આ પ્રકરણ હેઠળના ગુનાઓના ત્રણ પેટાવિભાગ પાડવામાં આવ્યા છે
1. લશ્કર નૌકાદળ અને હવાઈદળના માણસોએ કરેલા ગુનામાં મદદગારી : કલમ. 131 થી 135 અને 138.
2. લશ્કરમાંથી નાસી જનારાઓને આશ્રય આપવો : કલમ.136 થી 137.
૩. લશ્કરી વ્યક્તિનો પોશાક પહેરવો : ક. 140. સૈનિક દ્વારા કરવામાં આવેલ ગુનામાં મદદગારી (ક. 131 થી 136 અને 138) :
1. મદદગારી :
કલમ. 131 થી 135 અને 138 અનુસાર ખુશકી, નૌકાદળ અને હવાઈદળના સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગુનાઓ માટે આ ધારાને આધીન વ્યક્તિઓ વડે કરવામાં આવેલ મદદગારીને શિક્ષાને પાત્ર બનાવેલ છે. લશ્કરને લશ્કરી કાયદા જેવા કે આર્મી એક્ટ, એર ફોર્સ એક્ટ વગેરે લાગુ પડે છે. આવા કાયદાઓ ઘણા જ કડક છે, અને લશ્કરના માણસોએ કરેલ ગુનાઓ માટે આ કાયદાઓ અનુસાર તેમને શિક્ષા કરવામાં આવે છે ફોજદારી ધારો તેમના સંબંધમાં લાગું પડતો નથી; પરંતુ સામાન્ય નાગરિકને લશ્કરી કાયદા હેઠળ મૂકી શકાય નહીં. આથી લશ્કરના માણસોએ કરેલા ગુનામાં નાગરિકો દ્વારા કરવામાં આવેલ મદદગારીના કૃત્યને આ ધારા મુજબ શિક્ષા પાત્ર ઠરાવ્યું છે. આ ઉપરથી સમજી શકાશે કે જે વ્યક્તિ પોતે લશ્કરી કાયદાઓને આધીન વ્યક્તિઓને તેમની શિસ્તનો ભંગ કરવા ઉશ્કેરે અથવા મદદ કરે તે શિક્ષાને પાત્ર બને છે. વળી, સૈનિકને તેના ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરવા પ્રેરનાર વ્યક્તિ ધાડપાડુ, ઠગ, આગ લગાડનાર, ભાગી જનાર અથવા ઉઠાઉગીર વ્યક્તિઓના કરતાં વધુ કડક શિક્ષાને પાત્ર છે. તેથી લશ્કરી ગુનાઓમાં મદદગારી કરનાર વ્યકતિઓને શિક્ષા કરવાની જોગવાઈ આ ધારામાં કરવામાં આવી છે. નીચે જણાવેલા છ પ્રકારના ગુનાઓ એવી મદદગારીને લગતા છે:
(1) બંડ કરવામાં કોઈ અધિકારી સૈનિક, નાવિક અથવા હવાઈદળના સૈનિકને તેની વફાદારીની ફરજમાંથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં મદદગારી કરવી : ક.131.
(2) બળવો કરવામાં મદદ કરવી -જો તેને પરિણામે બળવો થાય તો : ક. 132.
(૩) સૈનિક, નાવિક અથવા હવાઈદળના સૈનિકને તેના ઉપરી અધિકારી ઉપર, જ્યારે તેની ફરજ બજાવતાં હોય તે દરમિયાન હુમલો કરવામાં મદદગારી કરવી : ક. 133.
(4) એવો હુમલો કરવા મદદગારી કરવામાં અને પરિણામે જો હુમલો થાય તો : ક. 134
(5) કોઈ સૈનિક, નાવિક અગર હવાઈદળના સૈનિકને (ફરજ પરથી) નાસી જવામાં મદદગારી કરવી : ક. 135
(6) કોઈ સૈનિક, નાવિક અગર હવાઈદળના સૈનિકને (ઉપરી અધિકારીની) સત્તાનો અનાદર કરવામાં મદદગારી કરવી-જો એવી મદદગારીના પરિણામે મદદગારી કરવામાં આવેલ હોય તે કૃત્ય થયું હોય તો : ક. 138.
2. લશ્કરમાંથી નાસી જનારને આશ્રય આપવો (HARBOURING DESERTERS) (ક. 136 થી 137] :
(1) લશ્કરમાંથી ભાગી જનારને, જાણીને આશ્રય આપવો : ક.136, પરંતુ આ કલમ પોતાના પતિને આશ્રય આપનાર પત્નીની બાબતમાં લાગુ પડતી નથી : 136.
(2) લશ્કર, નૌકાદળ અથવા હવાઈદળમાંથી ભાગી ગયેલ વ્યક્તિને કોઈ વેપારી વહાણમાં છુપાવી દેવા માટે તેનો કપ્તાન, પોતે આવા છુપાવી દેવા માટે અજ્ઞાત હોય છતાં જવાબદાર છે : ક. 137
3. સૈનિક, નાવિક, વગેરેનો પોશાક ધારણ કરવો (WEARING GARB OF SOLDIER ETC.) [5. 140]
પહેરવેશ પહેરનાર વ્યક્તિ, પોતે સૈનિક, નાવિક અથવા 'હવાઈદળનો સૈનિક છે અને એમ માનવામાં આવે તે ઇરાદાથી સૈનિક, નાવિક અથવા હવાઈદળનો માણસ પહેરે છે એવાં કપડાં પહેરવાં, અથવા એવું ચિહ્ન વાપરવું કલમ. 140
વિસ્તાર :
કલમ. 140માં દર્શાવેલ ગુનાનું ખરું હાર્દ આરોપીના ઇરાદામાં રહેલું છે. કોઈ ચોક્કસ ઇરાદા સિવાય કેવળ સૈનિકના કપડાં પહેરવાથી આ ગુનો થતો નથી. જેમ કે લશ્કરી ગણવેશ પહેરીને 'અ' એક દુકાને જાય છે. જોકે તે લશ્કરી નોકરીમાં નથી, છતાં ઉધાર માલ ખરીદે છે. 'અ' કયો ગુનો કરે છે ? જો 'અ' એ તેણે પહેરેલ લશ્કરી ગણવેશના કારણે દુકાનદારને ઉધાર માલ આપવા પ્રેર્યો હોય, તો ક. 140માં જણાવ્યા મુજબના ગુનાને પાત્ર છે; પરંતુ જો તે ઇરાદો ધરાવતો ન હોય અને ઇરાદા સિવાય માત્ર લશ્કરી પોશાક પહેર્યો હોય, તો તેણે કોઈ ગુનો કર્યો નથી. દા. ત., અભિનેતાઓ અભિનય કરતી વખતે સૌનિકનો પોશાક પહેરે ત્યારે.