં નિમાયેલ હતું. માંડલ પંચની ભલામણ મુજબ પછાત વર્ગો માટે 27 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે. માંડલ પંચની ભલામણોના આધારે પ્રગટ કરાયેલ જાહેરનામું સર્વોચ્ચ અદાલતે કાયદેસર ઠરાવેલ છે.

   તદ્ઉપરાંત સંસદે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચ ધારો (National Commission for Backward Classes Act), 1993 પસાર કરેલ છે.

અનુસૂચિત જાતિઓનો નિર્ણય


કઈ જ્ઞાતિઓ કે જાતિઓ કે આદિ જાતિઓના કયા ભાગોને બંધારણના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી, તે નક્કી કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવેલ છે.

અનુસૂચિત આદિ જાતિઓનો નિર્ણય


કઈ આદિ જાતિઓનું અથવા આદિ જાતિ સમૂહ અથવા આદિ જાતિ અથવા આદિ જાતિઓના સમૂહના કયા ભાગ અથવા કયા જૂથોને અનુસૂચિત આદિ જાતિ તરીકે માનવી, તેનો નિર્ણય કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે.


ચૂંટણીઓ - Election Rule

ચૂંટણી પંચની રચના અને મુખ્ય ચૂંટણી કમિશનરના બંધારણીય સ્થાન તથા ચૂંટણીઓને લગતા બંધારણીય પ્રબંધો અને ચૂંટણી પંચનાં કાર્યો.અને મુખ્ય ચૂંટણી કમિશનરને કયાં બંધારણીય રક્ષણો ઉપલબ્ધ છે ? તેના વિષે વિગતવાર સમજીયે. 


ચૂંટણી પંચની રચના અને કાર્યો


અનુચ્છેદ 324થી ચૂંટણી પંચની રચના વિશે જોગવાઈ કરાયેલ છે. ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિ વખતોવખત નક્કી કરે તેટલા અન્ય ચૂંટણી કમિશનરોનું બનેલ હોય છે. જયારે બીજો કોઈ ચૂંટણી કમિશનર નીમવામાં આવે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર, અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત અન્ય ચૂંટણી કમિશનર નીમવાની સત્તા રાષ્ટ્રપતિને છે. અન્ય ચૂંટણી કમિશનરોને મુખ્ય ચૂંટણી કમિશનર જેવી સત્તા હોતી નથી. તેઓ આ સંબંધમાં સંસદે ઘડેલ કાયદાને આધીન, રાષ્ટ્રપતિની મરજી સુધી હોદો ભોગવી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક બંધારણીય છે. જયારે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી કે કેમ તે રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શેશાનના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રપતિએ બે અન્ય ચૂંટણી કમિશનરો, અનુક્રમે શ્રી ગીલ અને શ્રી કૃષ્ણમૂર્તિની નિમણૂક કરી હતી. શેષાને આ નિમણૂક પડકારતાં સર્વોચ્ચ અદાલતે આ બંને નિમણૂકો કાયદેસર ઠરાવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરને મળતું બંધારણીય રક્ષણ


1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને જે રીતે અને જે કારણસર હોદ્દા પરથી દૂર કરી શકાય તે રીતે અને તેવાં કારણો સિવાય, મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદા પરથી દૂર કરી શકાતા નથી.

2. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ, તેમને નુકસાન થાય તે રીતે, તેમની સેવા શરતોમાં ફેરફાર કરી શકાય નહીં.

3. કોઈ અન્ય ચૂંટણી કમિશનર કે પ્રાદેશિક કમિશનરને, મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય, હોદા પરથી દૂર કરી શકાય નહીં.


ચૂંટણી પંચનાં કાર્યો


1. સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓની તૈયારી કરવાની તેની ફરજ છે.

2. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિના હોદાઓની ચૂંટણીઓનું સંચાલન કરવાની ફરજ છે.

3. તમામ ચૂંટણીઓનાં સંચાલન ઉપરાંત દેખરેખ, નિર્દેશન અને નિયંત્રણ રાખવાની ફરજ છે.

4. સંસદસભ્યની ગેરલાયકાત વિશે રાષ્ટ્રપતિને અને રાજ્ય વિધાનમંડળના સભ્યની ગેરલાયકાત વિશે રાજ્યપાલને સલાહ આપવાની ચૂંટણી પંચની ફરજ છે.

ચૂંટણી પંચ સંસદ તેમજ રાજય વિધાનમંડળની મુક્ત અને યોગ્ય ચૂંટણીઓ યોજવાની જવાબદારી હેઠળ છે. જ્યારે વિધાનસભા ભંગ થાય, ત્યારે વિધાનસભાની છેલ્લી બેઠકની તારીખથી છ માસમાં ચૂંટણીઓ યોજવાની ચૂંટણી પંચની ફરજ વિશે વિવાદ થયો હતો. ગુજરાત વિધાનસભાની છેલ્લી બેઠક તા. 3 એપ્રિલ 2002ના રોજ મળી હતી. ગુજરાત વિધાનસભા તા. 19 જુલાઈ 2002ના રોજ ભંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ચૂંટણી પંચને 1 એપ્રિલથી 6 માસ ગણતાં તા. 3 ઓક્ટો. 2002 સુધીમાં ચૂંટણીઓ યોજવા આગ્રહ કર્યો હતો. ચૂંટણી પંચ માટે તે શકય ન હતું. ચૂંટણી પંચની દલીલ એવી હતી કે ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવા બાબત પોતે સ્વતંત્ર છે. રાષ્ટ્રપતિએ આ વિવાદનો સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રેફરન્સ કરેલ હતો. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના નિર્ણપનું સમર્થન કરેલ હતું.

ચૂંટણીઓ સંબંધમાં અન્ય બંધારણીય જોગવાઈઓ


અન્ય જોગવાઈઓ અનુચ્છેદ 325 થી 329માં આપવામાં આવેલ છે અને તે નીચે મુજબ છે :

1. કોઈ વ્યક્તિ, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લીંગભેદનાં કારણસર મતદાર યાદીમાં નામનો સમાવેશ કરવા ગેરલાયક બનશે નહીં, અથવા તે કારણસર ખાસ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા હક્કદાવો કરી શકશે નહીં.

2. લોકસભા અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણી પુખ્ત મતાધિકારનાં ધોરણે થશે. એટલે કે ભારતની
નાગરિક, નિયત તારીખે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરની અને કોઈ કાયદા હેઠળ બિનનિવાસી, મગજની અસ્થિરતા, ગુનાના અથવા ભ્રષ્ટ અથવા ગેરકાયદેસર આચરણનાં કારણસર ગેરલાયક ઠરાવાયેલ ન હોય તેવી દરેક વ્યક્તિ, ચૂંટણીમાં મતદાર તરીકે નોંધાવા હક્કદાર બને છે.

 3. સંસદના કોઈપણ ગૃહની અથવા રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહની ચૂંટણીઓ સંબંધમાં સંસદ વખતોવખત કાયદાથી જોગવાઈ કરી શકે.

4. રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહનીલ ચૂંટણી સંબંધમાં અથવા તેને સંબંધિત બાબતો સંબંધમાં રાજય વિધાનમંડળ વખતોવખત કાયદાથી જોગવાઈ કરી શકે.

5. મતદાર મંડળોના સીમાંકન સંબંધી કોઈ કાયદો અથવા બેઠકોની ફાળવણી સંબંધમાં કોઈ કાયદાની કાયદેસરના સામે વાંધો લઈ શકાતો નથી. ચૂંટણી તકરારના નિવારણ માટે Representation of People Act, 1951માં જોગવાઈ કરાયેલ છે.





ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર

ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર - Trade, commerce and interaction within the territory of India વિષે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે તેના વિષે આપણે વિગતવાર જાણવું જરૂરી છે.

ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર - Trade, commerce and interaction within the territory of India


મુક્ત વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહારમાં દરેક વેપારી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. જેમ કે, માલનું વેચાણ, ખરીદી, પરિવહન, ભાડેથી માલ પરિવહન વગેરે. વેપારીઓની વાણિજય લેવડ-દેવડ અને જમીન, રેલવે કે હવાઈ મારફત માલ વહનનો તેમાં સમાવેશ થાય છે. આમ, વેપારમાં ખરીદી અને વેચાણ ઉપરાંત તે અંગેની સંબંધિત તમામ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. તેમાં વસ્તુઓની અદલાબદલી અને માલની એક સ્થળેથી બીજાં સ્થળે હેરાફેરી કરવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે.

જયારે વેપારી પ્રવૃત્તિઓ એક રાજયના વિસ્તાર પૂરતી મર્યાદિત ન હોય, પરંતુ બીજા રાજયના વિસ્તારમાં પણ ફેલાયેલી હોય, તેને આંતરરાજય વેપાર કહેવામાં આવે છે. દા.ત., બિહાર રાજયમાંથી અન્ય રાજ્યોમાં હેરફેર, આસામમાંથી ચા અથવા લાકડાંની અન્ય રાજયમાં હેરફેર વગેરે આંતરરાજ્ય વાણિજય ગણાય. અનુચ્છેદ 301થી મુક્ત વેપાર, વાણિજય અને આંતરવ્યવહારની ખાતરી આપવામાં આવેલ છે. સર્વોચ્ચ અદાલતે આતિઆબારી કેસમાં ઠરાવેલ છે કે, માલની હેરફેર અને સીધા અંકુશો મૂકાયેલ હોય અને આવા અંકુશો અનુચ્છેદ 302 થી 305 હેઠળ વાજબી ગણી શકાય તેવા ન હોય, તો અનુચ્છેદ 301 હેઠળના વેપારી સ્વાતંત્ર્યનો ભંગ થાય છે. સ્ટેટ ઑફ તામિલનાડુ વિ. સંજિયા ટ્રેડિંગ કુ. ના કેસમાં રાજયની બહાર લાકડું મોકલવા પર રાજયે મૂકેલ સંપૂર્ણ પ્રતિબંધને કાયદેસર ઠરાવવામાં આવેલ. એમ. ડી. ચમારવાલા કેસમાં ઠરાવાયું છે કે, જણાર વેપારને અનુચ્છેદ 19(1)(જી) કે અનુચ્છેદ 301 હેઠળનું રક્ષણ મળી શકે નહીં.

  અનુચ્છેદ 302 હેઠળ અનીતિ કે અપ્રમાણિકતા પોષાતી હોય તેવા કોઈ પણ વેપાર પર સંસદ નિયંત્રણ મૂકી શકે છે. દા.ત., ગેરકાનૂની હેતુઓ માટે કોઈ ચીજ કે વસ્તુની આયાત-નિકાસ પર આ અનુચ્છેદ હેઠળ નિયંત્રણ મૂકી શકાય છે. નિયંત્રણ, અલબત, વાજબી હોવા જોઈએ. અનુચ્છેદ 304થી સમગ્ર ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને મુક્ત આંતરરાજ્ય વ્યવહાર સંબંધમાં બે અપવાદો ઉત્પન્ન કરવામાં આવેલ છે. એટલે કે, આ અનુચ્છેદથી વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂકવાની અને તેનું નિયમન કરવાની રાજ્ય વિધાનમંડળોને સત્તા અપાયેલ છે. રાજ્યમાં બનાવવામાં આવતા કે ઉત્પાદિત થતા માલસામાન અને અન્ય રાજયોમાંથી આયાત કરાતા માલસામાન વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. આ અનુચ્છેદ મુજબ, પોતાના રાજ્યમાં ઉત્પન્ન થતા માલને જે રીતે રાજય સ્વીકારે છે, તે જ રીતે બીજા રાજ્યમાંથી આયાત કરાતા તેવા માલને પણ રાજયે સ્વીકારવો જોઈએ. બીજા રાજયમાંથી આયાત થતા માલને ઉતરતી કક્ષાનો માલ ગણવા પર પ્રતિબંધ મૂકાયેલ છે.

જાહેર હિત માટે જરૂરી જણાય તો અનુચ્છેદ 304(B) હેઠળ, રાજ્યને રાજયની અંદર કે બહાર, વેપાર, વાણિજય અને આંતર વ્યવહારનાં સ્વાતંત્ર્ય પર, કાયદાથી વાજબી નિયંત્રણો મૂકવાની સત્તા અપાયેલ છે. પરંતુ, આવા નિયંત્રણો મૂકતો કોઈ ખરડો અથવા સુધારો, રાજ્ય વિધાનસભામાં મૂકતા પૂર્વે, રાષ્ટ્રપતિની પૂર્વપરવાનગી મેળવેલ હોવી જોઈએ. જો આવી પૂર્વપરવાનગી મેળવેલ ન હોય, તો અનુચ્છેદ 255, વિધાનસભામાં ખરડો કે સુધારો પસાર થયા બાદ રાષ્ટ્રપતિની પરવાનગી મેળવી શકાય છે. આવા નિયંત્રણો વાજબી છે કે કેમ તે ચકાસવાની અદાલતને સત્તા છે.


14/02/2024

મિલકતનો અધિકાર - Right to property

મિલકત અંગેના અધિકાર બાબતે અને કોઈ વ્યક્તિને કાનૂની સત્તા સિવાય મિલકતથી વંચિત કરી શકાય નહીં તે માટે મિલકત પરત્વેનો અધિકાર અંગે આપણે વિગતવાર જાણીયે.

મિલકતનો અધિકાર - Right to property


20 જૂન 1979 પહેલા મિલકતનો અધિકાર, મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ 19(1)(F) માં સમાવિષ્ટ હતો. બંધારણના 44મા સુધારાથી મિલકત અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલ છે. તેમજ 44મા સુધારાથી અનુચ્છેદ 31 પણ રદ કરાયેલ છે. આમ, મિલકતનો અધિકાર હવે મૂળભૂત અધિકાર તરીકે રહ્યો નથી . હવે તે બંધારણીય અધિકાર તરીકે છે. તમામ મૂળભૂત અધિકારો બંધારણીય અધિકારો છે. પરંતુ બંધારણીય અધિકાર મૂળભૂત અધિકાર હોઈ શકે અથવા ન પણ હોય. 


   મિલકત અધિકારની અનુચ્છેદ 300A માં જોગવાઈ કરાયેલ છે. અનુચ્છેદ 300A જણાવે છે કે કોઈ વ્યક્તિને કાનૂની સત્તા સિવાય મિલકતથી વંચિત કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે જીલુભાઈ નાનભાઈ ખાચર વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં ઠરાવેલ છે કે મિલકતનો અધિકાર મૂળભૂત માળખાનો ભાગ નથી. તે માત્ર બંધારણીય અધિકાર છે. રાજ્યને કોઈપણ ખાનગી વ્યક્તિની જાહેર હેતુ માટે મિલકત સંપાદન કરવાની સત્તા છે, પરંતુ રાજ્ય કાયદાની સત્તા હેઠળ જ તેમ કરી શકે. રાજ્ય વહીવટી હુકમથી કોઈ વ્યક્તિની મિલકત હસ્તગત કરી શકે નહીં. બિશનદાસ વિ. સ્ટેટ ઑફ પંજાબના કેસમાં આવકવેરાની લેણી રકમ વસૂલ લેવા અદાલતનો મનાઈહુકમ હતો. આમ છતાં રાજ્યના વહીવટી હુકમથી અરજદારની મિલકતનું વેચાણ કરવામાં આવેલ હતું. રાજ્યને આ રીતે મિલકત વેચાણ કરવાની સત્તા પણ ન હતી. આ કેસમાં ઠરાવાયું કે કાયદાની સત્તા વિના કરાયેલ કૃત્યથી અરજદારના મિલકત અધિકારનો ભંગ થયો છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે મિલકત અધિકાર માનવ અધિકાર છે અને તેથી કોઈ વ્યક્તિને તેના મિલકતના અધિકારથી વંચિત કરવા માટે કાયદાએ નિયત કરેલ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. "કાયદો" એટલે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળનો કાયદો, અથવા કાયદાનું બળ ધરાવતો નિયમ અથવા રિવાજ. કાયદો વાજબી, યોગ્ય અને ન્યાયી હોવો જોઈએ. આથી કોઈ વ્યક્તિને મિલકત અધિકારથી વંચિત કરવા માટે ઘડાયેલ કાયદાથી જો વળતર ચૂકવવા જોગવાઈ કરાયેલ ન હોય, તો આવો કાયદો ગેરબંધારણીય અને વ્યર્થ છે.

   જાહેર હેતુ માટે મિલકત સંપાદન કરવાની રાજ્યની સત્તાને અંગ્રેજીમાં Eminent Domain તરીકે ઓળખવામાં આવે છે. રાજયની આ સત્તા Sales populi est superenta lex (welfare of the people is the paramount law)અને necessita public major est equam (public necessity is greater than private) આ બે સૂત્રો પર આધારિત છે. રાજયને રસ્તાઓ, શાળા, ગ્રંથાલયો, કોલેજો, બસ કે રેલવે સ્ટેશન, વીજળીપર, ગ્રામ પંચાયત કે સરકારી કચેરી, ટેલિફોન સેવા, ડેમ વિગેરે માટે જગ્યાની જરૂર પડે છે. આ હેતુ માટે રાજય ખાનગી વ્યક્તિની મિલકત સંપાદિત કરે છે. પરંતુ રાજ્યની આ સત્તા પર બંધારણથી નિયંત્રણ મૂકાયું છે. આ નિયંત્રણ એટલે,

  • (એ) કાયદાની સત્તા સિવાય કોઈને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં અને

  • (બી) માત્ર જાહેર હેતુ માટે મિલકતનું સંપાદન કરી શકાય અને

  • (સી) યોગ્ય વળતર ચૂકવાવું જોઈએ.

'મિલકત' શબ્દનું પણ વિશાળ અર્થઘટન કરાયેલ છે. તેમાં ભૌતિક મિલકત ઉપરાંત મિલકતમાંના હિત, હિંદુ
મંદિરમાં મહંતગીરીનો અધિકાર, પેન્શન, ગ્રેચ્યુઇટી, કંપનીમાં કોઈ શેરહોલ્ડરનાં હિતનો પણ સમાવેશ થાય છે.
વઝીરચંદ વિ. સ્ટેટ ઑફ હિમાચલ પ્રદેશના કેસમાં સરકારે કોઈ જાતની સત્તા વિના અરજદારના કબજામાં રહેલ માલ જપ્ત કરેલ હતો. સર્વોચ્ચ અદાલતે તેને સ્પષ્ટપણે અરજદારના મિલકત અધિકારના ભંગ તરીકે કરાયેલ. આમ, રાજય, કોઈપણ વ્યક્તિને માત્ર કાયદાની સત્તાથી તેની મિલકતથી વંચિત કરી શકે. જો કાયદાથી સત્તા પ્રાપ્ત થતી ન હોય, તો રાજ્ય કોઈ વ્યક્તિને તેની મિલક્તથી વંચિત કરી શકે નહીં.