ભારતીય સંસદ અને સંસદ સભ્યોના વિશેષાધિકારો, સત્તાઓ અને રક્ષણોની એટલે કે સંસદના બંધારણ અને સંસદના ગૃહો, તેના સભ્યો અને સમિતિઓની રચનાઓ વિષે જાણીયે.
સંસદનું બંધારણ
સંસદ બે ગૃહોની બનેલી છે:
1. લોકસભા અને
2. રાજયસભા.
લોકસભાની રચના
લોકસભાની રચના રાજ્યોની વસ્તીના આધારે ફાળવાયેલ બેઠકોની સંખ્યા પર આધારિત છે. શરૂઆતમાં લોકસભા સભ્યોની સંખ્યા 500 હતી. 1971માં સંખ્યા 506 થઈ. 31મા સુધારાથી તેની સંખ્યા 525 થઈ. ગોવાનું 62 અલગ રાજ્ય બનતાં, લોકસભા સભ્યસંખ્યા 535 થઈ. તદ્દઉપરાંત સંધ પ્રદેશોના 20 પ્રતિનિધિઓ હોય છે અને એંગ્લો-ઇન્ડિયન જાતિના બે સભ્યોને રાષ્ટ્રપતિ નીમે છે. હાલની સભ્યસંખ્યા 552 છે.
લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે પુખ્ત મતાધિકારનાં ધોરણે થાય છે. હાલે ભારતમાં 18 વર્ષે મતાધિકાર અપાયેલ છે. દરેક રાજ્યને લોકસભાની બેઠક એ રીતે ફાળવવામાં આવે છે કે, તે સંખ્યા અને રાજ્યની વસ્તીનું પ્રમાણ, શક્ય હોય ત્યાં સુધી તમામ રાજયો માટે એકસરખું રહે. દરેક રાજ્યને પ્રાદેશિક મતદાર-મંડળોમાં એ રીતે વિભાજન કરવામાં આવે છે કે, દરેક મતદાર મંડળની વસ્તી અને ફાળવાયેલ બેઠક સંખ્યા વચ્ચેનું પ્રમાણ ત્યાં સુધી તે રાજયમાં બધે એક્સરખું રહેશે.
રાજ્યસભાની રચના
રાજયભા કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થતા હોય છે. રાજયસભામાં બે પ્રકારના સભ્યો વિશે જોગવાઈ કરાયેલ છે. તેમાં રાજ્યોના 238 પ્રતિનિયિઓ હોય છે. તેમને વિધનસભાના ચૂંટાયેલ સભ્યો એકલ સંક્રમાણીય મત(single transferrable vete)ના સાધનથી સંપ્રમાણ પ્રતિનિધિત્વ (Proportional representation)ની પદ્ધતિ અનુસાર ચૂંટવામાં આવે છે. બાકીના 12 સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાના ક્ષેત્રમાંથી નામાંકિત વ્યક્તિઓને રાષ્ટ્રપતિ નીમે છે. ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ (by virtue of office) રાજસભા અધ્યશ બને છે.
સંસદ સભ્ય માટે લાયકાત
1. તે ભારતીય નાગરિક હોવી જોઈએ અને તેણે ચૂંટણી અધિકારી સમક્ષ નિયત નમૂના પ્રમાણે શપથ લઈ તેની નીચે પોતાની સહી કરવી જોઈએ.
2. રાજ્યસભાની બેઠકની ચૂંટણી લડવા માટે 30 વર્ષ અને લોકસભા બેઠકની ચૂંટણી લડવા માટે 25 વર્ષની વય હોવી જેઈએ.
3. સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતી હોવી જોઈએ.
સંસદ સભ્યો બંધારણ હેઠળની પોતાની ફરજો બરાબર બજાવી શકે તે હેતુથી તેમને કેટલીક સત્તાઓ, વિશેષાધિકારી તેમજ મુક્તિઓ આપવામાં આવેલ છે. રાજ્ય વિધાનસભા સભ્યોને પણ આ પ્રકારની સત્તાઓ, વિશેષાધિકાર અપાયેલ છે. સંસદ સભ્યોને અનુચ્છેદ 105થી નીચેના બે વિશેષાધિકારો અપાયા છે ?
1. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર અને
2. સંસદીય કાર્યવાહી પ્રગટ કરવાનો અધિકાર.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
દરેક વિશેષાધિકાર વિશે થોડી વિગત જોઈએ.
1. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર
દરેક સંસદ સભ્યને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. જો કે આ વિશેષાધિકાર, બંધારણ જોગવાઈઓ તેમજ સંસદીય કાર્યવાહીનું નિયમન કરતા નિયમો અને સ્થાથી હુકમો (Standing Orders),ને આધીન છે. કોઈપણ સભ્ય, સંસદમાં પોતાના વક્તવ્ય કે નિવેદન બદલ દીવાની (Civil) કે ફોજદારી (Criminal) રાહે જવાબદાર બનતા નથી. તે જ રીતે, સંસદ સભ્ય, સંસદીય સમિતિમાં જે કાંઈ રજૂઆત કરે, તે બદલ પણ તેમની સામે દીવાની કે ફોજદારી રાહે પગલાં લઈ શકાતા નથી. આ વિશેષાધિકાર, તેમણે સંસદ કે સંસદીય સમિતિમાં કરેલ મતદાનને પણ લાગુ પડે છે. આ વિશેષાધિકાર સંસદમાં કહેવામાં આવેલ નિવેદન કે મતદાનને જ લાગુ પડે છે. સંસદ બહાર તેમણે કરેલ બદનક્ષીકારક નિવેદન બદલ તેમની સામે કાયદેસર પગલાં લઈ શકાય છે. સંસદ સભ્યને મળેલ આ વિશેષાધિકાર, બંધારણ અનુછેદ 19(1) (એ) હેઠળ નાગરિકને મળેલ વાણી સ્વાતંત્ર્ય કરતા અલગ છે, કારણ કે સંસદ સભ્યનો આ વિશેષાધિકાર નિરપેક્ષ (Absolute) છે. તે કોઈ નિયંત્રણને આધીન નથી. જયારે અનુચ્છેદ 19(1)(એ) હેઠળની વાણી સ્વાતંત્ર્ય અધિકાર વાજબી નિયંત્રણોને આધીન છે.
2. સંસદીય કાર્યવાહી પ્રગટ કરવાનો અધિકાર
સંસદના સત્તાધિકાર (Authority)થી કે તે હેઠળ કોઈ વ્યક્તિએ કોઈ અહેવાલ, કાગળ કે કાર્યવાહી પ્રગટ કરેલ હોય, તો તે બદલ કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. આપણે ત્યાં Parliamentary Proceedings (Protection of Publication) Act, 1956 પણ પસાર કરાયેલ છે. તે પ્રમાણે સંસદીય કાર્યવાહીનો સાચો અહેવાલ પ્રગટ કરવા બદલ કોઈ સામે દીવાની કે ફોજદારી કાર્યવાહી હાથ ધરી શકાતી નથી. સંસદ સભ્ય લાંચ લઈને મત આપે કે પ્રશ્ન પૂછે તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. લાંચ આપનાર ગુનેગાર બને છે. સંસદ સભ્યને રક્ષણ મળે છે.
સંસદસભ્યોના અન્ય વિશેષાધિકારો
ધરપકડમાંથી મુક્તિ
સંસદીય કાર્યવાહી દરમ્યાન, સંસદીય કાર્યવાહીના 40 દિવસ અગાઉ તેમજ 40 દિવસ પછીના સમય દરમ્યાન, દીવાની કાર્યવાહી બદલ કોઈ સંસદસભ્યની ધરપકડ કરી શકાતી નથી. પરંતુ આ વિશેષાધિકાર દીવાની કાર્યવાહી પૂરતો મર્યાદિત છે. ફોજદારી કાર્યવાહી કરવા માટે આ વિશેષાધિકારનો બાધ નડતો નથી. ફોજદારી કાર્યવાહી બદલ અથવા નિવારક અટકાયત કાયદા હેઠળ સંસદ સભ્યની ધરપકડ થઈ શકે છે.
ચર્ચા પ્રગટ કરતા રોકવાનો અધિકાર
સંસદની કાર્યવાહી, સંસદ કે સંસદીય સમિતિમાં થયેલ ચર્ચાઓ, કાર્યવાહી પ્રગટ થતા રોકવાનો સંસદને વિશેષાધિકાર છે.
અજાણી વ્યક્તિઓને બાકાત રાખવાનો અધિકાર
સામાન્ય રીતે સંસદીય કાર્યવાહી પ્રગટ થવી જોઈએ, કારણ કે તેનાથી લોકોને તેમના પ્રતિનિધિની કામગીરીનો ખ્યાલ આવી શકે. આમ છતાં, સંસદને બહારની કોઈપણ વ્યક્તિને સંસદમાં પ્રવેશ કરતાં અટકાવવા વિશેષાધિકાર ધરાવે છે. દા.ત., બંને વિશ્વયુદ્ધના સમયે ઇંગ્લેન્ડ સંસદમાં બહારની વ્યક્તિઓને પ્રવેશવા મનાઈ ફરમાવવામાં આવી હતી. સંસદના નિયમોમાં આ પ્રકારની જોગવાઈ કરાયેલ છે.
આંતરિક કાર્યવાહીનું નિયમન કરવાનો અધિકાર
સંસદને પોતાની કાર્યવાહી અને તેમાંથી ઉત્પન્ન થતી બાબતોનું નિયમન અને નિર્ણય કરવાની પૂર્ણ સત્તા છે. પોતાના આંતરિક વ્યવહારોનું નિયમન કરવાની સંસદની સત્તામાં અદાલતો ક્યારેય દરમ્યાનગીરી કરતી નથી. પ્રક્રિયાત્મક અનિયમિતતા (Procedural irregularity) ના કારણસર સંસદીય કાર્યવાહી અદાલતમાં પડકારી શકાતી નથી. તે જ રીતે, સંસદીય કામકાજમાં બંધારણે આપેલ સત્તા વાપરનાર અધિકારીની કાર્યવાહી પણ અદાલતમાં પડકારી શકાતી નથી.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
તિરસ્કાર બદલ સજા કરવાનો અધિકાર
પોતાના વિશેષાધિકારનો ભંગ કે ગૃહનું અપમાન કે તિરસ્કાર કરવા બદલ ગૃહને કોઈપણ વ્યક્તિ (સભ્ય કે બિનસભ્ય) ને સજા કરવાનો અધિકાર છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ ગૃહના તિરસ્કાર બદલ એક પત્રકારને સજા કરી હતી.
સંસદના સભ્ય બનવા માટેની લાયકાત અને સંસદ સભ્યની ગેરલાયકાત અને પક્ષાંતર વિશેની એટલે કે ભારતના ધંધારણના દસમાં પરિશિષ્ટ હેઠળ પક્ષાંતર વિરોધી ધારો વિવિધ જોગવાઈઓ વિવિધ ઉદાહરણો સહિત સમજીયે.
સંસદ સભ્યની ગેરલાયકાત
અનુચ્છેદ 84થી સંસદની કોઈ બેઠક લડવા માટે લાયકાતના ધોરણો નિયત કરાયેલ છે. જે કોઈ વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહની બેઠકની ચૂંટણી લડવા ઇચ્છતી હોય, તે નીચેની લાયકાતો ધરાવતી હોવી જોઈએ.
1. તે ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેણે ચૂંટણી પંચે સત્તા આપેલ વ્યક્તિ સમક્ષ ત્રીજા પરિશિષ્ટમાં નિયત કરાયેલ નમૂના પ્રમાણે શપથ લઈ તેની નીચે પોતાની સહી કરવી જોઈએ.
2. રાજયસભાની બેઠક લડવા માટે ઓછામાં ઓછી ત્રીસ વર્ષની અને લોકસભા બેઠકની ચૂંટણી લડવા માટે પચ્ચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ.
3. સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતી હોવી જોઈએ.
સંસદસભ્યની ગેરલાયકાત
અનુચ્છેદ 102માં આ ગેરલાયકાતો નિયત કરાયેલ છે. જે કોઈ વ્યક્તિ-
(એ) સંસદે કાયદાથી જાહેર કરેલ હોય તે સિવાયનો, ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ નફાનો હોદો ધરાવતી હોય,
(બી) અસ્થિર મગજની હોય અને સક્ષમ અદાલતે તેને તેમ જાહેર કરેલ હોય,
(સી) મુક્ત ન ઠરાવાયેલ નાદાર હોય,
(ડી) જો તે ભારતની નાગરિક ન હોય અથવા તેણે સ્વેચ્છાએ કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરેલ હોય અથવા કોઈ વિદેશી રાજ્ય તરફ વફાદારી જાહેર કરેલ હોય,
(ઇ) સંસદના કાયદાથી તેને ગેરલાયક જાહેર કરાયેલ હોય, તો તે સંસદના કોઈપણ ગૃહની સભ્ય તરીકે પસંદ થવા કે ચાલુ રહેવા ગેરલાયક બનશે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
લોકપ્રતિનિધિત્વ ધારા (Representation of Peoples Act) હેઠળ ગેરલાયકાત
ઉપર્યુક્ત કાયદા હેઠળ સંસદસભ્ય કે ધારાસભ્ય ગેરલાયક ઠરાવી શકાય છે :
1. ચૂંટણી વખતે ભ્રષ્ટ રીતો અપનાવાયેલ હોય,
2. કોઈ ગુના માટે 2 કે તેથી વધારે સમય કેદની સજા થયેલ હોય,
3. ચૂંટણી ખર્ચ વિગતો રજૂ કરવામાં નિષ્ફળ જાય,
4. સરકાર સાથેના કરારમાં હિત ધરાવેલ હોય,
5. ભ્રષ્ટાચાર બદલ નોકરીમાંથી બરતરફ કરાયેલ હોય.
પક્ષાંતર બદલ ગેરલાયકાત
નીચેના પૈકી કોઈપણ કારણસર કોઈપણ પક્ષનો કોઈપણ ગૃહનો કોઈપણ સભ્ય એ ગૃહના સભ્ય થવાને ગેરલાયક બને :
(એ) તેણે સ્વેચ્છાએ પોતાના રાજકીય પક્ષનો ત્યાગ કરેલ હોય, અથવા
(બી) પોતાના રાજકીય પક્ષે આપેલ આદેશ વિરુદ્ધમાં પરવાનગી સિવાય ગૃહમાં મતદાન કરે કે મતદાનથી અળગો રહે અને તેનું આવું કૃત્ય તેમણે પંદર દિવસમાં ક્ષમ્ય ન ગણ્યું હોય.
ગૃહમાં અપક્ષ તરીકે ચૂંટાયેલ સભ્યની ગેરલાયકાત
ગૃહમાં સ્વતંત્ર કે અપક્ષ તરીકે ચૂંટાયેલ સભ્ય ચૂંટણી પછી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાય તો તે ગૃહના સભ્ય તરીકે ગેરલાયક બને છે.
ગૃહમાં અપક્ષ તરીકે નિયુક્ત સભ્યની ગેરલાયકાત
ગૃહમાં સ્વતંત્ર અથવા અપક્ષ તરીકે નિયુક્ત થયેલ સભ્ય તેની સભ્ય તરીકે સોગંદવિધિ થયા બાદ અને ગૃહમાં સભ્ય તરીકે સ્થાન લીધા બાદ છ મહિના પછી જો કોઈ રાજકીય પક્ષમાં જોડાય, તો તે ગૃહના સભ્યપદ માટે ગેરલાયક બને છે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
પક્ષનું વિભાજન
ગૃહના સભ્યોના કોઈ રાજકીય પક્ષના વિભાજનના કારણે તે પક્ષના ઓછામાં ઓછા 1/3 સભ્યોના જૂથે સામૂહિક રીતે પક્ષનો ત્યાગ કરેલ હોય, અથવા પક્ષના આદેશ વિરુદ્ધ પક્ષની પૂર્વમંજૂરી વિરુદ્ધ મતદાન કરેલ હોય કે મતદાનથી અળગા રહેલ હોય, તો તેનાથી આવો કોઈ સભ્ય ગૃહના સભ્યપદ માટે ગેરલાયક બનતો નથી. રાજકીય પક્ષનાં વિભાજનના સમયથી વિભાજિત થયેલ જૂથનો દરેક સભ્ય આવા વિભાજિત રાજકીય પક્ષનો સભ્ય બનેલ હોવાનું માનવામાં આવશે.
અન્ય પક્ષ સાથે જોડાણ
ગૃહના સભ્યના મૂળ રાજકીય પક્ષનું જોડાણ અન્ય પક્ષ સાથે થાય અને તે સભ્ય એમ જણાવે કે પોતે તથા તેના મૂળ રાજકીય પક્ષના સભ્યો બીજા રાજકીય પક્ષના સભ્યો બન્યા છે અથવા આવા જોડાણના કારણે નવા રચાયેલ પક્ષના સભ્યો બન્યા છે અથવા આવા જોડાણનો સ્વીકાર કરતા નથી અને અલગ સમૂહ તરીકે કામ કરવા માગે છે, તો તે સભ્ય ઉપર્યુક્ત જોગવાઈઓ હેઠળ સભ્યપદ માટે ગેરલાયક બનશે નહીં.
જોડાણના સમયથી આવા સભ્ય અન્ય રાજકીય પક્ષના યા નવા રાજકીય પક્ષના યા અલગ સમૂહ ગણાશે અને આવો પક્ષ યા સમૂહ, આવા સભ્યોનો મૂળ રાજકીય પક્ષનો હોવાનું માનવામાં આવશે. તે સભ્યના મૂળ રાજકીય પક્ષના ઓછામાં ઓછા 2/3 સભ્યો આવાં જોડાણ માટે સંમત થાય ત્યારે જ આવું રાજકીય જોડાણ અમલમાં આવે છે.
મુક્તિ(Exemption)
કોઈ પક્ષના સભ્ય, રાજયસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે લોકસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે રાજય વિધાનસભા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે ચુંટાય, અને તેના કારણે પોતાના મૂળ રાજકીય પક્ષનો ત્યાગ કરે અને તેઓ તે હોદો ધારણ કરે ત્યાં સુધી પોતાના મૂળ રાજકીય પક્ષ કે અન્ય પક્ષમાં ન જોડાય તો તે કારણસર અથવા આ રીતે ચૂંટાવાનાં કારણે પોતાના મૂળ રાજકીય, પક્ષનો ત્યાગ કરેલ હોય અને પોતે હોદા પરથી ઉતરી ગયા બાદ પોતાના મૂળ રાજકીય પક્ષમાં પુનઃ જોડાય, તો તે કારણસર તે ગૃહના સભ્ય પદ માટે ગેરલાયક બનશે નહીં.
પક્ષાંતરનો નિર્ણય
પક્ષાંતરની આ જોગવાઈઓ હેઠળ ગૃહનો કોઈ સભ્ય ગેરલાયક બનેલ છે કે કેમ તે પ્રશ્નનો નિર્ણય કરવાની સત્તા, લોકસભા બાબતમાં લોકસભા અધ્યક્ષ અને રાજયસભા બાબતમાં રાજયસભા અધ્યક્ષની રહેશે. રાજય વિધાનસભા બાબતમાં આ સત્તા વિધાનસભા અધ્યક્ષની છે. તેમનો નિર્ણય આખરી ગણાય છે.
આવી ગેરલાયકાતનો પ્રશ્ન ગૃહના અધ્યક્ષ બાબતમાં ઉપસ્થિત થાય, ત્યારે તેનો નિર્ણય તે ગૃહે તે હેતુ માટે ચૂંટેલા તે ગૃહના સભ્ય દ્વારા કરવામાં આવશે અને આવો નિર્ણય આખરી ગણાય છે. પક્ષાંતરની આ જોગવાઈઓ હેઠળ સભ્યની ગેરલાયકાતના પ્રશ્ન અંગેની તમામ કાર્યવાહી સંસદીય કાર્યવાહી ગણાશે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
અદાલતની હકૂમત
બંધારણ 10મા પરિશિષ્ટ હેઠળ સભ્યની ગેરલાયકાત સાથે સંબંધિત કોઈપણ ભાબત અંગે અદાલતને હકૂમત રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈ ગેરબંધારણીય ઠરાવેલ છે.
સંસદનાં સત્રો, સમાપ્તિ અને વિસર્જનની વિષે સમજીયે.
અનુચ્છેદ 85માં આ વિશે જોગવાઈ છે. અનુચ્છેદ 85 જણાવે છે કે,
(1) રાષ્ટ્રપતિ, સંસદનાં દરેક ગૃહની બેઠક, પોતાને યોગ્ય લાગે તે સ્થળે અને સમયે, વખતોવખત બોલાવશે. પરંતુ એક સત્રની છેલ્લી બેઠક અને તરત પછીની પહેલી બેઠક માટે નક્કી કરાયેલ તારીખ વચ્ચે છ માસથી વધારે સમયગાળો રહેવો જોઈએ નહીં.
(2) રાષ્ટ્રપતિ વખતોવખત – (એ
(એ) ગૃહોની અથવા કોઈ પણ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકે,
બી) લોકસભાનું વિસર્જન કરી શકે.
આમ, રાષ્ટ્રપતિને ગૃહના સત્રો બોલાવવાની, સત્ર સમાપ્તિ જાહેર કરવાની તેમજ લોકસભા વિસર્જન જાહેર કરવાની સત્તા અપાયેલ છે. રાજ્યસભા કાયમી ગૃહ છે અને તેનું વિસર્જન થઈ શકતું નથી. ગૃહની બે બેઠકો વચ્ચે છ માસ કરતાં વધારે સમય થવો જોઈએ નહીં. ગૃહની બેઠકની મોકૂફી (Adjournment) અને સત્ર સમાપ્તિ (Prorogation) વચ્ચે તફાવત છે. ગૃહ મોકૂક રહેવાથી તેના અધૂરાં કામકાજને કોઈ અસર થતી નથી. મોકૂફ રખાયેલ જ્યારે ફરી મળે ત્યારે અધુરા રહેલ કામકાજ આગળ ધપાવી શકે છે. સામાન્ય રીતે, કોઈનાં અવસાન પ્રસંગે અથવા ગૃહમાં ધમાલ અને કામકાજ થઈ શકે તેમ ન હોય ત્યારે ગૃહ અધ્યક્ષ (Speaker) ગૃહ બેઠક મોકૂફ રાખવા જાહેરાત કરે છે.
સામાન્ય ચૂંટણીઓ બાદ તેમજ નવા વર્ષે જયારે ગૃહ બેઠક શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિને ગૃહ સંબોધવાનો વિશેષાધિકાર છે. રાષ્ટ્રપતિ આવા સમયે સામાન્ય રીતે સરકારી નીતિઓની જાહેરાત કરે છે. ગૃહ મોકૂફ રાખવાની સત્તા ગૃહ અધ્યક્ષને છે. પરંતુ સંસદની બેઠક યોજવાની તેમજ સત્ર સમાપ્તિ જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિને જ છે. ગૃહ અધ્યક્ષ આ સત્તા ભોગવી શકતા નથી.
હવે આપણે સમજીયે કે ખરડો એટલે શું? ખરડાના પ્રકાર વિષે સમજીયે અને ખરડો સંસદમાં પસાર કરવાની પ્રક્રિયાની વિસ્તૃત ચર્ચા કરિયે.
નાણાં ખરડાઓ (Money Bills) અને નાણાં વિષયક ખરડાઓ (Financial Bills) સિવાયના ખરડાઓ પસાર કરવાની વૈધાનિક પ્રક્રિયા અનુચ્છેદ 108માં જણાવવામાં આવેલ છે. આવો કોઈપણ ખરડો કોઈપણ ગૃહમા રજૂ કરી શકાય છે. ખરડો પસાર કરવા માટે સંસદનાં બંને ગૃહોની સંમતિ હોવી જોઈએ. જો કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં બંને ગૃહો વચ્ચે મતભેદ થાય, તો ખરડો પસાર થઈ શક્તો નથી. જો આમ થાય, તો ખરડો પસાર કરવા માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક (Joint Session) બોલાવી શકાય છે.
સંસદના કોઈ ગૃહમાં કોઈ ખરડાની વિચારણા થઈ રહી હોય ત્યારે તે ગૃહની સમાપ્તી (Prorogation) ના કારણે ખરડો ૨દ (lapse) થતો નથી. જે ખરડો લોકસબભાએ પસાર કરેલ ન હોય અને રાજયસભાએ તે ખરડો પસાર કરવાનો બાકી હોય, તો લોકસભાના વિસર્જન (Dissolution) ના કારણે ખરડો રદ થતો નથી. પરંતુ જે ખરડો લોકસભામાં પસાર કરવાનો બાકી હોય અથવા જે ખરડો લોકસભાએ પસાર કરેલ હોય અને રાજયસભામાં વિચારણા હેઠળ તે ખરડો હોય, તે ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થાય છે.
ખરડાને બંને ગૃહોની સંમતિ મળ્યા બાદ તે ખરડો રાષ્ટ્રપતિની અનુમતિ (Assent) માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ કાં તો ખરડાને અનુમતિ આપશે, અથવા અનુમતિ રોકી રાખશે. નાણાં ખરડા સિવાયનો કોઈપણ ખરડો રાષ્ટ્રપતિ ગૃહને પુનર્વિચારણા માટે પરત મોકલી શકે. રાષ્ટ્રપતિ તેમાં પોતાના તરફથી સુધારો સૂચવી પણ શકે. રાષ્ટ્રપતિ તરફથી ગૃહને પુનર્વિચારણા માટે મોકલાયેલ ખરડો ગૃહ તેના પર વિચારણા કરી સુધારા સાથે કે સુધારા વિના પસાર કરી રાષ્ટ્રપતિને અનુમતિ માટે મોકલે ત્યારે રાષ્ટ્રપતિ માટે તે ખરડા પર અનુમતિ આપવાનું ફરજિયાત છે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
નાણાં ખરડો (Money Bill) પસાર કરવાની કાર્યવાહી
નાણાં ખરડાની વ્યાખ્યા અનુચ્છેદ 110માં અપાયેલ છે. સામાન્ય રીતે કર નાખવાની, તેમાં ફેરફાર કરવાની, તે રદ કરવાની જોગવાઈ કરતો ખરડો નાણાં ખરડો કહેવાય. ભારત સરકારે નાણાં ઉછીના લેવા માટે બાહેંધરી આપવાની, નાણાકીય જવાબદારી અંગેના કાયદામાં સુધારો કરવાની, ભારતના સંમિત નિધિ (Consolidated Fund of India) માં નાણાં જમા કરાવવાની કે ઉપાડવાની જોગવાઈ કરતો ખરડો નાણાં ખરડો છે. કોઈ ખર્ચને ભારતના સંચિત નિધિ પર ભારિત ખર્ચ તરીકે જાહેર કરવાની જોગવાઈ કરતો ખરડો પણ નાણાં ખરડો છે.
અનુચ્છેદ 110માં એ સ્પષ્ટ કરાયેલ છે કે, જે કોઈ ખરડામાં -
(એ) દંડ અથવા નાણાં સ્વરૂપની શિક્ષા, અથવા
(બી) લાયસન્સ ફ્રી અથવા સેવા ફી, અથવા
(સી) સ્થાનિક હેતુઓ માટે કોઈ સ્થાનિક સત્તામંડળ તરફથી કોઈ ફ્રી નાખવાની, તે રદ કરવાની, તેમાં ફેરફાર કે તેનું નિયમન કરવાની જોગવાઈ હોય, તો માત્ર તે કારણથી તે નાણાં ખરડો બની જતો નથી.
કોઈ ખરડો નાણાં ખરડો છે કે કેમ તે બાબત વિવાદ ઉપસ્થિત થાય, તો લોકસભા અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે. નાણાં ખરડો ફક્ત લોકસભામાં રજૂ કરી શકાય. લોકસભાએ પસાર કરેલ નાણાં ખરડો રાજયસભાને મોકલવામાં આવે છે. રાજ્યસભા તેના પર માત્ર ભલામણો કરી શકે. રાજપસભાએ કરેલ ભલામણો લોકસભાને બંધનકર્તા નથી. લોકસભા, તેનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે. જો લોકસભા રાજયસભાની કોઈ ભલામણ સ્વીકારે તો રાજયસભાની તે ભલામણ સાથે બંને ગૃહોએ તે ખરડો પસાર કરેલ ગણાય છે. જો લોકસભા, રાજ્યસભાની કોઈ ભલામણ ન સ્વીકારે, તો લોકસભાએ જે મૂળ સ્વરૂપમાં ખરડો પસાર કરેલ હોય, તે જ સ્વરૂપમાં ખરડો પસાર થયેલ ગણાશે.
રાજયસભાની કોઈ ભલામણનો લોકસભા સ્વીકાર ન કરે તો તેનાથી બંને ગૃહો વચ્ચે મંડાગાંઠ ઉત્પન્ન થયેલ હોવાનું ગણાતું નથી. તે કારણે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવાની કોઈ જરૂર પણ રહેતી નથી. કારણ કે લોકસભા રાજ્યસભાની કોઈ ભલામણ સ્વીકારે નહીં, તો પણ તે ખરડો તેના મૂળ સ્વરૂપમાં પસાર થયેલો ગણાય છે. અનુચ્છેદ 108માં સ્પષ્ટ જોગવાઈ કરાયેલ છે કે સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ નાણાં ખરડાને લાગુ પડતી નથી.
