14/02/2024

રાજ્યપાલ અને એડવોકેટ જનરલ

રાજ્યપાલને રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની કડી ગણવામાં આવે છે આના કારણે બંધારણમાં રાજ્યપાલ પદ ની જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં ખાસ કરી ને રાજ્યપાલની નિમણૂક અને સત્તાનીરાજ્યપાલની સત્તા અને જવાબદારીઓ,અને સાથે સાથે રાજ્યપાલની માફી આપવાની સત્તા તેમજ રાજ્યના ગવર્નરની ધારાકીય સત્તાઓ. અને રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા, રાજ્યના રાજ્યપાલની વિવેકાધીન સત્તાઓ વિષે વિગતવાર જાણકારી મેળવીશું. અને તેની સાથે સાથે થોડા ઉદાહરણો પણ ધ્યાનમાં લેશું જેમાં  કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઑફ બૉમ્બે. ના કેસ ની ચર્ચા કરીયે. 


રાજ્યપાલની નિમણૂક


કેન્દ્ર સરકારની ભલામણના આધારે રાષ્ટ્રપતિ તરફથી રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. તેમની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, પરંતુ તે અગાઉ તેમને હોદા પરથી દૂર કરી શકાય અથવા એક રાજ્યમાંથી તેમની બીજા રાજ્યમાં બદલી પણ થઈ શકે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. રાજય મંત્રીમંડળની સલાહ અને મદદ અનુસાર તેમના નામથી રાજય વહીવટ ચલાવવામાં આવે છે. તેઓ તટસ્થ રહે છે, પરંતુ આજકાલ કેટલાક રાજ્યપાલો કહ્યાગરા બની કેન્દ્ર સરકારની સૂચના મુજબ જ કામ કરતા હોવાથી રાજયપાલનાં પદને હાનિ પહોંચી છે. મહારાષ્ટ્ર રાજ્યપાલ કોશિયરી ભાજપને સરકાર રચવામાં સહાય કરેલ હોવાથી ટીકાપાત્ર બન્યા છે. પ.બંગાળમાં તત્કાલીન રાજ્યપાલ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેનો સંઘર્ષ જાણીતો છે. પોંડિચેરીમાં પણ સરકાર અને લેફ. જનરલ કિરણ બેદી વચ્ચે પણ સંઘર્ષ થયેલ હતો.

રાજયપાલની સત્તાઓ


રાજ્યપાલની સત્તાઓ તત્ત્વતઃ રાષ્ટ્રપતિની સત્તાઓને મળતી આવે છે. તેમની સત્તાઓનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.

1. કારોબારી સત્તા


રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં સ્થાપિત થયેલી છે. તેઓ પ્રત્યક્ષ રીતે અથવા પોતાના અધિકારીઓ મારફત આ સત્તાનો ઉપયોગ કરે છે. રાજ્ય વિધાનસભાને જે બાબતો સંબંધમાં કાયદો ઘડવાની સત્તા હોય, તે બાબતો સુધી રાજ્યની કારોબારી સત્તા વિસ્તરે છે. રાજ્યનાં તમામ કૃત્યો રાજયપાલના નામે અને તેમના થકી થતા હોવાનું પ્રગટ થવું જોઈએ. રાજ્યપાલના નામથી કરવામાં આવેલ અને તેમના સહી-સિક્કાવાળા હુકમો અને અન્ય દસ્તાવેજો નિર્દિષ્ટ રીતે પ્રમાણિત કરવામાં આવશે. આ રીતે પ્રમાણિત કરાયેલ લેખ કે હુકમ કોઈ અદાલતમાં પડકારી શકાય નહીં.

સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઑફ ગુજરાત વિ. મી. જસ્ટીસ આર. એ. મહેતા કેસમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલે જસ્ટીસ આર.એ. મહેતાની લોકાયુક્ત તરીકે કરેલ નિમણૂક કાયદેસર ઠરાવી હતી અને ગુજરાત સરકારની અપીલ રદ કરી હતી. આ કેસમાં ઠરાવાયું કે રાજયપાલ અનુચ્છેદ 361(1) હેઠળ સંપૂર્ણ મુક્તિ (exemption) ભોગવે છે અને તેમનાં કૃત્યને અદાલતમાં પડકારી શકાતું નથી.

રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ પ્રધાનમંડળની સલાહ અને મદદથી પોતાની સત્તાઓ વાપરે છે.

2. નાણાકીય સત્તાઓ


રાજ્યપાલની ભલામણ સિવાય, કોઈ નાણાકીય ખરડો રાજ્ય વિધાનસભામાં રજૂ કરી શકાતો નથી. રાજ્યપાલની ભલામણ સિવાય અનુદાનની માગણી કરી શકાતી નથી. રાજયપાલ દર વર્ષે વિધાનસભામાં વાર્ષિક નાણાકીય નિવેદન (બજેટ) રજૂ કરાવે છે.

