આ પ્રકરણમાં આપણે સરકાર સાથે કરાર કરતી વખતે અનુસરવાની જોગવાઈઓ વિશે વિગતવાર ચર્ચા કરીયે.
સરકાર સાથે કરાર કરતી વખતે અનુચચ્છેદ 299ની જોગવાઈઓનું પાલન આજ્ઞાર્થે (mandatory) છે. તેનું બિનપાલન કરાર વ્યર્થ (Vold) બનાવે છે. સરકાર સાથે કરાર કરતી વખતે જો અનુચ્છેદ 299ની જોગવાઈઓનું પાલન કરાયેલ ન હોય, તો કરાર પાલન માટે સરકાર સામે દાવો કરી શકાતો નથી. તેમજ સરકાર પણ તેના પાલન માટે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે નહીં.
સરકાર સાથે કરાર કરતી વખતે પાલન કરવાની શરતો
1. રાષ્ટ્રપતિ અથવા યથાપ્રસંગ, રાજ્યપાલ તરફથી અધિકૃત કરાયેલ વ્યક્તિએ જ કરાર કરેલ હોવો જોઈએ.
2. આવી વ્યક્તિએ, રાષ્ટ્રપતિ અથવા યથાપ્રસંગ, રાજ્યપાલ વતી કરાર કરેલ હોવો જોઈએ.
3. કરાર રાષ્ટ્રપતિ, અથવા યથાપ્રસંગ, રાજયપાલે કરેલ હોવાનું જણાવું જોઈએ.
4. સરકાર સાથેની કરાર હંમેશાં લેખિત જ હોવો જોઈએ. મૌખિક કરાર માન્ય નથી.
અનુચ્છેદ 299 જાહેર નીતિ (Public Policy) પર આધારિત છે. જો કોઈ અધિકારીએ કરારમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વતી સહી કરેલ ન હોય, ત્યારે આવો કરાર સરકારને બંધનકર્તા બનતો નથી. અનુચ્છેદ 299ની જોગવાઈનું પાલન ન થવાના કારણે કરાર વ્યર્થ હોય અને આવા કરાર હેઠળ કોઈ વ્યક્તિએ સરકારને માલ પૂરો પાડેલ હોય કે અન્ય સેવા આપેલ હોય ત્યારે સરકાર, કરારના કાયદાની ક. 70 હેઠળ યોગ્ય વળતર ચૂકવવા બંધાયેલ છે. અનુચ્છેદ 299 (1)ની આજ્ઞાર્થ જોગવાઈઓ એમ સૂચવે છે કે સરકાર અને કોઈ વ્યક્તિ વચ્ચે ગર્ભિત કરાર હોઈ શકે નહીં. કારણ કે જો ગર્ભિત કરારને સ્વીકૃતિ આપવામાં આવે, તો અનુચ્છેદ 299ની જોગવાઈનો કોઈ અર્થ રહેતો નથી. જયારે સરકાર સાથે અનુચ્છેદ 299ની જોગવાઈ અનુસરી કાયદેસર કરાર થયેલ હોય, ત્યારે તેમાં કેટલીક બાબતો ગર્ભિત હોઈ શકે છે. આ જાતની ગર્ભિત બાબતનો બાધ રહેતો નથી. પરંતુ સરકાર સાથેનો લેખિત કરાર અનુચ્છેદ 299ની જોગવાઈ અનુસરીને થયેલ હોય તો જ તે કાયદેસર કરાર છે, અન્યથા તે વ્યર્થ કરાર છે. આવા પ્રસંગે પ્રતિરોધ (Estoppel) કે અનુમોદન (Ratification) નો પ્રશ્ન રહેતો નથી.
સર્વોચ્ય અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે કરારજન્ય બાબત (Contractual matter) સંપૂર્ણપણે ન્યાયિક સમીક્ષા (Judicial review) બહાર હોવાનું કહી શકાય નહીં. ખાસ કરીને જયારે શુદ્ધબુદ્ધિની ગેરહાજરી (Ab- sence of good faith) અથવા દૂરનો હેતુ(Ulterior motive) હોય ત્યારે કરારજન્ય બાબતની પણ ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.
સમન્યાયી પ્રતિરોધનો સિદ્ધાંત (Doctrine of Equitable Estoppel)
આપણે ઉપર જોયું કે અનુચ્છેદ 299(1) ની જોગવાઈનું પાલન ન થયેલ હોય તેવો સરકાર સાથેનો કરાર વ્યર્થ છે અને આવા પ્રસંગે પ્રતિરોધ કે અનુમોદનનો પ્રશ્ન રહેતો નથી. આમ છતાં, આવા સંજોગોમાં સમન્યાયી પ્રતિરોધનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. આ સિદ્ધાંત લાગુ પાડી શકાય તે માટે એમ પુરવાર થવું જોઈએ કે સરકારે આપેલ વચનના આધારે કોઈ વ્યક્તિએ પોતાને નુકસાન થાય તે રીતે પોતાના વર્તનમાં ફેરફાર કરેલ હતો. દા.ત.,
સીટી ઑફ બોમ્બે વિ. સેક્રેટરી ઓફ સ્ટેટના કેસમાં મુંબઈ સરકારે અમુક રસ્તાઓ બાંધવા માટે અમુક બજારો હટાવવા મુંબઈ શહેર સુધરાઈને વિનંતી કરી હતી. તેના જવાબમાં મુંબઈની શહેર સુધરાઈએ સુચિત બજારો બાંધવા માટે જમીન ફાળવવામાં આવે, તો બજારો હટાવવા તૈયારી બતાવી હતી. રાજય સરકારે આ વિનંતી સ્વીકારી મુંબઈ શહેર સુધરાઈને બજારો બાંધવા માટે અમુક જમીન ફાળવી હતી. મુંબઈ શહેર સુધરાઈએ તેના પર બજારોનુ બાંધકામ કર્યું. તેનાં 24 વર્ષો બાદ મુંબઈ સરકારે તે જમીન માગણી કરી. મુંબઈ શહેર સુધરાઈએ જણાવ્યું કે તેમની તરફેણમાં સમન્યાયી પ્રતિરોધ ઉત્પન્ન થયો હતો. તેથી તેમને હવે જમીન પરથી હાંકી કાઢી શકાય નહીં. અદાલતે મુબઈ શહેર સુધરાઈને સમન્યાયી પ્રતિરોધના સિદ્ધાંતનો બચાવ સ્વીકાર્યો હતો અને રાજ્ય સરકાર મુંબઈ શહેર સુધરાઈને કબજામાંથી હાંકી કાઢવા હક્કદાર ન હોવાનું ઠરાવેલ છે.
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
સરકારની કરારજન્ય જવાબદારી (Contractual Liability)
આપણે જોયું કે સરકાર સાથેના કરારમાં અનુચ્છેદ 299(1)ની જોગવાઈઓનું પાલન થવું જ જોઈએ. તેના અભાવે આવો કરાર વ્યર્થ છે. કરાર કાયદેસર હોય ત્યારે તેના પાલન (Performance) નો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે કે કરારના બંને પક્ષકારો પોતાની જવાબદારી સમજી પોતાના પક્ષે કરારનું પાલન કરે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. જ્યારે કોઈ એક પક્ષકાર કરારની શરત મુજબ કરાર પાલન ન કરે ત્યારે કરાર ભંગ થાય છે. કરાર પાલન માટે અથવા કરાર ભંગ બદલ નુકસાની માટે કાનૂની કાર્યવાહી થઈ શકે. અનુચ્છેદ 300 ઠરાવે છે કે કરાર પાલન સંબંધમાં કેન્દ્ર સરકાર સામે ભારત સંઘનાં નામથી દાવો કરી શકાય, તે જ રીતે, કેન્દ્ર સરકાર પણ ભારત સંઘના નામથી દાવો કરી શકે. ભારત સંઘ (Union of India) કાનૂની વ્યક્તિત્વ (Legal personality) ધરાવે છે. તે રીતે, દરેક રાજ્ય પણ કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. કોઈપણ રાજ્ય પોતાનાં નામથી દાવો કરી શકે. તે જ રીતે, કોઈપણ રાજ્ય સામે તે રાજ્યના નામથી દાવો થઈ શકે. જો સરકારે કરાર ભંગ (breach of contract) કરેલ હોય, તો સરકાર પણ સામાન્ય નાગરિક માફક જવાબદાર ઠરે છે.
સરકારને કરાર ભંગ બદલ જવાબદાર ઠરાવવા માટે કરાર લેખિત હોવો જોઈએ અને અધિકૃત અધિકારીની તેમાં સહી હોવી જોઈએ. સરકાર સાથેના કરાર માટે કોઈ ઔપચારિક (Formal) સ્વરૂપ નિયત કરાયું નથી. પત્ર વ્યવહારમાંથી પણ કરાર ઉદભવેલ હોય શકે છે. એક વખત અનુચ્છેદ 299(1)ની જોગવાઈનું પાલન થાય એટલે તે યોગ્ય, કાયદેસર અને પાલન કરવા યોગ્ય કરાર બને છે. બંને પક્ષકારોને આવો કરાર એકસરખી રીતે બંધનકારક છે. એક કેસમાં સરકારે માછી મારવાના અધિકારનું સામા પક્ષકારને વેચાણ કરેલ. સરકારે આ કરારનો ભંગ કર્યો. આ કેસમાં સરકારને કરાર ભંગ બદલ જવાબદાર ઠરાવવામાં આવેલ. જો સરકાર સામે મનાઈહુકમ અપાયેલ હોય અને સરકાર તેનો ભંગ કરે, તો સરકાર સામે તિરસ્કાર બદલ પગલાં લઈ શકાય છે.
અર્ધકરારજન્ય જવાબદારી(Quasi - Contractual Liability)
કરારના કાયદાની ક. 70 માં એવી જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ,
(એ) બીજી કોઈ વ્યક્તિ માટે કાયદેસર રીતે કોઈ કાર્ય કરે અને
(બી) સેવા આપનારનો ઈરાદો મફત સેવા આપવાનો ન હોય, અને
(સી) તે સેવાનો સામા પક્ષકારે ઉપયોગ કરેલ હોય.
-તો સામી વ્યક્તિએ સેવા આપનાર વ્યક્તિને વાજબી વળતર ચૂકવવું જોઈએ, આમ, ચુસ્તપણે કરાર હેઠળ જવાબદારી થતી ન હોય, પરંતુ કરાર જેવા જ સંજોગો ઉત્પન્ન થયા હોય, તેવા સંજોગોમાં અર્ધકરારજન્ય જવાબદારી ઠરાવવામાં આવે છે.
સ્ટેટ ઑફ વેસ્ટ બેંગાલ વિ. બી. કે. મોંડલના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 299 પ્રમાણે કરાર થયેલ ન હોય, તો આવો કરાર સરકારને બંધનકારક નથી. પરંતુ આવા કરારમાં સરકારને કાંઈ લાભ થાય, તો સરકાર સેવા આપનારને વળતર ચૂકવવા બંધાયેલ છે. આ કેસમાં સરકાર સાથે અનુચ્છેદ 299ની જોગવાઈ
મુજબનો કરાર થયેલ ન હતો. છતાં કરાર પ્રમાણે કામ કરવામાં આવેલ હતું અને સરકારને તેનાથી લાભ થયો હતો. આ કરાર કાયદા મુજબ થયેલ ન હોવા છતાં, સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકાર સામે કરારના સામા પક્ષકારને વળતર ચૂકવવા હુકમ કરેલ હતો. કારણ કે કરાર હેઠળ સામા પક્ષકારે સેવાઓ આપી હતી અને સરકારે તે સેવાનો ઉપયોગ કરેલ હતો.
અંગત જવાબદારી
અનુચ્છેદ 299(2) જણાવે છે કે અનુચ્છેદ 299(1) હેઠળ કરવામાં આવેલ કરારો બદલ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ અંગત રીતે જવાબદાર બનતા નથી. કારણ કે કરાર ભારત સરકાર કે પથાપ્રસંગ, રાજ્ય સરકાર વતી અને તે નામથી કરવામાં આવતા હોય છે. તે જ રીતે, અનુચ્છેદ 299(1) હેઠળના કરારો રાષ્ટ્રપતિ કે રાજયપાલના નામથી વ્યક્ત કરાયેલ હોય અને અધિકૃત અધિકારીએ રાષ્ટ્રપતિ કે રાજયપાલના નામથી કરાર કરેલ હોય, ત્યારે આવા પ્રસંગે કરાર કરનાર અધિકારીની પણ કોઈ અંગત જવાબદારી થતી નથી.
પરંતુ, જો કરાર અનુચ્છેદ 299ની જોગવાઈ મુજબનો ન હોય, તો કરાર કરનાર અધિકારી કેટલાક સંજોગોમાં અંગત રીતે જવાબદાર બને છે. એટલે કે જયારે,
(એ) અધિકારીએ પોતે સરકાર વતી કરાર કરેલ હોવાનું જાહેર કરેલ ન હોય, અથવા
(બી) કરાર અનુચ્છેદ 299(1) જોગવાઈ મુજબનો ન હોય,
તો કરાર કરનાર અધિકારી અંગત રીતે જવાબદાર બને છે. રાષ્ટ્રપતિ કે રાજયપાલે આપેલ સત્તાની ઉપરવટ જઈને કરાર કરેલ હોય, તો પણ કરાર કરનાર અધિકારી અંગત રીતે જવાબદાર બને છે. આમ કરાર કરનાર અધિકારી પોતે અંગત રીતે જવાબદાર ન બને તે માટે -
(એ) કરાર રાષ્ટ્રપતિ કે રાજયપાલવતી કરેલ હોવાનું જાહેર થવું જોઈએ, અને
(બી) કરાર અનુચ્છેદ 299(1) જોગવાઈ અનુસરને લેખિત થયેલ હોવો જોઈએ.
-ઉપરના સંજોગોમાં કરાર કરનાર અધિકારીની અંગત જવાબદારી થતી નથી.
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
સરકારની અપકૃત્યજન્ય જવાબદારી
અનુચ્છેદ 299માં જે રીતે કરાર કરવા સંબંધમાં સ્પષ્ટ જોગવાઈ કરાયેલ છે તે રીતની કોઈ સ્પષ્ટ જોગવાઈ અપકૃત્યજન્ય જવાબદારી સંબંધમાં બંધારણમાં થયેલ નથી. અનુચ્છેદ 300ની જોગવાઈનું વિશ્લેષણ કરતાં રાજ્યની અપકૃત્યજન્ય જવાબદારી થતી હોવાનું ગર્ભિત માની શકાય છે. અનુચ્છેદ 300માં એમ જોગવાઈ છે કે જે બાબતો માટે બંધારણના પ્રારંભ અગાઉ ભારતીય રાજ્યો કેન્દ્ર સરકાર અને પ્રાંતીય સરકાર સામે દાવાઓ થઈ શકતા હતા તેવાં જ કારણોસર, બંધારણ અમલમાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે દાવાઓ થઈ શકે છે. અનુચ્છેદ 300(1)માં “Out of any contract or otherwise” શબ્દોમાં અપકૃત્ય હેઠળની સરકારની જવાબદારીનો સમાવેશ થાય છે.
સ્ટીમ નેવીગેશન કેસમાં રાજ્યને તેના નોકરની ઉપેક્ષા બદલ જવાબદાર ઠરાવવામાં આવેલ છે, એટલે કે રાજ્યની અપકૃત્યજન્ય જવાબદારી નિશ્ચિત કરવામાં આવી હતી. પરંતુ તે પછીના કેસોમાં સરકારની અપકૃત્યજન્ય જવાબદારીના વિસ્તારમાં નોંધપાત્ર ફેરફાર થતો જતો હતો. દા.ત., સેક્રેટરી ઑફ સ્ટેટ વિ. હરિભાણજીના કેસમાં સાર્વભૌમ અને બિનસાર્વભૌમ (Soverign and non-sovereign) કૃત્યનું વર્ગીકરણ સ્વીકારાયું હતું. આ કેસમાં ઠરાવાયું કે સરકાર પોતાના સાર્વભૌમકૃત્ય બદલ અપકૃત્યના કાયદા હેઠળ જવાબદાર છે. સ્ટેટ ઑફ રાજસ્થાન વિ. વિદ્યાવતીના કેસમાં સરકારી જીપનો ડ્રાઈવર જીપની મરામત કરાવી સરકારી કચેરીએ પરત લઈ જઈ રહેલ હતો. તેના ઉપેક્ષાભર્યા ડ્રાઈવિંગથી તેણે ફૂટપાથ પર ચાલતા વાદીના પતિને કચડી નાખ્યો હતો. રાજય બચાવમાં રાજ્યનું કૃત્ય (Act of state)ની તકરાર લીધી હતી. રાજયનો આ બચાવ નકારી સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે રાજયની મુક્તિ (Exemption) નો કોમન લો નો સિદ્ધાંત ભારતમાં લાગુ પડતો નથી. પરંતુ, ત્યારબાદ કસ્તુરીલાલ વિ. સ્ટેટ ઓફ યુ.પી.ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ફરીથી સાર્વભૌમ અને બિનસાર્વભીમ કૃત્યનું વર્ગીકરણ સ્વીકાર્યું હતું. આ કેસમાં આરોપી પાસેથી સોનાનો જથ્થો જપ્ત કરાયો હતો. એક પોલીસ અધિકારી સરકારી તિજોરીમાંથી આ સોનાનો જથ્થો લઈ ભાગી ગયેલ હતો. રાજયને અપકૃત્ય બદલ જવાબદાર ઠરાવવાની કાર્યવાહીમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સરકારની સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરતાં આ અપકૃત્ય થયેલ હોવાથી સરકારની અપકૃત્ય હેઠળ કોઈ જવાબદારી થતી નથી.
કસ્તુરીલાલના કેસ બાદ પણ સરકારની અપકૃત્યજન્ય જવાબદારીના વિસ્તારમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. રુદુલ શાહ વિ. સ્ટેટ ઑફ બિહારના કેસમાં અરજદારની ગુના બદલ થયેલ કેદની સજા પૂરી થયા બાદ સરકારી નોકરોની ઉપેક્ષાથી તેને કેદમાંથી વર્ષો સુધી મુક્ત કરાયો ન હતો અને તેને આશરે વધારે 14 વર્ષો સુધી જેલમાં રહેવું પડેલ. સર્વોચ્ચ અદાલતે અરજદારની ગેરકાયદે અટકાયત બદલ રાયને જવાબદાર ઠરાવી રાજય સામે અરજદારને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. ભીમસિંગ વિ. સ્ટેટ ઑફ જમ્મુ ઍન્ડ કાશ્મીરના કેસમાં અરજદાર ધારાસભ્ય ધારાસભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે સમયે પોલીસે તેમની અટકાયત કરી તેમને મારઝુડ કરી હતી. આ કેસમાં પણ ગેરકાયદેસર અટકાયત બદલ રાજ્યને જવાબદાર ઠરાવી વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. કુમારી વિ. સ્ટેટ ઑફ તામિલનાડુ કેસમાં ખુલ્લી ગટર ટાંકીમાં પડી જઈને મૃત્યુ પામેલ બાળકની માતાને વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. પોલીસના મારથી પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ બદલ પણ રાજ્ય સામે વળતરનો હુકમ કરી શકાય છે.
રાજ્યનું કૃત્ય, રાજયની સાર્વભૌમ સત્તાના સંદર્ભમાં કરવામાં આવતું કૃત્ય છે. અપકૃત્યના કાયદામાં તે યોગ્ય બચાવ ગણાતો હતો. તેની પાછળ કાયદાનું નહીં, પરંતુ સાર્વભૌમ સત્તાનું પીઠબળ રહેલું હોય છે. તે કૃત્ય પર કાયદાની હકૂમત હોતી નથી. રી-ઈન્ડો પાકિસ્તાન એગ્રીમેન્ટ કેસમાં ઠરાવાયેલ છે કે વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સાથે સંપિ કરવાનું કૃત્ય રાજ્યનું કૃત્ય છે અને તે સંબંધમાં પીડિત નાગરિકને કોઈ દાદ (Relief) મળી શકે નહીં, પરંતુ તેનાથી જો ભારતના નાગરિકોને અસર થતી હોય તો સંસદના કાયદાથી તેને મંજૂરી મળવી જોઈએ. યુનિયન ઑફ ઇન્ડિયા વિ. રામકમલ કેસમાં ઠરાવાયેલ છે કે જે કૃત્ય કાયદાની સત્તા હેઠળ કરી શકાય, તેના સંબંધમાં આ બચાવ લઈ શકાતો નથી.
એક કેસમાં એક ભૂતપૂર્વ રાજ્ય તરફથી બજાર શરૂ કરવા માટે કેટલીક કર રાહતો આપવામાં આવી હતી. પાછળથી તે રાજ્યનું ભારત સંઘ સાથે જોડાણ થતાં આ કર રાહતો બંધ થઈ હતી. આ કેસમાં ઠરાવાયું કે તે રાજ્યનું કૃત્ય છે અને ભારત સંઘ સાથે જોડાણ થવાથી તે કરારનો અંત આવેલ ગણાય, સિવાય કે અનુગામી રાજય તરફથી તેને અનુમોદન આપવામાં આવે. તે જ રીતે, આઝાદી સમયે જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથે જોડાવાનું પસંદ કરેલ હતું. ભારત સરકારે લશ્કરી બળના ઉપયોગથી જૂનાગઢ રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લીધો હતો. આ કેસમાં તેને રાજ્યનું કૃત્ય ગણાવી કાયદેસર ઠરાવવામાં આવેલ.
જાલબતી બોહરા વિ. સ્ટેટ ઑફ ઓરિસ્સા કેસમાં પોલીસના મારથી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ 22 વર્ષના યુવકની માતાને રૂપિયા દોઢ લાખ વળતર ચૂકવવા રાજ્ય સામે સર્વોચ્ચ અદાલતે આદેશ કરેલ છે. કોઈપણ પ્રકારના અમાનવીય કે ક્રૂર અત્યાચાર સામે અનુચ્છેદ 21 હેઠળનું રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ -"Custodial death is perhaps one of the worst crimes in a civilised society governed by the rule of law. Any form of torture or cruel or inhuman or degrading treatment would fall within the inhibition of Article 21 of the Constitution whether it occurs during investigation, interrogation or otherwise."
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution