Law Sahitya
ભારતના બંધારણના અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વને લગતા છે. ભારત ના બંધારણની નાગરિકતાને લગતી જોગવાઈઓની ચર્ચા કરીશું તે પહેલા નાગરિકત્વ એટલે શું? ભારતનો નાગરિક કોણ બની શકે? અને સાથે સાથે ભારતનો નાગરિક તેનું નાગરિકત્વ કયા સંજોગોમાં ગુમાવે છે ? આમ ભારત દેશની નાગરિકતા મેળવવા તેમજ ગુમાવવા બાબતની વિવિધ જોગવાઈઓની ચર્ચા કરીશું.
- અધિવાસથી નાગરિકત્વ
- સ્થળાંતરથી ભારતમાં આપેલ વ્યક્તિઓનું નાગરિકત્વ
- નોંધણીથી નાગરિકત્વ
અધિવાસથી નાગરિકત્વ
અનુચ્છેદ 5 અધિવસથી નાગરિકત્વ (citizenship by Domicile) કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિશે જણાવે છે. આ અનુચ્છેદ 2 શરતો ઠરાવે છે.
- બંધારણનાં પ્રારંભે (એટલે કે 26 જાન્યુ. 1955ના રોજ) તે વ્યક્તિનો અધિવાસ ભારતમાં હોવો જોઈએ. આવી વ્યક્તિ નીચેનામાંથી કોઈ એક શરત પૂર્ણ કરતી હોવી જોઈએ.
- જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોય,
- તેના માતા-પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોવો જોઈએ
- બંધારણના પ્રારંભના તરત અગાઉનાં પાંચ વર્ષથી ઓછા નહીં તેટલા સમય માટે ભારતીય પ્રદેશમાં તે સામાન્ય રીતે નિવાસી હોય.
અનુચ્છેદ 5 થી બંધારણના પ્રારંભે અધિવાસથી નાગરિકત્વ પ્રાપ્તિની જોગવાઈ કરાયેલ છે. અધિવાસની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવી નથી. સામાન્ય રીતે અધિવાસ એટલે એવું કાયમી ઘર કે સ્થળ જયાં વ્યક્તિ અચોક્કસ મુદત (એટલે કે કાયમ માટે) રહેવાનો ઈરાદો સેવે છે. અધિવાસના બે પ્રકારો છે.
- મૂળ અધિવાસ (Original domicile) અને
- પસંદગીનો આધિવાસ (Domicile of choice)
સ્થળાંતરથી ભારતમાં આવેલ વ્યક્તિઓનું નાગરિકત્વ
- તે અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા તેના દાદા-દાદીમાંથી કોઈ એકનો જન્મ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ, 1935માં વ્યાખ્યા અપાયા પ્રમાણેના ભારતમાં થયો હોય, અને
- આવી વ્યક્તિએ જો 19 જુલાઈ, 1948 પહેલાં સ્થળાંતર કરેલ હોય, અને તેવા પ્રસંગે તે સ્થળાંતરની તારીખથી સામાન્ય રીતે ભારતીય પ્રદેશમાં નિવાસ કરતી હોય, અથવા
- જયારે આવી વ્યક્તિએ 19 જુલાાઈ, 1948ના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય, તો ડોમિનિયન ઑફ ઇન્ડિયાની સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે સરકારે આ હેતુ માટે નિયુક્ત કરેલ અધિકારીને આ બંધારણના પ્રારંભ અગાઉ તે માટે આપેલ અરજી પરથી તે અધિકારીએ જેની નોંધણી ભારતના નાગરિક તરીકે કરેલી હોય, તેને બંધારણના પ્રારંભે ભારતનો નાગરિક ગણવામાં આવશે.
પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ અરજી કર્યાની તારીખથી તરત અગાઉના ઓછામાં ઓછા 6 માસ સુધી ભારતના પ્રદેશમાં નિવાસ ન કરેલ હોય, તો તેની ભારતના નાગરિક તરીકે નોંધણી કરવામાં આવશે નહીં.
અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિઓનાં નાગરિકત્વ અને જોગવાઈ કરાવેલ છે. અનુચ્છેદ 7 ઠરાવે છે કે અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 6 માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જેણે 1 માર્ચ 1947 પછી ભારતના પ્રદેશમાંથી હવે પાકિસ્તાનમાં સમાવિષ્ટ પ્રદેશમાં સ્થળાંતર કરેલ હોય, તો તે ભારતનો નાગરિક ગણાસે નહી. અનુચ્છેદ 8 મૂળ ભારતની પરંતુ ભારત બહાર રહેતી વ્યક્તિઓનાં નાગરિકત્વ વિશે જોગવાઈ કરે છે. અનુચ્છેદ 8 ઠરાવે છે કે અનુચ્છેદ 5 માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જેનો પોતાનો અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈ એકનો ગવર્નમેન્ટ ઓફ ઈંનિયો એક્ટ, 1935માં વ્યાખ્યા કર્યા મુજબના ભારતમાં જેનો જન્મ થયો હોય અને જે સામાન્ય રીતે આ વ્યાખ્યા મુજબના ભારત બહારના કોઈ દેશમાં નિવાસ કરતી હોય, તે વ્યક્તિ પોતે જયાં નિવાસ કરતી હોય, તે દેશના રાજનીતિક અથવા વાણિજિયક પ્રતિનિધિને આ બંધારણના પ્રારંભ પૂર્વે કે બાદ ડોમિનિયમ ઓફ ઈન્ડીયા કે ભારત સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે તે હેતુ માટે તેણે કરેલ અરજી પરથી અથવા રાજનીતિક કે વાણિજિયક પ્રતિનિધિએ ભારતના નાગરિક તરીકે નોંધણી કરેલ હોય, તો તેને ભારતના નાગરિક ગણવામાં આવશે.
આપણી સંસદે નાગરિકત્વ પારો, 1955 ઘડેલ છે. આ કાયદા અનુસાર ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે પાંચ રીતો દર્શાવવામાં આવેલ છે. એટલે કે નાગરિકતા (એ) જન્મથી, (બી) વંશાનુક્રમથી, (સી) નોંધણીથી (ડી) દેશીયકરણથી (ઈ) પ્રદેશનો સમાવેશ થવાથી.
જન્મથી નાગરિકતા :
26 જાન્યુ. 1950ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલ દરેક વ્યક્તિ જન્મથી ભારતની નાગરિક ગણાય છે, પરંતુ, તેના જન્મ સમયે જો તેના પિતા કાનૂની પ્રક્રિયાથી મુક્તિઓ (exemptions) ધરાવતો હોય, અને તે ભારતનો નાગરિક ન હોય અથવા તેનો પિતા વિદેશમાં રહેતો શત્રુ હોય અને એવા સ્થળે જન્મ થયો હોય કે જે તે સમયે શત્રુના કબજામાં હોય, તો તેને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં.
વંશાનુક્રમથી નાગરિકતા:
જે વ્યક્તિ 26 જાન્યુ. ના રોજ અથવા ત્યારબાદ ભારતની બહાર જન્મી હોય અને તેનો પિતા જન્મ સમયે ભારતીય નાગરિક હોય તો તે તેના જન્મ સમયે ભારતની નાગરિક બનશે. પરંતુ જો આવી વ્યક્તિનો પિતા ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતનો નાગરિક હોય, તો તે વ્યક્તિ ઉપર મુજબ જન્મ દ્વારા ભારતની નાગરિક ગણાશે નહીં, સિવાય કે તેનો જન્મથી અથવા આ કાયદાના પ્રારંભથી એક વર્ષની મુદતમાં અથવા કેન્દ્ર સરકારની પરવાનગીથી તેના જન્મની ભારતીય દૂતાવાસમાં નોંધણી કરવામાં આવી હોય, અથવા સિવાય કે તેનો પિતા જન્મ સમયે ભારત સરકારની નોકરીમાં હોય, અવિભક્ત ભારત બહાર જન્મેલી કોઈ વ્યક્તિ કે જે બંધારણની શરૂઆતમાં ભારતની નાગરિક હોય અથવા માનવામાં આવતી હોય, તો તેને ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતની નાગરિક ગણવામાં આવશે.
નોંધણીથી નાગરિકતા:
- જે વ્યક્તિ મૂળ ભારતીય હોય, સામાન્ય રીતે ભારતની રહેવાસી હોય અને નોંધણી માટેની અરજી કરતા પહેલા તરતના છ મહિનાથી ભારતમાં રહેતી હોય.
- જે વ્યક્તિ મૂળ ભારતીય હોય અને તે અવિભક્ત ભારત બહાર કોઈ દેશમાં અથવા સ્થળે રહેતી હોય,
- ભારતીય નાગરિકનાં સગીર બાળકો,
- પુખ્ત વયની સમર્થ વ્યક્તિ, કે જે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની નાગરિક હોય. જે વ્યક્તિનું ભારતીય નાગરિકત્વ રદ કરાયેલ હોય અથવા જેની નાગરિકતાનો અંત લાવવામાં આવેલ હોય તેની કેન્દ્ર સરકારના હુકમ સિવાય નોંધણી કરી શકાશે નહીં.
દેશીયકરણથી નાગરિકતા :
- પુખ્તવયની સમર્થ વ્યક્તિ દેશીયકરણથી નાગરિકત્વ માટે અરજી કરી શકે. તે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની હોવી જોઈએ. તદ્ઉપરાંત તેણે નીચે દર્શાવેલ શરતો પૂરી કરવી જોઈએ.
- તે એવા દેશની નાગરિક ન હોવી જોઈએ કે જ્યાં તે દેશના કાયદા કે રિવાજ દ્વારા ભારતના નાગરિકોને તે દેશના નાગરિક બનતા અટકાવવામાં આવતા હોય.
- તેણે તેના અંગાઉના દેશની નાગરિકતાનો ત્યાગ કરેલ હોવો જોઈએ અને ત્યાંની મધ્યસ્થ સરકારને જાણ કરેલ હોવી જોઈએ.
- અરજીની તારીખથી તરત અગાઉના બાર માસથી તે ભારતમાં રહેલી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ.
- ઉપયુક્ત બાર માસના સમયથી તરત અગાઉના સાત વર્ષના સમગ્ર સમય દરમ્યાન તે ભારતમાં રહી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ અથવા અંશત: એક અગર બીજી રીતે ઍકદર ચાર માસના સમયથી રહી હોવી જોઈએ.
- તે સારા ચારિત્ર્યની હોવી જોઈએ.
- બંધારણના 8મા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાવેલ કોઈ ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, અને
- તેનો ભારતમાં રહેવાનો અથવા સરકારી નોકરીમાં દાખલ થવાનો અગર ચાલુ રહેવાનો અથવા ભારત જેનું સભ્ય હોય તે આંતરરાષ્ટ્રીય સંસ્થાને સેવા આપવાનો અથવા ભારતમાં સ્થાપિત કોઈ સંસ્થા, કંપની અગર વ્યક્તિઓના સમૂહ હેઠળ નોકરી કરવાનો ઈરાદો હોવો જોઈએ.
- જો કદાચ કોઈ વ્યક્તિ ઉપર જણાવેલ તમામ કે કોઈ શરતનું પાલન કરી શકતી ન હોય અને કેન્દ્ર સરકારના મતે તેણે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, સાહિત્ય, વિશ્વશાંતિ અથવા સામાન્ય રીતે માનવ પ્રગતિ માટે ગણનાપાત્ર સેવાઓ આપી છે, તો તે દેશીયકરણ દ્વારા નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે.
- પ્રદેશનો સમાવેશ થવાથી: જો કોઈ પ્રદેશ ભારતનો ભાગ બને, તો તે કારણે કોણ ભારતના નાગરિકો બનશે તે અંગે કેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે.
નાગરિકતાની સમાપ્તિ
નાગરિકત્વ ધારો, 1955, ક.9 મુજબ, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો તે ભારતની નાગરિક મટી જાય છે. એટલે કે તેના ભારતીય નાગરિકત્વનો અંત આવે છે. અનુચ્છેદ 9માં પણ જણાવાયેલ છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાથી વિદેશી રાજ્યનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો અનુચ્છેદ 5 અન્વયે તે ભારતના નાગરિક રહેશે નહીં અથવા અનુચ્છેદ 8 અનુસાર ભારતનો નાગરિક ગણાશે નહીં.
વિશેષમાં, નાગરિકત્વ ધારો, 1955, ક.10 અનુસાર, તેમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈ કારણસર, કેન્દ્ર સરકાર, યોગ્ય તપાસ કર્યા બાદ કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા રદ કરી શકે છે.