3. વૈધાનિક સત્તાઓ


રાજયપાલને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વિધાનગૃહના દરેક ગૃહની બેઠક યોજવાની સત્તા છે. બે બેઠકો વચ્ચે છ માસથી વધારે સમયગાળો પસાર થવો જોઈએ નહીં. વિધાનસભાને સંબોધવાનો તેમને અધિકાર છે. વિધાનસભાએ પસાર કરેલ કેટલાક ખરડાઓ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવાની રાજયપાલને સત્તા છે.

4. વટહુકમ પ્રગટ કરવાની સત્તા


અનુચ્છેદ 213થી રાજ્યપાલને વટહુકમ (Ordinance) પ્રગટ કરવા સત્તા અપાયેલ છે. તે માટે પૂર્વશરત એ છે કે વિધાનસભાનું સત્ર ચાલુ હોવું જોઈએ નહીં. જે રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં બંને ગૃહોનું સત્ર ચાલુ હોવું જોઈએ નહીં. જો એક ગૃહની સત્રસમાપ્તિ થયેલ હોય તો પણ રાજ્યપાલ વટહુકમ પ્રગટ કરવા સત્તા ધરાવે છે. કારણ કે એક ગૃહને કાયદો ઘડવાની સત્તા નથી. બીજી પૂર્વશરત એ છે કે રાજયપાલને એમ ખાતરી થવી જોઈએ કે તાત્કાલિક પગલાં લેવાનું જરૂરી છે, તે જાતના સંજોગો પ્રવર્તમાન છે. આવા સંજોગો પ્રવર્તમાન છે કે કેમ તે રાજયપાલે નક્કી કરવાનું હોય છે. અદાલત તેમાં દરમ્યાનગીરી કરી શકે નહી

રાજયપાલની વટહુકમ પ્રગટ કરવાની સત્તા, રાજ્યના વિધાનમંડળની કાયદા ઘડવાની સત્તા અને હકૂમત જેટલી જ છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે રાજયપાલને વટહુકમ પ્રગટ કરવાની સત્તા અસાધારણ સંજોગોને પહોંચી વળવા અપાયેલ છે. રાજકીય હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલના વટહુકમની કાયદેસરતા પડકારવા સક્ષમ નથી.

5. માફી આપવાની સત્તા


રાજ્યપાલને રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તેને સંબંધિત કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત ઠરાવાયેલ વ્યક્તિને કરાયેલ-

(એ) શિક્ષા માફ કરવાની,

(બી) ઓછી શિક્ષા કરવાની,

(સી) તેનો અમલ સ્થગિત કરવાની, અથવા

(ડી) તેનો અમલ મોકૂફ રાખવાની,

(ઇ) શિક્ષામાં ઘટાડો કરવાની, અથવા

(એફ) તેમાંથી મુક્તિ આપવાની કે

.(જી) તે હળવી કરવાની

સત્તા છે. એક કેસમાં ઠરાવાયેલ છે કે રાજયપાલનું માફી બક્ષવાનું કૃત્ય વહીવટી કૃત્ય છે. રાજયપાલને આરોપીને નિર્દોષ જાહેર કરવાની સત્તા નથી. આરોપીની દોષિતતા કે નિર્દોષતા અદાલતનાં કાર્યક્ષેત્રમાં આવે છે. કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઑફ બોમ્બેના કેસમાં અરજદારને મુંબઈ હાઈકોર્ટે ખૂનના ગુનાસર આજીવન કેદની સજા કરી હતી. મુંબઈ હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યાના દિવસે રાજ્યપાલે એક હુકમ પ્રગટ કરી અરજદાર (આરોપી) ને નૌકાદળની કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો હતો. આરોપી નૌકાદળનો અધિકારી હતો. આરોપીની ધરપકડ માટેનું વોરંટ બજવણી થયા વગર પરત થયું હતું. આરોપીએ મુંબઈ હાઈકોર્ટના સજા કરવાના હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. અહીં પ્રશ્ન એ હતો કે આરોપીએ મુંબઈ હાઈકોર્ટના ચુકાદા મુજબ કેદની સજા ભોગવવી જોઈએ કે તેને નૌકાદળની કસ્ટડીમાં રહેવા દેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવ્યું કે રાજયપાલની માફી આપવાની સત્તા સર્વોચ્ચ અદાલતના નિયમોને આધીન છે. સર્વોચ્ચ અદાલતમાં અપીલ થયા બાદ રાજ્યપાલના હુકમનો અમલ રહેતો નથી.


રાજ્યપાલની વિવેકાધીન સત્તા


રાજયપાલ મંત્રીમંડળની સલાહ અને મદદ મુજબ કામ કરવા બંધાયેલ છે. અનુચ્છેદ 164 પ્રમાણે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. સામાન્ય સ્થાપિત પ્રણાલિકા પ્રમાણે રાજ્યપાલ બહુમતી પક્ષના નેતાને મુખ્ય મંત્રી બનવા અને પ્રધાનમંડળ રચવા આમંત્રણ આપે છે. પરંતુ ત્રીજી સામાન્ય ચૂંટણીઓ બાદ અનેક રાજ્યોમાં એવા બનાવો બન્યા કે જેમાં કોઈ પક્ષને બહુમતી પ્રાપ્ત થયેલ ન હોય. દા.ત., મદ્રાસમાં 1951, રાજસ્થાનમાં 1967 અને હરિયાણામાં 1982માં કોઈ પક્ષને બહુમતી મળેલ ન હોવાથી રાજયપાલ સૌથી મોટા પક્ષના નેતાને મુખ્યમંત્રી બનવા આમંત્રણ આપેલ. આવા પ્રસંગે રાજ્યપાલે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણપ લેવાનો હોય છે. રાજયપાલની મુખ્યમંત્રીની નિમણૂક બાબતમાં વિવેકબુદ્ધિની સત્તા નીચેની બાબતોથી નિયંત્રિત થવી જોઈએ :

1. સામાન્ય રીતે બહુમતી પક્ષના નેતાને આમંત્રણ આપવું જોઈએ. 

2. ચૂંટણી પહેલા રચાયેલ જોડાણના નેતાને આમંત્રણ આપવું જોઈએ.

3. સૌથી વધુ બહુમતી ધરાવતા પક્ષના નેતાને આમંત્રણ આપવું જોઈએ.

4. ચૂંટણી બાદ રચાયેલ મોરચાના નેતાને આમંત્રણ આપવું જોઈએ.

બિહારમાં 1968માં સંયુક્ત મોરચાની સરકાર તૂટી પડતાં રાજ્યપાલે કોંગ્રેસના નેતાને સરકાર રચવા આમંત્રણ આપેલ હતું. કોંગ્રેસ પક્ષે આમંત્રણનો અસ્વીકાર કરતાં, દલિત નેતા બી.પી.માંડલને સરકાર રચવા આમંત્રણ અપાયું હતું. મહારાષ્ટ્રમાં 1978માં કોઈ પક્ષને બહુમતી મળી ન હતી. ગૃહમાં સૌથી વધુ બહુમતી જનતા દળ પાસે હતી. આમ છતાં રાજ્યપાલે કોંગ્રેસ અને કોંગ્રેસનાં જોડાણ પક્ષોને સરકાર રચવા આમંત્રણ આપેલ, કોંગ્રેસ જેડાળવાળી સરકારનું પતન થતાં, રાજયપાલે જનતા દળના દાવાને અવગણીને કોંગ્રેસમાથી છૂટા પડેલ શરદ પવારની આગેવાનીવાળા પ્રોગેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટને આમંત્રણ આપેલ હતુ.



રાજ્યના એડવોકેટ જનરલ

 

અનુચ્છેદ 165માં રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરવાની જોગવાઈ છે. રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક માટે લાયક હોય તેવી વ્યક્તિ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુકને પાત્ર છે.

ફરજો


1. રાજ્યપાલ તરફથી વખતોવખત વિચારણા માટે મોકલવામાં આવેલ કે સોંપવામાં આવેલ કાયદાકીય બાબતોમાં સલાહ આપવાની તેમની ફરજ છે. દા.ત., કોઈ વિષય પર કાયદો ઘડવાની બાબત કોઈ મુલ્કી અધિકારી કે પોલીસ અધિકારીને ફરજ મોકૂકી કે રૂખસદ આપવા કે કોઈ કાયદામાં ફેરફાર કરવા બાબત રાજ્ય એડવોકેટ જનરલની સલાહ લઈ શકે છે.

2. રાજય જેમાં પક્ષકાર હોય તેવી કોઈપણ કાનૂની કાર્યવાહીમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની એડવોકેટ જનરલની ફરજ છે. દા.ત., રાજ્ય સામે કોઈ રિટ કે અપીલ કરાયેલ હોય, રાજ્યનો કોઈ હુકમ કે કાનૂન અદાલતમાં પડાકારાયો હોય ત્યારે રાજ્ય વતી એડવોકેટ જનરલ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

3. બંધારણ અથવા અન્ય કોઈ કાયદા હેઠળ તેમને સોંપાયેલ કાર્યો કરવાની તેમની ફરજ છે.

હોદ્દાની મુદત


આ બંધારણીય હોદો છે. રાજ્યપાલની ખુશી સુધી એડવોકેટ જનરલ હોદો ભોગવી શકે છે. તે માટે કોઈ સમયમર્યાદા બંધારણથી નક્કી કરાયેલ નથી. રાજયપાલ નક્કી કરે તે મહેનતાણું મેળવવા તેઓ હક્કદાર છે.

અધિકાર અને અસમર્થતા


રાજ્યના એડવોકેટ જનરલ વિધાનમંડળની કાર્યવાહીમાં ભાગ લેવાને હક્કદાર છે. તેઓ વિપાનમંડળની કોઈપણ સમિતિમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ વિધાનમંડળ કે તેની કોઈ સમિતિના સભ્ય ન હોવાથી તેમને મત આપવાનો અધિકાર હોતો નથી.