ભારતનું બંધારણ આંશિક જડ અને આંશિક સ્થિતિસ્થાપક છે તેથી બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાના સંદર્ભમાં સંસદ બંધારણમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે પણ પાયાના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકે નહીં. તેથી અહીંયા આપણે સંસદ ની સતા અંગે કાયદાકીય જોગવાઈ Power of Parliament to amend the Constitution અંગે વિગતવાર ચર્ચા કરીયે.
બંધારણમાં સુધારો
બંધારણ સુધારવાની સત્તા અનુચ્છેદ 368થી સંસદને અપાયેલ છે. ઉપરાંત, બંધારણ સુધારવાની કાર્યવાહી પણ અનુચ્છેદ 368થી નિયત કરાયેલ છે. બંધારણમાં સુધારો કરવાની બાબતને 3 ભાગમાં વહેંચી શકાય.
1. સાદી બહુમતી
અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 તેમજ અનુચ્છેદ 239 A માં સુધારો કરવા માટે સંસદમાં માત્ર સાદી બહુમતીની જરૂર પડે છે. એટલે કે માત્ર સાદી બહુમતીથી અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 અને અનુચ્છેદ 239Aમાં સુધારો કરી શકાય છે. તે માટે અનુચ્છેદ 368માં નિયત કરાયેલ પ્રક્રિયા અનુસરવાની પણ જરૂર નથી.
2. 2/3 બહુમતી
અનુચકેદ 4, અનુચ્છેદ 169 અને અનુચ્છેદ 239A સિવાયની કોઈપણ બંધારણીય જોગવાઈ સુધારવા માટે અનુચ્છેદ 368માં નિયત કરાયેલ કાર્યવાહી અનુસરવી જ જોઈએ. એટલે કે આવી સુધારો દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી તેમજ ગૃહના હાજર રહી મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરાયેલ હોવો જોઈએ. આમ થાય, તો જ બંધારણમાં સુધારો થયેલ ગણાય. બીજા શબ્દોમાં અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 તેમજ અનુચ્છેદ 239A માં સુધારો કરવા માટે 2/3 બહુમતીની જરૂર નથી. બાકીની કોઈપણ બંધારણીય જોગવાઈમાં સુધારા માટે 2/3 બહુમતી જરૂરી છે.
3. ઓછામાં ઓછા અડધા રાજ્ય વિધાનમંડળો તરફથી અનુમોદન
આ ત્રીજા ભાગમાં અનુચ્છેદ 368(2) પ્રબંધક (Proviso) પ્રમાણે સુધારો કરવા માટે અડધા કરતાં ઓછા નહીં તેટલા રાજ્ય વિધાનમંડળોએ સુધારાને અનુમોદન (ratification) આપતો ઠરાવ પસાર કરેલ હોવો જોઈએ. નીચેની બાબતોમાં સુધારો કરવા માટે ઉપર જણાવ્યા મુજબ રાજ્ય વિધાનમંડળોનું અનુમોદન જરૂરી છે.
1. રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચૂંટણી પદ્ધતિ,
2. સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર,
3. રાજયની કારોબારી સત્તાનો વિસ્તાર,
4. સર્વોચ્ચ અદાલત અંગેની જોગવાઈઓ,
5. રાજયોની વડી અદાલતો અંગેની જોગવાઈઓ,
6. સંઘ પ્રદેશો માટેની વડી અદાલતો,
7. સંઘ અને રાજયો વચ્ચે વૈધાનિક સત્તાઓની વહેંચણી,
8. સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ,
9. બંધારણનું 7મું પરિશિષ્ટ,
10.અનુચ્છેદ 368.
બંધારણ સુધારવાની સંસદની સત્તા પર કોઈ બંધન અથવા નિયંત્રણ છે ?
મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકાય કે કેમ તેવો પ્રશ્ન શંકરીપ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ઉપસ્થિત થયો હતો. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે. સંસદને મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ બંધારણમાં કરાયેલ ચોથા અને સાતમા સુધારાઓ મૂળભૂત અધિકારો સંબંધમાં હતાં. સજજનસિંગ વિ. સ્ટેટ ઑફ રાજસ્થાન કેસમાં પણ શંકરીપ્રસાદ કેસનો મત સ્વીકારાયો હતો. ગોલકનાથ કેસમાં ઠરાવાયેલ કે સંસદને મૂળભૂત અધિકારો નિયંત્રિત કરવાની સત્તા નથી. કેશવાનંદ ભારથી કેસમાં સર્વોચ્ચ અદાલતને અનુચ્છેદ 14, 19(1) (એફ), અનુચ્છેદ 25, 26 તેમજ અનુચ્છેદ 32 હેઠળ પોતાના મૂળભૂત અધિકારોના પાલન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીથી અરજદારે 1969ના કેરાલા જમીન સુધારણા અધિનિયમથી સુધારેલા 1964ના કેરાલા જમીન સુધારણા અધિનિયમ ગેરબંધારણીય તેમજ વ્યર્થ જાહેર કરવા અરજી કરી હતી. ગોલકનાથ કેસના નિર્ણયની યથાર્થતા ચકાસવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોવાથી આ કેસમાં 13 ન્યાયાધીશોની બેંચ રચવામાં આવી હતી. 13 ન્યાયાધીશોના અલગ અલગ મંતવ્યો પ્રગટ કરતાં 11 ચુકાદાઓ તેમાં લખવામાં આવ્યા છે.
બહુમતી નિર્ણયનો સારાંશ નીચે પ્રમાણે છે :
(એ) ગોલકનાથ કેસનો નિર્ણય રદ કરાયો.
(બી) 24મો બંધારણીય સુધારો કાયદેસર ઠરાવાયો.
(સી) 29મો સુધારો કાયદેસર કરાવાયો.
(ડી) “મૂળભૂત માળખા" (basic structure) નો સિદ્ધાંત સ્થાપિત કરાયો.
(6) આ કેસમાં ઠરાવાયું કે સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં ફેરફાર કરી શકે, પરંતુ મૂળભૂત માળખું (Basic structure) બદલી શકે નહીં.
મૂળભૂત માળખાનો સિદ્ધાંત (પાયાનો સિદ્ધાંત)
કેશવાનંદ કેસમાં મૂળભૂત માળખા (Basic structure) સિદ્ધાંત સ્થાપિત કરાયો છે. મૂળભૂત માળખાની વ્યાખ્યા આપવામાં માત્ર કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. જેમ કે,
(એ). બંધારણની સર્વોપરિતા
(બી) ધર્મનિરપેક્ષતા
(સી) પ્રજાસત્તાક અને લોકશાહી સરકાર
(ડી) સત્તાવિભાજનનો સિદ્ધાંત
(ઈ) ભારતનું સાર્વભૌમત્વ
(એફ) રાષ્ટ્રની એકતા
(જી) કાયદાનું શાસન
(એચ) કલ્યાભ્ર રાજ્યનો આદર્શ
(આઈ) ન્યાયિક સમીક્ષા
મિનરવા મિલ્સ લિ. વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં બંધારણના પાયાના માળખાનું સમર્થન કરાયું છે. આ કેસમાં બંધારણનો સુધારો 55માં પડકારાયો હતો. 55મા સુધારાથી અનુચ્છેદ 368માં ક્લોઝ (4) અને ક્લોઝ (5) ઉમેરવામાં આવેલ હતા. સર્વોચ્ચ અદાલતે આ સુધારો ગેરબંધારણીય જાહેર કરેલ, કારણ કે તેનાથી ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા પર કાપ મૂકાતો હતો. આ કેસમાં ઠરાવાયું કે સંસદને બંધારણના પાયાનાં માળખામાં ફેરફાર કરવાની સત્તા નથી. સંસદ બંધારણમાં સુધારો કરવાની પોતાની સત્તા હેઠળ બંધારણનું પાયાનું માળખું બદલી શકે નહીં. અનુચ્છેદ 368 ક્લોઝ (4) અને ક્લોઝ (5)થી ન્યાયિક સમીક્ષા બાકાત (exclude) કરાયેલ હતી. ન્યાયિક સમીક્ષા મૂળભૂત પાયાનો ભાગ છે; કારણ કે બંધારણમાં મૂળભૂત સિદ્ધાંત છે કે ગમે તેટલા ઉચ્ચ સત્તાધિકારી પોતાની જાતને બંધારણ હેઠળ એકમાત્ર ન્યાયાધીશ હોવાનો દાવો કરી શકે નહીં. બંધારણનું અર્થઘટન કરવાનું કામ ન્યાયતંત્રનું છે. આમ બંધારણના પાયાના માળખાને જાળવી રાખવાની બાબતનું સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં સમર્થન કરેલ છે.
1. ગોલકનાથ વિ. સ્ટેટ ઑફ પંજાબ નો કેસ
અરજદારો ગોલકનાથના પુત્ર, પુત્રી અને પૌત્રીઓ હતા. તેમની પાસેની 481 એકર જેટલી જમીન (Punjab Land Tenures Act, 1965 હેઠળ વધારાની હોવાનું ઠરાવાયેલ. અરજદારોએ એવી તકરાર લીધી કે ઉપર્યુક્ત કાયદો ગેરબંધારણીય છે; કારણ કે તેમને અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19(એફ) અને (જી)થી વંચિત કરે છે. વધુમાં તેમણે બંધારણના પ્રથમ, ચોથા અને સત્તરમા સુધારાને પણ ગેરબંધારણીય ઠરાવવાની માગણી કરી હતી. આ કેસના ચુકાદા પ્રમાણે બંધારણમાં સુધારો કરવા માટે સંસદને અનુચ્છેદ 368 હેઠળ સત્તા પ્રાપ્ત થતી નથી. અનુચ્છેદ 368 હેઠળ ફક્ત બંધારણનો સુધારો કરવાની પ્રક્રિયા નિયત કરેલ છે. બંધારણમાં સુધારો કરવાની સતા અનુચ્છેદ 245, 246, 248 અને પરિશિષ્ટ 7 યાદી 1 ક્રમાંક 97માંથી પ્રાપ્ત થાય છે.
આ કેસમાં ઠરાવાયું કે બંધારણમાં સુધારો કરતો કાયદો અનુચ્છેદ 13(2)ના અર્થમાં કાયદો જ છે. અનુચ્છેદ 13(2)ના અર્થ મુજબ બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો બંને એક જ અર્થમાં કાયદાઓ છે. તેથી બંધારણીય સુધારાથી મૂળભૂત અધિકારો નિયંત્રિત કરી શકાય નહીં. આથી બંધારણીય સુધારા કાયદો પણ ન્યાયિક પુનરાવલોકનને પાત્ર છે.
શંકરીપ્રસાદ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં બંધારણીય સુધારા 1, 4 અને 17મા સુધારાને કાયદેસર ઠરાવેલ હતા. ગોલકનાથ કેસમાં આ તમામ સુધારાઓ સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ઠરાવેલ છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત (Doctrine of prospective overruling) સ્થાપિત કરેલ છે. એટલે કે ઉપર્યુક્ત સુધારાઓ હેઠળ ભૂતકાળમાં થયેલ કામગીરી ગેરકાયદેસર બનતી નથી. પરંતુ ભવિષ્યમાં તેની હેઠળ કાયદેસર કોઈ કામગીરી કરી શકાશે નહીં. સર્વોચ્ચ અદાલત પોતાના પૂર્વનિર્ણયો (precedents) માં ફેરફાર કરી શકે છે. જો સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે પોતાનો કોઈ નિર્ણય ભૂલભરેલો હતો, તો સર્વોચ્ચ અદાલત પોતાનો પૂવનિર્ણય બદલી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.
2. માધવરાવ સિંધિયા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા નો કેસ
આ કેસ પ્રિવી પર્સ કેસ તરીકે જાણીતો છે. રાષ્ટ્રપતિએ તા. 6 સપ્ટે. 1970ના રોજ એક હુકમ પ્રગટ કરી અનુચ્છેદ 366 (22) હેઠળ રાજવીઓની માન્યતા રદ કરી હતી. પરિણામે રાજવીઓને મળતા સાલિયાણાં (Privy purses) તેમજ તેમના અંગત વિશેષાધિકારો બંધ થયા. રાષ્ટ્રપતિના આ હુકમથી નારાજ થઈ કેટલાક રાજવીઓએ રાષ્ટ્રપતિનો હુકમ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો. તેમની દલીલ હતી કે તેનાથી તેમના અનુચ્છેદ 19 હેઠળ મિલકતના અધિકારનો ભંગ થતો હતો. તેમણે રાષ્ટ્રપતિનો હુકમ ગેરબંધારણીય ઠરાવવા રજૂઆત કરી હતી.
સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાથી રાષ્ટ્રપતિ હુકમ ગેરબંધારણીય ઠરાવેલ અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ હુકમથી સાલિયાણાં અને વિશેષાધિકારો નાબૂદ કરી શકાય નહીં. સાલિયાણાંને મિલકતના મૂળભૂત અધિકાર તરીકે ઠરાવવામાં આવેલ હતો. વહીવટી હુકમથી તેને નાબૂદ કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા બાદ બંધારણમાં 26મો સુધારો કરવામાં આવ્યો અને તેનાથી અનુચ્છેદ 291 અને અનુચ્છેદ 362 દૂર કરાયા અને અનુચ્છેદ 363A નવો દાખલ કરાયો. અનુચ્છેદ 363A થી સાલિયાણા અને રાજવીઓના વિશેષાધિકારો નાબૂદ કરાયા છે.