નાણાં ખરડો આ રીતે પસાર થયા બાદ રાષ્ટ્રપતિને તેમની અનુમતિ (Assent) માટે મોકલવામાં આવે છે.
રાષ્ટ્રપતિ નાણાં ખરડાને કાં તો પોતાની અનુમતિ આપશે અથવા રોકી રાખશે. નાણાં ખરડા સિવાયનો ખરડો
રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે પોતાના સંદેશ સાથે પરત મોકલી શકે. પરંતુ નાણાં ખરડો ગૃહને પુનર્વિચારણા માટે પરત મોકલી શકતા નથી.
નાણાં ખરડો અને સામાન્ય ખરડા વચ્ચેનો તફાવત :
1. નાણાં ખરડો માત્ર લોકસભામાં રજૂ કરી શકાય. અન્ય ખરડો કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય.
2. નાણા ખરડાની રજૂઆત માટે રાષ્ટ્રપતિની ભલામલ જરૂરી છે. અન્ય કોઈ ખરડાની રજૂઆત માટે રાષ્ટ્રપતિની ભલામણ જરૂરી નથી.
3. કોઈ ખરડો નાણાં ખરડો છે કે કેમ તે બાબત વિવાદ ઉપસ્થિત થાય ત્યારે લોકસભા અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે. સામાન્ય ખરડાની બાબતમાં આવો વિવાદ ઉપસ્થિત થવાનો પ્રશ્ન નથી.
4. સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ નાણાં ખરડાને લાગુ પડતી નથી. જયારે કોઈ સામાન્ય ખરડો પસાર કરવા બાબતમાં બંને ગૃહો વચ્ચે મતભેદ થાય, તો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય છે.
5. રાષ્ટ્રપતિને અનુમતિ માટે મોકલાયેલ નાણાં ખરડો રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે ગૃહને પરત મોકલી શકતા નથી. જ્યારે રાષ્ટ્રપતિ સામાન્ય ખરડો, ગૃહની પુનઃવિચારણા માટે પરત મોકલી શકે.
હવે આપણે સંસદનું વિસર્જન વિષે વિગતવાર જાણીયે.
અનુચ્છેદ 85માં ગૃહની બેઠક બોલાવવા (Summoning) તેની સત્ર સમાપ્તિ (Prorogation) જાહેર કરવા તેમજ લોકસભા વિસર્જન (Dissolution) જાહેર કરવા અંગે જોગવાઈ કરેલ છે. રાષ્ટ્રપતિ પોતાને યોગ્ય લાગે ત્યારે કોઈપણ એક ગૃહની બેઠક બોલાવી શકે છે. ગૃહની બે બેઠકો વચ્ચે છ માસ કરતાં વધારે સમયગાળો પસાર થવો જોઈએ નહીં. જ્યારે સત્ર સમાપ્તિથી ગૃહની બેઠકનો અંત આવે છે. ગૃહની બેઠકની મોકૂફી (Adjournment) અને સત્ર સમાપ્તિ વચ્ચે તફાવત છે. ગૃહની બેઠક મોકૂફ રાખવાની સત્તા ગૃહના અધ્યક્ષને છે, જ્યારે ગૃહની સત્ર સમાપ્તિ જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે.
આપણે જાણીએ છીએ કે ભારતમાં સંસદ બે ગૃહોની બનેલી છે. તેમાં રાજ્યસભા કાયમી ગૃહ છે અને તેનું વિસર્જન કરી શકાતું નથી. લોકસભાનું વિસર્જન થઈ શકે છે. તેની ચૂંટણી લોકોના સીધા મતદાનથી થાય છે. ગૃહનું વિસર્જન એટલે ગૃહનાં જીવનનો અંત અને ત્યારબાદ નવી લોકસભા ચૂંટણી માટે સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવે છે. વિસર્જન હંમેશાં વડાપ્રધાનની સલાહ પરથી રાષ્ટ્રપતિ જાહેર કરી શકે. રાષ્ટ્રપતિ પોતાની મેળે, સ્વતંત્ર રીતે, વડાપ્રધાનની સલાહ સિવાય, લોકસભા વિસર્જન જાહેર કરવા સત્તા ધરાવતા નથી, એક સવાલ એવો થાય કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની ગૃહ વિસર્જનની સલાહ માનવા બંધાયેલ છે કે કેમ ! આ બાબતે બે મતો પ્રવર્તે છે. એક મત એવો છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની ગૃહ વિસર્જનની સલાહ માનવા બંધાયેલ છે. કારણ કે રાષ્ટ્રપતિની પ્રધાનમંડળની સલાહ અનુસાર કામકાજ કરવાની ફરજ હેઠળ છે. બીજો મત એવો છે કે રાષ્ટ્રપતિને એમ લાગે કે અન્ય કોઈ પક્ષ સ્થિર સરકાર રચવાની સ્થિતિમાં છે. તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની ગૃહ વિસર્જનની સલાહ માનવા બંધાયેલ નથી. દા.ત., 1979માં વડાપ્રધાન ચરણસિંગ લોકસભામાં વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ જતાં, તેમણે પોતાની સરકારનું રાજીનામું આપી રાષ્ટ્રપતિને લોકસભા વિસર્જનની સલાહ આપી હતી. રાષ્ટ્રપતિએ આ સલાહ સ્વીકારી ન હતી. તેના બદલે તેમણે 4 દિવસ સુધી જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ સાથે વૈકલ્પિક સરકાર રચવા સંબંધમાં ચર્ચા કરી હતી.
જો ગૃહનું વિસર્જન કરવામાં ન આવે તો તેની મુદત પૂરી થયે, ગૃહ આપોઆપ વિસર્જિત થાય છે. જો કટોકટી હોય, તો સંસદ સંસદની મુદત વધુમાં વધુ 1 વર્ષ લંબાવી શકે. કટોકટીનો અંત આવે એટલે છ માસમાં લોકસભા ચૂંટણી યોજવી જોઈએ.
ગૃહ વિસર્જનની સંસદના પડતર કામકાજ પર અસર
જયારે લોકસભાનું વિસર્જન થાય ત્યારે,
1. લોકસભાએ પસાર નહીં કરેલ ખરડો રાજ્યસભા સમક્ષ પડતર હોય, તો આવો ખરડો રદ થતો નથી.
2. લોકસભા સમક્ષ પડતર ખરડો રદ થાય છે.
3. લોકસભાએ પસાર કરેલ અને રાજયસભા સમક્ષ પડતર (Pending) ખરડો રદ થાય છે, સિવાય કે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજી ખરડો પસાર કરાવે.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક
આ સંબંધમાં અનુચ્છેદ 108માં જોગવાઈ કરાયેલ છે. અનુચ્છેદ 107 પ્રમાણે કોઈ પણ ખરડો પસાર કરવા બંને ગૃહોની સંમતિ જરૂરી છે. જ્યારે કોઈ ખરડો પસાર કરવા બાબતમાં બંને ગૃહો અસહમત થાય ત્યારે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 108 હેઠળ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા છે. કોઈ ખરડો પસાર થવા બાબતમાં બંને ગૃહો નીચેના સંજોગોમાં અસંમત થયેલ હોવાનું ગણાય છે :
(એ) જયારે કોઈ ખરડો એક ગૃહે પસાર કરી બીજા ગૃહને મોકલેલ હોય અને બીજા ગૃહે તેનો અસ્વીકાર કરેલ હોય;
(બી) જયારે એક ગૃહે ખરડો પસાર કરી બીજા ગૃહને મોકલેલ હોય અને બીજા ગૃહે તે ખરડો મળ્યાની તારીખથી છ માસ સુધી પસાર થયા વિના બીજા ગૃહમાં પડયો રહેલ હોય;
(સી) કોઈ ખરડો એક ગૃહે પસાર કરી બીજા ગૃહને મોકલેલ હોય અને બીજા ગૃહે તે ખરડો સુધારા સાથે પસાર કરેલ હોય અને પ્રથમ ગૃહ તે સુધારાને અનુમતિ ન આપે અને બીજુ ગૃહ સુધારા વિના પસાર થવાનું માન્ય ન રાખે.
આમ, કોઈ ખરડો પસાર થવાની બાબતમાં બંને ગૃહો વચ્ચે મડાગાંઠ ઉત્પન્ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજી શકે છે. જો આવા સમયે બંને ગૃહોની બેઠક ચાલુ ન હોય, તો રાષ્ટ્રપતિ તે માટે જાહેરનામું પ્રગટ કરી સંયુક્ત બેઠક બોલાવી શકે છે. જો બંને ગૃહોની બેઠક ચાલુ હોય, તો સંયુક્ત બેઠક યોજવાનો પોતાનો ઈરાદો રાષ્ટ્રપતિ જાહેર કરશે. રાષ્ટ્રપતિનો આ ઈરાદો પ્રગટ થયા બાદ કોઈ ગૃહ તે ખરડા બાબતે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. ગૃહોની સંયુક્ત બેઠકમાં જો બંને ગૃહોના સભ્યોની બહુમતિથી ખરડો પસાર થાય, તો ખરડો પસાર થયેલ ગણાશે. સંયુક્ત બેઠક બોલાવવાની આ જોગવાઈ નાણાં ખરડાને લાગુ પડતા નથી. રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવવાનો ઈરાદો જાહેર થયા બાદ; જો લોકસભાનું વિસર્જન થાય, તો નવી લોકસભા રચાયા બાદ, સંયુક્ત બેઠક યોજી શકાય છે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution