Crimes Related to Health
IPC પ્રકરણ-14, કલમ, 268 થી 278
શું તમે જાણો છો કે જાહેર સ્વાસ્થ્ય ને લગતા ગુના એટલે કે Crimes related to health ?
મિત્રો જો તમે સ્વાથ્ય સંબન્ધિત કોઈ ગુના એટલે કે Crimes related to health વિષે જાણવા માંગતા હોય તો વાંચો વિગતવાર જે તમને ખુબ ઉપયોગી થઈ શકે છે.
- લોકાપકારક કૃત્ય : કલમ. 268.
- ચેપી રોગ ફેલાવે એવા કાર્યો : ક. 269 થી 271
- ખાદ્ય અથવા પીવાના પદાર્થોમાં ભેળસેળ : ક. 272-273.
- દવાઓમાં ભેળસેળ : ક. 274 થી 276
- પાણી મલિન કરવું અને વાતાવરણ દૂષિત કરવું : કલમ. 277-278.
હવે આપણે આ પ્રકાર ના ગુના વિષે વિગતવાર ચર્ચા કરીયે અને ત્યાર બાદ તેના અનુસંધાને ભારત ના વિવિધ લાગુ પડતા Law અને Act વિષે માહિતી મેળવીયે. સૌથી પહેલા આપણે એ જાણીયે કે લોકાપકારક કૃત્ય એટલે શું ? તો જાહેર ઉપદ્રવ યાને ત્રાસદાયક કૃત્ય ને કાયદામાં સામાન્ય રીતે લોકાપકારક કૃત્ય કહેવાય છે. જેને આપણે અંગ્રેજી માં Public Nuisance પણ કહીયે છીએ ભારત ના IPC ના કાયદા પ્રમાણે એટલે કે ફોજદારી ધારા પ્રમાણે તેને કલમ 268 પ્રમાણે વર્ણવામાં આવી છે.
આ કલમ ખુબ જ અગત્યની છે. તેથી તેનો કાળજીથી અભ્યાસ કરવો યોગ્ય છે. તેનાં મુખ્ય તત્વોનું પૃથક્કરણ કરીને નીચે જણાવેલ છે : સામાન્ય રીતે
જે કોઈ, કોઈ કાર્ય કરે અથવા ગેરકાયદેસર કસૂર માટે જવાબદાર હોય કે જે
તો -તે 'લોકાપકારક કૃત્ય' કરવાના ગુના માટે ગુનેગાર છે.
- જાહેર જનતાને અથવા સામાન્ય રીતે પડોશમાં રહેતા અથવા- મિલકત ધરાવતા લોકોને અથવા કે જેથી કોઈ સામાન્ય હાનિ, ભય અથવા ત્રાસ ઉત્પન્ન કરે.
- અથવા અનિવાર્ય રીતે વ્યક્તિઓને કે જેમને કોઈ સાર્વ- જનિક હક્કનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થતો હોય- અને તેવા સંજોગે હાનિ અડચણ ભય અથવા ત્રાસ થાય.
આ સિવાય કોઈ સામાન્ય અપકારક કૃત્યથી કાંઈક સગવડ અથવા લાભ થતો હોય તો પણ એવા કારણસર તે ક્ષમ્ય થતું નથી. : ક. 268.
પ્રકારો :
અપકારક કૃત્ય ના બે પ્રકાર છે.
- વૈયક્તિક અપકારક કૃત્ય (Private Nuisance)
પોતાની બિલકતનો કોઈ પ્રકારનો અનધિકૃન ઉપયોગ કરવો, કે જેથી બીજાની મિલકતને નુકસાન થનું હોય, અથવા પ્રવેશ (નો ગુનો) કહેવાય નહિ એવી રીતે બીજા કોઈની મિલકત અગર મિલકત પરત્યેના હક્કો સંબંધમાં, તેને નુકસાન થાય એ પ્રમાણે અનધિકૃત હસ્તક્ષેપ કરવો. વળી, તેમાં હવાઉજાસમાં અડચણ કરવી. દુર્ગપ અથવા અવાજ, પાણી, ગંદવાડ અને જંતુઓ વગેરેનો અપ્રષ્ટિત ફેલાવો કરવાનાં કાર્યોનો પણ સમાવેશ થાય છે. બાજુમાં રહેતો પાડોશી સત-દિવસ સતત રેડિયો અથવા ગ્રામોફોન વગાડયા કરતો હોય, તો તેથી ત્રાસ થાય છે એમ કહી શકાય આ માટે ત્રાસ આપનાર વ્યક્તિ તે ગુના માટે જવાબદાર બને છે.
