14/02/2024

નાણાં, મિલકત અને સંચિત નિધિ

સંઘ અને રાજયો વચ્ચે નાણાકીય સત્તાઓની વહેંચણીને લગતી આપણા બંધારણમાં કરવામાં આવેલ યોજના 
અને નાણાકીય સાધનોની વહેંચણી સંબંધમાં વિગતવાર ચર્ચા કરીયે.

કર નાખવાની સત્તા


બંધારણ અનુચ્છેદ 265 જણાવે છે કે કાયદાની સત્તા સિવાય કોઈ કર નાખી શકાય નહીં કે વસૂલ લઈ શકાય નહીં. એટલે કે કોઈપણ કર બંધારણની જોગવાઈઓ અનુસાર કાયદેસર હોવો જોઈએ. એટલે કે —

1. કરની જોગવાઈ કરતો કાયદો વિધાનમંડળની વૈધાનિક સક્ષમતા અનુસાર ઘડવામાં આવેલ હોવો જોઈએ. એટલે કે પરિશિષ્ટની કોઈપણ નોંધમાં તેનો સમાવેશ થયેલ હોવો જોઈએ.

2. તે કાયદો બંધારણની કોઈ જોગવાઈ હેઠળ પ્રતિબંધિત હોવો જોઈએ નહીં.

3. આવો કાયદો બંધારણની જોગવાઈ વિરુદ્ધ હોવો જોઈએ નહીં.

કર નાખવાની સત્તા ઘણી મહત્ત્વની સત્તા છે. કર વિષયક સિદ્ધાંતી નીચે મુજબ તારવી શકાય.

1. સક્ષમ વિધાનમંડળ તરફથી જ કર નંખાયેલ હોવો જોઈએ.

2. કર વિષયક કાયદો ભ્રામક અથવા બંધારણ પરના કપટ સમાન હોવો જોઈએ નહીં.

3. કાયદાની સત્તા સિવાય કર નાખી શકાય નહીં કે વસૂલ લઈ શકાય નહીં.

4. પશ્ચાદવર્તી અસરથી કર નાખી શકાય છે.

5. કર નાખવાની સત્તા વૈધાનિક સત્તા (Legislative power) છે.

6. કઈ કઈ બાબતો પર કર નાંખવો તે જયારે કાયદામાં સ્પષ્ટપણે જણાવાયેલ હોય ત્યારે તે સિવાયની બાબતોનો નિયમો હેઠળની યાદીમાં સમાવેશ કરી શકાય નહીં.

સંઘ અને રાજ્યો વચ્ચે આવકની વહેંચણી


સંઘ દ્વારા નખાયેલ પરંતુ રાજ્યો દ્વારા વસૂલ લેવાતી અને વિનિયોગ કરાતી જકાતો

સંઘ યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ સ્ટેમ્પ જકાત ભારત સરકાર નાખશે, પરંતુ તેની વસૂલાત,

(એ) સંઘ પ્રદેશમાં ભારત સરકાર કરશે, અને

(બી) રાજ્યોમાં રાજ્ય કરશે.

કોઈ રાજ્યમાં નાખવાપાત્ર આવી કોઈ જકાતની કોઈ નાણાકીય વર્ષમાં ઊપજ ભારતના સંચિત નિધિનો ભાગ બનશે નહીં, પરંતુ તે રાજ્યને સોંપી દેવામાં આવશે.

સંઘ દ્વારા નખાયેલ અને વસૂલ કરાતા, પરંતુ રાજ્યોને સોંપાતા કર


ભારત સરકાર દ્વારા માલ વેચાણ, ખરીદી અને માલ સોંપણી પર કર નાખવામાં આવશે અને વસૂલ કરવામાં આવશે અને તે અનુચ્છેદ 269 (2) ની જોગવાઈ મુજબ રાજ્યોને સોંપવામાં આવશે.

આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય દરમ્યાન માલ અને સેવા કરનું ભારણ અને વસૂલાત

આંતરરાજય વેપાર અને વાણિજ્ય ક્રમમાં પુરવઠા પર ભારત સરકાર દ્વારા માલ અને સેવા કર ભારિત અને વસૂલ કરવામાં આવશે અને માલ અને સેવા કર પરિષદની ભલામણો અનુસાર સંસદના કાયદાથી જોગવાઈ કરાયા મુજબ આવા કરની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવા કરની ફાળવણી કરવામાં આવશે.

સંઘ દ્વારા નખાયેલ અને વસૂલ લેવાતા, પરંતુ સંઘ અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવતા કર


અનુચ્છેદો 268, 269 અને 269 (A)માં ઉલ્લેખિત જકાતો અને કરો સિવાય, સંઘ યાદીમાં ઉલ્લેખિત તમામ કરો અને જકાતો, અનુચ્છેદ 271માં ઉલ્લેખિત કરો અને જકાતો પરનો સરચાર્જ અને કાયદાથી નખાયેલ કર, ભારત સરકાર દ્વારા વસૂલ કરવામાં આવશે અને સંઘ અને રાજયો વચ્ચે તેની વહેંચણી કરવામાં આવશે. અનુચ્છેદ 246 (A) અને અનુચ્છેદ 269 (A) હેઠળ ભારિત કરે સંઘ અને રાજયો વચ્ચે ફાળવવામાં આવશે.

રાજ્યોનું હિત હોય તેવા ખરડાઓ માટે રાષ્ટ્રપતિની ભલામણ


નીચે મુજબનો કોઈ ખરડો અથવા કાયદામાં સુધારો રાષ્ટ્રપતિની ભલામણ સિવાય કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય નહીં. એટલે કે જેમાં રાજ્યનું હિત હોય;

(એ) તેવા કરો અથવા જકાત નાખતો અથવા તેમાં ફેરફાર કરતો ખરડો અથવા સુધારો,

(બી) આવકવેરાના હેતુ માટે "ખેતીની આવક" વ્યાખ્યામાં ફેરફાર કરતો ખરડો કે સુધારો,

(સી) સંઘ અને રાજયો વચ્ચે નાણાંની વહેંચણી કરતા સિદ્ધાંતોમાં ફેરફાર કરતો ખરડો કે સુધારો, અથવા

(ડી) સરચાર્જ નાંખતો કોઈ ખરડો અથવા સુધારો.

કેન્દ્ર તરફથી કેટલાંક રાજ્યોને અનુદાન


સંસદ જેને સહાયની જરૂરવાળા ઠરાવે તેવાં રાજ્યોની આવકનાં અનુદાન તરીકે, કાયદાથી સંસદ ઠરાવે તે ૨કમ દર વર્ષે ભારતના સંચિત નિધિ પર ભારિત કરવામાં આવશે અને જુદાં જુદાં રાજયો માટે અલગ અલગ રકમો નક્કી કરી શકાશે. નીચેની રકમ ભારતના સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવશે.

(એ) અનુસૂચિત જાતિઓના કલ્યાણને ઉત્તેજન આપવા માટે, અથવા

(બી) તે રાજ્યના અનુસૂચિત વિસ્તારોના વહીવટના સ્તરમાં સુધારો કરી તેણે તે રાજ્યના બાકીના વિસ્તારોમાં વહીવટના સ્તરે લઈ જવાના હેતુ માટે,

(સી) ભારત સરકારની મંજૂરીથી કોઈ રાજય તરફથી હાથ ધરવામાં આવે તેવી વિકાસ યોજનાના ખર્ચને પહોંચી વળવા માટે.

ભારતનો સંચિત નિધિ (Consolidated Fund of India)


અનુચ્છેદ 266માં આ સંબંધમાં જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ મુજબ, ભારત સરકારને

(એ) મળેલ તમામ આવક,

(બી) તિજોરી બીલોથી ઊભી થયેલ તમામ લોનો,

(સી) અન્ય લોનો, અથવા

(ડી) પેશગીઓ, અથવા

(ઈ) લોન ભરપાઈ થતાં મળેલ તમામ નાણાં

મળીને, "ભારતનો સંચિત નિધિ" બનશે. આ જ પ્રકારે “રાજય સંચિત નિધિ"ની રચનાની પણ જોગવાઈ
કરવામાં આવેલ છે. ભારત સરકાર અથવા રાજય સરકારે અથવા તેમના વતી મેળવવામાં આવેલ તમામ જાહેર નાણાં ભારતના જાહેર હિસાબમાં અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર હિસાબમાં જમા કરાવવામાં આવશે.


કાયદા અનુસાર અને આ બંધારણમાં નિર્દિષ્ટ કરાયેલ હેતુ માટે અને તે રીતે હોય તે સિવાય, ભારતના સંચિત નિધિમાંથી અથવા રાજ્યના સંચિત નિધિમાંથી નાણાંનો વિનિયોગ કરી શકાશે નહીં.

ભારતના સંચિત નિધિ અને ભારતના આકસ્મિક નિધિનો હવાલો, આવી નિધિઓમાં પૈસાની ચુકવણી, તેમાંથી પૈસાનો ઉપાડ, ભારત સરકારને પ્રાપ્ત થયેલ જાહેર નાણાંનો હવાલો, ભારતના જાહેર હિસાબમાં તેની
 ચુકવણી અને તે હિસાબમાંથી પૈસાનો ઉપાડ, અને તેને સંલગ્ન તમામ બાબતોનું નિયમન સંસદના કાયદાથી કરવામાં આવશે. સંસદ કાયદો ઘડે નહીં ત્યાં સુધી, રાષ્ટ્રપતિએ ઘડેલ નિયમોથી તેનું નિયમન કરવામાં આવશે. 

ભારતનો આકસ્મિક નિધિ (Contingency Fund of India)


આ સંબંધમાં અનુચ્છેદ 267માં જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ હેઠળ સંસદના કાયદાથી "ભારતના આકસ્મિક નિધિ"ની રચનાની જોગવાઈ કરાયેલ છે. તેમાં આવા કાયદાથી નક્કી કરાયેલ રકમ વખતોવખત જમા કરાવવામાં આવે છે. અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે અનુચ્છેદ 115 અને અનુચ્છેદ 116 હેઠળ સંસદ કાયદાથી અધિકૃત કરે નહીં ત્યાં સુધી તે નિધિમાંથી પોતે પેશગીઓ આપી શકે તે માટે રાષ્ટ્રપતિ હસ્તક મૂકવામાં આવશે.

રાજ્ય વિધાનમંડળ કાયદાથી "રાજય આકસ્મિક નિધિ"ની રચના કરી શકે. તેમાં આવા કાયદાથી નક્કી કરવામાં આવે તે રકમ વખતોવખત જમા કરાવવામાં આવશે અને અણધાર્યા ખર્ચને પહોંચી વળવાના હેતુ માટે, અનુચ્છેદ 205 અથવા અનુચ્છેદ 206 હેઠળ, રાજ્ય વિધાનમંડળ કાયદાથી આ ખર્ચને અધિકૃત કરે નહીં ત્યાં સુધી, તે નિધિમાંથી પોતે પેશગીઓ આપી શકે તે માટે તે રાજ્યના રાજયપાલ હસ્તક મૂકી શકે.

રાજય સંચિત નિધિ અથવા રાજય આકસ્મિક નિધિનો હવાલો, તે નિષિઓમાં પૈસાની ચુકવણી, તેમાંથી પૈસાનો ઉપાડ, જાહેર નાણાંનો હવાલો, ભારતના જાહેર હિસાબમાં તેની ચુકવણી અને તે હિસાબમાંથી નાણાંનો ઉપાડ અને તેને સંલગ્ન બાબતોનું નિયમન સંસદે ઘડેલ કાયદાથી કરવામાં આવશે અને સંસદ કાયદો ઘડે નહીં ત્યાં સુધી, તે રાજ્યના રાજયપાલે ઘડેલા નિયમોથી તેનું નિયમન કરવામાં આવશે.

ભારતનું નાણાં પંચ


આ સંબંધમાં અનુચ્છેદ 280માં જોગવાઈ કરાયેલ છે. આ જોગવાઈ મુજબ, બંધારણના પ્રારંભથી બે વર્ષમાં અને ત્યારબાદ દર પાંચ વર્ષના અંતે અથવા તે અગાઉં, રાષ્ટ્રપતિને જરૂરી જણાય ત્યારે હુકમ કરીને, એક નાણાં પંચની રચના કરશે, આવું નાણાં પંચ અધ્યક્ષ ઉપરાંત ચાર સભ્યોનું બનેલ હશે.


લાયકાત અને પસંદગી ધોરણ


સંસદ કાયદાથી આ પંચના સભ્ય તરીકે નિમણૂક થવા માટે જરૂરી લાયકાત અને તેમને પસંદ કરવાની રીત નિયત કરી શકે.

ફરજો


પંચની નીચેની બાબતોમાં રાષ્ટ્રપતિને ભલામણો કરવાની ફરજ રહેશે :

(એ) સંઘ અને રાજયો વચ્ચે વહેંચવામાં અથવા વહેંચી શકાય તેવા કરની ચોખ્ખી ઊપજની તેમની વચ્ચે વહેંચણી કરવા અને રાજ્યો વચ્ચે આવી આવકના તેમના દરેક ભાગની ફાળવણી,

(બી) ભારતના સંચિત નિધિમાંથી રાજયની આવકને અનુદાન આપવામાં નિયમન કરવાના સિદ્ધાંતો, 

(સી) રાજયના નાણાં પંચે કરેલ ભલામણના આધારે રાજયમાં સંચિત નિધિમાં વધારો કરવા માટે અને રાજ્યમાં પંચાયતોના સંસાધનો પૂરક બનવા માટે જરૂરી પગલાંઓ,

(ડી) રાજયના નાણાં પંચે કરેલ ભલામણના આધારે રાજ્યમાં સંચિત નિધિમાં વધારો કરવા માટે અને રાજ્યમાં શહેર સુધરાઈનાં સંસાધનો પૂરક બનવા માટે જરૂરી પગલાંઓ.

રાષ્ટ્રપતિ, નાણાં પંચે કરેલ ભલામણો, તેના પર લેવાયેલ પગલાં વિશેની સમજૂતી નોંધ સાથે, સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરાવશે.