રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રીમંડળ, એટર્ની જનરલ વગેરે વિષે વિગતવાર સમજીયે.
ભારતના રાષ્ટ્રપતિનું બંધારણીય સ્થાન
બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ કારોબારીના વડા છે. ભારતના રાષ્ટ્રપતિ માટે એમ કહેવાય છે, "તેઓ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ રાષ્ટ્રનું શાસન કરતા નથી. ” તેઓ રાષ્ટ્રનું પ્રતીક છે. તેમનું સ્થાન ઇંગ્લેન્ડના રાજા જેવું છે. તેમનું સ્થાન અમેરિકાના રાષ્ટ્રપતિ જેવું નથી. તેઓ બંધારણીય વડા છે. સંઘ(કેન્દ્ર)ની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં સ્થાપિત થયેલ છે. અનુચ્છેદ 14 પ્રમાણે રાષ્ટ્રપતિને તેમના કામકાજમાં મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ હોય છે. અને રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલ છે. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર હોય છે, રાષ્ટ્રપતિને નહીં. એટલે કે ખરી કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નહીં, પરંતુ મંત્રીમંડળ સ્થાપિત થયેલી છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ અને મદદ વગર કારોબારી સત્તા વાપરી શકે નહીં, ભલે પછી સંસદનું વિસર્જન થયેલ હોય. રાષ્ટ્રપતિએ કરેલ કાર્યો કેન્દ્ર સરકારના છે કે રાષ્ટ્રપતિના તે મહત્વનું નથી. રાષ્ટ્રપતિએ કારોબારી કાર્યો કરવા માટે મંત્રીમંડળની સલાહ પ્રમાણે પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો હોય છે. આ નિયમના જૂજ અપવાદો છે જેમ કે :
(એ) વડાપ્રધાનની પસંદગી,
(બી) ગૃહનો વિશ્વાસ ગુમાવનાર સરકારની બરતરફી,
(સી) ચોક્કસ સંજોગોમાં ગૃહનું વિસર્જન,
આમ, અપવાદરૂપ સંજોગો સિવાય રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલ છે. આ રીતે જોઈએ તો વડાપ્રધાનની નિમણૂક, લોકસભાનું વિસર્જન વગેરે બાબતો બાદ કરતાં રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાવયેલ છે. પરંતુ આનો અર્થ એવો થતો નથી કે રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ કે કઠપૂતળી છે. એટલું ખરું કે રાષ્ટ્રપતિ બંધારણીય કે ઔપચારિક વડા છે. રાષ્ટ્રપતિએ બંધારણનું રક્ષણ કરવાના સોગંદ લીધેલા હોય છે. તેથી
જ પ્રધાનમંડળને નિર્ણયો લેવામાં સલાહ આપવાની તેમની ફરજ છે. તેઓ પ્રધાનમંડળના Friend, Philosopher and Guide તરીકે કાર્ય કરી શકે .દા.ત, 1997માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 356 હેઠળ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવા જાહેરનામા પર સહી કરવા વિનંતી કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ આર. કે. નારાયણે પુન:વિચારણા માટે કેન્દ્રીય પ્રધાનમંડળને વિનંતી કરી હતી. કેન્દ્રીય પ્રધાનમંડળે રાષ્ટ્રપતિની સલાહ સ્વીકારી હતી.
રાષ્ટ્રપતિની સતાઓ
કારોબારી સતાઓ
રાષ્ટ્રપતિ કારોબારીના વડા છે. અને સંઘની કારોબારી સત્તા તેમનામાં સ્થાપિત થયેલી છે. સંઘસરના તમામ કારોબારી કાર્યો રાષ્ટ્રપતિના નામથી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ પ્રધાનમંડળની સલાહ મુજબ જ પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો હોય છે. રાષ્ટ્રપતિને પ્રધાનમંડળની સલાહ અનુસાર નીચે પ્રમાણે નિમણૂક કરવાની સત્તા છે.
1. વડાપ્રધાન અને અન્ય કેન્દ્રીય પ્રધાનો,
2. ભારતના એટર્ની જનરલ,
3. ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ,
4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો,
5. રાજ્યની વડી અદાલત (High Court)ના ન્યાયાધીશો,
6. રાજ્યના રાજયપાલો,
7. આંતરરાજ્ય સમિતિ,
8. કેન્દ્રીય જાહેર સેવા પંચ,
9. નાણાંપંચ
10. ચૂંટણી કમિશનર
લશ્કરી સત્તાઓ
લશ્કરી દળો પરનો સર્વોચ્ચ અંકુશ રાષ્ટ્રપતિમાં સ્થાપિત કરાયેલ છે. આમ, રાષ્ટ્રપતિ લશ્કરી દળોના સર્વોચ્ચ સેનાપતિ છે, પરંતુ લશ્કરી દળોની રચના, તેમની નોકરીની શરતો વગેરે અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. તે અનુસાર Army Act પસાર કરાયેલ છે. રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના કે તેની મંજૂરીની અપેક્ષાએ યુદ્ધ જાહેર કરી શકે નહીં.
વૈધનિક સત્તાઓ(Legislative Power)
રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે. તેઓ જો કે સંસદને જવાબદાર નથી. તેમની વૈધાનિક સત્તાઓ નીચે મુજબ છે:
1. સંસદની બેઠક બોલાવવાની, કે મુલતવી રાખવાની અને સંસદનું વિસર્જન કરવાની,
2. સંસદનું ઉદઘાટન પ્રવચન કરવાની,
3. સંસદને સંબોધન કરવાની અને સંદેશા મોકલવાની,
4. વાર્ષિક નાણાકીય નિવેદન (બજેટ) રજૂ કરવાની,
5. કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ રજૂ કરવાની,
6. સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવાના ક્ષેત્રમાંથી 12 વ્યક્તિઓની રાજયસભાના સભ્યો તરીકે. નિમણૂક કરવાની,
7. કેન્દ્રીય જાહેર સેવા પંચનો વાર્ષિક અહેવાલ રજૂ કરવાની,
8. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય પંચનો વાર્ષિક અહેવાલ રજૂ કરવાની.
નીચેના ખરડાઓ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી છે :
1. રાજ્યોની સરહદી અથવા નામમાં ફેરફાર કરવા માટેનો ખરડો,
2. નાણાંકીય ખરડો
3. સંચિત નિધિમાંથી ખર્ચ કરવાની ભાબત.
4. રાજ્યનું શિત જેમાં રહેલ હોય તેવી કોઈ બાબતમાં કર લાદવાનો કે તેમાં ફેરફાર કરવાને લગતો ખરડો.
5. વેપાર પર નિયંત્રણ મૂક્તો ખરડો.
વટહુકમ પ્રગટ કરવાની સત્તા
અનુચ્છેદ 123 જણાવે છે કે જયારે-
(એ) સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય, અને
(બી) રાષ્ટ્રપતિને ખાતરી થાય કે તાત્કાલિક પગલાં લેવાનું પોતાના માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવર્તમાન છે.
-તો રાષ્ટ્રપતિ પોતાને જરૂરી જણાય તેવા વટહુકમ (Ordinance) પ્રગટ કરી શકે છે. સંસદ જે કોઈ બાબત અંગે કાયદો ઘડી શકે તેવી કોઈપણ બાબત અંગે રાષ્ટ્રપતિ વટહુક્મ પ્રગટ કરી શકે.
શિક્ષા માહ કરવાની કે સ્થગિત કરવાની સત્તા
રાષ્ટ્રપતિને નીચેના કેસોમાં, કોઈ ગુના માટે દૌષિત ઠરાવાયેલ કોઈ વ્યક્તિની શિક્ષા માફ કરવાની, તે કામચલાઉ મોકૂફ રાખવાની, તેમાં ઘટાડો કરવાની અથવા તે સ્થગિત કરવાની અથવા તે બદલીને ઓછી કરવાની સત્તા છે.
(એ) એવા તમામ કેસોમાં, જેમાં લશ્કરી અદાલતે શિક્ષા કરેલ હોય, અથવા
(બી) સંવની કારોબારી સત્તા જ્યાં વિસ્તરેલી હોય એવી કોઈપણ બાબતને લગતા કાયદા વિરુદ્ધના ગુના માટે થયેલ શિક્ષા અથવા
(સી) દેહાંતદંડ (ફાંસી)ની સજા થયેલ હોય.
કેહાર સિંગ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ઇન્દિરા ગાંધીની હત્યા બદલ આરોપીને દેહાંતદંડની સજા કરવામાં આવેલ હતી. સર્વોચ્ચ અદાલતે પણ તેનું સમર્થન કરેલ હતું. દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. તેની સામે સર્વોચ્ચ અદાલતમાં કરાયેલ અરજીમાં ઠરાવાયું કે આરોપીને રાષ્ટ્રપતિ સમક્ષ પ્રતિનિધિ મારફત રજૂઆતનો હક્ક નથી. માફીની અરજીની વિચારણા કરવાની સંપૂર્ણ સત્તા રાષ્ટ્રપતિને છે. સર્વોચ્ચ અદાલત તેમાં દખલ કરી શકે નહીં.
સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની સત્તા
જ્યારે રાષ્ટ્રપતિને એમ જણાય કે જાહેર મહત્ત્વનો કાયદા અથવા હકીકતનો પ્રશ્ન ઉપસ્થિત થવાની શકયતા છે, અને તેના પર સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય મેળવવાનું જરૂરી છે, તો રાષ્ટ્રપતિ તે પ્રશ્ન સર્વોચ્ચ અદાલતની વિચારણા માટે સુપરત કરી શકે. સર્વોચ્ચ અદાલત તેની સુનાવણી કર્યા બાદ પોતાના અભિપ્રાયની રાષ્ટ્રપતિને જાણ કરશે.
કટોકટીની સત્તાઓ
અનુચ્છેદ 352 હેઠળ જયારે રાષ્ટ્રપતિને એમ ખાતરી થાય કે ગંભીર કટોકટી અસ્તિત્વમાં છે કે જેનાથી ભારત અથવા તેના કોઈ ભાગની સલામતી કાં તો યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના લીધે જોખમમાં છે, તો રાષ્ટ્રપતિ કટોકટીનું જાહેરનામું પ્રગટ કરી શકે છે. આવું જાહેરનામું પ્રગટ કરવા માટે કેન્દ્રીય પ્રધાનમંડળની લેખિત અભિપ્રાય હોવો જોઈએ.
અનુચ્છેદ 356 હેઠળ જ્યારે રાષ્ટ્રપતિને રાજયપાલના અહેવાલ પરથી અથવા અન્ય રીતે ખાતરી થાય કે કોઈ રાજ્યનું શાસન બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાય તેમ નથી, તો રાષ્ટ્રપતિ જાહેરનામું પ્રગટ કરી તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરી શકે.
અનુચ્છેદ 360 હેઠળ જયારે રાષ્ટ્રપતિને એમ ખાતરી થાય કે ભારત અથવા તેના કોઈ એક ભાગની નાણાંકિય સ્થિરતા અથવા શાખ જોખમમાં છે. તો રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે.
ભારતના રાષ્ટ્રપતિ બનવાની લાયકાત જણાવો અને તેમને હોદા પરથી દૂર કરવાની જોગવાઈઓ એટલે કે રાષ્ટ્રપતિ ના મહાભિયોગ માટેની પ્રક્રિયા વિષે જાણીયે.
રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાતો :
1. તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ.
2. તેણે 35 વર્ષ પૂરાં કરેલ હોવાં જોઈએ.
3. લોકસભાના સભ્ય તરીકે ચૂંટણી લડવાની તેની લાયકાત હોવી જોઈએ.
પરંતુ જે વ્યક્તિ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર અથવા સરકારના અંકુશને આધીન કોઈ સ્થાનિક અથવા અન્ય સત્તાધિકારી હેઠળ નફાનો હોદો (Office of profit) ધરાવતી હોય, તે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે નહીં. કોઈ વ્યક્તિ માત્ર એ કારણસર નફાનો હોદો ધારણ કરેલ હોવાનું માનવામાં આવશે નહીં કે સંઘના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ છે અથવા કોઈ રાજ્યના રાજયપાલ છે અથવા સંઘ કે રાજયના મંત્રી છે.
રાષ્ટ્રપતિના મહાભિયોગ માટેની પ્રક્રિયા
આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. એટલે કે રાષ્ટ્રપતિને સંસદના બંને ગૃહો તથા રાજ્ય વિધાનમંડળના ચૂંટાયેલા સભ્યો ચૂંટે છે. ભારતમાં લોકો રાષ્ટ્રપતિને સીધા ચૂંટતા નથી. રાષ્ટ્રપતિ પોતાનો હોદો સંભાળે ત્યારથી તેમની મુદત 5 વર્ષની છે. તે પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. તેઓ પોતાનો હોદો સંભાળે તે અગાઉ તેમણે બંધારણને વફાદાર રહેવા અને ભારતના લોકોની સેવા કરવાના શપથ લેવાના હોય છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તેમને આ શપથ લેવડાવે છે.
રાષ્ટ્રપતિ પોતાના હોદાનું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તે સિવાય, બંધારણ ભંગના આરોપસર, અનુચ્છેદ મા 61માં નિશ્ચિત કરાયેલ કાર્યવાહી અનુસરીને તેમના હોદા પરથી દૂર કરી શકાય. આ કાર્યવાહીને મહાભિયોગ (Impeachment) કાર્યવાહી તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યવાહી નીચે મુજબ છે.
1. સંસદના કોઈપણ એક ગૃહમાં તેમની સામે ઠરાવના સ્વરૂપમાં તહોમત રજૂ કરવામાં આવશે. આવો ઠરાવ રજૂ કરવા માટેના ઈરાદાની જાણ કરતી ઓછામાં ઓછા 14 દિવસની લેખિત નોટિસ આપવી જોઈએ અને ગૃહના સભ્યોની કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતા ઓછા ન હોય તેટલા સભ્યોનો આ ઠરાવને ટેકો મળવો જોઈએ.
2. સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરાયેલ આવો ઠરાવ, ગૃહના સભ્યોની સંખ્યાના 2/3 કરતાં ઓછી ન હોય તેટલી બહુમતીથી આવો ઠરાવ પસાર થયેલો હોવો જોઈએ.
3. જ્યારે સંસદના કોઈએક ગૃહ દ્વારા રાષ્ટ્રપતિ સામે તહોમત રજૂ કરાયેલ હોય ત્યારે બીજું ગૃહ આ તહોમત સંબંધમાં તપાસ કરશે અને રાષ્ટ્રપતિને આવી તપાસમાં હાજર રહેવાનો અને રજૂઆત કરવાનો અધિકાર રહેશે. અનુચ્છેદ 61 હેઠળ તહોમતની તપાસ માટે સંસદના કોઈ એક ગૃહ દ્વારા નીમાયેલ અદાલત અથવા પંચ, રાષ્ટ્રપતિના વર્તનની સમીક્ષા કરી શકે છે.
4. આવી તપાસના પરિણામે તહોમતની તપાસ કરનાર ગૃહ દ્વારા કુલ સભ્ય સંખ્યાના 2/3 કરતાં ઓછી ન હોય તેટલી બહુમતીથી એમ જાહેર કરતો ઠરાવ પસાર કરવામાં આવે કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ તહોમત પુરવાર થયેલ છે, તો આવો ઠરાવ પસાર થયાની તારીખથી શષ્ટ્રપતિ તેમના હોદા પરથી દૂર થયેલા ગણાશે.
આપણા બંધારણના ઈતિહાસમાં હજુ સુધી કોઈ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ કાર્યવાહીથી તેમને દૂર કરાયા નથી. અમેરિકાના બંધારણ અનુચ્છેદ 11, કે. 4 હેઠળ ત્યાંના રાષ્ટ્રપતિ તેમજ તમામ મુલ્કી (Civil) અધિકારીઓ સામે રાષ્ટ્રદ્રોહ, રુશ્વત, અન્ય ભયંકર ગુનાઓ કે ગેરવર્તનનાં આરોપસર દોષિત ઠરાવાયેથી મહાભિયોગ કાર્યવાહી થી દૂર કરી શકાય છે. અમેરિકાના બંધારણ મુજબ મહાભિયોગ કાર્યવાહી કરવાની સત્તા નીચલા ગૃહને છે. આ ગૃહ એક સમિતિની રચના કરે છે અને આરોપની તપાસ કરે છે. સમિતિ પોતાનાં તારણો સેનેટને મોકલે છે. સેનેટમાં મહાભિયોગ કાર્યવાહી શરૂ થાય છે અને તેનું અધ્યક્ષસ્થાન અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંભાળે છે. સેનેટના મહાભિયોગ કાર્યવાહી સમયે હાજર રહેલ 2/3 સભ્યો તરફેણમાં મત આપે, તો રાષ્ટ્રપતિ હોદા પરથી દૂર થાય છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, તેમની સત્તાઓ અને તેમને હોદા પરથી દૂર કરવાની જોગવાઈઓ વિષે જાણીયે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
સંસદના બંને ગૃહોનું બનેલું મતદાર મંડળ સપ્રમાણ પ્રતિનિધિત્વ અનુસાર એકલ સંક્રમણિય મત (The Single Transferable Vote)નાં સાધનથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે અને આવી ચૂંટણી ગુપ્ત મતદાનથી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહના અથવા કોઈ રાજ્ય વિધાનસભાનો સભ્ય હોવો જોઈએ નહીં. આવો કોઈ સભ્ય ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય, તો તે ઉપરાષ્ટ્રપતિ તરીકે જે તારીખથી હોદ્દો સંભાળે તે તારીખથી તેણે તે હોદો ખાલી કર્યાનું ગણાશે. ઉપરાષ્ટ્રતિની ચૂંટણીમાં રાજ્યોના ધારાસભ્યોને મત આપવાનો અધિકાર નથી.
ચૂંટણી માટેની લાયકાત
1. તે ભારતીય નાગરિક હોવી જોઈએ.
2. તેણે 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ.
3. રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયાની તેની લાયકાત હોવી જોઈએ.
જે કોઈ વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈ રાજય સરકાર હેઠળ અથવા ઉપર્યુક્ત સરકારો પૈકી કોઈ સરકારના નિયત્રણને આધીન કોઈ સ્થાનિક કે અન્ય સત્તાધિકારી હેઠળ લાભકારક હોદો ધરાવતી હોય તે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે લાયક ગણાતી નથી. અનુચ્છેદ 66 હેઠળના ખુલાસાથી એ સ્પષ્ટ કરાયું છે કે, કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હોય અથવા કોઈ રાજયનો રાજયપાલ હોય અથવા કેન્દ્ર કે રાજ્યનો પ્રધાન હોય તો માત્ર તે કારણસર, તેણે લાભકારક હોદો ધારણ કરેલ હોવાનું ગણવામાં આવશે નહીં.
ઉપરાષ્ટ્રપતિની સત્તાઓ
રાષ્ટ્રપતિ પછી અગત્યનું સ્થાન ઉપરાષ્ટ્રપતિનું છે. અનુચ્છેદ 63 મુજબ ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ (Chairman) બને છે. તેઓ અન્ય કોઈ નફાનો હોદો ધારણ કરી શકે નહીં. જયારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકેની ફરજો બજાવે, ત્યારે તેઓ રાજયસભા અધ્યક્ષ તરીકેની ફરજો બજાવશે નહીં અને તે સમયે તેઓ રાજયસભા અધ્યક્ષ તરીકે પગાર અથવા ભથ્થાઓ મેળવવા હક્કદાર નથી.
જ્યારે રાષ્ટ્રપતિનું અવસાન, રાજીનામું અથવા રૂખસદ કે અન્ય કોઈ કારણસર રાષ્ટ્રપતિનું સ્થાન ખાલી પડે ત્યારે તેઓ નવા ચૂંટાયેલ રાષ્ટ્રપતિ જે તારીખથી પોતાનો હોદો સંભાળે તે તારીખ સુધી તેઓ રાષ્ટ્રપતિ તરીકે સત્તા ભોગવે છે. જ્યારે રાષ્ટ્રપતિ પોતાની ગેરહાજરી, માંદગી અથવા અન્ય કોઈ કારણસર પોતાની ફરજો બજાવવા અસમર્થ હોય, ત્યારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તેમની ફરજો પુનઃ સંભાળે, તે તારીખ સુધી, રાષ્ટ્રપતિ તરીકે સત્તા ભોગવે છે.
ઉપરાષ્ટ્રપતિ જે સમય દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે અથવા રાષ્ટ્રપતિ તરીકે સત્તા ભોગવે, તે સમય દરમિયાન તેઓ રાષ્ટ્રપતિની તમામ સત્તાઓ અને મુક્તિઓ (Powers and Exemptions) માટે હક્કદાર બનશે અને સંસદ કાયદાથી નક્કી કરે તેવા ભથ્થાંઓ અને વિશેષાધિકારો માટે પણ હક્કદાર બનશે અને સંસદ આવો કાયદો ન ઘડે ત્યાં સુધી દ્વિતીય પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ ભથ્થાંઓ અને વિશેષાધિકારો માટે હક્કદાર બનશે.
ઉપરાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરવાની જોગવાઈ
રાજયસભાના કુલ સભ્યોની બહુમતિથી લોકસભાએ સંમતિ આપેલ ઠરાવથી ઉપરાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરી શકાય. પરંતુ આવો ઠરાવ રજૂ કરતાં અગાઉ ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ અપાયેલ હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના અધ્યક્ષ હોય છે. તેમને દૂર કરવાનો ઠરાવ રાજયસભામાં જ 14 દિવસ અગાઉથી નોટિસ આપીને રજૂ કરી શકાય. ઉપરાષ્ટ્રપતિને સંસદના બંને ગૃહો ચૂંટે છે. તેથી રાજયસભામાં બહુમતિથી પસાર કરાયેલ ઠરાવને લોકસભાની સંમતિ મળવી જરૂરી છે. લોકસભાની આવી સંમતિ બાદ જ ઉપરાષ્ટ્રપતિને તેમના હોદા પરથી દૂર કરી શકાય. તેમને કયા કારણોસર દૂર કરી શકાય તે બાબતે અનુચ્છેદ 67માં કોઈ જણાવવામાં આવેલ નથી.
બંધારણ હેઠળ પ્રમુખ, મંત્રીમંડળ તથા વડાપ્રધાનના સંબંધો વિષે જાણીયે.
- વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચેનો સંબંધ
વડાપ્રધાનની પસંદગી રાષ્ટ્રપતિ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કરે છે. પસંદગી એવી વ્યક્તિની થવી જોઈએ કે જે ગૃહના સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય. સામાન્ય રીતે બહુમતી પક્ષના નેતાની પસંદગી કરવામાં આવે છે. બંધારણીય રીતે રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે અને કારોબારી સત્તા તેમનામાં સ્થાપિત થયેલ છે. પરંતુ વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ ભોગવે છે. કારણ કે તેમની સલાહ અને મદદ મુજબ રાષ્ટ્રપતિ કામ કરવા બંધાયેલ છે. પ્રધાનમંડળના વડા તરીકે વડાપ્રધાન છે. મંત્રીમંડળના સભ્યો તેમના સાથીદારો છે. તેઓ સૌ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. જ્યારે વડાપ્રધાન રાજીનામું આપે ત્યારે સમગ્ર પ્રધાનમંડળ રાજીનામું આપે છે. વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની ખુશી (Pleasure) સુધી મંત્રીઓ પોતાનો હોદો ભોગવે છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી. કારણ કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પ્રમાણે જ કોઈ વ્યક્તિની મંત્રી તરીકે નિમણૂક કે બરતરફ કરી શકે. જો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ વિના અથવા તેમની સલાહ વિરુદ્ધમાં કોઈ મંત્રીને દૂર કરે, તો સમગ્ર પ્રધાનમંડળે રાજીનામું આપવાના સંજોગો ઊભા થાય.
અનુચ્છેદ 78 પ્રમાણે રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા વડાપ્રધાનની ફરજો નક્કી કરાયેલી છે. વડાપ્રધાને સંઘની બાબતોના વહીવટને લગતા મંત્રીમંડળના તમામ નિર્ણયો અને કાયદાઓ ઘડવા અંગેની દરખાસ્તોની રાષ્ટ્રપતિને જાણ કરવી જોઈએ. તે જ રીતે, રાષ્ટ્રપતિ માગણી કરે તો તે મુજબની માહિતી આપવા વડાપ્રધાન બંધાયેલ છે. જયારે કોઈ મંત્રીએ કોઈ બાબતે નિર્ણય લીધેલ હોય, પરંતુ મંત્રીમંડળે તેના પર વિચારણા કરેલ ન હોય, તો તે - મંત્રીમંડળની વિચારણા માટે મૂકવાની વડાપ્રધાનની ફરજ છે. ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર શાસન ચલાવે છે. - કારોબારીના બંધારણીય વડા (એટલે કે રાષ્ટ્રપતિ) માત્ર નામના હોય છે. વાસ્તવિક સત્તા મંત્રીમંડળના હાથમાં હોય છે. વડાપ્રધાન (કે મંત્રીમંડળ) રાષ્ટ્રપતિને જવાબદાર નથી.
રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેનો સંબંધ
રાષ્ટ્રપતિના મંત્રીમંડળના સંબંધો અંગે જે મતો પ્રવર્તે છે. એક તો એ કે બંધારણથી સંસદને જવાબદાર મંત્રીમંડળની સંસદીય પદ્ધતિની સરકાર માટે જોગવાઈ કરાયેલ છે. તેથી રાષ્ટ્રપતિ ફક્ત બંધારણીય વડા છે. તેમનું સ્થાન ઇંગ્લેન્ડના રાજા જેવું છે. જ્યારે બીજો મત એવો છે કે બંધારણમાં સંસદીય પદ્ધતિના મંત્રીમંડળની જોગવાઈ હોવા છતાં, રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય વડા નથી. અપવાદરૂપ સંજોગોમાં રાષ્ટ્રપતિ સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય લેવા સમર્થ છે. મંત્રીની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે. મંત્રી રાષ્ટ્રપતિની ખુશી સુધી હોદો ભોગવી શકે છે. આમ છતાં મંત્રીમંડળ રાષ્ટ્રપતિને જવાબદાર નથી. મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. કોઈ મંત્રી પોતાનો હોદો સંભાળે તે અગાઉ રાષ્ટ્રપતિ તેમને બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેવરાવે છે. કોઈ મંત્રી સંતત છ માસથી સંસદના બે માંથી કોઈ ગૃહનો સભ્ય ન હોય, તો આ મુદત પૂરી થયે, તેઓ મંત્રી તરીકે રહી શકશે નહી. આપણે ત્યાં ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે : (1) કેબિનેટ મંત્રી, (2) રાજય મંત્રી અને (3) નાયબ મંત્રી.
કેબિનેટ (Cabinet) અને મંત્રીમંડળ (Council of Ministers) વચ્ચે તફાવત છે. કેબિનેટ મંત્રીમંડળનું નાનું એકમ છે. પ્રધાનમંડળના તમામ સભ્યો કેબિનેટ મંત્રી ગણાતા નથી. કેબિનેટ નીતિવિષયક નિર્ણયો લેનાર પ્રધાનમંડળ નું એકમ અથવા જૂથ છે. મંત્રીમંડળના સિનિયર પ્રધાનો કેબિનેટનો ભાગ બને છે. મંત્રીની નિમણૂક વડાપ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ કરે છે. તેથી વાસ્તવમાં મંત્રી જયાં સુધી વડાપ્રધાનનો વિશ્વાસ ધરાવે, ત્યાં સુધી તે પોતાના હોદા પર રહી શકે છે. સામૂહિક જવાબદારીના સિદ્ધાંત પ્રમાણે જયારે વડાપ્રધાન કોઈને મંત્રીમંડળમાંથી બરતરફ કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે રાષ્ટ્રપતિને ભલામણ કરવી જોઈએ અને રાષ્ટ્રપતિ તેમને બરતરફ કરવાની સત્તા ધરાવે છે.
મંત્રીમંડળના કોઈપણ કાર્ય કે નિવેદન બદલ સમગ્ર મંત્રીમંડળ જવાબદાર છે. જો સંસદ કોઈ એક પ્રધાનને ઠપકો આપે તો સમગ્ર પ્રધાનમંડળે રાજીનામું આપવું જોઈએ. જો કોઈ પ્રધાન મંત્રીમંડળની નીતિ સાથે સંમત ન હોય, તો તેમણે મંત્રી તરીકે રાજીનામું આપવું જોઈએ. જો કોઈ મંત્રી, મંત્રીમંડળની સંમતિ સિવાય કોઈ નીતિની જાહેરાત કરે અને મંત્રીમંડળ પાછળથી તે નીતિનું સમર્થન ન કરે, તો તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું જોઈએ. મંત્રીના કાર્ય કે નિવેદન બદલ સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર બને છે. વડાપ્રધાન એમ ન કહી શકે કે જે તે પ્રપાન તેના કાર્ય કે નિવેદન બદલ જવાબદાર છે.
મંત્રીમંડળ(Council of Ministers)
સંઘની કારોબારી સત્તા (executive power) રાષ્ટ્રપતિમાં સ્થાપિત થયેલ છે, પરંતુ રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય વડા છે. અનુચ્છેદ 53 જણાવે છે કે, રાષ્ટ્રપતિને સલાહ આપવા અને મદદ કરવા માટે મંત્રીમંડળ રહેશે. અને તેના વડા તરીકે વડાપ્રધાન રહેશે. 42માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 74(1)માં એમ જોગવાઈ કરાયેલ છે કે, રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે કાર્ય કરશે. આમ, મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા છે. જો કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળને કોઈ બાબતની પુનઃવિચારણા માટે જણાવી શકે. અનુચ્છેદ 78 પ્રમાણે વડાપ્રધાનની રાષ્ટ્રપતિને સરકારી કામકાજથી અવગત કરવાની ફરજ છે. અનુચ્છેદ 74 પ્રમાણે વડાપ્રધાનની નિમણૂક કરે છે. રાષ્ટ્રપત્તિ મંત્રીમંડળની સલાહ વિના લોકસભા ભંગ કરી શકતા નથી. મંત્રીમંડળ સંસદનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ મંત્રીમંડળને બરતરફ કરી શકતા નથી. ડો. આંબેડકરે રાષ્ટ્રપતિના દરજજા વિશે જણાવેલ છે કે, “રાષ્ટ્રપતિ સામાન્ય રીતે મંત્રીમંડળની સલાહથી બંધાયેલ રહેશે. તેઓ મંત્રીમંડળની સલાહ વિરુદ્ધ કાંઈ કરી શકે નહીં. તેમજ સલાહ વિના પણ કાંઈ કરી શકે નહીં."
મંત્રીમંડળની રચનામાં સૌ પ્રથમ તબકો વડાપ્રધાનની પસંદગીનો છે. રાષ્ટ્રપતિ પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિથી વડાપ્રધાનની પસંદગી કરે છે. વડાપ્રધાન તરીકે એવી વ્યક્તિની પસંદગી થવી જોઈએ કે જે ગૃહના સભ્યોનાં વિશ્વાસ ધરાવતી હોય. સામાન્ય રીતે બહુમતી પક્ષના નેતાની વડાપ્રધાનપદે પસંદગી કરવામાં આવે છે. વડાપ્રધાનની પસંદગી વખતે મંત્રીમંડળનું અસ્તિત્વ હોતું નથી. તેથી તેઓ મંત્રીમંડળની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. જયારે વડાપ્રધાન રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે મંત્રીમંડળ પણ રાજીનામું આપે છે.
ભારતના એટર્ની જનરલ.
ભારતના એટર્ની જનરલનો હોદો બંધારણીય હોદો છે અને તેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તેમની લાયકાત સંબંધમાં અનુચ્છેદ 76માં માત્ર એટલું જણાવવામાં આવેલ છે કે તે વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. અનુચ્છેદ 124માં આ લાયકાતો નિયત કરાયેલ છે અને તે નીચે મુજબ છે ::
1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
2. તે ઓછામાં ઓછો પાંચ વર્ષ સુધી કોઈ વરિષ્ટ અદાલતનો અથવા ઉત્તરોત્તર બે અથવા તેથી વધુ અદાલતોમાં ન્યાયાધીશ તરીકે રહેલ હોવો જોઈએ.
3. તે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કોઈ વરિષ્ટ અદાલતનો અથવા ઉત્તરોત્તર બે કે તેથી વધુ અદાલતોમાં એડવોકેટ રહેલ હોવો જોઈએ, અથવા
4. રાષ્ટ્રપતિના મતે તે નામાંકિત ન્યાયવિદ (Jurist) હોય.
ફરજો :
1. રાષ્ટ્રપતિ તરફથી જે કોઈ ફરજ સોંપવામાં આવે તે ફરજ તેમણે બજાવવી જોઈએ.
2. બંધારણ કે કોઈ કાયદા હેઠળ તેમને સોંપાયેલ કાનૂની સ્વરૂપની ફરજ તેમણે બજાવવી જોઈએ.
3. ભારત સરકાર જેમાં પક્ષકાર હોય તેવી કોઈ કાનૂની બાબતમાં સર્વોચ્ચ અદાલત કે કોઈ વરિષ્ટ અદાલતમાં તેમણે રજૂઆત કરવી જોઈએ.
4. ભારત સરકાર તરફથી કહેવામાં આવે ત્યારે સંસદમાં કે સંસદીય સમિતિમાં રજૂઆત કરવાની તેમની ફરજ છે. પરંતુ તે સમયે તેઓ મત આપી શકતા નથી.