ઉદાહરણ
પોપટભાઈ પોતાની જગ્યામાં ઓઈલ એન્જિન બેસાડે છે. તેનો પડોશી મોરભાઈ ફરિયાદ કરે છે કે એન્જિનના થરથરાટથી તેના મકાનને નુકસાન થયું હતું. આ લોકાપકારક કૃત્ય નથી આથી તેની સામે ફરિયાદ કરી શકાય નહિ, કારણ કે કાયદો એવી છે કે ફક્ત લોકાપકારક કૃત્ય એ ગુનો છે, વૈયક્તિક નહિ. પરંતુ હા, તેને માટે દીવાની પ્રકાર ની કાર્યવાહી કરી શકાય.
- લોકાપકારક કૃત્ય (Public Nuisance) :
લોકાપકારક કૃત્ય એટલે તમામ સમુદાયને ત્રાસ થાય એવું કોઈ કાર્ય કરવું અથવા સાર્વજનિક હિતમાં જરૂરી હોય એવું કોઈ કાર્ય ઉપેક્ષાથી નહિ કરવાની કસૂર છે. તે જનતા વિરુદ્ધનો ગુનો છે. સામાન્યત: જનતાનાં સ્વાસ્થ્ય, સલામતી, સુખ અને સગવડતામાં ગંભીર રીતે હસ્તક્ષેપ કરતાં અથવા જાહેર નીતિમત્તાનું અધઃપતન થાય એવાં કાર્યોને લોકાપકારક કૃત્યો તરીકે ગણવામાં આવ્યા છે. આ ઉપરથી સમજી શકાશે કે એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના સંબંધમાં લોકાપકારક કૃત્ય કરવાનો ગુનો થઇ શકે નહિ. અપકારક કૃત્ય જ્યારે એવાં પ્રકારનું હોય કે જે આખા સમુદાયને અથવા અમુક વિસ્તારમાં રહેતા એક વિભાગને અથવા સાર્વજનિક ફક્કોનો ઉપયોગ કરતી કોઈ વ્યક્તિને અસર કરતું હોય તો અપરાધ બને છે. તેનાથી કાંઈક સગવડ અથવા લાભ થાય છે એમ કહેવું એ તેનો વાજબી બચાવ નથી, તેથી જાહેર માર્ગ ઉપર પથ્થરો તોડવા, શહેરના રહેઠાણના વિસ્તારમાં રાત્રે છાપખાનું ચલાવવું. જુગારખાનાં ચલાવવા અથવા સાર્વજનિક સ્થળોએ પ્રાણીઓની કતલ કરવી વગેરે લોકાપકારક કૃત્યોનાં ઉદાહરણો છે, જે દૂર કરવા માટે દીવાની દાવો અને ફરિયાદ બંને થઈ શકે.
લોકાપકારક કૃત્ય અને વૈયક્તિક અપકારક કૃત્ય વચ્ચેનો બંને વચ્ચે તફાવતના પાંચ મુદ્દાઓરહેલા છે :
લોકાપકારક કૃત્ય મોટા પાયા ઉપર જાહેર જનતાને અથવા મોટા સમુદાયને અસર કરતું હોય છે, એટલે કે લોકાપકારક કૃત્ય સાર્વજનિક હક્કો, સલામતી અથવા સગવડ વિરુદ્ધનો ગુનો છે; જ્યારે વૈયક્તિક અપકારક કૃત્ય કોઈ વ્યક્તિના તેની મિલકતનો સુખચેનથી ઉપયોગ કરવાના હક્કમાં વિક્ષેપ કરનારું છે.
લોકાપકારક કૃત્યને કારણે કોઈ વ્યક્તિને દીવાની દાવો કરવાનું કારણ પ્રાપ્ત થતું નથી. તે દૂર કરવા, નુકસાની મેળવવા અથવા મનાઈહુકમ મેળવવા સિવાયની કોઈ કાર્યવાહી કોઈ ખાનગી વ્યક્તિ પોતાના નામે કરી શકે નહિ. વૈયક્તિક અપકારક કૃત્ય સંબંધમાં એમ નથી. જમીનનો કબજો ધરાવનાર અને હાનિ થઈ હોય એવી કોઈ પણ વ્યક્તિને તે સંબંધમાં દાવો કરવાનો અધિકાર છે.
સમયની મર્યાદા લોકાપકારક કૃત્યને કાયદેસર બનાવી શકતી નથી, જ્યારે વૈયક્તિક અપકારક કૃત્ય ચાલુ કરવાનો અથવા ચાલુ રાખવાનો ફક્ક લાંબા સમયના ભોગવટાથી પ્રાપ્ત થઈ શકે છે.
જે વ્યક્તિને વૈયક્તિક અપકારક કૃત્યથી હાનિ પહોંચી હોય, તે પોતે એ દૂર કરી શકે છે; જ્યારે લોકોપકારક કૃત્ય આ રીતે દૂર કરી શકાતું નથી.
વૈયક્તિક અપકારક કૃત્ય અંગે નુકસાની મેળવવાનો દાવો થઇ શકે છે; જ્યારે લોકાપકારક કૃત્ય સંબંધમાં એ પ્રમાણે થઈ શકતું નથી. સિવાય કે વાદી સાબિદ કરે કે તેને વિશિષ્ટ પ્રકારનું નુકસાન થયું હતું. સાધારણ રીતે લોકાપકારક કૃત્યના સંબંધમાં તેને અપકારક કૃત્ય તરીકે જાહેર કરવાની અને તેની વિરુદ્ધ મનાઈહુકમ મેળવવાની કાર્યવાહી કરી શકાય છે.
અપકારક કૃત્ય નો નિકાલ (Abatement of Nuisance):
આ બંને પ્રકારના અપકારક કૃત્યો વચ્ચે એક વિશેષ તફાવત રહેલો છે અને તે એ છે કે અમુક સંજોગોમાં કોઈ વ્યક્તિ પોતે જ વૈયક્તિક અપકારક કૃત્ય દૂર કરી શકે, એટલે કે કાયદો પોતાના હાથમાં લઈને વાજબી રીતે એ અટકાવી શકે. (અપકૃત્યના કાયદામાં આ વિશે વધુ જાણવા મળશે.) પરંતુ લોકાપકારક કૃત્યને કોઈ વ્યક્તિ આ રીતે દૂર કરી શકે નહિ, જેમ કે, અપકારક કૃત્યને દુર કરવા માટે કોઈ મકાન તોડી પાડીને બીજા કોઈકને હાનિ પહોંચાડવાનું કાર્ય વાજબી ઠરાવતી કાયદેસરની કોઈ જોગવાઈ ભારતમાં કરવામાં આવી નથી.
કલમ 268 ના મુખ્ય મુદ્દાઓ :
- કોઈ કાર્ય કરવું અથવા કોઈ ગેરકાયદેસર કસૂર માટે જવાબદાર થવું.
- ગેરકાયદેસર કસૂર : અપકારક કૃત્ય ઉત્પન્ન કરનાર દરેક પ્રકારની કસૂર શિક્ષાને પાત્ર નથી. એવી કસૂર ગેરકાયદેસર હોવી જોઈએ. 'ગેરકાયદેસર' શબ્દની વ્યાખ્યા આ અગાઉ ક. 43માં આપવામાં આવી છે.
- આવા કાર્ય અથવા કસૂરથી-જાહેર જનતાને, અથવા પડોશમાં રહેતા અથવા મિલકત ધરાવતા લોકોને સાધારણ રીતે, કાંઈ સામાન્ય હાનિ, ભય અથવા ત્રાસ ઉત્પન્ન થવો જોઈએ.
અથવા
કોઈ એવી સાર્વજનિક હક્કનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થતો હોય એવી વ્યક્તિઓને, તેથી અનિવાર્ય રીતે હાનિ, અડચણ, ભય અથવા ત્રાસ થતો હોવો જોઈએ.
સામાન્ય હાનિ, ભય વગેરે :
આ કલમમાં સામાન્ય હાનિ થતી હોવાનું સૂચવવામાં આવ્યું છે. એટલે કે, તેથી આમસમુદાયને અને નહિ કે એકાદ વ્યક્તિને અસર થતી હોય. દા. ત.. ઝરાનું પાણી મલિન કરવું, દુર્ગંધ પ્રસરાવતા પદાર્થો રાખવા વગેરે લોકાપકારક કૃત્યના દૃષ્ટાંતો છે. વળી ઉપર જણાવ્યા મુજબ આવું અપકારક કૃત્ય લોકાપકારક હોવું જોઈએ. જેમ કે, પતરાં ઘડવાનું કામ કરવાથી થતા અવાજથી એક ધર્મશાળામાં ત્રણ માણસોને ખલેલ થતી હતી. તેમાં એ લોકાપકારક કૃત્ય નથી એમ ઠરાવવામાં આવ્યું હતું.
જાહેર સ્વાસ્થ્યને અસરકર્તા બાકીના ગુનાઓ આ પ્રમાણે છે
- ચેપી રોગ ફેલાવે એવાં કાર્યો (Acts likely to Spread Infection) (કલમ. 269 થી 271).
- જિંદગીને જોખમ થાય એવા રોગોનો ચેપ ફેલાવવાનો સંભવ હોય એવું કોઈ કાર્ય ઉપેક્ષાથી અથવા દ્વેષબુદ્ધિથી કરવું : ક. 269-270.
- રોગના કારણે દૂર રહેવા સંબંધના (quarantine) નિયમનો જાણીજોઈને ભંગ કરવો : ક. 271.
- ખોરાક અથવા પેય પદાર્થોમાં ભેળસેળ
- ખોરાક અથવા પીવાલાયક પદાર્થો માં ભેળસેળ (Adulteration of Food or Drink) (કલમ. 272-273)
વેચવાના ઈરાદાથી રાખેલા ખાદ્ય અથવા પેય પદાર્થોમાં ભેળસેળ કરીને તે હાનિકારક બનાવવા કલમ. 272. મુજબ ગુનો બને છે.
ખોરાક અથવા પેય પદાર્થોમાં હાનિકારક તત્ત્વો ભેળવીને અથવા બીજી કોઈ રીતે ભેળસેળ કરીને તે અસ્વાસ્થ્યકર બનાવવાનું કાર્ય આ કલમ અન્વયે શિક્ષાને પાત્ર છે: પરંતુ વધુ નફો મેળવવા માટે હાનિ થાય નહિ એવાં તત્ત્વો મેળવીને ભેળસેળ કરવાથી આ ગુનો થતો નથી. દા. ત., દૂધમાં પાણી ભેળવવું અથવા ધીમાં વનસ્પતિ તેલનો ભેગ કરવો. 'ખોરાક તરીકે હાનિકારક'નો અર્થ ખોરાક તરીકે તંદુરસ્તી માટે હાનિકર્તા એવો થાય છે, નહિ કે કોઈની લાગણી વિરુદ્ધનો, ઘીમાં ડુક્કરની ચરબી ભેળવી એ મિચલ ખાદ્યપદાર્થ તરીકે વેચવાનો ઈરાદો અથવા એ રીતે વેચવામાં આવશે એમ જાણીને કોઈ વ્યક્તિને તે માટે ગુનેગાર કરાવી શકાય નહિ. ખાવા અથવા પીવા માટે અયોગ્ય હોય, હાનિકારક હોય અથવા એવી બનાવવામાં આવેલ કોઈ વસ્તુનું વેચાણ કરવું, વેચાણ માટે પ્રસ્તુત કરવી અથવા પ્રદર્શિત કરવી: કલમ. 273 મુજબ ગુનો બને છે.
આ અગાઉની કલમમાં ખાદ્ય અથવા પેથ પદાર્થોમાં ભેળસેળ કરવાનું શિક્ષાને પાત્ર ઠરાવ્યું છે. જ્યારે આ કલમ દ્વારા એવી ભેળસેળ કરેલી વસ્તુઓના વેચાણને માટે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. દા. ત., જંતુઓ પેદા થયાં હોય એવી તાડીનું વેચાણ કરવું. પણ હાનિકારક ન હોય છતાં હલકી કક્ષાનો ખોરાક સસ્તો વેચવાનું કાર્ય ગુનો થતું નથી.
આ કલમ અનુસાર હાનિકારક ખાદ્ય અને પેય પદાર્થોમાં ( નહિ કે માત્ર હાનિકારક પદાર્થો)નું વેચાણ શિક્ષાને પાત્ર છે. દા. ત., અનાજના એક ખાડાના માલિકે, તે ઉપાડયા વિના અને તે અનાજ સારું છે કે ખરાબ એમ જાણ્યા સિવાય સીધેસીધું તેનું વેચાણ કર્યું હતું. તે ઉઘાડતાં મોટા ભાગનો અનાજ જથ્થો મનુષ્યના ઉપયોગમાં લઈ શકાય નહિ એવો માલૂમ પડયો હતો. તે કિસ્સામાં ઠરાવવામાં આવ્યું હતું કે વેચનારને આ કલમ અનુસાર ગુનેગાર ઠરાવી શકાય નહિ. તેવી જ રીતે,
નરૂમલ (6 Bom. L. R. 520)-ના મુંબઈના એક મુકદ્દમામાં કચરો, લાકડા, દીવાસળી અને કોલાસાના કકડાઓ જેવી વસ્તુઓના મિશ્રણવાળા ઘઉંના વેચાણથી કોઈ ગુનો થતો નથી એમ નક્કી કરવામાં આવ્યું હતું તથા આરોપીએ કોઈ અપરાધ કર્યો નથી એમ જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે ઘઉમાંથી એવી બધી બહારની વસ્તુઓ છૂટી પાડી શકાય તેમ હતું. પણ જંતુઓ પેદા થયાં હોય એવી તાડીનું વેચાણ કરવાનું કાર્ય શિક્ષાને પાત્ર છે. એટલે કે, હાનિકારક હોય એવી વસ્તુઓ ખોરાક તરીકે ખાવા અથવા પીવા માટે વેચવી એ ગુનો છે.
- દવાઓ(ઔષધો)માં ભેળસેળ (Adulteration of Drugs) (કલમ. 274 થી 276)
આ વિભાગમાં ત્રણ અપરાધોનો સમાવેશ થાય છે, જેમ કે-
- ઔષધમાં એવી રીતે ભેગ કરવો કે જેથી ગુણવત્તા ઓછી થાય, તેની અસર બદલાય અથવા તે હાનિકારક બને : ક. 274.
- તેમાં ભેળસેળ થયેલ છે એવું જાણીને કોઈ ઔષધ વેચવું અથવા ઓસડ તરીકે તેનો ઉપયોગ થવા દેવો : કલમ. 275.
- ઔષધ અથવા તેની બનાવટ ખરેખર તે હોય તે કરતાં એ જૂદું ઔષધ અગર બનાવટ હોય એ રીતે વેચવું અથવા વેચાણ માટે પ્રસ્તુત કરવું અગર તેનો દવા તરીકે ઉપયોગ કરવાના હેતુથી કોઈ દવાખાનામાંથી આપવું કલમ. 276.
- પાણી મલિન કરવું અને વાતાવરણ દૂષિત કરવું (Fouling Water and Vitiating Atmosphere) (કલમ. 277-278)
કોઈ સાર્વજનિક જળાશય અથવા ઝરાનું પાણી સ્વેચ્છાપૂર્વક મલિન અથવા ગંદુ કરવું, કે જેથી સાધારણ રીતે તેનો જે ઉપયોગ થતો હોય તે માટે અયોગ્ય બને : ક. 277.
મુખ્ય તત્ત્વો :
સાર્વજનિક જળાશય અથવા ઝરાનું પાણી મલિન કરવાનો ગુનો સાબિત કરવા માટે નીચે પ્રમાણેનો પુરાવો રજૂ કરવાનું જરૂરી છે કે-
(1) તે ઝરો અથવા જળાશય સાર્વજનિક હતું;
(2) આરોપીએ તે પાણી મલિન કર્યું હતું અથવા ગંદુ કર્યું હતું;
(3) તેણે એ કાર્ય સ્વેચ્છા થી કર્યુ હતું અને
(4) આમ કરવાથી પ્રથમ જે ઉપયોગ થતો હોય તે માટે તે અયોગ્ય બન્યું હતું.
આ સિવાય જાહેર સ્વાસ્થ્યને અનિકારક થાય એવી રીતે સ્વેચ્છાથી વાતાવરણને દુષિત કરવું કલમ 278 મુજબ ગુનો બને છે.
મુખ્ય તત્વો :
કોઈ વ્યક્તિને વાતાવરણને દષિત કરવાના અપરાધ માટે ગુનેગાર ઠરાવવા માટે નીચે પ્રમાણેની સ્કીકત કરવી જરૂરી છે કે-
(1) તેણે વાતાવરણને દૂષિત કર્યું હતું.
(2) તેણે આ કાર્ય સ્વેચ્છાથી કર્યું હતું.
(3) દૂષિત કરવાનું એવું કાર્ય તેના સ્વરૂપથી કરીને સ્વાસ્થ્યને હાનિકારક હતું,
(4) અને તેથી તે સ્થળ ની પાડોશ માં રહેતી હતી અથવા ધંધો કરતી હતી અથવા જાહેર રસ્તા ઉપર થઈને પસાર થતી વ્યક્તિઓના સ્વાસ્થ્યને હાનિ થાય એમ હતી.
conclusion
ભારતીય ફોજદારી ધારા ની કલમ પ્રમાણે આપણે ઉપર જાણ્યું તે રીતે વિવિધ પ્રકાર ના જાહેર સ્વાથ્ય ને લગતા ગુનાઓ બની શકે છે. આ સિવાય બીજા અન્ય પ્રકાર ના કાયદા ની કલમ વિષે જાણવા માટે આ લિંક પાર વિગત વાર માહિતી મેળવી શકો છો.