17/02/2024

મૂળભૂત ફરજો

મૂળભૂત ફરજો વિષે બંધારણ માં 42મા સુધારાથી “મૂળભૂત ફરજો" (અનુચ્છેદ 51A)નું પ્રકરણ બંધારણમાં નવું ઉમેરાયેલ છે. આપણે આ મૂળભૂત ફરજોનું સ્વરૂપ અને મહત્ત્વ સમજવા માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 51A હેઠળ ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો વિષે વિગતવાર જાણીયે.

બંધારણના 42મા સુધારાથી “મૂળભૂત ફરજો" (અનુચ્છેદ 51A)નું પ્રકરણ બંધારણમાં નવું ઉમેરાયેલ છે. આવી ફરજો કુલ 11 છે. અધિકારો અને ફરજો એક જ સિક્કાની બાજુઓ છે. આ મૂળભૂત ફરજો નીચે મુજબ છે. ભારતના દરેક નાગરિકની ફરજો નીચે મુજબ રહેશે :

    • (એ) બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની,
    • (બી) આઝાદી માટેની રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને હ્રદયમાં સંઘરવા અને તેને અનુસરવાની,
    • (સી) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની,
    • (ડી) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય ત્યારે તેમ કરવાની,
    • (ઈ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની, તથા ભાતૃભાવની ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિકારક વ્યવહારોનો ત્યાગ કરવાની,
    • (એફ) આપણી સંયોજિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની તથા તેનું રક્ષણ કરવાની,
    • (જી) વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો વચ્ચે અનુકંપા દર્શાવવાની,
    • (એચ) વૈજ્ઞાનિક માનસ, માનવવાદ અને જિજ્ઞાસાવૃત્તિ તથા સુધારાવાદની ભાવના કેળવવાની,
    • (આઈ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની,
    • (જે) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની,
    • (કે) જે પોતાના બાળકોના માતા-પિતા કે પાલ્યના વાલી હોય, તેની તેમના 6થી 14 વર્ષ વચ્ચેની ઉંમરના બાળક કે યથાપ્રસંગ, પાલ્યને શિક્ષણની તકોની જોગવાઈ કરવાની.

મૂળભૂત ફરજોનું મહત્ત્વ


સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે વાંચવા જોઈએ. એઈમ્સ સ્ટુડન્ટસ યુનિયન વિ. એઈમ્સના કેસમાં દરેક શાખામાં 50 ટકા અનામત તેમજ સંસ્થાગત 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈથી અનુચ્છેદ 14નો ભંગ થતો હોવાથી ગેરબંધારણીય ઠરાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મૂળભૂત ફરજો ભલે અમલપાત્ર (enforceable) બનાવાયેલ નથી, આમ છતાં અદાલત તેની ઉપેક્ષા કરી શકે નહીં. તેનું કારણ એ છે કે મૂળભૂત અધિકારીની જેમ જ આ ફરજો પણ મૂળભૂત છે. આ પ્રકરણ મુજબ દરેક નાગરિકની વૈજ્ઞાનિક માનસ અને માનવવાદ કેળવવાની ફરજ પણ નિયત કરાયેલ છે. આ પ્રકરણમાં રાજ્યની કોઈ મૂળભૂત ફરજ ઠરાવવામાં આવેલ નથી. આમ છતાં દરેક નાગરિકની મૂળભૂત ફરજ રાજ્યની સામૂહિક ફરજ બને છે. આથી અનામતનું ધોરણ વાજબી હોવું જોઈએ. અનામતનાં પ્રમાણનું વાજબીપણું નક્કી કરતી વખતે અદાલતે એ પરિબળ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે તેનાથી રાષ્ટ્ર કોઈ ઉચ્ચસ્તરે પહોંચી શકે તેમ છે કે કેમ ! મૂળભૂત ફરજો ભલે અમલપાત્ર નથી. આમ છતાં, બંધારણીય અને કાનૂની મુદાઓનાં અર્થઘટન વખતે તે કિંમતી સહાય પૂરી પાડે છે. કોઈપણ શંકાના પ્રસંગે અદાલત અનુચ્છેદ 51A નો સહારો લઈ શકે છે.

અનિલ પી. નહાટે વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્રના કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણ બાળકોનો મૂળભૂત અધિકાર છે. આ અનુચ્છેદનું પાલન કરવાની જવાબદારી માત્ર રાજ્યની નહીં, પરંતુ અનુચ્છેદ 51A (કે) હેઠળ વાલીઓ તેમજ બાળકો પર પણ મૂકવામાં આવી છે. એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 51(A)(જી) હેઠળ દેશની તમામ શિક્ષણ સંસ્થાઓમાં પર્યાવરણ રક્ષણ સંબંધમાં દર અઠવાડિયે એક કલાક માટે પાઠ શીખવવાની રાજયની ફરજ છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે અનુચ્છેદ 51 (A)(એચ) તેમજ (જે) સિદ્ધ કરવા માટે શિક્ષણની જરૂર છે.

ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા વિ. જ્યોર્જ ફિલીપના કેસમાં સામાવાળાએ પોતાને નોકરીમાંથી ફરજિયાત નિવૃત્ત
કરવાના હુકમને પડકાર્યો હતો. તેને વિદેશમાં સંશોધન તાલીમ માટે બે વર્ષની રજા મંજૂર કરવામાં આવી હતી. તેને પત્રો લખવા છતાં બે વર્ષ પૂરા થયા બાદ પોતાની ફરજ પર તે હાજર થયો ન હતો અને વિદેશમાં રોકાણ કરેલ હતું. સરકારે તેની સાથે તપાસ યોજી તેની ફરજિયાત નિવૃત્તિનો હુકમ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ તેને વિના વેતન પુનઃ નોકરીમાં લેવા સરકાર વિરૂદ્ધ હુકમ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટનો હુકમ રદ  કરતા ઠરાવેલ કે અનુચ્છેદ 51A(જે) હેઠળ દરેક નાગરિકની રાષ્ટ્ર પુરૂષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતુ રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની ફરજ ઠરાવવામાં આવી છે. જો કર્મચારી પોતાની ફરજમાં શિસ્ત અને નિષ્ઠા દાખવે નહી. તો આવી ફરજનું પાલન કયારેય શકય ન બને. આ કેસમાં ઠરાવાયું કે મૂળભૂત ફરજોનો હેતુ માર્યો જાય તેવા હુકમો અદાલતે કરવા જોઈએ નહી