14/02/2024

સંઘ ન્યાયતંત્ર - સર્વોચ્ચ અદાલત, Suprime Court

સંઘ ન્યાયતંત્ર (Union Judiciary) વિશે જાણીયે. જેમાં આપણે સર્વોચ્ચ અદાલતનાં બંધારણ, અધિકારક્ષેત્ર (હકૂમત) અને સત્તાની સવિસ્તર ચર્ચા કરીયે અને સાથે સાથે ભારતની સર્વોચ્ચ અદાલતની અનુચ્છેદ 32 હેઠળ હકૂમતની ચર્ચા કરો તેમજ બંદી પ્રત્યક્ષીકરણ સહીત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને તેના હોદ્દાની શરતો તથા આજ્ઞાપત્રો એટલે શું ? અને તેના વિવિધ પ્રકારના આજ્ઞાપત્રોની માહિતી મેળવીયે.


સર્વોચ્ચ અદાલતનું બંધારણ (ન્યાયાધીશોની નિમણૂક)


અનુચ્છેદ 124(1) થી સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને તેના બંધારણ વિશે જોગવાઈ કરાયેલ છે. સર્વોચ્ચ અદાલત એક મુખ્ય ન્યાયાધીશ તેમજ સાત ન્યાયાધીશોની બનેલી રહેશે તેમ આ અનુચ્છેદમાં જણાવાયું છે. પછીથી Supreme Court (Number of Judges) Act, 1960 થી આ સંખ્યા હલે 25 ની ઠરાવાયેલ છે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તે હેતુ માટે રાષ્ટ્રપતિ પોતાને યોગ્ય લાગે તેવા સર્વોચ્ચ અદાલત અને રાજયોની વડી અદાલતના ન્યાયાધીશો સાથે ચર્ચા-વિચારણા કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની હોય ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice) સાથે ચર્ચા-વિચારણા કરવાની રાષ્ટ્રપતિની ફરજ છે. એક કેસમાં ઠરાવાયું છે કે ન્યાયાધીશની નિમણૂક વહીવટી કાર્ય (Administrative act) નહીં, પરંતુ તે બંધારણીય પ્રક્રિયાનું પરિણામ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષ સુધી પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. ત્યારબાદ તેઓ નિવૃત્ત થાય છે. તે અગાઉ રાજીનામું આપી પોતાના હોદાનો ત્યાગ કરી શકે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સામાન્ય રીતે સર્વોચ્ચ અદાલતના સૌથી જયેષ્ઠ (Seniormost) ન્યાયાધીશને નીમવામાં આવે છે. માત્ર અપવાદરૂપ સંજોગોમાં આ પ્રથાની અવગણના કરવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલત કે હાઈકોર્ટ ન્યાયાધીશ નિમણૂક સંબંધમાં સર્વોચ્ચ અદાલતનું કોલેજિયમ કેન્દ્ર સરકારને નામોની ભલામણ કરે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર તે નામોની સ્વીકૃતિ કરી ન્યાયાધીશોની નિમણૂક કરે છે. આ બાબતે કેન્દ્ર સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે થોડો વિવાદ ઊભો થયેલ છે. કારણ કે કેન્દ્ર સરકાર પોતાની નાપસંદગીનાં નામોનો અસ્વીકાર કરી નિમણૂક આપવામાં ગલ્લા-તલ્લા કરે છે. સર્વોચ્ચ અદાલત ફરીથી તે નામોનો સ્વીકાર કરી નિમણૂક આપે છે. હાલે આ નિમણૂક કેન્દ્ર સરકારનો કોઈ અવાજ નથી. તેને પોતાને નિમણૂકમાં પોતાનું પ્રભુત્વ જોઈએ છે. કેન્દ્ર સરકારે આ નિમણૂક પ્રથામાં ફેરફાર કરી પોતાનો અવાજ સબળ બનાવતો કાનૂન 2014માં પસાર કર્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે તે કાનૂન રદ (void) જાહેર કરવાથી, હાલે કેન્દ્ર સરકારના હાથ હેઠા પડયા છે.


   ન્યાયતંત્ર બંધારણના સંરક્ષક અને વાલી (Custodian and Guardian) તરીકેની કામગીરી બજાવે છે. તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સત્તાઓની મર્યાદા નક્કી કરે છે. તે અપીલ અંગેની પણ આખરી અદાલત છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક સમીક્ષા (Judicial Review) કરવાની હકૂમત પણ ધરાવે છે. એટલે કે સંસદ કે કોઈ રાજ્ય વિધાનસભાએ પસાર કરેલ કાયદાની બંધારણીયતા તે ચકાસી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદા પરથી દૂર કરવા માટે મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા નિયત કરાયેલ છે. ગેરવર્તન અને બિનકાર્યક્ષમતાનાં કારણસર સંસદે દૂર કરવા 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરેલ હોવો જોઈએ. તેમના પગાર, ભથ્થા, પેન્શન ભારતના સંચિત નિધિ (Consolidated Fund of India) પર ભારિત કરાયેલ છે. સર્વોચ્ચ અદાલત અભિલેખ અદાલત (Court of Record) છે.

સર્વોચ્ચ અદાલતની વિવિધ હકૂમતો


1. મૌલિક હકૂમત


મૌલિક (Original) હકૂમત તેને કહેવાય કે જયારે અદાલતને સૌ પ્રથમ તકરાર સાંભળી તેના પર નિર્ણય આપવાની સત્તા હોય. સર્વોચ્ચ અદાલતને મૌલિક હકૂમત પ્રાપ્ત થાય તે માટે નીચેની શરતોનું પાલન જરૂરી છે.

એટલે કે તકરાર કાં તો -

(એ) ભારત સરકાર અને એક કે તેથી વધારે રાજયો વચ્ચે, અથવા

(બી) એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધારે રાજ્યો અને બીજી તરફ એક કે તેથી વધારે રાજયો, અથવા

(સી) બે કે તેથી વધારે રાજયો વચ્ચેની હોવી જોઈએ.

મૌલિક હકૂમત અંગેની અનુચ્છેદ 131ની જોગવાઈ ત્યારે જ લાગુ પડે કે ભારત સરકાર કે એક રાજ્ય કે રાજયોની બીજા રાજ્ય કે રાજ્યો સાથે કાનૂની અધિકાર સંબંધમાં તકરાર હોય. જ્યારે રાજય સાથે સંયુક્ત રીતે અથવા વૈકલ્પિક રીતે કોઈ ખાનગી વ્યક્તિ જોડાયેલ હોય ત્યારે અનુચ્છેદ 131 લાગુ પડે નહીં. કોઈ રાજય પોતાની વિધાનસભાનું વિસર્જન કરવાના રાષ્ટ્રપતિના અનુચ્છેદ 356 હેઠળના હુકમ સામે આ અનુચ્છેદ હેઠળ ભારત સરકાર સામે દાવો કરી શકે છે.

2. અનુચ્છેદ 32 હેઠળ આજ્ઞાપત્ર હકૂમત 


3.અપીલ હકૂમત(Appellate Jurisdiction)


સર્વોચ્ચ અદાલતની અપીલી હકૂમતનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય :

 (એ) બંધારણીય કેસો, (બી) દીવાની કેસો અને (સી) ફોજદારી કેસો.

દરેક વિશે વિગત જોઈએ.

(એ) બંધારણીય કેસો


અનુચ્છેદ 132માં એમ જોગવાઈ કરાયેલ છે કે ભારતમાંની કોઈપણ વડી અદાલત' (High Court) માંના કોઈપણ ચુકાદા (Judgement), હુકમનામા (Decree) તેમજ આખરી હુકમ (Final order) સામે સર્વોચ્ચ અદાલતને અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે તે વડી અદાલતે એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણ અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે. જ્યારે આવું પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે કેસનો કોઈપણ પક્ષકાર સર્વોચ્ચ અદાલતને અપીલ કરી શકે કે આ કેસમાં ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. વડી અદાલતમાં થયેલ કાર્યવાહી દીવાની, ફોજદારી કે અન્ય કોઈ કાર્યવાહી હોઈ શકે.

(બી) દીવાની કેસો


કોઈપણ વડી અદાલતે દીવાની કાર્યવાહીમાં આપેલ ચુકાદા, હુકમનામા કે આખરી હુકમ સામે, જો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્ત્વ ધરાવે છે અને તેમાં કાયદાનો મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. તો સર્વોચ્ચ અદાલતને અપીલ થઈ શકે. વડી અદાલતના એક ન્યાયધીશ (Single Judge)ના ચુકાદા, હુકમનામાં કે આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતને અપીલ કરી શકાતી નથી.

(સી) ફોજદારી કેસો


(i) જ્યારે વડી અદાલતે નીચેની અદાલતનો આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ રદ કરીને આરોપીને મોતની સજા ફરમાવેલ હોય ત્યારે સર્વોચ્ચ અદાલતને અપીલ થઈ શકે છે.

(li) જો વડી અદાલતે અપીલમાં, આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ રદ કરી આરોપીને આજીવન કેદ અથવા 10 વર્ષ કરતાં ઓછી નહીં તેટલી મુદત માટે સજા કરેલ હોય, અથવા પોતાને અધીનસ્થ કોઈ અદાલતમાંથી કેસ પાછો ખેંચી લઈને, ઇન્સાફી કાર્યવાહીમાં આરોપીને આજીવન કેદની સજા અથવા 10 વર્ષથી ઓછી નહીં તેટલી મુદત માટે કેદની સજા કરેલ હોય ત્યારે વડી અદાલતના ચુકાદા, આખરી હુકમ અથવા સજાના હુકમ સામે સર્વોચ્ચ અદાલતને અપીલ થઈ શકે છે.


4. અપીલ માટે સર્વોચ્ચ અદાલત તરફથી ખાસ પરવાનગી


અનુચ્છેદ 136 પ્રમાણે સર્વોચ્ચ અદાલતને –

1. કોઈપણ અદાલત અથવા ન્યાયપંચે (Tribunal),

2. કોઈપણ કારણ અથવા બાબતમાં,

3. આપેલ કોઈપણ ચુકાદા, હુકમનામા, નિર્ણય કે હુકમ સામે અપીલ સાંભળવાની હકૂમત છે.

આ જોગવાઈ પ્રમાણે વડી અદાલત સહિત કોઈપણ અદાલતના ચુકાદા, હુકમનામાં કે આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતને ખાસ પરવાનગીથી અરજી (Special Leave Petition) કરી શકાય છે. વળી એ જરૂરી નથી કે આખરી હુકમ સામે જ અપીલ થઈ શકે. તે વચગાળાનો હુકમ (Interim order) પણ હોઈ શકે છે. ઉપરાંત, અદાલત અથવા ન્યાયપંચનો હુકમ કોઈપણ કારણ (Cause) અથવા બાબત (matter) સંબંધમાં થયેલ હોઈ શકે. એટલે કે દીવાની, ફોજદારી કે બંધારણીય બાબતોમાં જ હુકમ કરેલ હોવો જોઈએ તે જરૂરી નથી.

5. પોતાના જ હુકમોની સમીક્ષા કરવાની હકૂમત


અનુચ્છેદ 137થી સર્વોચ્ચ અદાલતને પોતાના ચુકાદા કે હુકમની સમીક્ષા (Review) કરવાની હકૂમત છે. સર્વોચ્ચ અદાલતની આ હકૂમત, અન્ય કાયદાની જોગવાઈઓ તેમજ અનુચ્છેદ 145 હેઠળના નિયમોને આધીન છે. સર્વોચ્ચ અદાલત નીચેનાં કારણોસર પોતાના ચુકાદા અથવા હુકમોની સમીક્ષા કરી શકે.

(એ) નવા કે અગત્યના પુરાવાની શોધ,

(બી) દફતર પર હકીકતની સ્પષ્ટ ભૂલ,

(સી) અન્ય કોઈ પૂરતું કારણ.

6. સર્વોચ્ચ અદાલતની સલાહક હકૂમત


અનુચ્છેદ 143 હેઠળ જયારે રાષ્ટ્રપતિને એમ જણાય કે કાયદા કે હકીકતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. અથવા થવાની સંભાવના છે અને તે એવા પ્રકારનો અને એવા જાહેર મહત્ત્વનો હોય કે તે અંગે સર્વોચ્ચ અદાલતનો
અભિપ્રાય લેવાનું યોગ્ય છે, તો રાષ્ટ્રપતિ તે પ્રશ્ન સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે. રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતને જયારે આવો રેફરન્સ કરવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલત તરફથી ભારતના એટર્ની જનરલને અદાલતમાં હાજર થવાની નોટિસ આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે આ પ્રશ્ને સુનાવણી કર્યા બાદ પોતાનો અભિપ્રાય રાષ્ટ્રપતિને સુપરત કરશે: રાષ્ટ્રપતિ જે પ્રશ્ન સર્વોચ્ચ અદાલતને અભિપ્રાય અર્થે મોકલે, તે પ્રશ્ન ખરેખર ઉદભવેલ હોવાનું જરૂરી નથી. આવો પ્રશ્ન ઉદભવવાની શક્યતા હોય તો પણ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને પ્રશ્ન મોકલી શકે. 

  રાષ્ટ્રપતિએ અયોધ્યા કેસનો રેફરન્સ સર્વોચ્ચ અદાલતને રેફરન્સ કરેલ હતો. સર્વોચ્ચ અદાલતે તે રેફરન્સ રાષ્ટ્રપતિને પરત કરેલ હતો.

સર્વોચ્ચ અદાલત પોતાના નિર્ણયોથી બંધાયેલ છે ?

અનુચ્છેદ 141 જણાવે છે કે સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલ કાયદો ભારતના પ્રદેશમાંની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. એટલે કે તમામ વડી અદાલતો, ન્યાયપંચો તેમજ અધીનસ્થ અદાલતો માટે પણ બંધનકર્તા છે. કોઈપણ અદાલત સર્વોચ્ચ અદાલતના નિર્ણયની ઉપેક્ષા કરી શકે નહીં. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય ચાલુ કેસો તેમજ ભવિષ્યના કેસો માટે પણ બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલતનો નિર્ણય એટલે તેનો નિર્ણયાધાર (Ratio decidends) એમ સમજવાનું છે. આવો નિર્ણયાધાર પૂર્વનિર્ણય (Precedent) છે અને તે બંધનકર્તા છે.

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. પરંતુ સર્વોચ્ચ અદાલતને પોતાનો નિર્ણય બંધનકર્તા નથી. કારણ કે બંધારણમાં એવું કાંઈ નથી કે જે સર્વોચ્ચ અદાલતને પોતાનો અગાઉનો નિર્ણય બદલતાં કે રદ કરતા અટકાવે. અનુચ્છેદ 137 હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના ચુકાદાઓ અને નિર્ણયોની સમીક્ષા (Review) કરવાની સત્તા છે. જ્યારે સર્વોચ્ચ અદાલતને એમ લાગે કે પોતાનો અગાઉનો ચુકાદો કે નિર્ણય ભૂલભરેલો હતો, તો અદાલતે રદ કરી શકે છે કે તેમાં ફેરફાર કરી શકે છે. દા.ત., ગોલકનાય કેસમાં સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલ છે કે શંકરીપ્રસાદ અને સજનસિંગના કેસમાં સર્વોચ્ચ અદાલતના અગાઉના ચુકાદાઓ યોગ્ય ન હતા. તે જ રીતે, સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસનો નિર્ણય કેશવાનંદ ભારથી કેસમાં ઉલ્ટાવી નાખેલ છે.

 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદા પરથી ક્યારે અને કેવી રીતે દૂર કરી શકાય ? તે વિષે વિગતવાર સમજીયે. 


સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર પુરવાર થયેલ ગેરવર્તન અને અક્ષમતા (Proved misconduct and incompetency) ના કારણસર દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને આ કારણસર દૂર કરવા માટે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મતદાન કરનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન (address) રાષ્ટ્રપતિ સમક્ષ તે જ સત્રમાં રજૂ કરવું જોઈએ. આવું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની અને ન્યાયાધીશના ગેરવર્તન કે અક્ષમતાની તપાસ કે સાબિતી માટેની કાર્યવાહીનું સંસદ કાયદાથી નિયમન કરશે. સંસદે આ બાબતે Judges (Inquiry) Act, 1968 પસાર કરેલ છે.

ન્યાયતંત્રના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સર્વોચ્ચ અદાલતના એક જ ન્યાયાધીશ સામે મહાભિયોગ કાર્યવાહી હાથ ધરાયેલ છે અને તે નિષ્ફળ ગયેલી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વી. રામસ્વામી સામે 9મી લોકસભાના 108 સભ્યોએ રાષ્ટ્રપતિને નિવેદન રજૂ કરવા માટે ઠરાવ રજૂ કરવાની નોટિસ આપી હતી. તેમની સામે નાણાકીય ગેરરીતિઓ આચરેલ હોવાનાં કારણોસર તેમને હોદા પરથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષે તા. 12 માર્ચ 1991ના રોજ ઠરાવ દાખલ કર્યો હતો. લોકસભા અધ્યક્ષે આ ન્યાયાધીશ સામેના આક્ષેપોની તપાસ માટે Judges (Inquiry) Act, 1968 હેઠળ તપાસ સમિતિની રચના કરી હતી. ત્યારબાદ 9મી લોકસભાનું વિસર્જન થતાં સરકારે એવું વલણ લીધું કે સદર ઠરાવ રદ થયો છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે લોકસભા વિસર્જનથી તે ઠરાવ રદ થયો નથી. 10મે 1993ના રોજ ઠરાવ પર ચર્ચા હાથ ધરાઈ હતી. રામસ્વામી વતી તેમના વકીલે બચાવ પક્ષે રજૂઆત કરી હતી. મતદાન વખતે સત્તાધારી પક્ષ મતદાનથી અળગો રહેતા, આ ઠરાવ જરૂરી બહુમતીના અભાવે નિષ્ફળ ગયેલ હતો.

સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે સર્વોચ્ચ અદાલત કે હાઈકોર્ટ ન્યાયાપધીશ સામે ગુનાહિત ગેરવર્તન (Criminal Misconduct) બદલ ફોજદારી કાર્યવાહી કરી શકાય છે. આ કેસમાં ઠરાવાયેલ કે 'ગેરવર્તન' શબ્દમાં રુશ્વત નિવારણ ધારા હેઠળ ગુનાહિત ગેરવર્તનનો સમાવેશ થાય છે. એક કેસમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાપીશ સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપો થયા હતા. મહારાષ્ટ્ર બાર કાઉન્સિલ અને કેટલાક બાર એસોસિયેશન તરફથી તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં જાહેર હિતની અરજીથી એવી માગણી કરવામાં આવી હતી કે બાર કાઉન્સિલને તે ન્યાયાધીશને હોદા પરથી દૂર કરવા માટે દબાણ કરતાં અટકાવવામાં આવે અને તેમની સામેના આક્ષેપોની CBI દ્વારા તપાસ કરાવવામાં આવે અને આક્ષેપો સાચા જણાય તો તે ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપવામાં આવે. દરમ્યાનમાં તે ન્યાયાધીશે રાજીનામું આપ્યું. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે ન્યાયાધીશ સામે રાજીનામાની માગણી કરતા મહારાષ્ટ્ર બાર કાઉન્સિલ કે કેટલાક બાર એસોસિયેશને કરેલ ઠરાવને બંધારણીય પીઠબળ નથી. તેમના વર્તનની તપાસ માટે CBI ને આદેશ આપી શકાય નહીં. જ્યારે ન્યાયાધીશનું વર્તન અનુચ્છેદ 124 મુજબનું ગેરવર્તન ન હોય ત્યારે તેમના સામે પગલાં લેવાની પ્રક્રિયા સર્વોચ્ચ અદાલત નક્કી કરી શકે છે. આવા પ્રસંગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાપધીશને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી જોઈએ.