15/02/2024

ચૂંટણીઓ - Election Rule

ચૂંટણી પંચની રચના અને મુખ્ય ચૂંટણી કમિશનરના બંધારણીય સ્થાન તથા ચૂંટણીઓને લગતા બંધારણીય પ્રબંધો અને ચૂંટણી પંચનાં કાર્યો.અને મુખ્ય ચૂંટણી કમિશનરને કયાં બંધારણીય રક્ષણો ઉપલબ્ધ છે ? તેના વિષે વિગતવાર સમજીયે. 


ચૂંટણી પંચની રચના અને કાર્યો


અનુચ્છેદ 324થી ચૂંટણી પંચની રચના વિશે જોગવાઈ કરાયેલ છે. ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિ વખતોવખત નક્કી કરે તેટલા અન્ય ચૂંટણી કમિશનરોનું બનેલ હોય છે. જયારે બીજો કોઈ ચૂંટણી કમિશનર નીમવામાં આવે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર, અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત અન્ય ચૂંટણી કમિશનર નીમવાની સત્તા રાષ્ટ્રપતિને છે. અન્ય ચૂંટણી કમિશનરોને મુખ્ય ચૂંટણી કમિશનર જેવી સત્તા હોતી નથી. તેઓ આ સંબંધમાં સંસદે ઘડેલ કાયદાને આધીન, રાષ્ટ્રપતિની મરજી સુધી હોદો ભોગવી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક બંધારણીય છે. જયારે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી કે કેમ તે રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શેશાનના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રપતિએ બે અન્ય ચૂંટણી કમિશનરો, અનુક્રમે શ્રી ગીલ અને શ્રી કૃષ્ણમૂર્તિની નિમણૂક કરી હતી. શેષાને આ નિમણૂક પડકારતાં સર્વોચ્ચ અદાલતે આ બંને નિમણૂકો કાયદેસર ઠરાવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરને મળતું બંધારણીય રક્ષણ


1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને જે રીતે અને જે કારણસર હોદ્દા પરથી દૂર કરી શકાય તે રીતે અને તેવાં કારણો સિવાય, મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદા પરથી દૂર કરી શકાતા નથી.

2. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ, તેમને નુકસાન થાય તે રીતે, તેમની સેવા શરતોમાં ફેરફાર કરી શકાય નહીં.

3. કોઈ અન્ય ચૂંટણી કમિશનર કે પ્રાદેશિક કમિશનરને, મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય, હોદા પરથી દૂર કરી શકાય નહીં.


ચૂંટણી પંચનાં કાર્યો


1. સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓની તૈયારી કરવાની તેની ફરજ છે.

2. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિના હોદાઓની ચૂંટણીઓનું સંચાલન કરવાની ફરજ છે.

3. તમામ ચૂંટણીઓનાં સંચાલન ઉપરાંત દેખરેખ, નિર્દેશન અને નિયંત્રણ રાખવાની ફરજ છે.

4. સંસદસભ્યની ગેરલાયકાત વિશે રાષ્ટ્રપતિને અને રાજ્ય વિધાનમંડળના સભ્યની ગેરલાયકાત વિશે રાજ્યપાલને સલાહ આપવાની ચૂંટણી પંચની ફરજ છે.

ચૂંટણી પંચ સંસદ તેમજ રાજય વિધાનમંડળની મુક્ત અને યોગ્ય ચૂંટણીઓ યોજવાની જવાબદારી હેઠળ છે. જ્યારે વિધાનસભા ભંગ થાય, ત્યારે વિધાનસભાની છેલ્લી બેઠકની તારીખથી છ માસમાં ચૂંટણીઓ યોજવાની ચૂંટણી પંચની ફરજ વિશે વિવાદ થયો હતો. ગુજરાત વિધાનસભાની છેલ્લી બેઠક તા. 3 એપ્રિલ 2002ના રોજ મળી હતી. ગુજરાત વિધાનસભા તા. 19 જુલાઈ 2002ના રોજ ભંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ચૂંટણી પંચને 1 એપ્રિલથી 6 માસ ગણતાં તા. 3 ઓક્ટો. 2002 સુધીમાં ચૂંટણીઓ યોજવા આગ્રહ કર્યો હતો. ચૂંટણી પંચ માટે તે શકય ન હતું. ચૂંટણી પંચની દલીલ એવી હતી કે ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવા બાબત પોતે સ્વતંત્ર છે. રાષ્ટ્રપતિએ આ વિવાદનો સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રેફરન્સ કરેલ હતો. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના નિર્ણપનું સમર્થન કરેલ હતું.

ચૂંટણીઓ સંબંધમાં અન્ય બંધારણીય જોગવાઈઓ


અન્ય જોગવાઈઓ અનુચ્છેદ 325 થી 329માં આપવામાં આવેલ છે અને તે નીચે મુજબ છે :

1. કોઈ વ્યક્તિ, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લીંગભેદનાં કારણસર મતદાર યાદીમાં નામનો સમાવેશ કરવા ગેરલાયક બનશે નહીં, અથવા તે કારણસર ખાસ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા હક્કદાવો કરી શકશે નહીં.

2. લોકસભા અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણી પુખ્ત મતાધિકારનાં ધોરણે થશે. એટલે કે ભારતની
નાગરિક, નિયત તારીખે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરની અને કોઈ કાયદા હેઠળ બિનનિવાસી, મગજની અસ્થિરતા, ગુનાના અથવા ભ્રષ્ટ અથવા ગેરકાયદેસર આચરણનાં કારણસર ગેરલાયક ઠરાવાયેલ ન હોય તેવી દરેક વ્યક્તિ, ચૂંટણીમાં મતદાર તરીકે નોંધાવા હક્કદાર બને છે.

 3. સંસદના કોઈપણ ગૃહની અથવા રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહની ચૂંટણીઓ સંબંધમાં સંસદ વખતોવખત કાયદાથી જોગવાઈ કરી શકે.

4. રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહનીલ ચૂંટણી સંબંધમાં અથવા તેને સંબંધિત બાબતો સંબંધમાં રાજય વિધાનમંડળ વખતોવખત કાયદાથી જોગવાઈ કરી શકે.

5. મતદાર મંડળોના સીમાંકન સંબંધી કોઈ કાયદો અથવા બેઠકોની ફાળવણી સંબંધમાં કોઈ કાયદાની કાયદેસરના સામે વાંધો લઈ શકાતો નથી. ચૂંટણી તકરારના નિવારણ માટે Representation of People Act, 1951માં જોગવાઈ કરાયેલ છે.