અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.
ભારતીય બંધારણનું આમુખ
આમુખનું મહત્ત્વ
જયારે કોઈ કાયદાની કલમો અથવા વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા જણાય, અથવા કાયદા પાછળનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે કાયદાનું આમુખ તે કાયદો સમજવા મદદરૂપ બને છે. આમ, બંધારણનું આમુખ બંધારણ ઘડવૈયાનું માનસ સમજાવા માટેની ચાવી છે, પરંતુ બંધારણની સ્પષ્ટ જોગવાઈઓ વિરુદ્ધ તેનું અર્થઘટન કરી શકાય નહીં. બંધારણનું અર્થઘટન આમુખમાં વ્યક્ત કરાયેલ ઉદાત્ત દૃષ્ટિ અને આદર્શોના સંદર્ભમાં જ થવું જોઈએ. પરંતુ, કોઈ અસ્પષ્ટતા ન હોય કે તેનો હેતુ સ્પષ્ટ થતો હોય, ત્યારે આમુખની મદદ લેવાનું જરૂરી નથી. બેરૂબારી યુનિયનના કેસમાં ઠરાવાયું છે કે આમુખ બંધારણનો ભાગ નથી, પરંતુ પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં ઠરાવાયેલ કે આમુખ બંધારણનો ભાગ છે. આ રીતે જોઈએ તો બંધારણની જોગવાઈઓ સમજવામાં આમુખ મહત્ત્વની ચાવી છે, કારણ કે આમુખને બંધારણના ભાગ તરીકે ગણવાથી આમુખનું મહત્ત્વ હવે બંધારણની અન્ય જોગવાઈઓ જેટલું જ સ્થાપિત થાય છે.આમુખનું વિશ્લેષણ
ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા અગત્યના શબ્દો વિશે આપણે વિગતે ચર્ચા કરીયે.
અમે ભારતના પ્રજાજનો' -
બંધારણ(આમુખ)ની શરૂઆત આ શબ્દોથી થાય છે. આપણું બંધારણ બંધારણસભાએ ઘડેલું છે. બંધારણની સ્વીકૃતિ, બંધારણ સભાએ કર્યા પછી તેને લોકમત દ્વારા મંજૂર કરાયેલ નથી. વળી, જે બંધારણ સભાએ બંધારણ ઘડ્યું છે તે બંધારણસભા આમ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હતી તેવું પણ કહી શકાય તેમ નથી. “અમે ભારતના પ્રજાજની શબ્દનો અર્થ એ થાય છે કે આ બંધારણ કોઈ પરદેશી રાજયનાએ આપણા પર લાદેલ નથી, તેમજ બંધારલ રાજયોએ અથવા જુદા જુદા રાજયોના લોકોએ ઘડી કાઢયું નથી. આપણું બંધારણ આપણા દેશના જુદા જુદા રાજયોની જુદી જુદી પ્રજાએ સંયુક્ત રીતે ઘડી કાઢેલ છે. આ શબ્દોનો અર્થ એ થાય છે કે, ભારતના પ્રજાજનો આખરી સાર્વભૌમ સત્તા ધરાવે છે અને લોકોની સત્તાના પાયા પર જ તે રચાયેલું છે. બંધારણ લોકો દ્વારા પડાયેલ છે અને લોકોને અર્પણ કરાયેલ છે. એટલે કે બંધારણનો સ્ત્રોત ભારતના લોકો જ છે. ભારતના લોકો કોઈ બાહ્ય સત્તાને તાબેદાર નથી..
- સાર્વભોમ (Sovereign)
કોઈપણ રાજય સાર્વભોમ ત્યારે ગણાય કે જયારે તેની અંદર કોઈ સર્વોચ્ચ અને અમર્યાદિત સત્તા હોય કે જેને અન્ય કોઈની સર્વોપરિતા સ્વીકાર્ય ન હોય. આમ, સાર્વભૌમત્વ એટલે રાજ્યની નિર્ણય લેવાની આખરી સત્તા.
સાર્વભૌમત્વના બે પ્રકાર છે :
(1) બાહ્ય અને
(2) આંતરિક
આંતરિક સાર્વભૌમત્વ એટલે રાજયાદેશનું પાલન કરાવવાની અને તેનો ભંગ થાય તો સજા કરવાની રાજયની સત્તા. આપણા બંધારણમાં સંપ અને રાજય વચ્ચે સત્તાની વહેંચણી કરાયેલી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાના બંધારણની જેમ આપણે વિભાજિત સાર્વભૌમત્વનો સિદ્ધાંત સ્વીકારેલ નથી, કારણ કે આપણે ત્યાં બંધારણથી સામાન્ય સંજોગોમાં સંઘ અને રાજયો વચ્ચેના સત્તા-વિભાજનને સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં, કેટલાંક સંજોગોમાં સંઘની સત્તા રાજ્ય સત્તા કરતાં સર્વોચ્ચ સ્થાને છે. ખાસ કરીને કટોકટીના સમયમાં અથવા રાષ્ટ્ર હિતની બાબતમાં રાજયો કરતાં સંઘનો અવાજ વિશેષ અસરકારક બને છે. આમુખમાં નિર્દિષ્ટ કરાયા પ્રમાણે પ્રજાસત્તાક ભારતનું સાર્વભૌમત્વ ભારતની પ્રજામાં સ્થાપિત થયેલું છે.
- "સમાજવાદી" (Socialist)
ભારતીય સંસદે પસાર કરેલ 42મા બંધારણીય સુધારાથી "સમાજવાદી" શબ્દ નવો ઉમેરાયેલો છે. બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતાં એમ જણાય છે કે આમુખમાં આવો સુધારો ન કરાયો હોત તો પશુ ભારતીય પ્રજાસત્તાક સમાજવાદી નીતિને અનુસરે છે. આમ છતાં, 26 વર્ષની બંધારણની કામગીરી જોતાં “સમાજવાદી" અને "બિનસાંપ્રદાયિક" શબ્દો ઉમેરીને તેના પર વિશેષ ભાર મૂકવાનું ભારતીય સંસદને યોગ્ય જણાયું છે. "સમાજવાદી" શબ્દનો ખ્યાલ ઘણો વિશાળ છે અને તેથી આ સુધારા પરની ચર્ચા વખતે ઘણા સંસદસભ્યોએ તેવું સૂચન કર્યું હતું કે આપણે કયા પ્રકારનો સમાજવાદ અપનાવવા માંગીએ છીએ તે આમુખમાં સ્પ્ત કરવું જોઈએ.
- બિનસાંપ્રદયિક્તા(Secularism)
તાજેતરમાં પ્રગટ થયેલ એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે બંધારણના આમુખમાં “સમાજવાદી" અને “બિનસાંપ્રદાયિકત " શબ્દો 42મા બંધારણીય સુધારાથી નવા ઉમેરાયેલા હોવા છતાં બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ આપણી બંધારણીય વિચારસરણી (Constitutional Philosophy) સાથે વણાઈ ગયેલ છે. બંધારણમાં તેની ક્યાંય વ્યાખ્યા અપાયેલ નથી. તેનું કારણ એ હોઈ શકે કે આ કોઈ ચુસ્ત ખ્યાલ નથી. આ સુધારાથી જે ગર્ભિત હતું તે સ્પષ્ટ કરાયું છે.
બંધારણના આમુખ તેમજ અનુચ્છેદો 14, 15, 16, 25, 26, 29, 30, 44, 51- એ ની સંયુક્ત અસર એ છે કે આપણો દેશ ધાર્મિક રાજ્ય બની શકે નહિ. તેમજ રાજ્ય કોઈ ધર્મની તરફેણ કરી શકે નહિ. રાજય તરફથી દરેક ધર્મ સાથે સરખો વ્યવહાર થવો જોઈએ. રાજયની કોઈ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધાર્મિક પ્રવૃત્તિ જોડી શકાય નહિ. બીનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓમાં ધર્મની પ્રવેશ પ્રતિબંધિત છે.
બધારણના આમુંખથી જાહેર કરાયું છે તેમ આપણે બિનમાંપ્રદાયિક રાષ્ટ્ર છીએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ નીચે પ્રમાણે છે.
- રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી,
- રાજ્ય ધર્મની બાબતમાં દખલ કરશે નહિં,
- કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને રાજય કોઈપણ રીતે ટેકો આપી શકે નહિ.
બિનસાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત તત્વ છે. બંધારણથી તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વાતંત્ર્ય છે, પરંતુ રાજ્યને કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતા સાથે નિસ્બત નથી. રાજ્યની બાબતમાં ધર્મને ક્યાંય સ્થાન નથી. કોઈપણ રાજકીય પક્ષ ધાર્મિક પણ બની શકે નહિ. આનો અર્થ એવો નથી કે રાજ્ય ધાર્મિક બાબતોમાં કોઈ પગલાં ન લઈ શકે, મંદિરો, મસ્જિદોની બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓનું નિયમન કરતો કાયદો સંસદ પડી શકે છે. અનુચ્છેદ 44ના અર્થમાં સમાન દીવાની કાયદો ઘડવાનો પણ સંસદને આદેશ છે.
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એમ.ટી.એ. પાઈ ફાઉન્ડેશન વિ. સ્ટેટ ઑફ કર્ણાટકના કેસમાં બિનસાંપ્રદાયિકતા વિશે સમજાવતાં જણાવેલ છે કે બંધારણમાં લોકો વચ્ચેની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે, પરંતુ તેની સાથે તેમની વચ્ચે ગમે તેટલી ભિન્નતા હોવા છતાં, દરેકને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તો જ રાષ્ટ્ર બિનસાંપ્રદાયિક થઈ શકે. બિનસાંપ્રદાયિકતાનું મૂળ તત્ત્વ જ એ છે કે વિવિધ ભાષાઓ અને માન્યતાઓ ધરાવતાં ભિન્ન-ભિન્ન લોકોને માન્યતા અને તેમને એકસરખું મહત્ત્વ આપવું કે જેથી ભારત અખંડિત થઈ શકે.
સર્વોચ્ચ અદાલતે બાલ પાટિલ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં ઠરાવેલ છે કે બિનસાંપ્રદાયિક રાજયને કોઈ ધર્મ હોતો નથી. રાજય દરેક ધર્મ સાથે સમાન વલણ પ્રદર્શિત કરે છે અને વ્યક્તિઓના ધર્મ, પૂજાના અધિકારમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહિ.
- 42 મા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ શબ્દો
42 મા બંધારણીય સુધારા, 1976થી આમુખમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિકતા” તેમજ “એકતા” શબ્દો ઉમેરાયા છે. પ્રથમ બે શબ્દો વિશે ઉપર સમજૂતી અપાયેલ છે. ત્રીજા શબ્દ "એકતા" (integrity) વિશે જોઈએ. એકતા
દેશમાં અલગતાવાદી બળો અને વલણો પર પૂર્ણવિરામ મૂકવા માટે આ શબ્દ ઉમેરાયો છે. આ શબ્દ ભારતના લોકોને દેશનો દરેક ભાગ પોતાનો જ સમજવાનું સૂચવે છે. જો કે ભારતનું બંધારણ સમવાયી છે અને તેમાં દેશની એકતાનો ખ્યાલ સમાયેલો છે. અનુચ્છેદ 1માં જણાવાયેલ છે કે, “ભારત રાજ્યોનો સંઘ રહેશે.” કોઈ રાજ્યને ભારત સંઘથી છૂટા પડવાની સત્તા નથી.
ઉપરાંત અનુચ્છેદ 19(2) હેઠળ ભારતની એકતા અને સાર્વભૌમત્વનાં હિતમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકવા રાજ્યને સત્તા અપાયેલ છે. આમ, એકતા જાળવવા બંધારણમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે.
- લોકશાહી(Democratic)
આપણા બંધારણના આમુખમાં “પ્રજાસત્તાક” શબ્દ આગળ "લોકશાહી" શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આપણું પ્રજાસત્તાક રાજ્ય લોકશાહી પ્રકારનું રહેશે. પરંતુ, બંધારણના આમુખની ભાવના અને બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતા એમ જણાય છે કે આમુખમાં પ્રયોજાયેલ લોકશાહી શબ્દ ફક્ત સરકારનું સ્વરૂપ સૂચવતો નથી, પરંતુ આપણા દેશમાં સમાજિક, આર્થિક અને રાજકીય ન્યાય જે વ્યવસ્થામાં હોય તેવી લોકશાતી રાજ્ય વ્યવસ્થાનું તે સૂચન કરે છે. એટલે કે, આપણા દેશની રાજકીય, આર્થિક કે સામાજિક બાબતમાં પુખ્ત વયના લોકોને ભાગ લેવાનો અપિકાર રહેશે.
ભારતમાં પરોક્ષ લોકશાહી છે. લોકો (સંસદ-વિધાનસભામાં) પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. આ પ્રતિનિધિઓ સાચી સત્તા ધરાવે છે. સ્વીટ્ઝર્લૅન્ડ પ્રત્યક્ષ લોકશાહી છે, કારણ કે ત્યાંના લોકો જ સત્તા ધરાવે છે.
- પ્રજાસત્તાક(Republic)
"પ્રજાસત્તાક” એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં રાજ્ય-વ્યવસ્થાની આખરી સત્તા લોકોમાં સ્થાપિત થયેલી હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં લોકો મુક્ત નાગરિકો હોય છે. “પ્રજાસત્તાક સરકાર” એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. તેના સંકુચિત અર્થમાં “પ્રજાસત્તાક” શબ્દ "રાજાશાહી" શબ્દના વિરૂદ્ધ શબ્દ તરીકે પણ પ્રયોજવામાં આવે છે. આપણી રાજયવ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. પરંતુ રાજયતંત્રના તમામ હોદાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરૂષના કોઈપણ ભેદભાવ વગર કોઈને પણ માટે ખુલ્લા રહે છે. આપણે ત્યાં પરોક્ષ લોકશાહી પ્રજાસત્તાક છે. કારણ કે રાજય વહીવટ લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચાલે છે. પરંતુ, આખરી સત્તા તો પ્રજાજનોના હાથમાં જ છે. તેથી આપણું 'રાજ્ય લોકશાહી પ્રજાસત્તાક છે.
- બંધુત્વ(Fraternity)
આપણાં દેશમાં અસંખ્ય જાતિઓ વસે છે. અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે તેમજ આપણે ત્યાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે. આવા ભિન્ન લોકો વચ્ચે બંધુત્વની ભાવના વગર અખંડિતતા સ્થાપી શકાય નહિ. યુનોના ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં પણ બંધુત્વની ભાવનાને સ્વીકૃતિ આપવામાં આવી છે.
ભારત વિવિધ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓનો બનેલ દેશ છે. તેથી બંધુત્વ(કે ભાઈચારા)ની ભાવના વિકસાવવાની ખાસ જરૂર છે. માનવ અધિકારોની વૈશ્વિક ધોષણાના અનુચ્છેદ 1માં પણ બંધુત્વની ભાવના વિકસાવવાની જરૂરતનો સ્વીકાર કરાયો છે.
- ન્યાય(Justice)
આપણા બંધારણના આમુખમાં દરેકને માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સિદ્ધ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેથી જ આપણા બંધારણમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગના કારણસર ભેદભાવ કરવાની રાજ્યને મનાઈ ફરમાવવામાં આવી છે અને દરેકને માટે સમાન તક અને દરજ્જાની જોગવાઈ કરાય છે. તેમજ બંધારણના અનુચ્છેદ 16(2) અને 16(4) થી પછાત વર્ગના લોકોના હિતના રક્ષણાર્થે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેમજ અનુચ્છેદ 46 માં અન્ય નબળા લોકોના હિતોના રક્ષણ માટે રાજયને પ્રયત્ન કરવા જણાવવામાં આવેલ છે.
આમુખની આ જોગવાઈ ઉપરાંત અનુચ્છેદ 38 માં પણ સામાજિક ન્યાય સિદ્ધ કરવા માટે રાજ્યને પ્રયત્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 42, અનુચ્છેદ 45, અનુચ્છેદ 23 હેઠળની જોગવાઈઓ દરેક પ્રકારના વર્ગ માટે ન્યાય પ્રાપ્ત કરવાની વાતને સમર્થન આપતી જોગવાઈઓ છે.
સામાજિક, આર્થિક કે રાજકીય ન્યાય સિદ્ધ કરવાની મુખ્ય જોગવાઈઓ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ થયેલી છે. આપણું રાજય કલ્યાણ રાજ્ય છે અને ઉદ્યોગોના કામદારો માટે સમાન વેતન, નિર્વાહ વેતન તેમજ યોગ્ય જીવન ધોરણ માટે અનેક કાયદાઓ ઘડાયા છે. સંપત્તિ અને ઉત્પાદનોમાં સાધનોની જમાવટ અમુક જ હાથોમાં અટકાવવાની જોગવાઈ અનુચ્છેદ-૩૭માં આપવામાં આવી છે તેમજ રાજકીય ન્યાય પ્રાપ્ત કરવા માટે રાજકીય પ્રક્રિયાના દરેક વ્યક્તિ માટે સમાન તકની જોગવાઈ છે. પુખ્ય વયની દરેક વ્યક્તિ માટે મતાધિકાર અપાયેલ છે. અને અનુચછેદ 16 પ્રમાણે ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના મુદ્દા ઉપર કોઈપણ પ્રકારનો ભેદભાવ સરકારી નોકરીમાં રાખી શકાતો નથી.
- સમાનતા(Equality)
આમુખમાં દરેક નાગરિક માટે દરજજાની તકની સમાનતા સિદ્ધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એ અનુચ્છેદ-14થી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 15(2)થી સમાનતાના ધોરણે તમામ નાગરિકોને જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 16થી રાજ્યના તાબાની તમામ નોકરીઓમાં દરેક વ્યક્તિને સમાન ગણાવામાં આવી છે. આપણી રાજય વ્યવસ્થામાં નાનામાં નાના માણસથી માંડીને છેક રાષ્ટ્રપતિ સુધીની દરેક વ્યક્તિ સમાન છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે કિંગભેદના કારણસર રાજ્ય ભેદભાવ કરી શકે નહિ.
- સ્વાતંત્ર્ય (Liberty)
રાજ્ય અંગેનો પુરાતન ખ્યાલ એવો હતો કે લોકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી, આથી વિશેષ કોઈ જવાબદારી રાજયની હતી નહિ. પરંતુ વર્તમાન સમયે રાજ્ય એક કલ્યાણ રાજ્ય બન્યું છે અને દરેક વ્યક્તિના વિકાસ માટે એ પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિના વિકાસ માટે તેને સ્વતંત્રતાઓની જરૂર પડે છે. આથી આપણા બંધારણમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ, ધર્મ, શરીર, જીવન અંગેની અનેક સ્વતંત્રતાઓ મૂળભૂત હકોના સ્વરૂપે દરેક નાગરિકને આપવામાં આવેલ છે. આ સ્વાતંત્ર્યના અમલ માટે આપણાં દેશનું ન્યાયતંત્ર ખૂબ જ આગ્રહી છે.