કોઈ વીલ 30 વર્ષ જૂનું હોય તો તેટલા માત્ર થી ભારતીય પુરાવા અધિનિયમની કલમ 90 હેઠળ પુરાવામાં ગ્રાહ્ય ગણાશે નહીં
વસીયત ને પુરાવા તરીકે અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી –
___________________
નામદાર ગુજરાત હાઇકોર્ટે તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ Late Dr. Pravinbhai Hargovinddas Shah And Shailaben Pravinbhai Shah, Versus, Late Jayendrabhai Hargovinddas ના કેસમાં ચુકાદો આપી ઠરાવેલ છે કે.......
બન્ને વસીયતો 30 વર્ષથી વધુ જૂની છે અને વાંધેદારો એ ખાસ કરીને વિરોધ કર્યો છે. તેથી, વસીયતના અસ્તિત્વ અને તેની વિગતો કાયદાની રીતે સાબિત કરવાની જવાબદારી વાદી ઉપર છે.
*પુરાવા અધિનિયમની કલમ 68 અને ભારતીય વારસા ધારાની કલમ 63(ક)*ની સંયુક્ત રીતે વાંચવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ વસીયત જે સાક્ષીઓ દ્વારા સાક્ષીકરણ થયેલ હોય (attested) તેવા વસીયતનો પુરાવો તરીકે ઉપયોગ નહીં થઈ શકે જ્યાં સુધી તે વસીયતના સાક્ષી (attesting witness) પૈકી કોઈ એક સાક્ષીને જજ સામે તેની સત્યતા પુરવાર કરવા માટે હાજર ન કરવામાં આવે.
અટલે કે જો વાંધેદારો (ડિફેન્ડન્ટસ) વસીયતને પડકારે છે અને વિલ સાબિત કરવા માટે કોઈ સાક્ષી હાજર કરવામાં ન આવે તો એ વસીયત પુરાવા તરીકે માન્ય નહીં ગણાય – એટલે કે વસીયત ને અદાલત દ્વારા "એકઝિબિટ" નહિ પાડવામાં આવે.
પુરાવા અધિનિયમની કલમ 90, જે 30 વર્ષ જૂના દસ્તાવેજોને લઈ ભૂતકાળનો અનુમાન લગાવવાનો નિયમ આપે છે, તેનો વસીયતના મામલે કોઈ ઉપયોગ થઈ શકે નહીં, કારણ કે વસીયત માટે ખાસ નિયમો લાગુ પડે છે.
માત્ર એ કારણે કે વસીયત 30 વર્ષથી વધુ જૂની છે, કલમ 90 અનુસાર તેનો અમલ માન્ય નહીં થઈ શકે.
જેથી ટ્રાયલ કોર્ટે જે પ્રકારથી કલમ 90નો આધાર લઈને વસીયતને એકઝિબિટ તરીકે માન્ય કરી તે સંપૂર્ણ રીતે ખોટું છે અને "અધિકારક્ષેત્રની ભૂલ" ધરાવે છે.
આથી નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર દ્વારા કરાયેલ અરજી મંજૂર કરવામાં આવે છે,
નીચેની કોર્ટનો વિવાદાસ્પદ આદેશ રદ કરવામાં આવે છે,અને
વસીયતોને એકઝિબિટમાંથી દૂર (de-exhibit) કરવાનો હુકમ કરવા મા આવે છે.