રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગને કારણે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે છે આ વિષે કાયદા અનુસાર કટોકટી એટલે શું? રાષ્ટ્રીય કટોકટી મૂકવાનાં કારણો અને અસરો અને કટોકટી અંગેની કાયદાની જોગવાઈઓ તથા અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ઉદઘોષણા અને તેની કાર્યરીતિ અને આર્ટિકલ 356 હેઠળ રાજ્ય સરકારને ક્યારે દૂર કરી શકાય ? અને અનુચ્છેદ 356 હેઠળ રાજ્યમાં કટોકટીની જાહેરાત ક્યારે થઈ શકે? આ કટોકટીની જાહેરાત ક્યારે પાછી ખેંચી શકાય ?, રાજયમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે દાખલ કરી શકાય ? વગેરે વિષે વિગતવાર જાણીયે.
કટોકટીના પ્રકારો
અનુચ્છેદ 352 થી 360માં ત્રણ પ્રકારની કટોકટી વિશે જોગવાઈ કરવામાં આવેલ છે :
- 1. યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી,
- 2. રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી.
- 3. નાણાકીય કટોકટી.
હવે દરેક પ્રકાર વિશે વિગત જોઈએ.
1. યુદ્ધ, બાહ્ય આક્રમણ તથા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી
આ સંબંધમાં અનુચ્છેદ 352માં જોગવાઈ કરાયેલ છે. અનુચ્છેદ 352 (1) હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામું એટલે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાના પ્રસંગે પ્રગટ કરાયેલ જાહેરનામું. તેમાં ઉપર જણાવેલ અન્ય બે પ્રકારની કટોકટીનો સમાવેશ થતો નથી.
44માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 352માં એમ જોગવાઈ કરાયેલ છે કે મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે જ રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352(1) હેઠળ જાહેરનામું પ્રગટ કરી શકે. અનુચ્છેદ 352(3)માં સ્પષ્ટ જણાવાયેલ છે. કે જો રાષ્ટ્રપતિને એમ ખાત્રી થાય કે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાનો તાત્કાલિક ભય છે અને તેનાથી ભારતની સલામતીને ખતરો છે, તો આવું યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ર બળવો થયા અગાઉ પણ રાષ્ટ્રપતિ કટોકટીનું જાહેરનામું પ્રગટ કરી શકે.
સમયમર્યાદા
કટોકટીનું જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરવાનું હોય છે. રજૂ કરાયેલ જાહેરનામાં સંબંધમાં સંસદનું ગૃહ નીચેનામાંથી કોઈપણ એક માત્ર પસંદ કરી શકે :
- (એ) ઠરાવ પસાર કરી કટોકટીનું જાહેરનામું માન્ય રાખી શકે, અથવા
- (બી) કોઈ પગલાં લેવાનું પસંદ ન કરે, અથવા
- (સી) કટોકટીનું જાહેરનામું નામંજૂર કરે.
જયારે સંસદના બંને ગૃહો કટોકટીના જાહેરનામાને મંજૂર કરતો ઠરાવ પસાર કરે ત્યારે આવા ઠરાવની તારીખથી કટોકટીનું જાહેરનામું 6 માસ સુધી અમલમાં રહે છે. ત્યારબાદ દરેક 6 માસે આ જ પ્રકારનો ઠરાવ પસાર કરીને સંસદ કટોકટીના જાહેરનામાની સમયમર્યાદા લંબાવી શકે છે. જો સંસદનું એક જ ગૃહ જાહેરનામાને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કરે, તો એક માસ બાદ જાહેરનામાનો અમલ બંધ થાય છે. જો સંસદનું એકપણ ગૃહ કટોકટીના જાહેરનામા સંબંધમાં કોઈ કાર્યવાહી ન કરે, તો એક માસ બાદ જાહેરનામાનો અંત આવે છે. પરંતુ જો લોકસભા જાહેરનામું નામંજૂર કરે, તો રાષ્ટ્રપતિ તરત જ જાહેરનામું રદ કરશે.
કટોકટીના જાહેરનામાની અસરો
કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન સંઘની કારોબારી સત્તા, રાજ્યને તેની કારોબારી સત્તાનો ઉપયોગ કરવા બાબતમાં આદેશો આપવા સુધી વિસ્તરે છે. તે જ રીતે, આ સમયગાળા દરમ્યાન સંઘને, અનુચ્છેદ 250 પ્રમાણે રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ વિષયો સંબંધમાં પણ કાયદા ઘડવાની સત્તા પ્રાપ્ત થાય છે. જો સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય અને કટોકટીનું જાહેરનામું અમલમાં હોય, તો તે સમયગાળા દરમ્યાન રાષ્ટ્રપતિ રાજય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈપણ વિષય સંબંધમાં વટહુકમ (Ordinance) પ્રગટ કરી શકે.
કટોકટીનું જાહેરનામું અમલમાં હોય તે દરમ્યાન રાષ્ટ્રપતિ હુકમ કરીને અનુચ્છેદો 268 થી 279 માં નિર્દિષ્ટ કરાયેલ નાણાકીય વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 358 હેઠળ અનુચ્છેદ 19નો અમલ પણ મોકુફ રાખી શકે છે. તદ્ઉપરાંત રાષ્ટ્રપતિ, કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અદાલત મારફત અમલ કરાવવાનો અધિકાર મોકૂફ રાખી શકે છે.
2. રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી
અનુચ્છેદ 356 માં આ પ્રકારની કટોકટી વિશે જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ હેઠળનું જાહેરનામું પ્રગટ કરતા અગાઉ રાષ્ટ્રપતિને, રાજયપાલના અહેવાલ પરથી અથવા અન્ય રીતે એમ ખાત્રી થવી જોઈએ કે તે રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે કે જેનાથી બંધારણની જોગવાઈઓ પ્રમાણે રાજ્યનું શાસન ચાલી શકે તેમ નથી. જ્યારે રાજકીય અસ્થિરતાના કારણે રાજયમાં સરકાર સ્થાયી બનતી ન હોય, ધારાસભા બહુમતી પક્ષના નેતાની વરણી થઈ શકતી ન હોય, તેવા પ્રસંગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય છે. કેન્દ્ર તરફથી રાજ્યને કોઈ આદેશ અપાયેલ હોય અને રાજ્ય તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય.
એસ. આર. બોમ્બાઈ કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 356 હેઠળનું જાહેરનામું ત્યારે પ્રગટ કરી શકાય કે જ્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ કે જેમાં બંધારણની જોગવાઈઓ અનુસાર શાસન ચાલી શકે તેમ ન હોય. તેનો અર્થ એમ નથી કે શાસન ચલાવવું અશક્ય છે. કયા સંજોગોમાં બંધારણ જોગવાઈઓ અનુસાર શાસન ચલાવવાનું શક્ય નથી તેની સંપૂર્ણ યાદી આપવાનું શક્ય નથી. પરંતુ -
- (એ) કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા,
- (બી) રાજ્ય સરકારના વ્યવહારોમાં ભયંકર ગેરવ્યવસ્થા,
- (સી) ભ્રષ્ટાચાર અથવા સત્તાનો દુરુપયોગ,
- (ડી) રાષ્ટ્રીય એકતા અથવા સલામતીને ખતરો,
જેવા પ્રસંગોએ રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકાય છે. આ કેસમાં ઠરાવાયું છે કે અનુચ્છેદ 356 હેઠળ જાહેરનામા પ્રગટ કરવા પાછળના કારણો અથવા સામગ્રીની અદાલત તપાસ કરી શકે છે. સુંદરલાલ પટવા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં મધ્યપ્રદેશ વડી અદાલતે રાષ્ટ્રપતિનું અનુચ્છેદ 356 હેઠળનું જાહેરનામું ગેરબંધારણીય ઠરાવેલ. અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનનું જાહેરનામું પ્રગટ કરવાના સમયે ગૃહનું વિસર્જન કરવાનું ફરજિયાત નથી. ગૃહ મોકૂફ (Suspend) પણ રાખી શકાય છે. જો ગૃહનું વિસર્જન કરવામાં આવે, તો નવેસરથી ચૂંટણીઓ યોજવા કાર્યવાહી થવી જોઈએ. રામેશ્વર પ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં બિહાર વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવાના જાહેરનામાને ગેરબંધારણીય ઠરાવવામાં આવેલ. અત્યાર સુધીમાં પંજાબ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, કેરાલા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવા સંખ્યાબંધ રાજયોમાં એકંદરે કુલ 100થી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન દાખલ કરાયાના પ્રસંગો બન્યા છે. સ્ટેટ ઑફ રાજસ્થાન વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે જ્યારે દુર્બુદ્ધિ (malafides) ના કારણસર જાહેરનામું પ્રગટ થયાનું પુરવાર થાય ત્યારે અદાલત તેમાં દરમ્યાનગીરી કરી શકે.
3. નાણાકીય કટોકટી
આ સંબંધમાં અનુચ્છેદ 360 માં જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ મુજબ, જયારે રાષ્ટ્રપતિને એમ ખાતરી થાય કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે કે જેનાં કારણે ભારતની અથવા તેના પ્રદેશના કોઈ ભાગની નાણાકીય સ્થિરતા કે શાખ જોખમમાં છે, તો તેઓ જાહેરનામું પ્રગટ કરી નાણાકીય કટોકટી જાહેર કરી શકે. આ જાહેરનામું સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરવું જોઈએ. જો સંસદના બંને ગૃહો તરફથી આ જાહેરનામું મંજૂર કરાયેલ ન હોય, તો બે માસ પૂરા થયે, જાહેરનામાનો અમલ બંધ થાય છે.
નાણાકીય કટોકટીના જાહેરનામાનાં અમલ દરમ્યાન સંઘની કારોબારી સત્તા, નાણાકીય ઔચિત્યના ધોરણોનાં પાલન કરવા સંબંધમાં વિસ્તરી શકે. આ સમય દરમ્યાન રાજ્યના મુલ્કી નોકરોના પગાર-ભથ્થાઓમાં ઘટાડો કરી શકાય. સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતના ન્યાયાધીશોના પગાર ભથ્થાઓમાં પણ ઘટાડો કરી શકાય. આપણા દેશમાં હજુ સુધી નાણાકીય કટોકટી ક્યારેય જાહેર કરવામાં આવેલ નથી.
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોની મોકૂફી કટોકટી દરમ્યાન અનુચ્છેદ 19ની જોગવાઈઓની મોકૂફી
અનુચ્છેદ 358 હેઠળ કટોકટી દરમ્યાન અનુચ્છેદ 19ની જોગવાઈઓ રાષ્ટ્રપતિ પોતાના હુકમથી મોકૂફ રાખી શકે છે. આપણે જોયું કે કટોકટી 3 પ્રકારની છે. અને નાણાકીય કટોકટી જાહેર કરવાનો આપણા દેશમાં ક્યારેય પ્રસંગ બન્યો નથી. જયારે યુદ્ધ, બાહ્ય આક્રમણ વિ. કારણસર કટોકટીનું જાહેરનામું અમલમાં હોય ત્યારે અનુચ્છેદ 19 સાથે અસંગત કોઈ કાયદો ઘડવામાં આવે અથવા કોઈ કારોબારી કાર્ય (Executive action) કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી. પરંતુ જે કાયદાથી અનુચ્છેદ 19નો ભંગ થતો હોય તેમાં એમ સ્પષ્ટ પ્રકારનું નિવેદન હોવું જોઈએ કે આ કાયદો કટોકટીની જોગવાઈના સંદર્ભમાં ઘડવામાં આવેલ છે. કટોકટી જાહેરનામા હેઠળના પ્રદેશના બહારના વિસ્તારોમાં આવા કાયદાનો અમલ થતો નથી. દા.ત., અનુચ્છેદ 352 હેઠળ માનો કે ફક્ત આસામ પ્રદેશ પૂરતી જ કટોકટી જાહેર કરવામાં આવેલ હોય અને આ કટોકટી દરમ્યાન સંસદે અનુચ્છેદ 19ની જોગવાઈનો ભંગ કરતો કોઈ કાયદો ઘડેલ હોય, તો આ કટોકટીના સમય દરમ્યાન તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી. પરંતુ આવો કાયદો આસામ બહારના વિસ્તારોમાં લાગુ પડશે નહીં કે તેનો અમલ થશે નહીં, સિવાય કે બહારના વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓથી ભારત અથવા કોઈ ભાગની સલામતી જોખમમાં હોય, જ્યારે જાહેરનામાની અમલ બંધ થાય કે તરત જ આવો કાયદો કે કારોબારી કાર્ય, જેટલાં પ્રમાણમાં અનુચ્છેદ 19 હેઠળના અધિકારો સાથે અસંગત હોય તેટલા પ્રમાણમાં બિનઅમલી બને છે.
કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોના અમલની મોકૂફી
અનુચ્છેદ 359 હેઠળ કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન મૂળભૂત અધિકારોનો અમલ inforcement of Pundamental Rights) મૌકૂક રાખી શકાય છે. રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 359 હેઠળ આવો સ્પષ્ટ હુકમ કરેલ હોય, તો જ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રહે છે. રાષ્ટ્રપતિના હુકમમાં, કયા મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રખાયેલ છે તે સ્પષ્ટ હોવુ જોઈએ. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આનો અર્થ એવો થતો નથી કે મૂળભૂત અધિકારી મોકૂફ રહે છે. મૂળભૂત અધિકારોને કોઈ અસર થતી નથી. માત્ર રાષ્ટ્રપતિના હુકમમાં નિર્દિષ્ટ કરાયેલ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રહે છે.
પરંતુ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખવા પર એક મર્યાદા અથવા નિયંત્રણ મૂકાયેલ છે. અનુચ્છેદ 359માં સ્પષ્ટ જણાવાયેલ છે કે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાય. આનો અર્થ એ થાય છે કે કોઈપણ સંજોગોમાં અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21ના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. કોઈપણ પ્રકારની કટોકટીમાં આ નિયમ લાગુ પડે છે. આનો અર્થ એ થયો કે અનુચ્છેદ 20 અને અનુચચ્છેદ 21 હેઠળના અધિકારોના અમલ માટે કટોકટીના સમય દરમ્યાન પણ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાદ માગી શકાય છે. એટલે કે કટોકટી સમય દરમ્યાન કોઈ વ્યક્તિને નિવારક અટકાયત (Preventive Detention) અથવા સંરક્ષણ ધારા હેઠળ અટકાયતમાં રખાયેલ હોય તો તેની મુક્તિ માટે બંદી પ્રત્યક્ષીકરન (Habeas Corpus) આજ્ઞાપત્ર (writ) મેળવી શકાય છે.
આમ છતાં આ અનુચ્છેદ થી સતબાહ્ય (Ultra vires) કારોબારી કાર્યને રક્ષણ મળતું નથી. માખણસિંગ વિ. સ્ટેટ ઑફ પંજાબ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 359(1) હેઠળ કટોકટી સમય દરમ્યાન મૂળભૂત અધિકારોના અમલની મોકૂફી માટે હુકમ કરેલ હોય, તો પણ અટકાયત દુર્બુદ્ધિ (malafides) થયેલ હોવાના કારણસર બંદી પ્રત્યક્ષીકરણ દાદ માગી શકાય. રામ મનોહર લોહિયા વિ. સ્ટેટ ઓફ બિહારના કેસમાં પણ અરજદારની અટકાયત નિયમાનુસાર ન હોવાના કારણસર તેમની મુક્તિનો હુકમ કરાયો હતો.
એ.ડી.એમ. જબલપુર વિ. શિવકાંત શુક્લના કેસમાં શિવકાંત શુક્લની Maintenance of Internal Security Act હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આ કાયદાની ક. 16A ની કાયદેસરતા પડકારી હતી. તેમની રજૂઆત એવી હતી કે સદર કલમથી રાજ્યની વડી અદાલતને અનુચ્છેદ 226 હેઠળ મંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર ફરમાવતાં મનાઈ કરવામાં આવેલ હોવાથી ગેરકાયદેસર છે. ઉપરાંત અદાલત અટકાયતનાં કારણો પણ તપાસી શકતી ન હતી. સર્વોચ્ચ અદાલતે 4:1 ની બહુમતીથી ક. 16A બંધારણીય ઠરાવી હતી. આ કેસમાં ઠરાવાયેલ કે તે માત્ર પુરાવાનો નિયમ હતો કે અટકાયતી કે અદાલત અટકાયતનાં કારણોની માગણી કરી શકે નહીં. આ કેસમાં ઠરાવાયું કે તેનાથી અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતની હકૂમતને કોઈ અસર થતી ન હતી. સરકાર કારણોની જાણ કરવા બંધાયેલ ન હતી અને તે કારણે અટકાયતનો હુકમ દુબુદ્ધિ (Malafides) થી થયેલ હોવાનું અનુમાન કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી હડકંપ મચી ગયો હતો. કારણ કે અગાઉ સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં ઠરાવેલ છે કે અદાલત અટકાયતનાં કારણો તપાસી શકે છે અને અટકાયત દુબુદ્ધિપૂર્વક થયેલ હોવાનું લાગે, તો અટકાયતીને મુક્ત કરવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જો કે 44મા બંધારણીય સુધારા બાદ હવે આ નિર્ણયનું મહત્ત્વ રહ્યું નથી. કારણ કે વર્તમાન બંધારણીય જોગવાઈ મુજબ, અનુચ્છેદ 20 તેમજ અનુચ્છેદ 21 હેઠળના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાતો નથી.
અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359 વચ્ચેનો તફાવત:
1. જયારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણનાં કારણસર કટોકટીનું જાહેરનામું પ્રગટ કરાયેલ હોય ત્યારે જ અનુચ્છેદ 358 લાગુ પડે છે. કટોકટીનું જાહેરનામું જો સશસ્ત્ર બળવાના કારણસર પ્રગટ કરાયેલ હોય તો તેવા પ્રસંગે અનુચ્છેદ 358 લાગુ પડે નહીં. જયારે ક. 359 દરેક પ્રકારની કટોકટીને લાગુ પડે છે. અનુચ્છેદ 359 લાગુ પાડવા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી.
2. અનુચ્છેદ 358 હેઠળ માત્ર અનુચ્છેદ 19 હૈઠળના સ્વાતંત્ર્યોનો અમલ કટોકટી દરમ્યાન મોકુફ રાખવાની જોગવાઈ છે. જયારે અનુચ્છેદ 359 હેઠળ, અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખવાની જોગવાઈ છે. આમ, અનુચ્છેદ 358 હેઠળનું કાર્યક્ષેત્ર - મર્યાદિત છે. જયારે અનુચ્છેદ 359 હેઠળનું કાર્યક્ષેત્ર વિશાળ છે.
3. ક. 358 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાનો અમલ બંધ થાય કે તરત જ અનુચ્છેદ 19 સાથે અસંગત કાયદા કે કારોબારી કાર્યોનો અમલ બંધ થાય છે. જયારે અનુચ્છેદ 359 હેઠળના જાહેરનામાનો અમલ બંધ થાય કે તરત જ મૂળભૂત અધિકારોનો અમલ જીવંત થાય છે.
4. અનુચ્છેદ 358 હેઠળના જાહેરનામાના અમલના સમય દરમ્યાન અનુચ્છેદ 19 સાથે અસંગત કાયદો ઘડવાની સંસદને સત્તા પ્રાપ્ત થાય છે અને આવા કાયદાની કાયદેસરતા પડકારી શકાતી નથી. જ્યારે અનુચ્છેદ 359 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાના અમલ દરમ્યાન અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ માત્ર મોકૂફ રહે છે. સંસદને મૂળભૂત અધિકાર સાથે અસંગત કાયદો ઘડવાની સંસદને સત્તા પ્રાપ્ત થતી નથી. ઉપરાંત અનુચ્છેદ 21નો અમલ મોકૂફ રખાયેલ ન હોવાથી તે અનુચ્છેદ હેઠળ કાયદાની કાયદેસરતા પડકારી શકાય છે.