14/02/2024

મિલકતનો અધિકાર - Right to property

મિલકત અંગેના અધિકાર બાબતે અને કોઈ વ્યક્તિને કાનૂની સત્તા સિવાય મિલકતથી વંચિત કરી શકાય નહીં તે માટે મિલકત પરત્વેનો અધિકાર અંગે આપણે વિગતવાર જાણીયે.

મિલકતનો અધિકાર - Right to property


20 જૂન 1979 પહેલા મિલકતનો અધિકાર, મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ 19(1)(F) માં સમાવિષ્ટ હતો. બંધારણના 44મા સુધારાથી મિલકત અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલ છે. તેમજ 44મા સુધારાથી અનુચ્છેદ 31 પણ રદ કરાયેલ છે. આમ, મિલકતનો અધિકાર હવે મૂળભૂત અધિકાર તરીકે રહ્યો નથી . હવે તે બંધારણીય અધિકાર તરીકે છે. તમામ મૂળભૂત અધિકારો બંધારણીય અધિકારો છે. પરંતુ બંધારણીય અધિકાર મૂળભૂત અધિકાર હોઈ શકે અથવા ન પણ હોય. 


   મિલકત અધિકારની અનુચ્છેદ 300A માં જોગવાઈ કરાયેલ છે. અનુચ્છેદ 300A જણાવે છે કે કોઈ વ્યક્તિને કાનૂની સત્તા સિવાય મિલકતથી વંચિત કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે જીલુભાઈ નાનભાઈ ખાચર વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં ઠરાવેલ છે કે મિલકતનો અધિકાર મૂળભૂત માળખાનો ભાગ નથી. તે માત્ર બંધારણીય અધિકાર છે. રાજ્યને કોઈપણ ખાનગી વ્યક્તિની જાહેર હેતુ માટે મિલકત સંપાદન કરવાની સત્તા છે, પરંતુ રાજ્ય કાયદાની સત્તા હેઠળ જ તેમ કરી શકે. રાજ્ય વહીવટી હુકમથી કોઈ વ્યક્તિની મિલકત હસ્તગત કરી શકે નહીં. બિશનદાસ વિ. સ્ટેટ ઑફ પંજાબના કેસમાં આવકવેરાની લેણી રકમ વસૂલ લેવા અદાલતનો મનાઈહુકમ હતો. આમ છતાં રાજ્યના વહીવટી હુકમથી અરજદારની મિલકતનું વેચાણ કરવામાં આવેલ હતું. રાજ્યને આ રીતે મિલકત વેચાણ કરવાની સત્તા પણ ન હતી. આ કેસમાં ઠરાવાયું કે કાયદાની સત્તા વિના કરાયેલ કૃત્યથી અરજદારના મિલકત અધિકારનો ભંગ થયો છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે મિલકત અધિકાર માનવ અધિકાર છે અને તેથી કોઈ વ્યક્તિને તેના મિલકતના અધિકારથી વંચિત કરવા માટે કાયદાએ નિયત કરેલ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. "કાયદો" એટલે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળનો કાયદો, અથવા કાયદાનું બળ ધરાવતો નિયમ અથવા રિવાજ. કાયદો વાજબી, યોગ્ય અને ન્યાયી હોવો જોઈએ. આથી કોઈ વ્યક્તિને મિલકત અધિકારથી વંચિત કરવા માટે ઘડાયેલ કાયદાથી જો વળતર ચૂકવવા જોગવાઈ કરાયેલ ન હોય, તો આવો કાયદો ગેરબંધારણીય અને વ્યર્થ છે.

   જાહેર હેતુ માટે મિલકત સંપાદન કરવાની રાજ્યની સત્તાને અંગ્રેજીમાં Eminent Domain તરીકે ઓળખવામાં આવે છે. રાજયની આ સત્તા Sales populi est superenta lex (welfare of the people is the paramount law)અને necessita public major est equam (public necessity is greater than private) આ બે સૂત્રો પર આધારિત છે. રાજયને રસ્તાઓ, શાળા, ગ્રંથાલયો, કોલેજો, બસ કે રેલવે સ્ટેશન, વીજળીપર, ગ્રામ પંચાયત કે સરકારી કચેરી, ટેલિફોન સેવા, ડેમ વિગેરે માટે જગ્યાની જરૂર પડે છે. આ હેતુ માટે રાજય ખાનગી વ્યક્તિની મિલકત સંપાદિત કરે છે. પરંતુ રાજ્યની આ સત્તા પર બંધારણથી નિયંત્રણ મૂકાયું છે. આ નિયંત્રણ એટલે,

  • (એ) કાયદાની સત્તા સિવાય કોઈને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં અને

  • (બી) માત્ર જાહેર હેતુ માટે મિલકતનું સંપાદન કરી શકાય અને

  • (સી) યોગ્ય વળતર ચૂકવાવું જોઈએ.

'મિલકત' શબ્દનું પણ વિશાળ અર્થઘટન કરાયેલ છે. તેમાં ભૌતિક મિલકત ઉપરાંત મિલકતમાંના હિત, હિંદુ
મંદિરમાં મહંતગીરીનો અધિકાર, પેન્શન, ગ્રેચ્યુઇટી, કંપનીમાં કોઈ શેરહોલ્ડરનાં હિતનો પણ સમાવેશ થાય છે.
વઝીરચંદ વિ. સ્ટેટ ઑફ હિમાચલ પ્રદેશના કેસમાં સરકારે કોઈ જાતની સત્તા વિના અરજદારના કબજામાં રહેલ માલ જપ્ત કરેલ હતો. સર્વોચ્ચ અદાલતે તેને સ્પષ્ટપણે અરજદારના મિલકત અધિકારના ભંગ તરીકે કરાયેલ. આમ, રાજય, કોઈપણ વ્યક્તિને માત્ર કાયદાની સત્તાથી તેની મિલકતથી વંચિત કરી શકે. જો કાયદાથી સત્તા પ્રાપ્ત થતી ન હોય, તો રાજ્ય કોઈ વ્યક્તિને તેની મિલક્તથી વંચિત કરી શકે નહીં.