14/02/2024

રાજ્યોની વડી અદાલતો, Rule of Court.

હવે આપણે રાજ્યની હાઈકોર્ટોનું બંધારણ, સત્તાઓ અને હકૂમતો વિષે વિગતવાર સમજીયે અને સાથે સાથે ભારતના બંધારણના અનુચ્છેદ 226 હેઠળ ઉચ્ચ ન્યાયાલયની હકૂમતનું સ્વરૂપ અને રાજ્યની વડી અદાલતની પરમાદેશ આજ્ઞાપત્ર અંગેની સત્તાઓ તથા રાજ્યની વરિષ્ઠ અદાલતની રિટો આપવાની સત્તાઓ અંગે હાલની બંધારણીય સ્થિતિ શું છે તે સમજીયે. 

આ સિવાય ભારતના બંધારણ અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતોને કેટલાક આશાપત્રો ફરમાવવાની સત્તા છે અને તેને અનુસંધાને ભારતીય બંધારણના અનુચ્છેદ 226 અને અનુચ્છેદ 227 હેઠળ ઉચ્ચ ન્યાયાલયની હકૂમત વિસ્તારથી સમજીયે અને અનુચ્છેદ 226 હેઠળના આજ્ઞાપત્રો વિષે જાણીયે. અને બંધારણના અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ્ચ અદાલતની હકુમત અને અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતની હકૂમત વચ્ચેનો તફાવત જાણીયે.

વડી અદાલતની રચના, હકૂમત અને સત્તાઓ

વડી અદાલતની રચના


અનુચ્છેદ 214 જણાવે છે કે દરેક રાજ્ય માટે વડી અદાલત (High Court) રહેશે. વડી અદાલત અભિલેખ અદાલત (Court of record) છે અને તેને પોતાના તિરસ્કાર માટે શિક્ષા કરવાની સત્તા છે. દરેક વડી અદાલત, એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતોવખત નીમવા જરૂરી ગણે તેવા અન્ય ન્યાયાધીશોની બનેલ રહેશે. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશની નિમણૂક કરતાં અગાઉ રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના રાજયપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મસલત કરવી જોઈએ. નિમણૂકનું કાર્ય માત્ર વહીવટી કાર્ય નથી, તે બંધારણીય પ્રક્રિયા છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગૌરવ જાળવવા તેનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા અંગેની અનુચ્છેદ 124(4) અને અનુચ્છેદ 124(5)ની જોગવાઈઓ, વડી અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની બાબતમાં લાગુ પડશે. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નીમાયેલ દરેક વ્યક્તિએ, રાજયપાલ સમક્ષ બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેવા જોઈએ.

હકૂમત


અનુચ્છેદ 226થી ભારતની તમામ વડી અદાલતોને કોઈ વ્યક્તિ અથવા સત્તાધિકારી સામે, તેમજ યોગ્ય પ્રસંગોમાં સરકાર સામે પણ આદેશો, હુકમો અને બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, ઉત્પ્રેષણું, પ્રતિષેધ અને અધિકારપૃચ્છા આજ્ઞાપત્રી (Writs) ફરમાવવાની સત્તા અપાયેલ છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે વડી અદાલતની આજ્ઞાપત્રો ફરમાવવાની આ સત્તા બંધારણનાં મૂળભૂત માળખાં (Basic Structure) નો ભાગ છે. અને બંધારણ સુધારાથી આ સત્તા બાકાત કરી શકાતી નથી.

આજ્ઞાપત્ર (Writ) માટે અરજી કોઈ કરી શકે ?


સામાન્ય નિયમ પ્રમાણે, જે વ્યક્તિના અધિકારનો ભંગ થયેલ હોય તે વ્યક્તિ વડી અદાલત પાસે અનુચ્છેદ 226 હેઠળ યોગ્ય આજ્ઞાપત્ર દાદ માગી શકે. તેને Rule of Locus Standi તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કે આ નિયમના ચુસ્ત પાલનનો આગ્રહ રાખવામાં આવતો નથી. કારણ કે ભારતમાં મોટા ભાગના લોકો અજ્ઞાન નિરક્ષર અને ગરીબ છે. તેઓ પોતાના અધિકારો વિશે કાંઈ જાણતા હોતા નથી. આથી આવા લોકો વતી અને તેમના લાભાર્થે જાહેર હિતની અરજી બીજા લોકો કરી શકે છે. દા.ત., ચેરમેન, રેલવે બોર્ડ વિ. ચંદ્રીમાદાસ કેસમાં એક બંગ્લાદેશી સ્ત્રી સાથે હાવરા સ્ટેશનના અતિથિગૃહમાં સામૂહિક બળાત્કાર થયેલ હતો. આ સ્ત્રીને ન્યાય મળવા અર્થે એક વકીલે જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં રેલવે તરફથી એમ રજૂઆત કરાઈ હતી કે બનાવ કે પીડિત સ્ત્રી સાથે નિસ્બત ન ધરાવનાર વ્યક્તિની અરજી ધ્યાને લેવી જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલતે આ દલીલ નકારી કાઢી હતી અને આ કેસમાં પીડિત સ્ત્રી ₹ 50 લાખના વળતર માટે હક્કદાર હોવાનું ઠરાવેલ.

અનુચ્છેદ 226 હેઠળનો ઉપચાર વિવેકબુદ્ધિની સત્તા છે. વડી અદાલતને એમ જણાય કે પક્ષકારને અન્ય વૈકલ્પિક ઉપચાર લભ્ય છે. તો અનુચ્છેદ 226 હેઠળની દાદનો ઈન્કાર કરી શકે. એટલે કે 226 હેઠળનો ઉપચાર
અધિકારની રૂએ (by virtue of right) મળી શકતો નથી. આમ છતાં નીચેના સંજોગોમાં વૈકલ્પિક ઉપચાર હોવા છતાં, અનુચ્છેદ 226 હેઠળની દાદ મળી શકે છે, એટલે કે, જયારે,

1. મૂળભૂત અધિકારનો ભંગ થયેલ હોય, અથવા

2. કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયેલ હોય, અથવા

3. સંપૂર્ણપણે હકૂમતવિહીન હુકમ થયેલ હોય.

દા.ત., એક કેસમાં તામિલનાડુ રાજ્યના બે લાખ કર્મચારીઓ હડતાળ પર ઉતરેલ હોવાથી રાજ્ય સરકારે તમામને નોકરીમાંથી છૂટા કર્યા. રાજ્ય સરકારના આ હુકમ સામે વડી અદાલતે મનાઈહુકમ ફરમાવ્યો. વડી અદાલતની ડિવિઝન બેંચે મનાઈહુકમ રદ કરી ઠરાવ્યું કે કર્મચારીઓને Administrative Tribunal માં જવાનો વૈકલ્પિક ઉપચાર હોવાથી રિટ અરજી થઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે બે લાખ કર્મચારીઓની સેવાનો અંત લાવવાથી અભૂતપૂર્વ પરિસ્થિતિ પેદા થયેલ હતી. આ સંજોગોમાં વૈકલ્પિક ઉપચાર મળતો હોવા છતાં, તેમને અનુચ્છેદ 226 હેઠળ રિટ મળી શકે.


અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ્ચ અદાલતની હકૂમત અને અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતની હકૂમત વચ્ચેના તફાવત માટે જુઓ પ્રશ્ન 22નો ઉત્તર.

અનુચ્છેદ 227 હેઠળ વડી અદાલતની તમામ અદાલતો પર દેખરેખની સત્તા

આ અનુચ્છેદ હેઠળ દરેક વડી અદાલતને પોતાના પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો (Tribunals) પર દેખરેખની સત્તા છે. વડી અદાલત આ સત્તા હેઠળ,

(એ) આવી અદાલતો પાસેથી પત્રકો મંગાવી શકે,

(બી) આવી અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે.

(સી) આવી અદાલતનોના અધિકારીઓએ રાખવાના ચોપડા, નોંધ કે હિસાબો માટે નમૂના નિયત કરી શકે. અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતની સત્તા કરતાં, અનુચ્છેદ 227 હેઠળની સત્તા વિશાળ છે. કારણ કે અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલત નીચેની અદાલતનો નિર્ણય રદ કરી શકે. જયારે અનુચ્છેદ 227 હેઠળ વડી અદાલત નિર્ણય રદ કરવો ઉપરાંત જરૂરી આદેશો પણ આપી શકે. અનુચ્છેદ 226 હેઠળની સત્તા, જયારે કોઈ વ્યક્તિ વડી અદાલતને અરજી કરે ત્યારે વાપરવામાં આવે છે. જયારે અનુચ્છેદ 227 હેઠળની સત્તા, વડી અદાલત પોતાની મેળે વાપરી શકે છે.

વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક અને હોદાની શરતો 


આ સંબંધમાં અનુચ્છેદ 217માં જોગવાઈ કરાયેલ છે. વડી અદાલતના કોઈ પણ ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આવી નિમણૂક કરતાં અગાઉ રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે-તે રાજયના રાજયપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારણા કરવી જોઈએ. રાષ્ટ્રપતિ એટલે પ્રધાનમંડળની સલાહ પ્રમાણે વર્તનાર રાષ્ટ્રપતિ એમ સમજવાનું છે. જ્યારે નિમણૂક બાબતમાં અભિપ્રાયભેદ થાય ત્યારે નિમણૂક કરવી કે કેમ તે રાષ્ટ્રપતિએ નક્કી કરવાનું હોય છે. નિમણૂકનું કાર્ય માત્ર વહીવટી કાર્ય નથી. તે બંધારણીય પ્રક્રિયા છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગૌરવનું તેમાં પાલન થવું જોઈએ. રાષ્ટ્રપતિનો નિર્ણય અસંગત વિચારણા પર આધારિત હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે.

જજીસ ટ્રાન્સફર કેસ તરીકે જાણીતા કેસમાં પ્રશ્ન એ હતો કે, હાઈકોર્ટના અતિરિક્ત ન્યાયાધીશોની નિમણૂક કરતી વખતે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાપાધીશની ભલામણ સ્વીકારવા બંધાયેલ છે કે કેમ. આ કેસમાં રાષ્ટ્રપતિએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની દિલ્હી હાઈકોર્ટના અતિરિક્ત ન્યાયાધીશ જસ્ટીસ કુમારની મુદત ન વધારવા કરેલ ભલામણ સ્વીકારી હતી, જયારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે જસ્ટીસ કુમારની મુદત વધારવા ભલામણ કરી હતી, આ કેસમાં રાષ્ટ્રપતિનો નિર્ણય કાયદેસર ઠરાવાયો હતો. સર્વોચ્ચ અદાલતનો જજીસ ટ્રાન્સફર કેસનો આ નિર્ણય, સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકર્ડ એસોસિયેશન વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ઉલ્ટાવી નાખવામાં આવેલ છે. આ કેસમાં ઠરાવાયું કે ન્યાયાધીશની નિમણૂક અને બદલીની બાબતમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના અભિપ્રાયને સૌથી વધારે મહત્ત્વ મળવું જોઈએ. આ કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક અને બદલીની બાબતમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના અભિપ્રાયની પ્રાથમિકતા રહે છે. આ હવે કોલેજિયમ પ્રથા તરીકે ઓળખાય છે.

1998માં કેટલાક ન્યાયાધીશોની નિમણૂક બાબતમાં વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તત્કાલીન ભારતના મુખ્ય ન્યાયાધીશ પુછીએ સર્વોચ્ચ અદાલતના બે સીનિયર મોસ્ટ ન્યાયાધીશો સાથે વિચારણા કર્યા સિવાય, પોતાની વ્યક્તિગત હેસિયતથી કેટલાંક નામોની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ બાબત સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે અનુચ્છેદ 143 હેઠળ રેફરન્સ કર્યો. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે અભિપ્રાય આપ્યો હતો કે, ભારતના મુખ્ય ન્યાયાધીશે હાઈકોર્ટ ન્યાયાધીશની બાબતમાં સર્વોચ્ચ અદાલતના બે સીનિયર મોસ્ટ ન્યાયાધીશોની બનેલ કોલેજિયમ સાથે સલાહવિમર્શ કરવો જોઈએ. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ રીતે સલાહવિમર્શ કર્યા સિવાય કરેલ નામોની ભલામણ સરકારને બંધનકર્તા નથી. જો કોઈ હાઈકોર્ટ ન્યાયાધીશની બદલી કરવાની હોય, તો ભારતના મુખ્ય ન્યાયાધીશે સર્વોચ્ચ અદાલતના ચાર સીનિયર મોસ્ટ ન્યાયાધીશના બનેલ કોલેજિયમ ઉપરાંત, જે હાઈકોર્ટમાંથી ન્યાયાધીશની બદલી કરવાની હોય, તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જે હાઈકોર્ટમાં તેમની બદલી થવાની હોય તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે સલાહવિમર્શ કરવો જોઈએ.

હાઈકોર્ટ ન્યાયાધીશ 62 વર્ષે નિવૃત્ત થાય છે. મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વર્ષે 65 વર્ષ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદા પરથી દૂર કરવા મહાભિયોગ પ્રક્રિયા હાઈકોર્ટ ન્યાયાધીશને દૂર કરવાની બાબતમાં પણ લાગુ પડે છે. વડી અદાલતના ન્યાયાધીશની ઉંમર બાબત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, તો તેનો નિર્ણય રાષ્ટ્રપતિ કરે છે. આ સમયે મૌખિક સુનાવણી આપવાનું જરૂરી નથી. અનુચ્છેદ 220 જણાવે છે કે, આ બંધારણની શરૂઆત બાદ, વડી અદાલતના કાયમી ન્યાયાધીશ તરીકે હોદ્દો ભોગવેલ કોઈ પણ વ્યક્તિ, સર્વોચ્ચ અદાલત અને અન્ય વડી અદાલતો સિવાય, ભારતની કોઈ અદાલત અથવા કોઈ સત્તાધિકારી સમક્ષ વકીલાત કે કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકાયેલ છે.