ભારતનું બંધારણ
Law Sahitya
બંધારણનાં લક્ષણો
Silent Features of the Constitution
- બંધારણનું કદ
જગતમાં બીજા દેશોની સરખામણીએ આપણા બંધારણને સૌથી વધુ લાંબા અને વિસ્તૃત બંધારણીય દસ્તાવેજ હોવાનું માન મળે છે. બંધારણની શરૂઆતમાં એકંદરે 295 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ હતી, પણ હાલમાં તેમાં કુલ 383 અનુચ્છેદો અને 9 અનુસૂચિઓનો સમાવેશ થાય છે.
- બંધારણનું સ્વરૂપ
બંધારણ તેના સ્વરૂપ પ્રત્યે સમવાયી છે અને સંઘ તથા તેના એકમો વચ્ચે સત્તાઓના વિભાજન અંગે જોગવાઈ કરે છે. અલબત્ત, એમાંની કેટલીક જોગવાઈઓ એકતંત્રલક્ષી છે.
- બંધારણમાં સુધારો અથવા બંધારણમાં પરિવર્તન
જો કે ભારતનું બંધારણ તેના સ્વરૂપમાં સમવાયી છે, તેમ છતાં બીજાં સમવાયી લેખિત બંધારણોની સરખામણીએ ઘણું જ પરિવર્તનશીલ (Flexible) બંધારણ છે. તેની ઘણી ખરી જોગવાઈઓ અંગે સંસદ (Parliament) પાર કરી શકે છે. માત્ર અમુક જ બાબતોમાં રાજ્યોનું અનુમોદન મેળવવાનું આવશયક છે. છતાં 1967 માં સર્વોચ્ય અદાલત ગોલકનાથ કેસ [A.l.R. (1967) S.C. 1943] માં આપેલા ચુકાદા અનુસાર સંસદના મૂળભૂત અધિકારો માં ઘટાડો થાય એ રીતે બંધારણમાં સુધારો કરી ન શકે, પરંતુ સંસદે હવે 1971ના બંધારણ (ચોવીસમો સુધારો) અધીનિયમથી એ સત્તા મેળવી લીધી છે. વળી, સર્વોચ્ચ અદાલતે 13 ન્યાયાધીશોની બનેલી ખાસ બંધારણીય બેઠકથી કેશવાનંદ ભારતી વિ. કેરાલા રાજ્ય (A.1.R.. (1973) S.C.1461)માં ઉપર્યુક્ત ગોલકનાથનો નિર્ણય પલટાવી નાખ્યો છે.
- સર્વોપરિતા
દેશના મૂળભૂત કાયદાની અર્થાત બંધારણની સર્વોપરિતાનો ખ્યાલ અમેરિકન બંધારણની ઊપજ છે. એ. સિદ્ધાંત પ્રમાણે ધારાગૃહ બંધારણનું સર્જન હોઈ એ પોતાની મર્યાદા વટાવી બંધારણની ઉપરવટ જઈ શકે નહિ. આમ, સર્વોપરિતા ધારાગૃહની નહિ પણ બંધારણની છે. એથી વિપરીત સિદ્ધાંત ઇંગ્લેન્ડના વણલખ્યા બંધારણીય કાયદાનો છે. ઈંગ્લેન્ડમાં સંસદ સર્વોપરી છે અને એ મનફાવે એ રીતે કાયદાઓ ઘડી શકે છે. આપણા ભારતીય બંધારણની સુપરિવર્તનશીલ (Flexibility) દ્વારા સંસદ સર્વોપરિતા અને બંધારણની સર્વોપરિતાના સિદ્ધાંતો વચ્ચે એક અનોખો સમન્વય સાપવાનો પ્રયાસ થયો છે.
- મૂળભૂત હક્કો
મૂળભૂત હક્કો એટલે કે વ્યક્તિના વિકાસ માટે જરૂરી સ્વાતંત્ર્યની ખાતરી એ કોઈપણ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. અંગ્રેજ પ્રજા અંગતપણે મૂળભૂત હક્કોની પ્રખર હિમાયતી હોવા છતાં ભારતમાંના અંગ્રેજી અમલ દરમિયાન ભારતીય લોકોને સ્વાતંત્ર્યની ઝાંખી પણ મળી ન હતી. હા, 1935ના હિંદ સરકારના અધિનિયમમાં મિલકતના અધિકારની જોગવાઈ થઈ હતી. પરંતુ એ મૂળભૂત અધિકાર તરીકે તો નહિ જ. વળી, એના આમુખની બાબત અદાલતની મુનસફી ઉપર છોડવામાં આવી હતી. આ લક્ષમાં લેતાં બંધારણના આમુખમાં લોકો માટે સ્વાતંત્ર્યના નિર્માણનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પનું સાકાર સ્વરૂપ એટલે બંધારણના ભાગ 3માં જુદા- જુદા મૂળભૂત હક્કોની જોગવાઈ. લોકશાહી સમાજને જરૂરી એવા તમામ હક્કોનો એમાં સમાવેશ કરવા ઉપરાંત ભારતીય સમાજની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને અસ્પૃશ્યતા નિવારણ વગેરેને પણ મૂળભૂત હક્ક તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયથી લગભગ સાર્વત્રિકપણે સ્વીકારવામાં આવ્યું છે કે રાજયનું કાર્ય માત્ર રક્ષણનું જ નથી, પરંતુ કલ્યાણનું પણ છે. કોઈપણ રાજકીય સમાજ એટલે પોલીસ રાજય એટલું જ નહિ, પરંતુ કલ્યાણ રાજય પણ ખરું. રાજયે ભજવવાના કલ્યાણકારી પાઠનો સિદ્ધાંત આપણી ભારતની લોકશાહીએ પણ સ્વીકાર્યો છે અને ભારતના કલ્યાણ રાજયમાં એકેય આંખમાં એકપણ આંસુનું ટીપું ન રહે એ તો આપણા રાષ્ટ્રપિતા પૂ.ગાંધીજીનું સ્વપ્ન હતું. બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરીને પૂ.ગાંધીજીનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ થયો છે. આ પણ એક રીતે વ્યક્તિઓના હક્કો જ છે. પરંતુ મૂળભૂત હક્કોની માફક એનું અમલ- પાલન કરાવી શકાય નહિ. રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ-પાલનને અદાલતોની હકૂમતમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
- ન્યાયિક પુનરાવલોકન
આપણા બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. વળી, દરેક સપ્તાહ પોતાના બંધારણીય ક્ષેત્રમાં જ રહીને જે કામ કરે તે જોવાની ફરજ પણ અદાલતને સોંપવામાં આવી છે. આમ છતાં, સંસદની સર્વોપરિતાને પણ અવગણવામાં આવી નથી. આ રીતે તો અહીં પણ સંસદની સર્વોપરિતા અને ન્યાયિક પુનરાવલોકનના સિદ્ધાંતો વચ્ચે એક પ્રકારનો સુમેળ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- એક નાગરિકતા
- સ્વતંત્ર અને એક ન્યાયતંત્ર
અમેરિકામાં છે તેમ, સંઘ અને રાજ્યો માટે જુદી ન્યાયતંત્ર વ્યવસ્થાને બદલે આપણા બંધારો સમગ્ર ભારત માટે એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરી છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અન્ય તમામ અદાલતોને માટે બંધનકર્તા બનાવતી અનુચ્છેદ 141 ની જોગવાઈથી ભારતભરમાં કાયદા અને ન્યાયની સૌપાનબંધ, સળંગ અને એકસૂત્રી પદ્ધતિનો પાયો મજબૂત બન્યો છે.
- બિનસંપ્રદાયિકતા
આ ઉપરાંત, બંધારણ દ્વારા કોમી મતદાન મંડળો નાબૂદ કરવામાં આવ્યા છે. બંધારણના ઘડવૈયાઓ ભૂતકાળના અનુભવો ઉપરથી ઘણું શીખ્યા હોવાનું જણાય છે. કોમી ધોરણે મતદાન એ રાષ્ટ્રીય એકતાના હિતમાં બાધક હોવાનું જણાતાં એને નાબૂદ કરવાનું આવશ્યક લેખાયું છે.
- પુખ્ત મતાધિકાર
બંધારણે ધર્મ, શિક્ષણ, આવક વગેરે કે એવા કોઈ કારણસર ભેદભાવ મુક્ત મતાધિકારની જોગવાઈ કરી છે. જો અસ્થિર મગજ કે એવી કોઈ ગેરલાયકાત ન ધરાવતો હોય તો 21 વર્ષ (તાજેતરના સુધારા મુજબ, 18 વર્ષ)ની વય વટાવેલ ભારતના દરેક નાગરિકને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને મત આપવાનો અને તે દ્વારા લોકશાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
- સંસદીય પદ્ધતિની સરકાર
આધુનિક લોકશાહી એટલે પ્રજાના પ્રતિનિધિઓનું શાસન એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. એ અંગેની પદ્ધતિમાં ફેર હોઈ શકે અને એનું જવલંત ઉદાહરણ ઇંગ્લેન્ડ સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર અને અમેરિકન પદ્ધતિની પ્રમુખ પદ્ધતિની લોકશાહી સરકાર પૂરું પાડે છે. પ્રમુખશાહી સરકારમાં પ્રમુખની ચૂંટણી નિશ્ચિત મુદત માટે હોઈ સ્થિર સરકાર રચાય છે. વળી, પ્રમુખ કે તેના સહાયક મંત્રીઓ ધારાગૃહને જવાબદાર ન હોઈ, લાંબી ચર્ચાવિચારણા વગર ઝડપી નિર્ણય લઈ શકે છે. પરંતુ એની સામે ઉતાવળા નિર્ણયો અને સરમુખ્યારશાહીનાં જોખમો રહેલાં છે. તો આ બાજુ સંસદીય પદ્ધતિની સરકારના પ્રધાનમંડળ ધારાગૃહને જવાબદાર હોઈ, જવાબદાર સરકાર રચાય છે. વળી, દરેક નિર્ણય ગંભીર ચર્ચાવિચારણા પછી જ લેવાતો હોય છે, પરંતુ એની સામે ઢીલ તથા સરકારની અસ્થિરતાના જોખમો રહેલાં છે.