કેટલાક ચોક્કસ વર્ગો સંબંધમાં ભારતીય બંધારણની ખાસ કાયદાની જોગવાઈઓ અને રાજ્ય હેઠળની નોકરીઓમાં નિમણૂકો અથવા જગ્યાઓ અનામત રાખવાની કાયદાની જોગવાઈ તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સંબંધી નોકરીમાં નિમણૂક અને અનામત રાખવા સંબંધી બંધારણીય જોગવાઈઓ તથા પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ અને અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ અને બંધારણ દ્વારા બક્ષવામાં આવેલ અધિકારોમાં નબળા વર્ગ, અનુ. જાતિ, અનુ.જનજાતિ અને પછાત વર્ગના લોકોને ન્યાય અંગેની જોગવાઈઓ વિષે વિગતવાર જાણીયે
ચોક્કસ વર્ગો સંબંધમાં અનુચ્છેદો 330 થી 342 માં જોગવાઈ કરવામાં આવેલ છે. તેનો સારાંશ નીચે મુજબ છે.
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકોનું આરક્ષણ
લોકસભામાં -
- (એ) અનુસૂચિત જાતિઓ,
- (ભી) આસામની અનુસૂચિત આદિ જાતિઓ સિવાયની અનુસૂચિત આદિજાતિઓ,
- (સી) આસામના સ્વાયત જિલ્લાઓમાં અનુસુચિત આદિ જાતિઓ
- માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ
જો રાષ્ટ્રપતિનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન જાતિને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળેલ નથી, તો તેઓ તે જાતિના વધુમાં વધુ બે સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકે.
રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકોનું આરક્ષણ
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને (આસામના સ્વાયત જીલ્લાઓમાંની અનુસૂચિત આદિજાતિઓ સિવાય) અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
આસામ રાજ્યની વિધાનસભામાં પણ અનુસૂચિત જાતિઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
રાજ્યની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ
જો કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો મત હોય કે રાજ્ય વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને પૂરતું પ્રતિનિધિત્વ મળેલ નથી, તો તેઓ તે જાતિના એક સભ્યને વિધાનસભામાં નિયુક્ત કરી શકે.
બેઠકોનું આરક્ષણ અને ખાસ પ્રતિનિધિત્વ બંધ થવાની જોગવાઈ
(એ) લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિ જાતિઓ માટે બેઠકોનું આરક્ષણ અને
(બી) લોકસભા અને રાજ્ય વિધાનસભામાં નિમણૂક દ્વારા એંગ્લો ઈન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ
આ બંધારણના આરંભથી સિત્તેર વર્ષ પૂરા થયે બંધ થશે. એટલે કે હાલે આ આરક્ષણ અને ખાસ પ્રતિનિધિત્વ 26 જાન્યુ. 2020 બાદ પૂર્ણ થશે. પરંતુ ત્યારબાદ પણ આ મુદત વધારવામાં આવેલ હોવાની માહિતી છે.
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ
અનુચ્છેદ 238 જણાવે છે કે અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય પંચ તરીકે ઓળખાનારું અનુસૂચિત જાતિઓ માટે એક પંચ રહેશે. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત પાંચ સભ્યો રહેશે. આ પંચ અનુસૂચિત જાતિઓની સલામતી સાથે સંબંધિત તમામ બાબતોનું અન્વેષણ, વ્યવસ્થા અને આવી સલામતની કામગીરીની સમીક્ષા કરશે. આ બાબતે થયેલ ફરિયાદોની પણ તે તપાસ કરશે. તે રાજયમાં વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે. અનુસૂચિત જાતિઓનાં રક્ષણ, કલ્યાણ, સામાજિક, આર્થિક વિકાસ માટે કેન્દ્ર તેમજ રાજ્યોને સલાહ આપશે. ફરિયાદની તપાસ કરતી વખતે પંચને, દાવાની ઈન્સાફી કાર્યવાહી કરનાર દીવાની અદાલતની તમામ સત્તાઓ રહેશે. એટલે કે પંચને ભારતના કોઈપણ ભાગમાંથી કોઈ વ્યક્તિને બોલાવી તેની હાજરીની ફરજ પાડીને અને તેને સોગંદ પર તપાસવાની સત્તા રહેશે. તે સોગંદનામા પર પુરાવો સ્વીકારી શકે છે. કોઈપણ દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકે છે.
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય પંચ
Nઅનુચ્છેદ 338A જણાવે છે કે અનુસૂચિત જનજાતિઓ (કે આદિ જાતિઓ) માટે રાષ્ટ્રીય પંચ તરીકે ઓળખાનારું અનુસૂચિત જનજાતિઓ માટે એક પંચ રહેશે. તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત પાંચ સભ્યો રહેશે. તેમની સેવાની શરતો, હોદાની મુદત વગેરે રાષ્ટ્રપતિ નક્કી કરે છે. આ પંચ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ જેવી જ સત્તાઓ ધરાવે છે. આ સત્તાઓ આ ઉપર નિર્દિષ્ટ કરાયેલ છે.
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત જાતિઓના કલ્યાણ પર કેન્દ્રનું નિયંત્રણ
અનુચ્છેદ 339 જણાવે છે કે રાષ્ટ્રપતિ, રાજ્યના અનુસૂચિત વિસ્તારોના અને અનુસૂચિત આદિજાતિઓનાં કલ્યાણ માટે એક પંચ નીમી શકે અને બંધારણ પ્રારંભને દસ વર્ષ પૂરા થયે તેઓ પોતાના સુકમથી આવા પંચની નિમણૂક કરશે. કેન્દ્રની કારોબારી સત્તા, કોઈ રાજ્યને તે રાજયની અનુસૂચિત આદિ જાતિના કલ્યાણ માટે જરૂરી હોય તેવી આદેશમાં નિર્દિષ્ટ કરાયેલ યોજનાઓ તૈયાર કરવા અને તેનો અમલ કરવાના આદેશો આપવા સુધી વિસ્તરશે.
પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે પંચની નિમણૂક
ભારતના પ્રદેશમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિ અને તેમણે સહન કરવી પડતી મુશ્કેલીઓની તપાસ કરવા અને આવી મુશ્કેલીઓના નિવારણ અને તેમની સ્થિતિ સુધારવા ભલામણો કરવા માટે રાષ્ટ્રપતિને પંચ નીમવાની સત્તા છે. આ અનુચ્છેદ હેઠળ બે પંચોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રથમ પંચ કાકા કાલેલકરની અધ્યક્ષતામાં 1953મા નિમાયેલ હતું. તેમની ભલામણો પર કોઈ પગલાં લેવાયા ન હતા. બીજું પંચ બી.પી.માંડલની અધ્યક્ષતામાં 1978માં નિમાયેલ હતું. માંડલ પંચની ભલામણ મુજબ પછાત વર્ગો માટે 27 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવેલ છે. માંડલ પંચની ભલામણોના આધારે પ્રગટ કરાયેલ જાહેરનામું સર્વોચ્ચ અદાલતે કાયદેસર ઠરાવેલ છે.
તદ્ઉપરાંત સંસદે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચ ધારો (National Commission for Backward Classes Act), 1993 પસાર કરેલ છે.
અનુસૂચિત જાતિઓનો નિર્ણય
કઈ જ્ઞાતિઓ કે જાતિઓ કે આદિ જાતિઓના કયા ભાગોને બંધારણના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી, તે નક્કી કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવેલ છે.
અનુસૂચિત આદિ જાતિઓનો નિર્ણય
કઈ આદિ જાતિઓનું અથવા આદિ જાતિ સમૂહ અથવા આદિ જાતિ અથવા આદિ જાતિઓના સમૂહના કયા ભાગ અથવા કયા જૂથોને અનુસૂચિત આદિ જાતિ તરીકે માનવી, તેનો નિર્ણય કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે.