15/02/2024

ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર

ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર - Trade, commerce and interaction within the territory of India વિષે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે તેના વિષે આપણે વિગતવાર જાણવું જરૂરી છે.

ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર - Trade, commerce and interaction within the territory of India


મુક્ત વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહારમાં દરેક વેપારી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. જેમ કે, માલનું વેચાણ, ખરીદી, પરિવહન, ભાડેથી માલ પરિવહન વગેરે. વેપારીઓની વાણિજય લેવડ-દેવડ અને જમીન, રેલવે કે હવાઈ મારફત માલ વહનનો તેમાં સમાવેશ થાય છે. આમ, વેપારમાં ખરીદી અને વેચાણ ઉપરાંત તે અંગેની સંબંધિત તમામ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. તેમાં વસ્તુઓની અદલાબદલી અને માલની એક સ્થળેથી બીજાં સ્થળે હેરાફેરી કરવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે.

જયારે વેપારી પ્રવૃત્તિઓ એક રાજયના વિસ્તાર પૂરતી મર્યાદિત ન હોય, પરંતુ બીજા રાજયના વિસ્તારમાં પણ ફેલાયેલી હોય, તેને આંતરરાજય વેપાર કહેવામાં આવે છે. દા.ત., બિહાર રાજયમાંથી અન્ય રાજ્યોમાં હેરફેર, આસામમાંથી ચા અથવા લાકડાંની અન્ય રાજયમાં હેરફેર વગેરે આંતરરાજ્ય વાણિજય ગણાય. અનુચ્છેદ 301થી મુક્ત વેપાર, વાણિજય અને આંતરવ્યવહારની ખાતરી આપવામાં આવેલ છે. સર્વોચ્ચ અદાલતે આતિઆબારી કેસમાં ઠરાવેલ છે કે, માલની હેરફેર અને સીધા અંકુશો મૂકાયેલ હોય અને આવા અંકુશો અનુચ્છેદ 302 થી 305 હેઠળ વાજબી ગણી શકાય તેવા ન હોય, તો અનુચ્છેદ 301 હેઠળના વેપારી સ્વાતંત્ર્યનો ભંગ થાય છે. સ્ટેટ ઑફ તામિલનાડુ વિ. સંજિયા ટ્રેડિંગ કુ. ના કેસમાં રાજયની બહાર લાકડું મોકલવા પર રાજયે મૂકેલ સંપૂર્ણ પ્રતિબંધને કાયદેસર ઠરાવવામાં આવેલ. એમ. ડી. ચમારવાલા કેસમાં ઠરાવાયું છે કે, જણાર વેપારને અનુચ્છેદ 19(1)(જી) કે અનુચ્છેદ 301 હેઠળનું રક્ષણ મળી શકે નહીં.

  અનુચ્છેદ 302 હેઠળ અનીતિ કે અપ્રમાણિકતા પોષાતી હોય તેવા કોઈ પણ વેપાર પર સંસદ નિયંત્રણ મૂકી શકે છે. દા.ત., ગેરકાનૂની હેતુઓ માટે કોઈ ચીજ કે વસ્તુની આયાત-નિકાસ પર આ અનુચ્છેદ હેઠળ નિયંત્રણ મૂકી શકાય છે. નિયંત્રણ, અલબત, વાજબી હોવા જોઈએ. અનુચ્છેદ 304થી સમગ્ર ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને મુક્ત આંતરરાજ્ય વ્યવહાર સંબંધમાં બે અપવાદો ઉત્પન્ન કરવામાં આવેલ છે. એટલે કે, આ અનુચ્છેદથી વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂકવાની અને તેનું નિયમન કરવાની રાજ્ય વિધાનમંડળોને સત્તા અપાયેલ છે. રાજ્યમાં બનાવવામાં આવતા કે ઉત્પાદિત થતા માલસામાન અને અન્ય રાજયોમાંથી આયાત કરાતા માલસામાન વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. આ અનુચ્છેદ મુજબ, પોતાના રાજ્યમાં ઉત્પન્ન થતા માલને જે રીતે રાજય સ્વીકારે છે, તે જ રીતે બીજા રાજ્યમાંથી આયાત કરાતા તેવા માલને પણ રાજયે સ્વીકારવો જોઈએ. બીજા રાજયમાંથી આયાત થતા માલને ઉતરતી કક્ષાનો માલ ગણવા પર પ્રતિબંધ મૂકાયેલ છે.

જાહેર હિત માટે જરૂરી જણાય તો અનુચ્છેદ 304(B) હેઠળ, રાજ્યને રાજયની અંદર કે બહાર, વેપાર, વાણિજય અને આંતર વ્યવહારનાં સ્વાતંત્ર્ય પર, કાયદાથી વાજબી નિયંત્રણો મૂકવાની સત્તા અપાયેલ છે. પરંતુ, આવા નિયંત્રણો મૂકતો કોઈ ખરડો અથવા સુધારો, રાજ્ય વિધાનસભામાં મૂકતા પૂર્વે, રાષ્ટ્રપતિની પૂર્વપરવાનગી મેળવેલ હોવી જોઈએ. જો આવી પૂર્વપરવાનગી મેળવેલ ન હોય, તો અનુચ્છેદ 255, વિધાનસભામાં ખરડો કે સુધારો પસાર થયા બાદ રાષ્ટ્રપતિની પરવાનગી મેળવી શકાય છે. આવા નિયંત્રણો વાજબી છે કે કેમ તે ચકાસવાની અદાલતને સત્તા છે.