05/02/2024

પ્રકરણ-9 : પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારા હેઠળ ફંડ, હિસાબ અને ઓડિટ

પાણી [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, 1974 હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ અંગેની જોગવાઈઓ 
મંડળનું ફંડ, હિસાબ અને ઓડિટ [પાણી ધારા હેઠળ].


કેન્દ્રીય મંડળનું ફંડ

(1) કેન્દ્રીય મંડળને પોતાનું ફંડ રહેશે અને કેન્દ્ર સરકાર તેને વખતોવખત ચૂકવે તેવી તમામ રકમો અને તે મંડળની (બક્ષિસો, ગ્રાન્ટો, દાનો, સખાવતો, ફી તરીકે અથવા અન્યથા મળેલ) બીજી તમામ આવકો મંડળના ફંડમાં જમા કરવામાં આવશે અને મંડળે કરવાની તમામ ચુકવણીઓ તેમાંથી કરવાની રહેશે.

(2) કેન્દ્રીય મંડળ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે અને જ્યાં હવાના પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડા સંબંધમાં તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં કેન્દ્રીય મંડળે તે કાયદા હેઠળ પોતાનાં કાર્યો કરવા માટે પણ પોતાને યોગ્ય લાગે તેટલી રકમો ખર્ચી શકશે અને એવી રકમો મંડળના ફંડમાંથી ચૂકવવાના ખર્ચ તરીકે ગણવી જોઈએ.

કેન્દ્રીય મંડળને કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે પોતાનું કેન્દ્રીય મંડળનું ફંડ અંગેની જોગવાઈ આ કલમમાં કરવામાં આવેલ છે. આ ફંડમાં મંડળને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષોવર્ષ મળતી રકમ તેમજ મળતી અન્ય બક્ષિસો, ગ્રાન્ટો, દાનો, સખાવતો તેમજ ફી તરીકે અથવા અન્ય રીતે મળેલ રકમોનો સમાવેશ થાય છે.

રાજ્યમંડળનું ફંડ

(1) રાજ્યમંડળને પોતાનું ફંડ રહેશે અને રાજ્ય સરકાર તેને વખતોવખત ચૂકવે તેવી તમામ રકમો તે મંડળની (બક્ષિસો, ગ્રાન્ટો, દાનો, સખાવતો, ફી તરીકે અથવા અન્યથા મળેલ) બીજી તમામ આવકો મંડળના ફંડમાં જમા કરવામાં આવશે અને મંડળે કરવાની તમામ ચુકવણીઓ તેમાંથી કરવાની રહેશે.

(2) રાજ્યમંડળ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે અને યાં હવાના પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ અથવા ઘટાડા સંબંધમાં તે સમયે અમલમાં હોય તેવા કાયદામાં રાજ્યમંડળે તે કાયદા હેઠળ કોઈ કાર્ય કરવાની જોગવાઈ કરવામાં આવી હોય, ત્યાં તે કાયદા હેઠળ પોતાનાં કાર્યો કરવા માટે પણ પોતાને યોગ્ય લાગે તેટલી રકમો ખર્ચી શકશે અને એવી રકમો તે મંડળના ફંડમાંથી ચૂકવવાના ખર્ચ તરીકે ગણવી જોઈએ.

રાજ્યમંડળને આ કાયદા હેઠળનાં તેના કાર્યો કરવા માટે જોઈતાં નાણાં માટે રાજ્યમંડળને રાજ્ય સરકાર દ્વારા વર્ષોવર્ષ મળતાં નાણાં તેમજ રાજ્યમંડળની અન્ય આવક આ ફંડમાં જમા થાય છે.

આ કાયદાની જોગવાઈ મુજબના કેન્દ્રીય મંડળ અને રાજ્યમંડળને કરવાનાં કાર્યો માટે પૂરતા નાણાં મળી રહે તે માટે વોટર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઑફ પોલ્યુઝન) રી સેસ એક્ટ, 1977 ઘડવામાં આવેલ છે. જેની જોગવાઈઓ મુજબ વિવિધ સંસ્થાઓ તેમજ ઉદ્યોગો પાસેથી જળ ઉપકર ઉઘરાવાય છે. આ રીતે આવતાં નાણાં મંડળના ફંડમાં જમા થાય છે. આ જળ ઉપકર સામે ઘણી સંસ્થા તેમજ ઉદ્યોગો અદાલતમાં ગયા છે. જેમાં કેસની વિગતો જોતાં અદાલતે અલગ અલગ ચુકાદા આપ્યા છે.

મંડળની નાણાં ઉછીનાં લેવાની સત્તા

મંડળ કેન્દ્ર સરકાર અથવા પ્રસંગ પ્રમાણે રાજ્ય સરકારની સંમતિથી અથવા તેને પોતાને આપેલ કોઈ પણ સામાન્ય અથવા ખાસ અધિકારની શરતો મુજબ, આ કાયદા હેઠળ પોતાનાં તમામ અથવા કોઈ પણ કાર્યો અદા કરવા માટે. લોન તરીકે કોઈ પણ સાધનોમાંથી નાણાં ઉછીનાં લઈ શકશે અથવા બોન્ડ. ડિબેન્ચર અથવા પોતાને યોગ્ય લાગે તેવા બીજા કોઈ દસ્તાવેજ કાઢી શકશે.

મંડળને પોતાનાં કાર્યો બજાવવા માટે નાણાંની જરૂર પડે અને તેના ફંડમાં ન હોય તો ઉછીનાં લેવાની સત્તા ધરાવે છે. આ રીતે મંડળ કલમ 37Aની જોગવાઈને આધીન રહીને નાણાં ઉછીનાં લઈ શકે છે. (1) અંદાજપત્ર : આ કાયદાની કલમ 38 મુજબ કેન્દ્રીય મંડળ તેમજ રાજ્યમંડળ દરેક નાણાકીય વર્ષ દરમિયાન નિર્દિષ્ટ નમૂનામાં અને નિર્દિષ્ટ સમયમાં આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર તૈયાર

કરી જે તે સરકારને આપવાનું રહે છે. (2) વાર્ષિક અહેવાલ : આ કાયદાની કલમ 39 મુજબ મંડળે પોતાની પ્રવૃત્તિનો અહેવાલ તૈયાર કરી નિર્દિષ્ટ સમયમાં જે તે સરકારને મોકલવાનો હોય છે અને સરકારે તે અહેવાલ સંસદ સમક્ષ અથવા તો યથાપ્રસંગ વિધાનસભા સમક્ષ નિર્ધારિત સમયમાં રજૂ કરવાનો રહે છે.

(3) હિસાબ અને ઓડિટ : કલમ 40ની જોગવાઈ મુજબ મંડળે પોતાના હિસાબના તમામ રેકર્ડ રાખવા જોઈશે. તેમજ આ હિસાબો ઓડિટ કરાવવાના રહેશે અને આ ઓડિટ અહેવાલ કેન્દ્ર સરકાર તથા યથાપ્રસંગ રાજ્ય સરકારને મોકલવાનો રહેશે. કેન્દ્ર સરકારે તે તેને મળ્યા પછી બનતી ત્વરાએ રાજ્યવિધાનસભા સમક્ષ મૂકવાના રહેશે.